Thursday, July 30, 2015

લીલીયા : પુરહોનારતથી વનરાજોમાં ભયનો માહેલ, ક્રાંકચ છોડયું.


  • Bhaskar News, Liliya
  • Jul 13, 2015, 01:59 AM IST
- કોલર આઇડી સિંહણ અને ચાર બચ્ચા હોનારત બાદ નવા વિસ્તારમાં ડોકાતા પણ નથી
- અન્ય બે સિંહણનુ ચાર બચ્ચા સાથે કુતાણાના ડુંગર અને સનાળીયામા સ્થળાંતર

લીલીયા : શેત્રુજીના ભયાનક પુરનો ખોફ આમ આદમીમા છે તેવી જ રીતે પ્રાણી જગતમા પણ છે. પાણીના ધસમસતા પ્રવાહે ઓછામા ઓછા 13 સાવજોને મોતને ઘાટ ઉતાર્યા છે અને હજુ કેટલાક લાપતા છે. ક્રાંકચ અને ખારાપાટમા નદીનું રોદ્ર સ્વરૂપ એવુ હતુ કે ગભરાયેલા અનેક સાવજોએ અહીથી સ્થળાંતર કર્યુ છે. પુર બાદ કોલર આઇડીવાળી સિંહણ તો અહી ફરકતી પણ નથી. ખારા, ગુંદરણ પંથકમાં રહે છે. આવી જ રીતે એક સિંહણ બે બચ્ચા સાથે કુતાણા પંથકમાં ચાલી ગઇ છે. તો એક સિંહણ સનાળીયા પંથકમાં ચાલી ગઇ છે. આ 
પ્રાણીઓ હવે ક્રાંકચમાં ડોકાતા પણ નથી.

મોતનો ડર ભલભલાને થથરાવે છે. પછી તે સાવજો કેમ ન હોય ?. ક્રાંકચ પંથકમાં 24મી જુને શેત્રુજીનુ રોદ્ર સ્વરૂપ હતુ. જેણે સાવજોનું આવાસ ઉજાડી નાખ્યું. જેને પગલે કેટલાક સાવજો અહીથી સ્થળાંતર કરી ગયા છે. રાજમાતા તરીકે ઓળખાતી કોલર આઇડીવાળી સિંહણ પોતાના ત્રણ વર્ષના બે પાઠડા અને એકાદ વર્ષના બે બચ્ચા સાથે આટલા દિવસો બાદ પણ ક્રાંકચમાં ફરકી નથી. આજે તે ખારા વિસ્તારમા જોવા મળી હતી. અગાઉ કુતાણા વિસ્તારમાં આંટા મારતી હતી પરંતુ ક્રાંકચમા તે આવતી નથી.

આ સિંહણ અને તેના ચાર બચ્ચાએ 24મીએ ભારે પુર વખતે ટીંબડી ગામના પાદરમા અવેડા પાસે સાંઠીના ભર પર ચડી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારથી તેમા ડર પેસેલો છે. આવી જ રીતે આ વિસ્તારમાં સતત નજરે પડતી એક સિંહણ પોતાના બે પાઠડા સાથે કુતાણાના ડુંગર વિસ્તારમાં સ્થળાંતર કરી ગઇ છે. જયારે અન્ય એક સિંહણ પોતાના બે બચ્ચા સાથે સનાળીયા વિસ્તારમાં સ્થળાંતર કરી ગઇ છે. નદીના રોદ્ર સ્વરૂપે હાલમાં સાવજોને સ્થળાંતર કરવા મજબુર કર્યા છે. કદાચ આવનારા સમયમાં આ સાવજો ક્રાંકચ પંથકમાં પરત પણ ફરે. પરંતુ માણસની જેમ જ આ દુઘર્ટનાએ પ્રાણી જગતને પણ ભયમા મુકી દીધુ છે.
 
કેટલાક સાવજો અહી પરત ફર્યા નથી- આરએફઓ
પ્રાણીઓના આ વર્તન અંગે વાત કરતા સ્થાનિક આરએફઓ બી.એમ.રાઠોડે જણાવ્યું હતુ કે કોલર આઇડીવાળી સિંહણ પુર બાદ આ વિસ્તારમા પરત આવી નથી તે હકિકત છે. કેટલાક પ્રાણીઓ હાલમાં કાયમ જોવા મળતા ત્યાં નજરે પડતા નથી. આમ તો આ પ્રાણીઓની ટેરેટરી ઘણી મોટી છે અને ફરતા રહે છે પરંતુ હાલમા અગાઉ જોવા મળ્યાં ન હોય તે સ્થળે પણ નજરે પડે છે.
 
સાવજોના વર્તનમાં પણ પડયો છે ફર્ક
આ વિસ્તારના સાવજોના જાણકાર લોકો કહે છે પુર હોનારત બાદ સાવજોના વર્તનમા પણ ફર્ક જોવા મળી રહ્યો છે. હાલમાં સાવજો માણસને જુએ તે સાથે જ ચાલતી પકડે છે. એટલુ જ નહી કોઇ સ્થળે સ્થિર બેસતા નથી. સતત આમથી તેમ ફરતા રહે છે.

No comments: