અમરેલીઃ અમરેલી પંથકમા સાવજોની માઠી દશા ચાલી રહી છે. રાજુલાના વિકટર ગામ નજીક ફાટક પાસે રોડ કાંઠે કોઇ અજાણ્યા શખ્સો તાર ફેન્સીંગમા વિજશોકથી મૃત્યુ પામેલા એક સિંહના મૃતદેહનો નિકાલ કરી જઇ ઘટનાને અકસ્માતમા ખપાવવા પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ડીએફઓ સહિતના અધીકારીઓ દોડી ગયા હતા. વનતંત્રએ જુદીજુદી ત્રણ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી છે.
રાજુલાના વિકટર નજીક મજાદર ફાટક પાસે રોડના કાંઠેથી આજે સવારે પાંચેક વર્ષની ઉંમરના એક સિંહનો કોહવાઇ ગયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ફુલી ગયેલી હાલતમા હોય બે દિવસ પહેલા તેનુ મોત થયાનુ મનાય છે. મૃતદેહ ભલે રોડ કાંઠે પડયો હોય પરંતુ સિંહનુ મોત અકસ્માતથી થયુ ન હતુ બલકે કોઇએ સિંહના મોતને અકસ્માતમા ખપાવવા કાવતરૂ રચ્યું હતુ.
આ સિંહ કમોતે મર્યા બાદ કોઇ શખ્સો તેને અકસ્માતમા ખપાવવા વાહનમા ગોદડામા છુપાવી અહી રોડ કાંઠે નાખી ગયા હતા. ઘટનાની જાણ થતા ડીએફઓ શકીરા બેગમ, એસીએફ ગોજીયા, આરએફઓ ચાંદુ, સ્થાનિક પીએસઆઇ વિગેરે અહી દોડી આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ જ સિંહનુ મોત શંકાસ્પદ જણાતા ડોગ સ્કવોડ અને એફએસએલની ટુકડી પણ બોલાવાઇ હતી.
જુદીજુદી ત્રણ ટુકડીઓ બનાવી આસપાસમા તપાસ શરૂ કરાઇ હતી. અહી સિંહના મોમા લોહીના નિશાન પણ મળ્યાં હતા. વનતંત્રની પ્રાથમિક તપાસમા આ સિંહનુ મોત વિજશોકથી થયાનુ ખુલ્યુ હતુ. કોઇ ખેડૂતે તાર ફેન્સીંગમા વિજ પ્રવાહ મુકતા સિંહનુ મોત થયાનુ મનાય રહ્યું છે. જેને પગલે વનતંત્રએ જવાબદારોની શોધખોળ કરવા તપાસ શરૂ કરી છે.
No comments:
Post a Comment