Sunday, November 16, 2008

ગીર જંગલમાં શિકારીઓ ફરી સક્રિય થતા વન વિભાગ ચોંકયો

જૂનાગઢ,તા.૧૫
માર્ચ - ર૦૦૭ ના ગીર જંગલના ખળભળાટ મચાવનારા સિંહ હત્યાકાંડના ૧૯ આરોપીઓને સજા થઈ ચુકી છે તેવા જ સમયે ગીર જંગલમાં શિકારી ટોળકી ફરી એક વખત સક્રિય થયાની ચોંકાવનારી વિગતો બહાર આવતા વન વિભાગમાં સારી એવી દોડધામ થઈ પડી છે. અને અત્યંત ખાનગી રાહે ગીર જંગલમાં વન વિભાગે પોલીસને સાથે રાખી સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ છે. ગીર જંગલના સિંહ શિકારકાંડ બાદ સિંહોના રક્ષણ માટે લેવાયેલા પગલાઓ વચ્ચે પણ ગીર જંગલમાં ફરી વખત સિંહોની શિકારી ટોળકીઓ સક્રિય થયાની વન વિભાગને બાતમી મળી છે. સુત્રોના જણાવ્યા મુજબ વન વિભાગમાં ઉચ્ચ કક્ષાએ આ બાતમીની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અને ખાસ કરીને ગીર પશ્ચિમ જંગલ તરફ ખાસ વોચ રાખવામાં આવી છે.

અંદરખાને પુરજોશથી કંઈક ચોક્કસ થઈ રહ્યુ હોવાની સાથે સુત્રોએ ઉમેર્યુ છે કે તાજેતરમાં જ પાણીયા સેન્ચુરી વિસ્તારમાંથી મળી આવેલ બે ઈજાગ્રસ્ત સિંહોને ફાંસલામાં થતી ઈજાઓને મળતી ઈજાઓ હોવાનું પણ જણાવાઈ રહ્યુ છે. પરિણામે વન વિભાગ વધુ સક્રિય થઈ ગયુ છે. જો કે આ બાબતમાં વન વિભાગના સત્તાવાર સુત્રો મૌન સેવી રહ્યા છે. ગીર જંગલમાં કશુક અજુગતુ થઈ રહ્યુ હોવાના મામલે હાલમાં પોલીસની મદદ લઈ વન વિભાગ દ્વારા ખાસ કરીને ઉના પંથક તેમજ અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં ગુપ્તરાહે રાઉન્ડ ધ કલોક સઘન પેટ્રોલીંગ શરૃ કરી દેવામાં આવ્યુ છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=27136

No comments: