Friday, November 7, 2008

દરિયાઇ જીવસષ્ટિ પરની અસરો તપાસાશે

Bhaskar News, Jamnagar
Thursday, November 06, 2008 22:40 [IST]

પરવાળાના અભ્યાસ માટે દક્ષિણ એશિયાના વૈજ્ઞાનિકોના જામનગરમાં ધામા

પાંચ દેશના ૨૩ વૈજ્ઞાનિકોને વન વિભાગ અને મરીન નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા માહિતી અપાઇ : નરારા, પિરોટન,પોશીત્રા ટાપુની વૈજ્ઞાનિકો મુલાકાત લેશે

શ્રીલંકામાંરહેલી સાઉથ એશિયા કો-ઓપરેટીવ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ૨૩ વૈજ્ઞાનિકો આજે જામનગર જિલ્લાના દરિયામાં રહેલા પરવાળા તથા દરિયાઇ જીવસૃષ્ટિના અભ્યાસ માટે આવ્યા હતાં. જેઓને વન વિભાગ તથા મરીન નેશનલ પાર્કના અધિકારીઓએ સ્લાઇડ શો દ્વારા માહિતગાર કરાયા હતા. આ વૈજ્ઞાનિકો નરારા, પિરોટન, પોશિત્રા ટાપુની મુલાકાત પણ કરશે.

આતંરરાષ્ટ્રીય સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, માલદ્વિપ, નેપાળ અને ભુતાન દેશો જોડાયેલા છે. આ સંસ્થાએ લંડનના ઇન્ટરનેશનલ મરીન ઓર્ગેનાઇઝેશનની મદદથી દરિયાઇ જીવસૃષ્ટિ પર અભ્યાસ હાથ ધર્યોછે. જેમાં ખાસ કરીને જામનગર જિલ્લામાંથી મળતા પરવાળાના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.

આઠ દેશમાંથી આજે ૨૩ જેટલા વૈજ્ઞાનિકો તથા ઉચ્ચ અધિકારીઓ જામનગર ખાતે આવ્યા હતાં. જેઓને જામનગરની વિશાલ હોટલમાં વન વિભાગ તથા મરીન નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્લાઇડ શોનો પણ સમાવેશ થાય છે.ખાસ કરીને દક્ષિણ એશિયાના આ વૈજ્ઞાનિકોએ હવામાનમાંઆવી રહેલા પરિવર્તન તેમજ પ્રદુષણના ખતરાથી દરિયાઇ જીવસૃષ્ટિ પર શું અસર પહોંચી શકે છે અને તેના રક્ષણ માટે શું કરી શકાય એ અંગે એકશન પ્લાન બનાવવા કવાયત હાથ ધરી છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાના ડાયરેકટર જનરલ ડો. અરવિંદ બોઝે જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયાના સમુદ્રના જીવો ખતરામાં છે. હવામાનમાં આવી રહેલા પલ્ટાથી ૧૯૯૮માં સમુદ્રના પાણી ગરમ થઇ ગયા છે. જેની અસર જીવસૃષ્ટિ પર ગંભીર રીતે પડી રહી છે. કોરલ તેમજ વનસ્પતિ અને અન્ય જીવોનો મોટાપ્રમાણમાં નાશ થાય છે.

વધુમાં જણાવ્યા મુજબ દરિયાઇ જીવસૃષ્ટિ ઉપર સામાન્ય કચરો, રાસાયણીક કચરો તથા ઓઇલ લીકેજના કારણે પણ વધારે ખતરો ઉભો થયો છે. આથી આ સંસ્થાએ એકમત થઇને પરવાળાના સંવર્ધન માટે પ્રયાસો હાથ ધર્યા છે. કારણ કે એમાં વધારે માત્રામાં કેલ્શીયમ હોવાથી જીવનરક્ષક દવાઓ બનાવવામાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે.

ઉપરાંત કોરલ રીફ ઇકો સીસ્ટમ માટે ઉતમ ગણાય છે. તેમાંથી તેના લાઇમસ્ટોનમાંથી રેતી તથા ચુનાનું ઉત્પાદન કરાય છે. આ વૈજ્ઞાનિકો તથા અધિકારીઓ જિલ્લાના નરારા, પિરોટન તથા પોશિત્રાની મુલાકાત લઇ કોરલ તથા તેના રીફનો અભ્યાસ કરશે.

અભ્યાસ માટે આવેલા વૈજ્ઞાનિકો-અધિકારીઓ

જામનગર અભ્યાસ માટે આવેલા વૈજ્ઞાનિક-અધિકારીઓમાં શ્રીલંકાના નાગરાજાહ સુરેશકુમાર, ડો.અરવિંદ બોઝ, એમ.એચ.ચિત્રસેન, સી.એન. અબ્દુલરહીમ, ડો. કે.સૈયદઅલી, જયંતિ સન્યાલ, મહમદ ફૈયાઝ, અબરાર હસન, અબ્દુલા અમીર, અબ્દુલા સિબાઉ, હિરન તિકલરાય ઉપરાંત ભારતના એસ.પી. જાની, કે.રાજકુમાર, રાસુદેવ શામદાર, નિલરત્ન, પી.એચ. સાતા, એસ.સેનબાગમુર્તિ, એલ.નાધનનો સમાવેશ થાય છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/06/0811062243_jamnagar_oscan.html

No comments: