Saturday, November 1, 2008

ફોરેસ્ટ વિભાગને ઉલ્લુ બનાવી સિંહ પરિવાર છટકી ગયો

ગોંડલ,તા,ર૯

છેલ્લા પાંચ દિવસથી ગોંડલ પંથકને ઘમરોળી રહેલા સિંહ પરિવારે ફોરેસ્ટ ખાતાને હાથતાળી આપી અનિડા ડૈયાની સીમમાંથી છટકી જવામાં સફળતાં મેળવી હતી. સિંહ પરિવારને ઝડપી લેવા માટે પિંજરા અને મારણ સાથે કલાકો સુધી કલાકો સુધી કવાયત હાથ ધરનાર ફોરેસ્ટ ખાતાની મહેનત પર પાણી ફરી વળ્યું હતુ. છેલ્લે સિંહ પરિવારનું લોકેશન બેટાવડની વીડી તરફ મળી રહ્યું હોય ફોરેસ્ટ ખાતાની ટુકડીઓ પાંજરા સાથે બેટાવડની વીડીમાં દોડી ગઈ છે.

* કલાકોની જહેમત પર પાણી ફેરવી સિંહ પરિવાર બેટાવડ અને જામકંડોરણા તરફ

કોટડાસાંગાણી રોડ પર ગોપાલ માટીયાની વાડીમાં ગાયના મારણ બાદ સિંહ પરિવારનું લોકેશન અનિડા અને ડૈયાની સીમમાં આવેલ ઉમેદભાઈ અઘેરાની વાડીમાં મળતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેતરને કોર્ડન કરી ખેતરમાં પાંજરુ ગોઠવી સિંહ પરિવારને ઝડપી લેવા વ્યુહ ગોઠવ્યો હતો. સામાન્ય રીતે સિંહને પાંજરે પુરવા ખુબ જોખમી કામ હોય સાવચેતીપુર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. રાતના સાડા આઠે સિંહણે પાંજરામાં રાખેલ બકરાનું મારણ કર્યું હતુ. બાદમાં ફરી ખેતરમાં જુવારના પાકમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ સિંહણના બે નાના બચ્ચાઓ એક પછી એક પાંજરામાં પ્રવેશી થોડુ મારણ ખાઈ પરત ચાલ્યા ગયા હતા.

દિલધડક ઓપરેશનનો રોમાંચ અનુભવતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓને આશા બંધાઈ હતી કે હવે આખો પરિવાર પાંજરામાં મારણનું ભોજન લેવા આવશે તેવી ઉતેજના સાથે ફોરેસ્ટ વિભાગની ટુકડીઓ સાબદી બની હતી. પરંતુ કલાકોની તપસ્યા કરવા છતાં સિંહ પરિવાર પાંજરા પાસે નહીં ફરકતા ખેતરમાં તપાસ કરતા સિંહ પરિવાર ગુમ જણાયો હતો. અને ફોરેસ્ટ વિભાગને મુર્ખ બનાવી સિંહ પરિવાર ચાલાકીપુર્વક ખેતરમાંથી છટકી જઈ ડૈયાની સીમ છોડી વીસ કિમી જેટલો દુર નીકળી ગયો હતો.

આરએફઓ માદળીયાએ જણાવ્યું હતુ કે અમે એકલી સિંહણ કે બચ્ચાઓને પાંજરે પુરવાનું મનાસીબ માન્યું ન હતુ. કારણ કે તે બાબત ખુબ જ જોખમી બની શકે, પરંતુ હવે વ્યુહ બદલી જેટલા ઝડપાય તેટલાને પાંજરે પુરવા પડશે. કદાચ આખો પરિવાર સાથે ન પણ ઝડપાય, છેલ્લે બેટાવડની વીડી તરફ સિંહ પરિવારનું લોકેશન મળતા ફોરેસ્ટ વિભાગનો કાફલ બેટાવડ અને જામકંડોરણા દોડી ગયો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23504

No comments: