Friday, March 29, 2019

અમરેલી જિલ્લામાં 6996 હેક્ટરમાં આંબાવાડી, કેરીનો મબલખ પાક થવાની ધારણા, ખેડૂતો ખુશ

કેસર કેરી સૌરાષ્ટ્રની શાન છે. એવી રીતે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં કેસરનો પાક લેવાય છે તેવી જ રીતે અમરેલી...

DivyaBhaskar News Network | Updated - Mar 01, 2019, 02:00 AM
કેસર કેરી સૌરાષ્ટ્રની શાન છે. એવી રીતે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં કેસરનો પાક લેવાય છે તેવી જ રીતે અમરેલી જીલ્લામાં પણ મોટા પ્રમાણમાં તેનો પાક લેવાય છે. હાલમાં અમરેલી જીલ્લામાં 6996 હેક્ટરમાં કેસરનો પાક આવશે. ઓણ સાલ કેસર માટે હવામાન પણ સાનુકુળ છે. જેને પગલે આ વર્ષે પાકનો ઉતારો પણ ખુબ સારો રહેવાની ધારણા છે.

અમરેલી જીલ્લામાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો માટે હવામાન ખૂબ જ અગત્યની ભુમીકા ભજવે છે અને ચાલુ સાલે કમસેકમ અત્યાર સુધી કેસર કેરી માટે હવામાન સાનુકુળ રહ્યુ છે. અગાઉ કેસર કેરીમાં ખૂબ મોટા પ્રમાણમાં મોર જોવા મળ્યો હતો. જેથી ખાખડીઓ પણ ખૂબ સારી એવી સંખ્યામાં બંધાય છે. આંબાવાડીઓમાં આંબા પર વિપુલ પ્રમાણમાં ખાખડીઓ હોય ઓણ સાલ કેસર કેરીનો મબલખ પાક થવાની ખેડૂતોને આશા બંધાય છે. અલબત છેલ્લા ત્રણ-ચાર દિવસમાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો અને દરીયા કાંઠાના વિસ્તારમાં માવઠુ પણ થયુ હતું. પરંતુ કેસર કેરી જ્યાં પાકે છે તે વિસ્તારમાં સદનશીબે માવઠુ થયુ ન હતું.

અમરેલી જીલ્લામાં હાલમાં 6996 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ ઉભી છે. જીલ્લામાં સૌથી વધુ કેસરનો પાક ધારી તાલુકામાં લેવામાં આવે છે. અહિં 3097 હેક્ટરમાં ખેડૂતોએ આંબાવાડીઓ ઉભી કરી છે. ત્યારબાદ સાવરકુંડલા તાલુકામાં 2215 હેક્ટરમાં આંબાવાડી છે. રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકમાં પણ કેરીનો પાક ઠીક ઠીક પ્રમાણમાં લેવાય છે. જ્યારે અમરેલી, બાબરા, કુંકાવાવ, લાઠી જેવા વિસ્તારમાં કેરીની નામમાત્રની ખેતી થાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-amravali-and-amreli-in-amreli-district-expected-to-be-a-rich-harvest-of-mangoes-farmers-happy-020039-4013308-NOR.html

No comments: