Saturday, November 1, 2008

સાત દિવસ બાદ ગોંડલ પંથકને ઘમરોળતી સિંહણ અંતે એક બચ્ચા સાથે પાંજરે પૂરાઈ

ગોંડલ તા.૩૧

છેલ્લા સાત દિવસથી ગોંડલ પંથકને ઘમરોળતી સિંહણ અને એમના બચ્ચા સાથેનો પરિવાર જંગલ ખાતાના અધિકારીઓ અને આશરે સાંઈઠ જણાના સ્ટાફને હંફાવી રહી છે.એક વાર પાંજરામાં મૂકેલા મારણને સ્વાહા કરીને વનઅધિકારીઓને દીવાળી ટાણે જ એપ્રિલફુલ કરીને પાંજરામાંથી આબાદ રીતે છટકી ગયા બાદ ખડવંથલીની વીડીમાં ગોઠવાયેલા બીજીવાર મૂકાયેલા પાંજરામાં સિંહણ અને એક બચ્ચુ આબાદ રીતે સપડાઈ ગયા છે.બાકીના બે બચ્ચા પકડવા માટે વનઅધિકારીઓએ અભિયાન જારી રાખ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સાવરકુંડલા પાલિતાણા રેન્જમાંથી બહાર નીકળી ગયેલી સિંહણ અને એમનો પરિવાર છેક રાજકોટ જિલ્લાના માંડણકુંડલાની સીમમાં આવી ચડયો હતોે.બાદમાં આ પરિવાર ગોંડલ ખાતે આવી પહોંચ્યો હતો વેરી તળાવ આસપાસની વાડીમાં મારણની મિજબાની માણ્યા બાદ સરાજાહેર પ્રગટ થઈ હતી.આ પછી કોટડારોડ ખરેડા અને અનીડા ડૈયાની સીમમાં માર૯૮ણ કરીને છેલ્લે વનખાતાને સતત દોડાવતા દોડાવતા બેટાવડ નજીક આવેલી વંથલી વીડીમાં પહોંચી ગયા હતા.અનીડાની સીમમાં વનખાતાએ પાંજરાઓ ગોઠવેલા હતા.ઉમેદ અઘેરાની વાડીએ આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું હતું.પરંતુ સિંહણે પાજરામાં મૂકાયેલા મારણને મારીને નિરાંતે મારણ ખાઈને પાંજરામાંથી સિંહણ આબાદ છટકી ગઈ હતી.આમ વનખાતાની મહેનત એળે ગઈ હતી.ફરી એની રેડિયોકોલર મારફત ભાળ મળતા વંથલી વીડીમાં સાંઈઠ જેટલા વન સ્ટાફે પાંજરા ગોઠવ્યા હતા.અને છેલ્લા ત્રણ દિવસથી રાહ જોઈને બધા બેઠા હતાં દરમિયાન આજે સાંજે સિંહણ પાંજરામાં આબાદ રીતે સપડાઈ ગઈ હતી.જોકે આગલા દિવસે સિંહબાળ પણ પાંજરામાં પૂરાઈ ગયું હતું આમ બે જીવ પાજરે પુરાઈ ગયા છે.હવે બે જીવને પાંજરે પુરવા બાકી છે જેને પકડી લેવા માટે કવાયત હાથ ધરાઈ છે. આ માટે ધારીના આર.એફ.ઓ. સહિત બે ડીએફઓ અને સકકરાબાગ ઝુના કવોલિફાઈડ અને ટ્રેઈન્ડ સ્ટાફ કામે લાગ્યા છે.રાતે ચારેય જીવ પાંજરે પુરાઈ જાય એમ શકયતા છે.આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યો છે.વનખાતાના સ્ટાફ સિવાય કોઈને આ બાજુ જવા દેવામાં આવતો નથી.પીનડ્રોપ સાયલન્સ વાતાવરણ કરી દેવામાં આવ્યું છે. બહાર રહેલા બે બચ્ચાઓ દશ મિટર દુર એમની માના પાંજરાથી ઘૂમી રહયા છે.એમના મારણ માટે ગોઠવાયેલા પાંચ પાજરામાં બકરાના નાના નાના બચ્ચાઓને મૂકવામાં આવ્યા છે.કુલ છ પાંજરા એવી રીતે ગોઠવ્યા છે કે એક પાંજરામાંથી બીજા પાંજરામાં આસાનીથી જઈ શકાય...રાતે કદાચ એમની મા એમને બોલાવે અને બચ્ચા એમના અવાજથી આકર્ષાઈને પાંજરામાં જઈ ચડે. અને એને પાજરામાં જતા ન આવડે તો એમને પાંજરામાં જવા માટે વનખાતાના સ્ટાફે જુદીરીતની વ્યવસ્થા કરી છે.

* જો બચ્ચા ન પકડાય તો જોખમઃ તો સિંહણને પણ ફરી મુકત કરી દેવી પડે

વન અધિકારીઓના કહેવા મુજબ મહામુશીબતે સિંહણ તો પકડાઈ ગઈ છે.એક બચ્ચુ પણ પકડાઈ ગયું છે.પણ જો બાકીના બે બચ્ચા ન પકડાય તો ભારે મુશીબત આવી શકે છે કારણ કે બચ્ચા વિના મા પાંજરામાં તરફડિયા મારે અને ભુરાંટી થાય ..જો એમને છોડવામાં આવે તો પણ મુશીબત અને ન છોડવામાં આવે તો પણ મુશીબત આમ વનખાતા માટે બાકીના બે બચ્ચા માટે ભારે ધર્મસંકટ આવ્યું છે.અને એમને પકડવા તેમજ એમના ખોરાક માટે ચેલેન્જનું કામ છે.જો એને બહાર ખોરાક મળતો રહે તો બચ્ચા અંદર ન આવે અને બહાર રહે..આમ પકડવા એ મુશીબત બની જાય જો આમ થાય તો સિંહણને પણ બચ્ચા સાથે પાંજરામાંથી મૂકત કરી દેવી પડે એવી કફોડી હાલત થાય એમ છે કારણ કે એમના બચ્ચા ખોરાક છોડી દે એવી હાલત બને ...આમ સંવેદનશીલ મુદ્દો ઉભો થાય ...એમ એક વનખાતાના ઓપરેશન સ્ટાફના પ્રવકતાએ જણાવ્યું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23670

No comments: