Saturday, November 8, 2008

જૂનાગઢમાં વનિકરણ વિભાગે આપેલા ૮ હજાર રોપા બળી ગયા

જૂનાગઢ,તા.૭

વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મનપાએ શહેરની પડતર જમીનોમાં વૃક્ષ ઉછેર માટે સામાજીક વનીકરણ વિભાગ પાસેથી ૮ હજાર રોપા મોટા ઉપાડે લઈ લીધા બાદ ઉપયોગ કર્યા વગર તમામ રોપાઓ મનપાના બેદરકાર તંત્રએ બાળી નાખ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેમજ બળી ગયેલા આ તમામ રોપાઓ મનપાએ ટ્રેક્ટરોમાં ભરાવી કચરામાં નાખી દીધા છે.

આ વિશેની મળતી વિગતો અનુસાર વન મહોત્સવ અંતર્ગત જૂનાગઢ શહેરમાં પડતર જમીનો વિગેરે સ્થળોએ વૃક્ષો ઉગાડવા માટે મહાનગર પાલિકા દ્વારા સામાજીક વનીકરણ વિભાગ પાસેથી રોપાઓ માંગવામાં આવ્યા હતા. અને મનપાની માંગણી મુજબ તંત્ર દ્વારા ગત તા.પ, ૮, ૯, ૧૦ અને ૧૧ જૂલાઈ ના રોજ પાંચ તબક્કામાં ૮ હજાર રોપાઓ મનપાને આપવામાં આવેલ.

આ રોપાઓ મંગાવીને સ્વીમીંગ પુલના મેદાનમાં રખાવી દીધા બાદ મનપા તંત્ર જાણે કે આ વાત જ ભુલી ગયુ હોય તેમ રોપાઓ વાવવાની વાત તો દૂર રહી પરંતુ યોગ્ય સંભાળ પણ ન લીધી. પરિણામે તમામ રોપાઓ પડયા પડયા જ સુકાઈને બળી ગયા. એકી સાથે ૮ હજાર રોપાઓનો કચ્ચરઘાણ નિકળી ગયો. એક પણ રોપાનો ઉપયોગ ન થઈ શક્યો.
આખરે મનપા તંત્રએ આ સુકાઈ ગયેલા રોપાઓને ગઈ કાલે જ ટ્રેક્ટરોમાં ભરાવીને ડમ્પીંગ સ્ટેશને નખાવી દીધા. અને સમગ્ર બાબત ધુળમાં મળી ગઈ. સામાજીક વનીકરણ વિભાગે આપેલા ૮ હજાર રોપાઓ મનપાએ વેડફી નાખ્યા. જો મનપાએ આ રોપાઓ લીધા ન હોત તો આજે ક્યાંક વૃક્ષ બની રહ્યા હોત.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25150

No comments: