જૂનાગઢ, તા.૧૫
મહાશિવરાત્રિના મેળા દરમિયાન ઉમટી પડનારા લાખ્ખો ભાવિકોના કારણે
ગિરનાર અભયારણ્ય અને તેમા વસવાટ કરતા વન્યપ્રાણીઓના રક્ષણ માટે વનવિભાગ
દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જંગલની બોર્ડર વિસ્તાર સહિત
ભવનાથમાં ૧૪ રાવટીઓ ઉભી કરીને જંગલ અને લોકોના રક્ષણ માટે રાઉન્ડ ક્લોક
સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. ગિરનાર ઉપર આવતા યાત્રિકોની ખાસ ગણતરી કરવામાં આવશે
ભવનાથ તળેટીમાં આવતીકાલથી મહાશિવરાત્રિના પૌરાણિક મેળાની શરૂઆત થઈ રહી છે. આ મેળામાં ભારતભરમાંથી લાખ્ખો યાત્રિકો ઉમટી પડશે. આ યાત્રિકોના કારણે ગિરનાર અભયારણ્યમાં વસતા વન્યપ્રાણીઓને ખલેલ ન પડે તેમજ જંગલને નુકશાની ન પહોંચે તે માટે સી.સી.એફ. જી.યાદૈયા તથા ડી.સી.એફ. આરાધના શાહુની સુચનાથી તૈયારીઓ કરવામાં આવી છે. જંગલની બોર્ડર વિસ્તારમાં ૧૪ જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે.
એ.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ આર.એફ. ઓ. પી.ટી. કનેરીયા, પી.જે.મારૂ, આર.ડી. વંશ અને ડી.વી.પડસાલાના નેજા હેઠળ ૬ ફોરેસ્ટર, ૩૪ ગાર્ડ અને ૩પ રોજમદારોને રાઉન્ડ ધ ક્લોક ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓના કારણે લોકોને ખતરો ઉભો ન થાય તે માટે સક્કરબાગ ઝૂ ની એક ટ્રેકર્સ પાર્ટીને પણ તૈનાત રાખવામાં આવશે. દરવર્ષની માફક આ વર્ષે પણ ગિરનાર ઉપર આવતા ભાવિકોની વનવિભાગ દ્વારા ગણતરી કરવામાં આવશે. જેના માટે જૈન દેરાસર ખાતે ગણતરી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.
એસ.ટી. દ્વારા શહેરમાંથી ભવનાથ જવા રૂટ શરૂ કરાયા
મહાશિવરાત્રિના મેળા સંદર્ભે એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧પ૦ જેટલી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં એસ.ટી. બસસ્ટેન્ડ ઉપરાંત રેલવે સ્ટેશન, મજેવડી દરવાજા, બાયપાસ, રામનિવાસ વગેરે સ્થળોએથી ભવનાથ સુધી જવા માટે બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત નજીકના યાત્રાધામો પરબ, સત્તાધાર, સોમનાથ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર સુધી ભવનાથથી સીધી જ બસો પણ મુકવામાં આવશે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=35191
No comments:
Post a Comment