Thursday, October 30, 2014

જૂનાગઢ: પરિક્રમા પૂર્વે ત્રણ સાવજને પાંજરે પૂર્યા.

Bhaskar News, Junagadh | Oct 27, 2014, 03:22AM IST
જૂનાગઢ: પરિક્રમા પૂર્વે ત્રણ સાવજને પાંજરે પૂર્યા
(પરિક્રમા રૂટનું સાધુ સંતો અને આગેવાનોએ નિરીક્ષણ  કર્યુ હતું. )
 
-  પરિક્રમા રૂટનું રિપેરીંગ થયુ, પાણીના પોઇન્ટ ઉભા કરાયા, વન વિભાગની તૈયારી પૂર્ણ
 
જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા આડે ગણત્રીનાં દિવસો બાકી રહ્યા છે. વન વિભાગ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ત્યારે વરસાદનાં કારણે પરિક્રમાનો માર્ગ જે ધોવાઇ ગયો હતો તે રીપેર કરી નાંખવામાં આવ્યો છે.તેમજ ઠેર -ઠેર પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ ઉપરાંત પરિક્રમા રૂટ પર આટા મારતા ત્રણ સિંહને વન વિભાગે પાંજરે પુરી દીધા છે.જેને પરિક્રમા બાદ મુકત કરવામાં આવશે.તેમજ  આજે સાધુ-સંતો,અધિકારીઓ,પદાધિકારીઓએ પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી.

 ગિરનારની લીલી પરિક્રમા આડે હવે ગણત્રીનાં દિવસો બાકી રહ્યા છે.ત્યારે વન વિભાગે ખાસ કરીને પ્રથમ રસ્તા રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી દીધી છે.છેલ્લે પડેલા વરસાદનાં કારણે પરિક્રમા રૂટનુ ધોવાણ થઇ ગયુ હતુ.વન વિભાગ દ્વારા 36 કીમીનાં રૂટનુ રીપેરીંગ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કેડીઓ પણ રીપેર કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા તૈયારીઓ પુર્ણ કરી દેવામાં અાવી છે.ડીસીએફ આરાધના શાહુનાં માર્ગદર્શનમાં આરએફઓ મારૂ અને કનેરીયા અને ટીમએ પરિક્રમાની તૈયારીઓમાં લાગી ગઇ છે.
 
વન વિભાગે કુદરતી પાણી પોઇન્ટ ઉપરાંત કુત્રીમ પાણીનાં પોઇન્ટ પણ ઉભા કર્યા છે.જેમાં ઉતર રેન્જમાં જાબુંડી રાઉન્ડમાં  ભાડવાણી,ચાર ચોક,ડેરવાણ પરબ,કાળકાનો વડલો, માળવેલા જગ્યા પાસે, ભાડવાણી પાસે પીવાનાં પોઇન્ટ ઉભા કરવામાં આવશે. દિક્ષણ રેન્જમાં બોરદેવી ત્રણ રસ્તા, ગિરનાર ઉપર1200,1500,2000 પગથીયા પર પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવશે.તેમજ વન વિભાગે ઠેર-ઠેર બેનર ,હોડીંગ્સ લગાડી દીધા છે.લાકડીની વ્યવસ્થ કરવામાં આવી છે. પ્લાસ્ટીક માટે બેરલ મુકવામાં આવશે સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
 
વિશેષમાં પરિક્રમામાં આવતા યાત્રાળુ પર વન્ય પ્રાણીનાં હુમલા અટકાવા કેટર ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આ પહેલા પરિક્રમા રૂટ પર આટા મારતા ત્રણ સિંહને પહેલેથી  પાંજરે પુરી દેવામાં આવ્યા છે.જેન પરિક્રમા પૂર્ણ થયા બાદ જંગલમાં મુકત કરવામાં આવશે. આ ઉપરાંત આજે મહંત ઇન્દ્રભારતીબાપુ,મંહત તનસુખગીરીબાપુ,મેયર જીતુભાઇ હીરપરા, પ્રદીપભાઇ ખીમાણી સહિતનાં આગેવાનોએ પણ પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની તપાસ કરી હતી.
 
 
સાધુ-સંતોએ પોલીસ સાથે મીંટીગ યોજાઇ
પરિક્રમાને લઇને મહંત ઇન્દ્રભારતીબાપુ, તનસુખગીરીબાપુ, મહેશગીરીબાપુ, મેઘાનંદ બાપુ,ડીવાયએસપી વાઘેલા,ભવનાથ પીએસઆઇ સંદિપસિંહ,ભેંસાણ પીએસઆઇ ગઢીયા,એલસીબી પીએસઆઇ કે.આર.પરમારની ઉપસ્થિતીમાં મીંટીગ મળી હતી.જેમાં ભવનાથ તળેટી,પરિક્રમ રૂટ,ગિરનાર પર્વત,દાતાર પર્વત પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે ચર્ચા કરી હતી.
 
ગણતરી પોઇન્ટ ઉભો કરાશે
પરિક્રમામાં આવતા યાત્રાળુઓની ગણતરી માટે વન વિભાગ દ્વારા નળપાણીની ઘોડી અને ગિરનાર ઉપર ગણતરી પોઇન્ટ ઉભા કરવામાં આવશે. જયાં યાત્રાળુઓની ગણતરી કરવામાં આવોશે.
 
ખાઇ જે જગ્યાએ હોય ત્યા મજબુત બેરીકેટ બનાવો
ભવનાથનાં મહંત તનસુખગીરીબાપુએ  જણાવ્યુ હતુ કે, વન વિભાગ અને તંત્ર દ્વારા સારી તૈયારીઓ કરવામાં આવી છે.રસ્તાઓ રીપેર થઇ ગયા છે.અમે સુચન કર્યા છે કે ઇટવાની ઘોડી,નળપાની ઘોડ,માળવેલાની ઘોડી પાસે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. તેમજ જે જગ્યાએ ઉઠી ખાઇ આવેલી છે ત્યા લાકડાની નહી પરંતુ લોખંડની બેરીકેટ બનાવવામાં આવે.
 
વન વિભાગ 14 રાઉટી ઉભી કરશે
 
વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પરિક્રમા દરમીયાન વન વિભાગ દ્વારા ભવનાથ અને રૂટ પર 14 રાઉટીઓ ઉભી કરવામાં આવશે.

No comments: