Sunday, June 1, 2014

દીપડાએ ભારે કરી, સૌ સડસડાટ ચડી ગયા ઝાડ પર.

દીપડાએ ભારે કરી, સૌ સડસડાટ ચડી ગયા ઝાડ પર
Bhaskar News, Babara | Jun 01, 2014, 09:50AM IST
- બાબરાના તાઇવદરમાં દિપડાએ દેખા દેતા દોડાદોડી
- દિપડો બાજરાના પાકમા સંતાયો : રેસ્કયુ ટીમ દ્વારા દિપડાને પાંજરે પુરવા કવાયત શરૂ

ગીર જંગલમા વસતા દિપડાઓ પણ હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે સવારના સુમારે બાબરા તાબાના તાઇવદર ગામની સીમમાં એક વાડીમા દિપડાએ દેખાદેતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ પાંજરા સાથે દોડી આવી હતી અને આ દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.

તાઇવદર ગામે રહેતા હયાતખાન વસલખાન બ્લોચની વાડીમા આજે સવારના સુમારે દિપડાએ દેખાદીધા હતા. તેમના પુત્ર મહંમદભાઇ તેમજ પરિવારના આઠથી દસ સભ્યો બાજરાના પાક લણવાની કામગીરી કરી રહ્યાં હતા. અચાનક જ મહમદભાઇનો પગ સુતેલા દિપડાની પુંછડી પર પડતા તેઓ ગભરાઇ ગયા હતા. દિપડો નજરે પડતા તમામ સભ્યોમા થોડી વાર માટે દોડાદોડી મચી ગઇ હતી.

બાદમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા ગામમાથી લોકો અહી દોડી આવ્યા હતા. અનેક લોકો વૃક્ષો પર પણ ચડી ગયા હતા. બાદમા આ અંગે રેંજ ફોરેસ્ટને જાણ કરતા રાજુભાઇ ચાવડા અને પી.આર.મોરડીયા, ગંભીરસિંહ ચુડાસમા અહી દોડી આવ્યા હતા. દિપડાના સગડ મળી આવતા અમરેલીથી પાંજરૂ અને રેસ્કયુ ટીમને અહી બોલાવી લેવામા આવી હતી. આરએફઓ હેરભાના માર્ગદર્શન તળે રેસ્કયુ ટીમના પ્રફુલભાઇ મહેતા, ફિરોજભાઇ સહિ‌તે બાજરાના પાક વચ્ચે પાંજરૂ ગોઠવી દિપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હજુ સુધી દિપડો પાંજરે સપડાયો નથી.

ખાખબાઇમાથી વધુ એક દિપડો પાંજરે સપડાયો

રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં અનેક સાવજો તેમજ દિપડાઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે હજુ ગઇકાલે અહીના ખાખબાઇની સીમમાંથી એક દિપડો પાંજરે સપડાયો હતો. ત્યાં આજે વધુ એક દિપડાને પાંજરે પુરવામા વનવિભાગને સફળતા મળી હતી. અહી દિલુભાઇ અમરૂભાઇ વરૂની વાડીમા પાંજરૂ ગોઠવવામા આવ્યુ હતુ. દિપડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
 
(તમામ તસવીરો: દિલીપ રાવલ, અમરેલી) 

No comments: