Thursday, December 31, 2015

અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ


અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ

  • Bhaskar News, Savarkundla
  • Dec 31, 2015, 00:18 AM IST
- સાવરકુંડલામાં ખેડૂતોએ બાઇક રેલી કાઢી આવેદન પાઠવ્યુ : વીજ કંપનીની તાનાશાહી સાથે પણ રોષ

સાવરકુંડલા: અમરેલી જીલ્લામાં છેલ્લા ચાર મહિનાથી ઇકોઝોનના મુદે ગ્રામ્ય વિસ્તારના લોકો લડત ચલાવી રહ્યા છે. છતાં સરકાર દ્વારા ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવતો ન હોય આજે સાવરકુંડલામાં એક હજાર ખેડૂતોએ વિશાળ બાઇક રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતું. ખેડૂતોએ ઇકો ઝોનથી પડનારી તકલીફ ઉપરાંત વિજ કંપની દ્વારા થતી હેરાનગતી સામે પણ આક્રોશ વ્યક્ત કરી પગલા લેવા માંગ કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોનથી અમરેલી જીલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રભાવિત થાય તેમ હોય આ મુદે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીર કાંઠા આસપાસના વિસ્તારો ઉપરાંત શેત્રુજી કાંઠાના વિસ્તારોનો ઇકો ઝોનમાં સમાવેશ થતો હોય આવનારા સમયમાં ખેડૂતોને તેમના ખેતીકામમાં પણ મુશ્કેલી પડશે તે આશંકાએ ધારી, ખાંભા, સાવરકુંડલા સહિતના શહેરોમાંથી ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ધારીમાં તો આ મુદે લાંબા સમયથી પ્રતિક ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સાવરકુંડલા પંથકમાં પણ ફરી આંદોલનના મંડાણ થયા હતાં અને ખેડૂતોએ પોતાની તાકાતનો સરકારને પરચો આપ્યો હતો. સાવરકુંડલામાં આજે ખેડૂતો દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનો વિરોધ કરવા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયુ હતું.

સાવરકુંડલાના સુર્યોદય પેટ્રોલપંપથી 1000 જેટલા ખેડૂતોએ આ બાઇક રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ આ કાયદાનું તાકીદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી હતી. મયુરભાઇ સેલડીયા, હસુભાઇ સુચક, મહેશભાઇ જયાણી, વિપુલભાઇ જયાણી વિગેરેની આગેવાની નીચે ખેડૂતોએ અહિં મામલતદારને આવેદન પાઠવ્યુ હતું.

ખેડૂતોને વિજ કંપની દ્વારા થતી હેરાનગતી, પીજીવીસીએલ દ્વારા બીજુ વિજ જોડાણ અપાતુ ન હોય, નવા વિજ કનેક્શનો ચેકીંગની હેરાનગતિ ઉપરાંત ભુંડ-રોઝનો ત્રાસ, 7-12 અને 8-અના ઉતારાની નકલમાં પડતી અગવડતા જેવા પ્રશ્નોને લઇને પણ રોષપૂર્ણ રજુઆત કરવામાં આવી હતી. આ તકે બાબુભાઇ કુબાવત, રાઘવભાઇ સાવલીયા, કિશોરભાઇ ગજેરા, મનુભાઇ ડાવરા, સતીષભાઇ મહેતા, હિંમતભાઇ ગુર્જર, અશ્વિનભાઇ ધામેલીયા વિગેરે ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ચોક્કસ કંપનીની મોટર ખરીદવા આગ્રહ કેમ

ખેડૂતોએ આજે મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ હતું કે હાલમાં જે ખેડૂતના નવા વિજ જોડાણ મંજુર થાય છે તેને વિજ કંપની દ્વારા ચોક્કસ કંપનીની જ ઇલેકટ્રીક મોટર ખરીદવા ફરજ પડાય છે જે વ્યાજબી નથી.

હિંસક પશુના હુમલામાં પુરૂ વળતર આપો

આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ હતું કે ખેડૂતો અને તેના મજુરો ઉપરાંત ગાય, બળદ, ભેંસ જેવા પશુઓ પર સિંહ, દિપડા અને ભુંડ જેવા હિંસક પશુઓ હુમલા કરી ઇજા પહોંચાડે છે કે જાનહાની સુધીની ઘટના બને છે. પરંતુ તેમાં વનતંત્ર પુરતુ વળતર આપતુ નથી. જે મળવુ જોઇએ.

No comments: