Thursday, October 30, 2014

સાવરકુંડલામાં માલગાડીએ 7 ભેંસને કચડી, લોકોના ટોળે ટોળા ઉમટ્યાં.

Bhaskar News, Savarkundla | Oct 28, 2014, 10:30AM IST

(ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા)
 
- અરેરાટી: ફાટક પાસે ગાય-ભેંસોનું ધણ રેલ ટ્રેક ક્રોસ કરતુ હતુ અને ગાડી આવી ચઢતા સર્જાયો અકસ્માત
- ફાટક નજીક ટ્રાફિક જામ સર્જાયો :  લોકોના ટોળે ટોળા ઉમટ્યાં

સાવરકુંડલા: અમરેલી જીલ્લામાં પીપાવાવ પોર્ટ તરફ જતી આવતી માલગાડીઓએ અગાઉ સાવજોને હડફેડે લીધા બાદ હવે ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ પણ તેની હડફેટે ચડી રહ્યા છે. આજે સાંજે છએક વાગ્યાના સુમારે સાવરકુંડલાના પાદરમાં ભેંસોનું એક ધણ ફાટક ક્રોસ કરી રહ્યુ હતુ ત્યારે અચાનક માલગાડી આવી ચડતા સાત ભેંસો માલગાડી હેઠળ કચડાઇને મોતને ભેટી હતી. આ ઘટના બાદ અહિં લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં અને લાંબા સમય સુધી ટ્રાફીક જામ પણ રહ્યો હતો. ઘટનાની જાણ થતા રેલવે અધિકારીઓ પણ અહિં દોડી ગયા હતાં. તમામ ભેંસો એક જ માલીકની હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી જીલ્લાને આમ તો પુરતી રેલ સુવિધા મળી નથી. પરંતુ જે મળી છે તેમાં પણ માલગાડીઓ જ દોડે છે. પીપાવાવ પોર્ટમાં માલની હેરફેર માટે દરરોજ મોટી સંખ્યામાં માલગાડીઓ અવર જવર કરે છે. આ માલગાડીઓ અવાર નવાર અકસ્માત પણ નોતરે છે. ભુતકાળમાં માલગાડીઓએ સાવજ અને ગાય જેવા પ્રાણીઓને હડફેટે લીધાની અનેક ઘટનાઓ બની ચુકી છે. આવી એક વધુ ઘટના આજે સાંજે છએક વાગ્યાના સુમારે સાવરકુંડલાના પાદરમાં બની હતી. અહિંના જેસર રોડ પર આવેલા ફાટક પર માલગાડી હડફેટે સાત ભેંસોના મોત થયા હતાં.

સાવરકુંડલાના બાબુભાઇ પાંચાણીની માલીકીની આ સાત ભેંસો આજે સાંજે માલગાડી હેડફેટે ચડી ગઇ હતી. ગાયો અને ભેંસોનું ધણ સીમમાં ચરીને સાંજે પરત આવી રહ્યુ હતુ તે સમયે માલગાડી આવતી હોય ફાટક બંધ હતું. જેથી વાહનોની અવર જવર અટકી ગઇ હતી. જો કે ગાયો અને ભેંસોનું આ ધણ બાજુમાંથી રેલવે ટ્રેક ક્રોસ કરી આગળ જતુ હતુ અને તે સમયે જ પુરપાટ ઝડપે માલગાડી આવી પહોંચી હતી. જેને પગલે આ ભેંસો રેલવે ટ્રેક પરથી હટી શકી ન હતી. ઘોઘાથી રાજુલા તરફ જઇ રહેલી આ માલગાડીના એન્જીને આ ભેંસોને ફુટબોલની જેમ ફંગોળી હતી.

છ મોટી ભેંસો અને એક પાડરૂનું કપાઇ  જવાથી અને ગંભીર ઇજા થવાથી મોત થયુ હતું. ઘટનાને પગલે અહિં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં. વળી ફાટક પણ બંધ હોવાથી ટ્રાફીક જામની સ્થિતી લાંબા સમય સુધી સર્જાઇ હતી. વન વિભાગના અધિકારીઓ પણ અહિં દોડી આવ્યા હતાં. થોડા સમય માટે માલગાડીને પણ સાવરકુંડલા સ્ટેશન પર રોકી રખાઇ હતી. જો કે બાદમાં માલગાડીને રવાના કરી દેવાઇ હોવાનું જાણવા મળેલ છે.

No comments: