Saturday, November 1, 2008

૧૩ ડાલામથ્થા ધારીના પાદરે પૂગ્યા: પાંચ ગાયોનો શિકાર.

Bhaskar News, Dhari
Saturday, November 01, 2008 00:17 [IST]

ખોખરા મહાદેવ પાસે લોકોના ટોળાં જોઇ વનરાજો ગાયબ

ધારી નજીક આવેલા ખોખરા મહાદેવના મંદિર પાસે ગતસાંજે ચારો કરતી ગાયોનાં ધણ પર બારથી ૧૩ સિંહોનાં ટોળાંએ હુમલો કરી પાંચ જેટલી ગાયોને મોતને ઘાટ ઉતારતાં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સિંહ જોવા એકઠાં થતાં સિંહો મારણ અધુરૂ મૂકીને નાસી છૂટયા હતા. જો કે મોડીરાત્રે ટોળું વિખેરાયા બાદ ફરી સ્થળ પર આવીને ગાયોની મિજબાની માણી ગયા હતા.

ભાઇબીજની સમીસાંજે ધારીથી ચાર કિ.મી. દૂર આવેલા ખોખરા મહાદેવ મંદિરની પાસે ચારો કરતી ગાયોના ધણ પર બારથી ૧૩ સિંહોના ટોળાંએ હુમલો કરી પાંચ જેટલી ગાયોને મોતને ઘાટ ઉતારીને આરામથી ભાઇબીજની મિજબાની માણી હતી. આ વાત વાયુવેગે ફેલાઇ જતા મોટી સંખ્યામાં લોકો સિંહને જોવા એકઠાં થઇ જતાં એક ગાયનું ભોજન કરીને બાકીની ગાયોને છોડીને તમામ સિંહો ગાયબ થઇ ગયા હતા.

સિંહ દર્શન માટે લોકો મોડીરાત સુધી ત્યાં જ બેઠા રહ્યા હતા. પરંતુ સિંહોના દર્શન ન થતાં આખરે ધારી પોલીસે સ્થળ પર પહોંચીને લોકોને રવાના કર્યા હતા. જો કે રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં શાંત વાતાવરણમાં સિંહોનું ટોળું ફરી આ સ્થળે આવ્યું હતું અને મારણ કરેલી ગાયોની મિજબાની માણી હતી. વહેલી સવારે પણ સિંહો ત્યાં જ અડીંગો જમાવીને બેઠેલા હોઇ લોકોએ મનભરીને સિંહ દર્શન કર્યા હતા.

દરમિયાન વન વિભાગને ઘટનાની જાણ થતાં આરએફઓ વતપરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. વનવિભાગના અધિકારી રાજાને ધારીના પ્રાણીપ્રેમી હસુભાઇ દવેએ ટેલિફોનિક જાણ કરેલી પરંતુ તેઓ ગોંડલ ખાતે અન્ય કામમાં વ્યસ્ત હોઇ તેઓ આવી શકયા ન હતા. આ બનાવે ધારી પંથકમાં સારી એવી ચકચાર જગાવી દીધી છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/01/0811010018_lions_kill.html

No comments: