Sunday, November 2, 2008

ગિરનાર પરિક્રમાની શરૃઆત સાથે ઉજવાશે જૂનાગઢ આઝાદી દિન

જૂનાગઢ,તા.૧
દિવાળીના તહેવારો હજી તો માંડ પુરા થયા છે ત્યા જ જૂનાગઢવાસીઓ માટે વધુ બે નવા તહેવારો એકી સાથે આવી રહ્યા છે. કારતક સુદ અગિયારસથી શરૃ થતી ગીરનાર પરિક્રમા અને જૂનાગઢ મુક્તી દિન ૯ નવેમ્બરનો આ વર્ષે સુભગ સમન્વય હોવાથી ભજનોની રમઝટ અને દેશભક્તિના ગીતોના ગુંજારવ વચ્ચે જૂનાગઢનું વાતાવરણ તહેવારમય બની જશે. જૂનાગઢમાં પૌરાણીક પરંપરા અનુસાર દર વર્ષે યોજાતી ગીરનારની પાવનકારી પવિત્ર પરિક્રમા આગામી તા.૯ ના રોજથી શરૃ થઈ રહી છે. રાજ્ય અને રાજ્ય બહારથી લાખ્ખો ભાવિકો પાંચ દિવસ દરમ્યાન પ્રકૃતિ મધ્યે ભગવાનની આરાધના કરવા માટે ઉમટી પડે છે. ગિરિતળેટી ભવનાથમાં તો મેળા જેવો માહોલ હોય જ છે, પણ જૂનાગઢના રસ્તાઓ પર પણ યાત્રિકોની સારી એવી ભીડ રહે છે. પરિક્રમા માર્ગ પર જંગલમાં ત્રણ રાત્રીના પડાવ બાદ પાંચમાં દિવસે પરિક્રમા પુરી થાય છે. અને આ પાંચ દિવસ દરમ્યાન ગીરનારનું સમગ્ર વાતાવરણ અનેરા ભક્તિમય માહૌલમાં ફેરવાઈ જાય છે. પૂણ્યનું ભાથુ બાંધીને પરિક્રમામાંથી પરત જતા હોય તેવો સ્પષ્ટ ભાવ દરેક યાત્રિકના મુખ પર વર્તાઈ આવે છે.

જોગાનું જોગ આ વર્ષે પરિક્રમાની શરૃઆત સાથે જૂનાગઢનો ૬૧ મો આઝાદી દિન પણ આવી રહ્યો છે. આખો દેશ ૧પ ઓગષ્ટ, ૧૯૪૭ ના રોજ આઝાદ થયેલ. પરંતુ જૂનાગઢના નવાબે પ્રજામતની વિરૃદ્ધ પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય જાહેર કરતા જૂનાગઢને આઝાદ કરવાની એક અલગ ચળવળ આરઝી હકુમતના નેજા હેઠળ શરૃ થયેલ. અને આ લડતને ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સફળતા મળતા આ દિવસે જૂનાગઢ આઝાદ થયેલ. આગામી ૬૧ માં આઝાદી દિન નિમીતે મનપા દ્વારા વિજય સ્તંભની પૂજનવિધિ, બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, દેશભક્તિ ગીત સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ત્યારે આખા દિવસ આવા કાર્યક્રમોના આયોજન વચ્ચે બીજી તરફ ગરવા ગીરનારની ગોદમાં પૌરાણીક પરિક્રમાની શરૃઆત થશે. બન્ને તહેવારોની ઉજવણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23796

No comments: