Tuesday, October 7, 2014

દિવાળી પૂર્વે ઉદ્ઘાટનની જાહેરાત પણ 'સફારી પાર્ક'નું કામ અધૂરૃં.

Oct 03, 2014 00:12

  • ધારી પૂર્વ (ગીર)માં લાયન સફારીમાં વિહરવા હજૂ જોવી પડશે રાહ
  • દિવાળી પહેલા કામ પૂર્ણ કરવું લગભગ અશક્ય : વેકેશનમાં પ્રવાસીઓને લાભ નહિ મળે
અમરેલી : ધારીના ખોડીયાર ડેમ નજીક વન વિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન માટે સફારી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે, જેની કામગીરી અંતિમ તબક્કામાં છે. દિવાળી પહેલા સફારી પાર્કનું ઉદઘાટન કરવા અનેક પ્રયાસો છતાં કામગીરી પૂર્ણ થઇ નથી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગીરના જંગલમાં એશિયાટીક સિંહોના કુદરતી સ્થળાંતરના કારણે સિંહોએ તાલાલા ગીરમાંથી અમરેલી જિલ્લામાં ધારી ગીર અને રેવન્યુ વિસ્તારમાં મુકામ કર્યો છે. અત્રે સિંહોની સંખ્યા વધતા પ્રવાસીઓને વન વિભાગના નિયમોને આધીન રહીને સિંહ દર્શનનો લાભ મળે તે માટે વન વિભાગ દ્વારા ધારીમાં સફારી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. થોડા સમય અગાઉ રાજયનાં વનમંત્રી ગૌતમ પટેલ દ્વારા દિવાળી પહેલા સફારી પાર્કનું ઉદઘાટન કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ કામગીરી અધુરી હોવાથી દિવાળી પૂર્વે સફારી પાર્ક ચાલું થાય તેવી કોઇ જ શકયતા દેખાતી નથી. સફારી પાર્કના ઉદઘાટન માટે રાજયનાં ચીફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ પણ બે વખત કામગીરીનું જાત નિરીક્ષણ કરી ગયા હતા.
દિવાળીના વેકેશનમાં ધારી ગીરના જંગલમાં સિંહ દર્શન માટે માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ ગુજરાત બહારથી પણ પ્રવાસીઓનો ઘસારો ઉમટી પડે છે પરંતુ સફારી પાર્કમાં સિંહ દર્શનનો લાભ મળી શકશે નહિ.
http://sandesh.com/article.aspx?newsid=2993864

No comments: