Saturday, November 8, 2008

એક લાખથી ૫ણ વધુ યાત્રિકો ગિરનાર પરિક્રમામાં જોડાયા

જૂનાગઢ,તા.૭

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમે ધીમે ગીરનારની આગોતરી પરિક્રમા શરૃ થઈ ગઈ છે ત્યારે આજે એકાદ લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાતા ગિરિકંદરાઓ ચેતનવંતી બની જવા પામી છે. અને ભવનાથ વિસ્તારમાં પરિક્રમા માટે આવેલા આશરે ર લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા છે.

જૂનાગઢના ગરવા ગીરનારની સળંગ ૧૮૭ મી પરિક્રમા શરૃ થાય તે પહેલા જ ગીરદી અને ગંદકીથી બચવા હજ્જારો યાત્રિકોએ પરિક્રમા શરૃ કરી દીધી છે. અને આજે એકાદ લાખ જેટલા યાત્રિકોએ પરિક્રમા શરૃ પણ કરી દીધાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પરિક્રમામાં માર્ગ પર પણ યાત્રિકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે. સંખ્યાબંધ ભાવિકો એક લાખથી ૫ણ વધુ યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી પરત આવી રહ્યા છે.

બીજી તરફ પરિક્રમા કરવા માટે આવેલા ભાવિકોથી ગિરિતળેટી ભવનાથ ભરચ્ચક થઈ ગઈ છે. આશરે ર લાખથી વધુની મેદની ભવનાથમાં ઉમટી પડી છે. તમામ જ્ઞાાતિના ઉતારા અને વાડીઓ તથા ધર્મશાળાઓ યાત્રિકોથી ભરાઈ ગઈ છે. હજી પણ મોટા પ્રમાણમાં ભાવિકો ગીરનાર તળેટી તરફ આવી રહ્યા છે.

આગામી તા.૯ ને રવિવારે કારતક સુદ અગિયારસના દિવસે મધરાત્રે ગીરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. ગીરનારની પાંચ દિવસીય પરિક્રમા શરૃ થવાને હજી સમય છે. ત્યાં જ ભાવિકોની ઉમટી પડેલી મેદનીને જોતા આ વર્ષે રેકર્ડ બ્રેક યાત્રિકો નોંધાય તેવી પુરી આશા વ્યક્ત કરાઈ રહી છે.

બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ યાત્રિકોની અસર વર્તાઈ રહી છે. ગામડામાંથી અને વિવિધ શહેરોમાંથી આવેલા યાત્રિકો જૂનાગઢ શહેરના માર્ગો પર થેલાઓ સાથે જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડ તેમજ રેલ્વે સ્ટેશને પણ યાત્રિકોની ભીડ થવાનું શરૃ થઈ ગયું છે. શહેરમાં પરિક્રમાને લઈ વધેલી ચહલ પહલ રીતસર જોવા મળી રહી છે.

૧ર સ્થળોએ યાત્રિકોને ત્રોફા, નાળીયેર, દૂધ અને જીવન જરૃરી ચીવસ્તુઓ રાહત દરે અપાશે

ગીરનાર પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ પર ૩૪ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા છે. સેંકડો સેવાભાવી યુવાનો અને કાર્યકરો લાખ્ખો યાત્રિકોને પ્રેમથી ભાવ પૂર્વક ભોજન કરાવશે. તો ૧ર સ્થળોએથી યાત્રિકોને ત્રોફા, નાળીયેર, દૂધ અને જીવન જરૃરી ચીજવસ્તુઓ રાહતદરે વિતરણ કરવામાં આવશે.
દર વર્ષે પરિક્રમા માર્ગ પર યાત્રિકોને મફતમાં જમાડતા ૩૪ જેટલા અન્નક્ષેત્રો આ વર્ષે પણ શરૃ કરાયા છે. નાના-મોટા તમામ અન્નક્ષેત્રો ભાવિકોને પ્રસાદ રૃપી ભોજન પીરસવા તૈયાર છે. બીજી તરફ ડી.સી.એફ. અને એ.સી.એફ.ની સુચનાઓ મુજબ વન વિભાગના વિજય યોગાનંદી, એચ. એમ. રાઠોડ તથા એ. આર. મોકરીયા દ્વારા શાકભાજી, ફળો અને અનાજનું વેચાણ કરતા ર૮પ ફેરિયાઓને પરમીટ આપવામાં આવી છે. પરિક્રમામાં ૧૭ સ્થળોએ પાણીના પોઈન્ટ ઉપરાંત ૭ સ્થળોએ પાણીની ટાંકીઓ મુકવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25168

No comments: