Thursday, December 31, 2015

વિસાવદરમાં મધમાખીએ આધેડનો જીવ લીધો, માખીનું ઝૂંડ ત્રાટકતાં મોત


મધમાખીનો પૂળો

  • Bhaskar News, Visavadar
  • Dec 29, 2015, 23:13 PM IST
મધમાખીનો પૂળો
- સીમમાં ખેતીકામ દરમિયાન મધમાખીઓના ઝૂંડનાં આક્રમણથી લોકોમાં નાસભાગ મચી ગઇ

વિસાવદર: વિસાવદરની સીમમાં ખેતીકામ કરી રહેલા લોકો પર અચાનક મધમાખીઓનું ઝૂંડ ત્રાટકતા ત્રણ લોકો ઝેરી ડંખથી ઘાયલ થયા હતા અને જેમાં એક આધેડનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્તા અરેરાટી પ્રસરી ગઇ હતી.

વિસાવદરનાં રેલ્વે ટ્રેક નજીકની રામ વાડી પાસે ભૂપતભાઇ અરજણભાઇ વાઘેલાનાં ખેતરમાં મંગળવારનાં સવારનાં અરસામાં ઘઉંમાં પાણી વાળવાનું કામ ચાલી રહ્યું હોય શહેરનાં જીવાપરામાં રહેતા આધેડ નરશીભાઇ દેવજીભાઇ ચૌહાણ પોતાના કામમાં મશગુલ હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીનું ઝૂંડ તેમની પર ત્રાટકેલ અને આખા શરીરમાં ચોંટી જઇ આડેધડ ડંખ માર્યા હતા. દરમિયાન તેમને બચાવવા ભૂપતભાઇ તથા પંકજભાઇ દોડી જતાં મધમાખીઓએ આ બંનેને પણ ઝપટમાં લઇ ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. આ બનાવનાં પગલે 108 નાં સ્ટાફે દોડી જઇ ત્રણેય ઘાયલને વિસાવદર હોસ્પિટલે લાવી રહ્યા હતા ત્યારે સારવાર મળે એ પહેલા જ નરશીભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવનાં પગલે લોકોનાં ટોળા હોસ્પિટલે ઉમટી પડેલ અને મધમાખીઓનાં આતંકમાંથી મુક્ત કરાવવા નક્કર યોજના ઘડાઇ એવી માંગ કરી હતી.

મધમાખીમાં એક બીજાને ખો આપતુ તંત્ર
મધમાખીઓ કીટાણુંમાં આવતી હોવાથી ખેતીવાડી તંત્રમાં આવે છે અેમ આરએફઓ વંશે જણાવ્યું હતું. જ્યારે ખેતીવાડી અધિકારીઓએ અમારામાં ન આવે એમ કહી હાથ ઉંચા કરી દીધા છે. જ્યારે કલેકટરમાં આ પ્રકરણ કોનામાં આવે એ બાબતની ગડમથલ ચાલી રહી છે.
 
મધમાખી બીજા રાજ્યની ઉત્પતીઓ
આ ઝેરી મધમાખીઓ બીજા રાજ્યમાંથી બોઇલર, પાઇપ તથા અન્ય સામાનમાં આવતી હોય અને ગુજરાતભરમાં ફેલાઇ ચૂકી હોવાનું વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. હાલ તેની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો હોય જે ચિંતાનો વિષય છે.

No comments: