Saturday, November 8, 2008

અમરેલીના મિતિયાળામાં કૂવામાં પડી જતાં બે સિંહનાં મોત

Bhaskar News, Rajula
Friday, November 07, 2008 22:43 [IST]

વાડી માલિક અને વનખાતાની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બે પાઠડા સિંહ બન્યા

અમરેલી જિલ્લાના મિતિયાળા ગામની સીમમાં આવેલી વાડીના ખુલ્લા કૂવામાં પડી જતાં બે પુખ્તવયના (પાઠડા) સિંહનાં મોત નીપજતાં હાહાકાર મચી જવા પામ્યો છે. વાડી માલિક અને વન ખાતાની અક્ષમ્ય બેદરકારીનાં કારણે આ ઘટના બની હોવાનું જાણકારો કહી રહ્યા છે. ત્યારે અગાઉની ઘટનામાં તપાસનું ફીડલું વાળી દેવામાં આવ્યું હતું. તેમ આ બનાવની નિષ્ઠાપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક હાથે કામ લેવું જોઈએ. તેમ પશુપ્રેમીઓ ઈરછી રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ મિતિયાળા જંગલમાં સિંહોનો વસવાટ છે. અને આ વિસ્તારને રક્ષિત સિંહ અભયારણ્ય તરીકે જાહેર કરાયેલો વિસ્તાર છે. પરંતુ વનખાતાની બેદરકારી અને આ વિસ્તારમાં પૂરતું ઘ્યાન ન આપવાના કારણે આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ આવેલા છે. જેમાં શુક્રવારે બે વનરાજા પડી જતા મોતને ભેટયા હતા.

બનાવની જાણ જૂનાગઢ વન ખાતાને કરાતાં ત્યાની ટીમે આવીને બંને સાવજોના મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલા-ખાંભા-નાગેશ્રી-પીપાવાવ, ટીંબી વિગેરે વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. ગયા મહિને ટીંબીમાંથી મૃત હાલતમાં સિંહબાળ મળી આવ્યો હતો. ત્યાં આજે શુક્રવારે આવો બીજો બનાવ બનતા વન્ય પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે. ગમે તે કારણ હોય વનખાતાને બિલકુલ ચિંતા નથી અને સિંહો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. રાજુલાના વનખાતાના અધિકારીઓને જાણે કાંઈ પડી ન હોય તેવું વર્તન કરી રહ્યા છે.

રાજુલા પંથકમાં ૩૨ જેટલા સિંહ પરિવારો છે. જે સિંહના જ વતની બની ગયા છે. છેલ્લા એક વર્ષમાં ભેરાઈ-ચોત્રા, ટીંબી, કાગવદર, નાગેશ્રી સહિતના વિસ્તારોમાંથી સંખ્યાબંધ માલઢોરને સિંહોએ ફાડી ખાધા છે. ઉપરાંત માનવીઓને ઈજા કર્યાના પણ દાખલા બન્યા છે. છતાં અત્યાર સુધીમાં કોઈને પણ વનખાતા તરફથી વળતર મળ્યું નથી. કારણ કે રાજુલા વનખાતાને કાંઈ પડી જ નથી. આ સાહેબો અન્ય પ્રવૃત્તિમાં મશગુલ છે. જેની આમ જનતા અને ઉચ્ચ અધિકારીઓને પણ ખબર છે. છતા પગલાં લેવાતાં નથી.

પ્રાથમિક તપાસમાં આ બંને સિંહ પારાપેટ વગરના ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જવાથી મૃત્યુ થયાનું જણાયું હતું. આ બંને સિંહબાળના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી નિરીક્ષણ કરતા તેઓના શરીર ઉપર કોઈ બાહ્ય ઈજાના નિશાનો જોવા મળેલ ન હતા. તેમજ બંને સિંહોના તમામ નખો સલામત મળી આવેલ. આ બંને સિંહના નખો સિંહો દ્વારા કૂવામાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરતા ઘસાઈને ફાટી ગયેલ જણાયેલ હતા.

પ્રેમજીભાઈ ટપુભાઈ દેલવાડિયાને વન વિભાગ દ્વારા તેઓના ખુલ્લા કૂવાને સુરક્ષીત કરવા અંગેની જાણ કરવા છતા તેઓએ પોતાનો કૂવો સરકારની યોજનાનો લાભ લઈ સુરક્ષિત ન કરેલ. જેથી આવા અમુલ્ય વન્યપ્રાણી અકસ્માતે કૂવામાં પડી મૃત્યુ પામવાનો બનાવ બન્યાનું વનખાતાએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/07/0811072243_lion_dead_amreli.html

No comments: