Friday, April 27, 2018

પર્યાવરણ કાયદાની કડક અમલવારી જરૂરી

DivyaBhaskar News Network | Last Modified - Apr 24, 2018, 04:05 AM IST
પ્રથમ વખત અર્થ ડેનું આયોજન 1970માં ન્યૂયૉર્કમાં થયું હતું. પછી માનવીય પર્યાવરણ પર 1972માં સ્ટૉકહોમ કૉન્ફરન્સ યોજાઈ...
પ્રથમ વખત અર્થ ડેનું આયોજન 1970માં ન્યૂયૉર્કમાં થયું હતું. પછી માનવીય પર્યાવરણ પર 1972માં સ્ટૉકહોમ કૉન્ફરન્સ યોજાઈ અને 1992માં રિયો ડી જાનેરોમાં યોજાયેલી અર્થ સમિટ 20મી સદીના નિર્ણાયક વળાંકે હતી, કારણ કે આ બધાં આયોજનોએ દુનિયાને પર્યાવરણ સંરક્ષણ અને કાયમી વિકાસની અનિવાર્ય જરૂરિયાત પર ધ્યાન આપવા માટેની જરૂરિયાત દર્શાવી. ત્યાર પછીથી દુનિયાભરના પર્યાવરણ આંદોલનકારીઓ, વિશ્વનેતાઓ, સરકારો અને બિનસરકારી સંગઠનોએ જૈવ વૈવિધ્ય અને ધરતીના પ્રાકૃતિક સંસાધનોના પર્યાવરણીય પતનને અટકાવવા માટે હાથ મિલાવ્યા.

ચોક્કસપણે, આપણા માટે આ નવું નથી, કારણ કે આપણી સભ્યતા હજારો વર્ષોથી તમામ પ્રાકૃતિક તત્ત્વોની સાથે સહઅસ્તિત્વ રાખીને ધરતી પર જીવનને જાળવવામાં વિશ્વાસ કરતી રહી છે. અથર્વવેદના ભૂમિસુક્તમાં ધરતીમાતાની વંદનામાં કહેવાયું છે કે, ‘ધરતી, જેના પર મહાસાગર, નદીઓ અને અનેક જળસ્રોતો આવેલા છે, જેમાંથી ભોજન આવે છે અને અનાજ પેદા થાય છે, જે તમામ શ્વાસ લેનારાં પ્રાણીઓનું રહેઠાણ છે, તે આપણા પર તેની સર્વશ્રેષ્ઠ ઉપજની કૃપા વરસાવે.’ ‘વર્લ્ડ અર્થ ડે’ અથવા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની જાહેરાત થયાના હજારો વર્ષ પહેલાં આપણા વેદોમાં વનવિનાશ અટકાવવાની વાતો કરવામાં આવી છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે, ‘વૃક્ષોને કાપો કે ઉખેડો નહીં, કારણ કે તે પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય જીવોને સંરક્ષણ આપે છે.’ જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંગઠન નવું નિર્માણ શરૂ કરે છે અથવા ખેડૂત જમીન ખેડવાનું શરૂ કરે છે, તો આપણે ત્યાં ધરતી માતાને પ્રસન્ન કરવા માટે ભૂમિપૂજન જેવી ખાસ રિવાજ છે. પર્યાવરણ સંરક્ષણની ધારણા અત્યંત પ્રાચીનકાળથી જ આપણા ડીએનએમાં ગૂંથાયેલી છે.

ભારત અત્યંત જૈવ વિવિધતાવાળો વિસ્તાર છે અને વિકાસ તેમજ પર્યાવરણને સ્થાયી બનાવવાને લગતી બાબતોમાં સંતુલન લાવવાની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને વીજળી, સિંચાઈ અને અન્ય ક્ષેત્રોમાં મોટા પ્રકલ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. જો વૃક્ષોનો આડેધડ વિનાશ કરવામાં આવે, જળાશયોનો નાશ કરવામાં આવે, વધારે પડતું ખોદકામ થાય અને જળ અને વાયુ પ્રદૂષણનું સ્તર વધતું જ ચાલ્યું જાય, તો તે સ્થાયી વિકાસ નહીં ગણાય.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપણને ખૂબ પહેલાં જ સાવચેત કર્યા હતા કે, ‘ધરતી એટલું આપે છે કે દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી થઈ શકે, પણ તે દરેક વ્યક્તિની લાલચને પૂરી કરી શકે તેમ નથી.’ તેમણે એવું પણ કહ્યું હતું કે, ‘એક સારો માણસ તમામ જીવોનો મિત્ર હોય છે.’ આજે જ્યારે તપતી ધરતી અને જળવાયુ જીવનની દરેક બાજુ પર અસર પહોંચાડે છે, તો તમામ નાગરિકો, સમુદાયો, પંચાયતો, નગરપાલિકાઓ, સરકારો અને બિનસરકારી સંગઠનોને પર્યાવરણ વિનાશની વિરુદ્ધમાં સતત અભિયાન ચલાવવાની તાતી જરૂર છે.

આ આપણા બધા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કે 2018માં પર્યાવરણના મુદ્દે ભારતનું રેન્કિંગ 180 દેશોમાં 177મું હતું, જ્યારે 2016માં આ ક્રમ 141મો હતો. આ નબળી પર્યાવરણ સ્વાસ્થ્ય નીતિ અને વાયુ પ્રદૂષણના કારણે થયેલાં મૃત્યુઓનું પરિણામ છે. યેલ અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વિશ્વ આર્થિક મંચની સાથે મળીને તૈયાર કરવામાં આવેલા દ્વિવાર્ષિક રિપોર્ટ અનુસાર, ‘નક્કર ઇંધણ, કોલસો અને વાહનોમાંથી નીકળતા ધૂમાડાએ લાખો ભારતીયો માટે હવાની ગુણવત્તાનું સ્તર એકદમ નીચું લાવી લીધું છે.’

હવે સરકાર માટે એ જરૂરી છે કે તે પર્યાવરણ કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ પર સખ્ત કાર્યવાહી કરે. અનેક મોરચે એવા સઘન પ્રયાસો કરવા પડશે, જેથી માટી ઑર્ગેનિક રૂપે સમૃદ્ધ રહે, પાણી પીવાલાયક રહે અને જે હવામાં આપણે શ્વસી રહ્યા છીએ, તે શુદ્ધ હોય. જે ધરતી આપણને વારસામાં મળી છે, તેનું સંરક્ષણ થાય, પોષણ થાય, તેને નવજીવન મળે અને તે સમૃદ્ધ થાય. ગયા રવિવારે 22મી એપ્રિલે એક નોન-પ્રોફિટ ઑર્ગેનાઇઝેશન ‘અર્થ ડે નેટવર્ક(ઈડીએન)’એ વિશ્વભરમાં અર્થડેના અનુસંધાને પર્યવારણ સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ઊભી કરવાને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. સંગઠને જાહેરાત કરીત કે હવે એક વખત જ ઉપયોગમાં લેવાનારા પ્લાસ્ટિકને ખતમ કરવા અને પ્લાસ્ટિકનો નિકાલ કરવાના નિયમ-કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્લાસ્ટિકના ઉપયોગ અને તેની સાથે જોડાયેલી સ્વાસ્થ્યને લગતી તેમજ અન્ય જોખમો પર કરોડો લોકોને શિક્ષિત કરવાના હેતુથી ઈડીએનએ કહ્યું કે, ‘દરિયાઈ જીવનને ઝેરી બનાવવા અને તેને નુકસાન પહોંચાડવાથી માંડીને આપણા ભોજન, હોર્મોન પ્રણાલીમાં અડચણો ઊભી કરવી અને અનેક પ્રાણઘાતક રોગ પેદા કરનારા પ્લાસ્ટિકના પ્રમાણમાં થતો અહર્નિશ વધારો પૃથ્વીના અસ્તિત્વ માટે ખતરારૂપ છે.’ ઈડીએનએ જાહેરાત કરી છે કે, ‘આપણા લક્ષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ, જીવાશ્મ ઇંધણ આધારિત પદાર્થોના વિકલ્પોને પ્રોત્સાહન આપવું, પ્લાસ્ટિકનું સો ટકા રિસાઇકલિંગને પ્રોત્સાહન આપવું, કૉર્પોરેટ અને સરકારી જવાબદારી નક્કી કરવી અને પ્લાસ્ટિક બાબતે માનવીય વ્યવહારમાં ફેરફારો સામેલ છે.’ મને આનંદ છે કે આ વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસના વૈશ્વિક આયોજનની ભારત યજમાની કરી રહ્યું છે, જેની થીમ છે ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો.’

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સંયુક્ત રાષ્ટ્રના ઉપમહાસચિવ એરિક સોલહાઇમે આની જાહેરાત કરી છે. ભારત રિસાઇકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અનેક રાજ્યોએ પોલિથીનની થેલીઓ પર મનાઈ ફરમાવી દીધી છે. આનું ઉલ્લંઘન કરનારાઓની સામે નક્કર કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે ધરતીનું અસ્તિત્વ હોડમાં છે.

એવો અંદાજ છે કે દર વર્ષે દુનિયાના 500 અબજ પ્લાસ્ટિક થેલીઓ અને 80 લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં ચાલ્યું જાય છે. આપણે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, તેમાં 50 ટકા સિંગલ યુઝ અથવા ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બૉટલ ખરીદવામાં આવે છે. 2017માં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળનું અનુમાન લગાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આશરે 25,940 ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે. સમયની માગ છે કે પર્યાવરણને નુકસાની પ્રત્યે આપણે ઝીરો ટોલરન્સ એટલે કે જરા પણ ન ચલાવવાની નીતિ અપનાવીએ. આપણે બધાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જેથી ભાવિ પેઢીને હરિયાળી અને સ્વચ્છ ધરતી મળે. હજારો વર્ષોથી ધરતીમાતા આપણા બધાનું સંરક્ષણ અને પોષણ કરતી આવી છે. સમય આવી ગયો છે કે આપણે તેના સ્વાસ્થ્યની ચિંતા કરીએ, કારણ કે આપણું ભવિષ્ય તેના ભવિષ્યની સાથે જોડાયેલું છે.
સૌ  એમ. વૈંકયા નાયડુ
ઉપરાષ્ટ્રપતિ

સંકલ્પ|આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ, જેથી ભાવિ પેઢીને હરિયાળી અને સ્વચ્છ ધરતી મળે
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-div-news-040502-1538201-NOR.html

No comments: