Monday, November 10, 2008

ગિરનાર પરિક્રમા ; ૩૬ કિ.મી.ના માર્ગ પર ૭૦ અન્નક્ષેત્રો

જૂનાગઢ,તા.૯
આજથી એકાદ દાયકા પહેલાના સમયમાં ગીરનાર પરિક્રમા થતી ત્યારે ભાગ લેનાર યાત્રિકો પોતાના ઘરેથી કાચુ સીધુ લાવી પાંચ દિવસ પાંચ પડાવ જાતે રસોઈ બનાવતા હતા. પરંતુ આજના ઝડપી અને આધુનિક યુગમાં આ પ્રાચિન પરંપરા વિસરાઈ રહી છે. ચાલુ વર્ષે પરિક્રમાના ૩૬ કિ.મી.ના પથ પર ૭૦ જેટલા અન્નક્ષેત્રો કાર્યરત થયા હોવાની બાબત આ વાત સાબિત કરી આપે છે. અન્નક્ષેત્રોમાં જમવા આવતા લાખ્ખો ભાવિકોને હજ્જારો સેવાભાવી કાર્યકરો ભાવ પૂર્વક ભોજન કરાવી રહ્યા છે. પહેલાના સમયમાં પરિક્રમા શરૃ થવાની હોય તેના દિવસો અગાઉ જે તે ગામનો સંઘ રચાતો, પૂર્વ તૈયારીઓ થતી, બધી ચીજ વસ્તુઓ એકત્ર કરાતી. બધી જ સામગ્રી સાથે ગીરનાર પરિક્રમામાં આવેલ સંઘ પાંચ દિવસ દરમ્યાન વિધિવત રીતે પાંચ પડાવ કરતો. આ સંઘ માટે કાચા રાશનમાંથી રસોઈ તૈયાર થતી અને સંઘમાં જોડાયેલા તમામ લોકો ભોજન કરતા. પહેલાના સમયમાં અન્નક્ષેત્રોની સંખ્યા ખુબ જ ઓછી હતી. ના છુટકે જ લોકો અન્નક્ષેત્રમાં જમતા હતા. પરંતુ છેલ્લા એકાદ દાયકાથી આ પરંપરા વિસરાઈ રહી છે. ઝડપી યુગમાં એકાદ - બે દિવસમાં પરિક્રમા કરી નાખતા યાત્રિકોને જાતે જ રસોઈ બનાવી ભોજન કરવું પડે તેમ નથી. તેમજ આવી પળોજણ પણ મોટાભાગે લોકો કરતા નથી. પહેરવા - ઓઢવાના કપડાઓ સાથે જ યાત્રિકો પરિક્રમામાં જોડાઈ જાય છે. જેને લીધે પરિક્રમા દરમ્યાન અન્નક્ષેત્રોની સંખ્યા પણ દર વર્ષે વધતી જાય છે.

ચાલુ વર્ષે ગીરનાર પરિક્રમાના ૩૬ કિ.મી. રૃટ પર ૭૦ અન્નક્ષેત્રો વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ નાના-મોટા અન્નક્ષેત્રોમાં હજ્જારો કાર્યકરો પોતાના દૈનિક ધંધા-રોજગાર બંધ રાખી સેવાયજ્ઞામાં જોડાયા છે. સેવાભાવિ સંસ્થાઓને વિવિધ દાતાઓ તરફથી અન્નક્ષેત્રો ચલાવવા માટે દાન અપાય છે. જેમાંથી લાખ્ખો ભાવિકોને પરિક્રમા દરમ્યાન ભોજન કરાવાય છે. તમામ અન્નક્ષેત્રોમાં કોઈ પણ જાતની અપેક્ષા વગર સાવ મફતમાં ભાવિકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

કેટલાક અન્નક્ષેત્રો પરિક્રમા આગળ વધે તેમ યાત્રિકોની સાથે વિવિધ સ્થળોએ પરિક્રમા માર્ગ પર અન્નક્ષેત્રો ચલાવે છે. જ્યારે કેટલાક અન્નક્ષેત્રો માત્ર ચાલીને જ જઈ શકાય તેવી વિકટ જગ્યા ખાતે ચાલી રહ્યા છે. અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓ દ્વારા પરિક્રમા અગાઉ આશરે એકાદ માસ પહેલાથી જ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવે છે. કાર્યકરોની મીટીંગો યોજી સુચનાઓ દ્વારા કાચુ રાશન અને જરૃરી ચીજવસ્તુઓ એકત્ર કરવામાં આવે છે. બધી વસ્તુઓ અને કાર્યકરો સાથેનો કાફલો ગિરિતળેટી ભવનાથ ખાતે પરિક્રમાના ચાર-પાંચ દિવસ અગાઉ જ પહોંચી જાય છે. અને પરિક્રમા શરૃ થાય તે પહેલા જ રૃટ પર નિયત જગ્યાએ બધી ગોઠવણ કરી અન્નક્ષેત્ર શરૃ કરી દેવામાં આવે છે.

* પરિક્રમામાં સતત ૯૬ કલાક અવિરત ચાલતુ અન્નક્ષેત્ર

ગીરનાર પરિક્રમા દરમ્યાન ચાલતા વિવિધ અન્નક્ષેત્રોમાં જીણાબાવાની મઢીથી આગળ દેવરાજભગત દ્વારા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવાય છે. ચાર દિવસ સુધી રાઉન્ડ ધી ક્લોક એટલે કે સતત ૯૬ કલાક અવિરત ચાલતા આ અન્નક્ષેત્રમાં ભાવિકોને શીરો પુરી વગેરે વસ્તુઓ પીરસવાની સાથે ચા-પાણી પણ આપવામાં આવે છે. જ્યારે છેલ્લા ૧૮ વર્ષથી માળવેલાની ચાલીને જ જઈ શકાય તેવી વિકટ જગ્યાએ બાઢડાના શિવ દરબાર આશ્રમ ઉષામૈયા દ્વારા અન્નક્ષેત્ર ચલાવાય છે. સેવકો ખભે માલ ઉપાડીને અહિ લાવે છે. અહી શીરો-ગાઠીયાનો પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે. છેલ્લા ૧૮ વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25646

No comments: