Thursday, November 6, 2008

લોરમાં ઘરના ફળિયામાં બાંધેલા વાછરડાને ત્રણ સિંહો ખેંચી ગયાં

અમરેલી તા.૩
જાફરાબાદના લોર ગામે લાભ પાંચમના દિવસે ત્રણ સિંહોએ ગામના એક કોળી ગૃહસ્થના ઘરનાં ફળીયામાં બાંધેલા વાછરડાને ખેંચીને બહાર લઈ ગયાં હતાં અને મારણ કર્યું હતું. જ્યારે ઓસરીમાં ખાટલો ઢાળીને સુતેલી એક યુવતીનો બચાવ થયો હતો. લોરમાં રહેતા મનાભાઈ ખીમાભાઈ ચાવડાના ઘરના ફળીયામાં નવા વર્ષની રાત્રિએ આવી ચડેલા ત્રણ સિંહો મારણ કર્યા વગર જતાં રહ્યાં હતાં. પરંતુ લાભ પાંચમની રાત્રે ૧૧ વાગ્યે આ જ ગામના મનુભાઈ ઘુઘળવાના ઘરના ફળીયામાં ત્રણ સિંહો આવી ચડયાં હતાં. મનુભાઈના ઘરે મહેમાન તરીકે આવેલા ખાંભા તાલુકાના નિંગાળાના અસ્મિતાબેન (ઉ.વ. ૨૫) ઓસરીમાં સૂતા હતાં ત્યારે હલચલ થતાં તેણીએ આંખો ઉઘાડી જોયું તો ઓસરીમાં, ફળીયામાં અને ડેલીએ એમ ત્રણ સિંહો નજરે પડયાં હતાં. આ દ્રશ્ય જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેણીએ બીકના માર્યા રાડા રાડી કરતા એક સિંહે ખીલે બાંધેલા વાછરડાને દબોચી અરજણ વાઘેલાની વાડી સુધી ખેંચી જઈ મારણ કર્યું હતું. જયારે અસ્મિતબેનનો બચાવ થયો હતો. નોંધનીય છે કે, લોરની સીમમાં પંદરેક વર્ષ પહેલા બે સિંહનો વસવાટ હતો. હાલ આ પંથકમાં ૧૫ સિંહોનો વસવાટ થઈ ચૂક્યો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24243

No comments: