Monday, November 10, 2008

પરિક્રમા માટે રેલવે તંત્ર દ્વારા સતાધાર-જૂનાગઢ વચ્ચે વધારાની ટ્રેન શરૂ કરાઇ

Mahendra Sanghani, Junaghadh
Monday, November 10, 2008 00:21 [IST]

ગિરનાર પરિક્રમા આવતા યાત્રાળુઓની સુવિધા માટે રેલવેતંત્ર દ્વારા ગઇકાલ તા. ૯થી યાત્રાધામ સતાધાર અને જૂનાગઢ વચ્ચે વધારાની ટ્રેન દોડાવવી શરૂ કરી છે. આ ટ્રેન પરિક્રમાનાં સમયગાળા દરમ્યાન ચાલુ રહેશે. ટ્રાફિકનાં ધસારાને લઇને રેલવેતંત્રે વધારાની ખાસ ટ્રેન દોડાવવાનું ચાલુ કરતા યાત્રાળુઓને ઘણી રાહત થશે. જો કે ગત વર્ષે રેલવે પરિક્રમા દરમિયાન જૂનાગઢ-રાજકોટ રૂટ પર વધારાની ટ્રેન શરૂ કરેલ પરંતુ આ વખતે રેલવેએ સુવિધા નહીં આપતાં યાત્રાળુઓ નિરાશ થયા છે.

દર વર્ષે યોજાતી ગિરનાર પરિક્રમા દરમિયાન જૂનાગઢ ખાતે લાખો પયર્ટકો ગુજરાતભરમાંથી ઉમટી પડતા હોય છે. ખાસ કરીને ટ્રેનોમાં યાત્રાળુઓના ધસારો વધુ રહેતો હોવાથી રેલવેતંત્ર દ્વારા ટ્રાફિકને ઘ્યાનમાં રાખીને આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનમાં વધારાનાં કોચ જોડવામાં આવે છે અને ખાસ ટ્રેન પણ દોડાવવામાં આવતી હોય છે. આ વર્ષે ગિરનાર પરિક્રમા માટે ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી રહ્યા છે.

ત્યારે ટ્રાફિકનાં ધસારાને ખાળવા માટે ગઇકાલ તા. ૯મીથી સુપ્રસદ્ધિ યાત્રાધામ સતાધારથી જૂનાગઢ વચ્ચે વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે. જૂનાગઢથી આ ટ્રેઇન સવારનાં ૧૧-૦૦ વાગ્યે ઉપડી બપોરે ૧ર-૪પ કલાકે જૂનાગઢ પહોંચે અને સતાધારથી બપોર ૧.૧૦ કલાકે ઉપડી બપોરે ર.પ૦ વાગ્યે જૂનાગઢ પહોંચે છે. આ ટ્રેન તા ૮-૧૧ થી તા. ૧૩-૧૧ સુધી શરૂ રહેશે.

અલબત ગિરનાર પરિક્રમા માટે બે વર્ષ અગાઉ રાજકોટ-જૂનાગઢ બ્રોડગેજ લાઇન પર ખાસ ટ્રેન દોડાવવામાં આવેલી પરંતુ આ વખતે રેલવેએ આ રૂટ પર વધારાની ટ્રેન શરૂ નહિ કરી યાત્રાળુઓને નિરાશ કર્યા છે. વેરાવળ અને રાજકોટ રેલવે સ્ટેશનો પર રાત્રે ટ્રેન પડી રહે છે તે ટ્રેન પરિક્રમા દરમિયાન રેલવે તંત્ર દોડાવી શકે. કમનસીબે રેલવેતંત્રને આવું સૂઝયું નહિ !

ચાલુ વર્ષે ભરપૂર ટ્રાફિક

પરિક્રમા દરમિયાન શરૂઆતથી જ જૂનાગઢ શહેરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઠલવાઇ રહ્યા છે. જૂનાગઢ રેલવે સ્ટેશનના અધિક્ષક જાનીનાં કહેવા મુજબ જૂનાગઢમાં શરૂઆતથી જ યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો છે જે ગયા વર્ષની સરખામણીએ વધુ છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/10/0811100021_new_railway_start.html

No comments: