Thursday, December 31, 2015

જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત


જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત


જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત

  • Bhaskar News, Bhesan/ Maliya Hatina
  • Dec 27, 2015, 00:52 AM IST
- ભેંસાણનાં સામતપરામાં બોર વીણતી મહિલાને, બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલા બાળકને ફાડી ખાધા
- સોરઠમાં વનરાજોનાં બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા
- બંનેનાં સ્થળ  પર જ મોત, લોકોએ હાકલા પડકારા કરતાં સિંહો ખસ્યા

ભેંસાણ, માળિયા હાટીના: જૂનાગઢ જિલ્લામાં આજે વનરાજોએ બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનાં મોત નિપજ્યાં છે. ભેંસાણનાં સામતપરા ગામે બોર વીણતી મહિલા અને બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલો બાળક સિંહના હુમલાનો ભોગ બન્યા હતા.

ભેંસાણનાં સામતપરા ગામની કોળી ખેત મજૂર હંસાબેન જેરામભાઇ ધામેચા (ઉ.42) આજે ઘરકામ પતાવી સવારે 9 વાગ્યાનાં અરસામાં ગામની અન્ય 7 મહિલાઓ સાથે ચણી બોર વિણવા ગામની સીમમાં ગઇ હતી. તેઓ બામણગઢનાં દરબારની જમીન અને સરકડિયા હનુમાન જવાનાં રસ્તાનાં બોર્ડ પાસે હતા ત્યારે એકાએક સિંહણ તેમની સામે ધસી આવી હતી. જેને જોઇ હંસાબેન હતપ્રભ થઇ ગયા હતા.

મહિલાઓ જોકે, બધી ટોળે વળી ગઇ હતી. પરંતુ સિંહણે ટોળા પર જ હુમલો કરી દીધો હતો. જેમાં હંસાબેન તેની ઝપટમાં આવી ગયા હતા. સિંહણે જોરદાર પંજો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા. આથી સિંહણ તેને મોઢેથી પકડી ઢસડીને બાજુનાં ખેતર તરફ લઇ ગઇ હતી. જ્યાં તેમને ફાડી ખાધા હતા. દરમ્યાન મહિલાઓએ દેકારો કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સિંહણને ભગાડી દીધી હતી. દરમ્યાન હંસાબેને ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. તેમનાં મૃતદેહને પીએમ માટે ભેંસાણનાં સરકારી દવાખાને ખસેડાયો હતો.

જ્યારે બીજો બનાવ ગિરનાં જંગલની ધારે આવેલી માળિયા હાટીના પાસેની બાબરા વીડીમાં બન્યો હતો. જ્યાં વનવિભાગે ઘાસ કાપવાની મજૂરી કામ માટે દાહોદ જીલ્લાનાં ગાંગરડા ગામનાં 80 થી 90 આદિવાસી મજૂરો આવ્યા છે. આ મજૂરો 3 થી 4 માસ માટે આવતા હોય છે અને તેઓ બાબરા વીડી પાસેજ દંગામાં રહે છે. હાલ છેલ્લા બે માસથી આ આદિવાસીઓ અહીં વસવાટ કરે છે.

જેમાં રૂમાલભાઇ કેશવભાઇ ડામોરનો 7 વર્ષનો પુત્ર રોહિત આજે સવારે 6:30 વાગ્યે કુદરતી હાજતે ખુલ્લામાં બેઠો હતો. એ વખતે એ સિંહે આવીને તેના પર હુમલો કર્યો હતો. રોહિતે બચાવોની બુમો પાડતાં આરએફઓ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર જાડેજા, એચ. વી. શીલુ, ચૌહાણ, સહિતનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, સિંહે તેના પેટનો ભાગ ફાડી ખાધો હતો. અને શરીરનાં અન્ય ભાગોમાં દાંત બેસાડતાં રોહિતનું  ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો.

બાબરા વીડીનાં સિંહને પકડી લેવાયો

બાબરા વીડીમાં વનવિભાગની જ મજૂરી કામે આવેલા લોકો સાથેનો બાળક સિંહનો કોળિયો બની જતાં સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવાઇ હતી. અને મોડી રાત્રે 8:30 વાગ્યે બાબરા વીડીનાં ડો. અપારનાથી, સાસણની રેસ્ક્યુ ટીમનાં ડો. કમાણી, પ્રવિણભાઇ, મોહંમદભાઇ, હનીફભાઇ, રહીમભાઇ સહિતનાં સ્ટાફે તેને લોકેટ કરી બાદમાં ટ્રાન્ક્વીલાઇઝર ગન વડે બેભાન કરીને પકડી લઇ ઓબ્ઝર્વેશન હેઠળ સાસણ મોકલી આપ્યો હતો.

બાબરા વીડીમાં 6 વર્ષમાં બીજો બનાવ

બાબરા વીડીનાં જંગલમાં 6 વર્ષ પહેલાં માંગરોળનો એક ધોબી યુવાન સિંહ-સિંહણનાં સંવનનની મોબાઇલ ક્લિપ ઉતારતો હતો એ વખતે સિંહે તેને ફાડી ખાધો હતો. ત્યારબાદ માનવી પર સિંહનાં હુમલાની અહીં બીજી ઘટના બની છે.
મજૂરો પર પ્રથમ વખત હુમલો

વનવિભાગનાં મજૂરો વર્ષોથી અહીં ઘાસ કાપવા આવે છે. પરંતુ ક્યારેય કોઇ સિંહનાં હુમલાનો ભોગ બન્યું નથી. આમ આ મજૂરો પર હુમલાની 25 વર્ષમાં પ્રથમ ઘટના બની છે.

વનવિભાગે મજૂરો માટે રહેવાની વ્યવસ્થા કરવી જોઇએ

આ અંગે ખોરાસા ગિરનાં પ્રકૃતિ પ્રેમી તપન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વનવિભાગે ઘાસ કટીંગ માટે આવનાર મજૂરોને સલામત સ્થળે રહેવા માટેની વ્યયવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઇએ.

સામતપરામાં સિંહણ મહિલાને ખાતી રહી, વનકર્મીઓ જોતા રહ્યા

સામતપરા ગામની હંસાબેનને સિંહણ પાસેનાં ખેતરમાં ઢસડી ગઇ ત્યારે લોકોએ હાકલા પડકારા કર્યા હતા. એ વખતે વનવિભાગનાં 7 થી 8 કર્મચારીઓ હાજર રહી એ દૃશ્ય નિહાળી રહ્યા હતા. લોકોએ તેમને બોલાવ્યા હતા. પરંતુ તેઓ ડોકાયા નહોતા. અને મહિલાને સિંહણનાં પંજામાંથી છોડાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સિંહણ હંસાબેનને પછાડી દઇ તેમના શરીર પર ચઢી બેસી તેને ખાવા લાગી હતી. આસપાસનાં લોકો માત્ર જોવા સિવાય કશું કરી શકી એમ નહોતા. આખરે પાણી વાળતો એક યુવાન પાવડો લઇને સિંહણ તરફ ગયો અને તેને ભગાડી મૂકી. આ દરમ્યાન વન કર્મીઓએ તમાશો નિહાળવા સિવાય કશું જ નહોતું કર્યું. બાદમાં ભેંસાણ દવાખાને કોંગ્રેસનાં નટુભાઇ, વજુભાઇ મોવલીયા દોડી ગયા હતા.

No comments: