Tuesday, November 30, 2010

પક્ષી સૃષ્ટિના શ્રેષ્ઠ સિવિલ એન્જિનિઅર્.

જેમ મનુષ્યજીવનની મુખ્ય જરૃરિયાતો રોટી, કપડાં અને મકાન છે તેમ પંખીઓની મુખ્ય જરૃરિયાત ખોરાક ઉપરાંત રહેઠાણ ગણાવી શકાય. આપણાં સાહિત્યકારો ભલે લખે કે 'સાંજ પડે અને પંખીઓ પોતપોતાના માળામાં પાછા ફરે છે' કે 'પંખીઓ માળામાં રહે છે.' પરંતુ પક્ષીવિદ્દો આ વાતને નકારે છે. પક્ષીવિદ્દોના મતઅનુસાર પંખીઓ ઋતુગામી છે અને પ્રજનન ઋતુમાં માત્ર પોતાના ઈંડાને સેવવા પૂરતો જ માળો બાંધે છે. પંખીની કેટલીક જાતોમાં નરપંખી જ માળો બાંધે છે જ્યારે અમુક જાતોમાં નર અને માદા બંને સાથે મળીને માળો બાંધે છે.
આપણે ભલે તેવું માનતા હોઈએ કે મનુષ્ય જ કુશળ બિલ્ડર છે અને બાંધકામ ઈજનેરી કૌશલ્યના નમૂનારૃપ સુંદર ઘરો બનાવી જાણે છે. પણ એવું નથી. કેટલાંક પંખીઓ પણ પંખી જગતના શ્રેષ્ઠ બિલ્ડર છે. આ પંખીઓ પોતાના માળા એટલા સુંદર બનાવે છે કે એમનું રચના કૌશલ્ય, એમની સ્થાપત્યકલા, એમની ઈજનેરી કુશળતાનો સાચો ખ્યાલ તો એમના માળાને પ્રત્યક્ષ જોઈએ ત્યારે જ આવે. તેમ છતાં આવા પક્ષીજગતનાં કેટલાક શ્રેષ્ઠ બિલ્ડર પંખીઓ વિશે આજે વાત માંડવી છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર પંખી સૃષ્ટિમાં સુગરી (Baya weaver) એ ઉત્તમ માળા ઈજનેર ગણાય છે. માળો બનાવવાની કુશળતા અને કલામાં સુગરીને કોઈ ન પહોંચે. ચોમાસા સિવાય સામાન્ય ચકલી જેવું લાગતું આ પંખી ચોમાસામાં જેવી તેની પ્રજનન ઋતુ શરૃ થાય કે નરનું માથું અને છાતી પીળો રંગ ધારણ કરે. ગળું અને કર્ણપ્રદેશ ઘેરો કથ્થાઈ રંગ ધારણ કરે. ચોમાસામાં લીલા તાજા ઘાસના સેંકડો તણખલાં એકઠાં કરી લાવીને નરસુગરીની ટોળી સાથે મળીને નિરાંતે માળો ગૂંથે. નદી, તળાવ કે કૂવાના કાંટા પર ઝૂકતી હોય તેવી કાંટાળા વૃક્ષની ડાળી પસંદ કરી તેના પર માળો બાંધવાનું શરૃ કરે. ઘાસના લીલા તણખલા, કૂણા પાન વગેરેને ગૂંથતા જાય અને ચીઈઈ... ચીઈઈ... ના મધૂર કલરવ સાથે ઉત્તેજનામાં પાંખો ફફડાવતા સમૂહમાં ગાયા કરે. દરેક નર પોતાનું માળો ગૂંથવાનું કૌશલ્ય દેખાડી માદાને રીઝવવા પ્રયત્ન કરે. જો માદા માળાનો સ્વીકાર કરી તેના પર બેસે તો જ બધા નર તે માળો પૂરો કરે. જે નરના ગૂંથણી કૌશલ્યથી માદા પ્રસન્ન થઈ હોય તે નર સાથે માદા સંવનન કરે અને બેથી ચાર સફેદ ઈંડા મૂકે. સુગરીનો માળો તો બધાએ જોયો જ હશે. લટકતા ચંબુ આકારનો, નીચે તરફ લાંબો નળાકાર દરવાજો હોય. ચંબુ આકારમાં ત્રણથી ચાર ખંડો હોય. ઈંડા મુકવાના કક્ષ પાસે ઘૂમ્મટમાં ભીની માંટી ચોંટાડવામાં આવે જેમાં માદા ઈંડા મૂકે.
માળો ગૂંથવાની આગવી કલા માટે દરજીડો (Tailor-Bird) પણ પ્રખ્યાત છે. ચપળ, નાનું, લીલાશ પડતા પીળા રંગનું આ ઠસ્સાદાર પંખી ઝાડ કે છોડના એકથી ચાર પાન લઈ તેની ધારને વનસ્પતિના રેસા કે તાંતણાથી એક સરખું માપ રાખીને એવા સરસ ટાંકા લે કે જાણે કોઈ કુશળ દરજી એ સિલાઈ ન કરી હોય! વળી, સિવેલા ટાંકા સરકી ન જાય તે માટે છેલ્લા ટાંકા પાસે દોરાને બરાબર ગાંઠ મારે. આ રીતે ચાર પાંદડાની થેલી સીવી તેમાં વચ્ચે રૃ, વાળના ગૂંચડા, નાના-નાના પીંછા વગેરે વસ્તુઓ એકઠી કરી લાવી તેની સુંવાળી ગાદી બનાવે. જેમાં તેની માદા આસમાની ધોળા ભૂરાશ પડતા રાતા છાંટણાવાળા ૩ થી ૪ ઈંડા મૂકે. બહુજ સ્ફૂર્તિલું અને આનંદી પંખી. પ્રજનન ઋતુમાં નરની પૂંછડીના બે પીંછા વચ્ચેથી બહાર નીકળી ઊંચા થતા જોવા મળે.
પાતળા બાંધાનું લાંબી પૂંછડીવાળું ઘેરા રાખોડી રંગનું સ્ફૂર્તિલું પંખી એટલે ફડક ફુત્કી (Ashy Prinia) ખેતરના શેઢે, વાડ, જળાશયોના ચીયામાં કે ઘાસના બીડમાં લપાતું-છૂપાતું ફરે. હરતાં-ફરતાં લાંબી પૂંછડી આમતેમ હલાવ્યા કરે અને ઉત્સાહપૂર્વક તુલ્વી-તુલ્વી-તુલ્વી... એવું સતત બોલ્યા કરે. તેથી જ તેનું નામ પડયું ફડક ફુત્કી. માર્ચથી સપ્ટેમ્બર તેની પ્રજનન ઋતુ ગણાય પરંતુ મોટે ભાગે વરસાદ પડી ગયા પછી માળો બાંધે. માળા બે-ત્રણ પ્રકારે બનાવી જાણે. એક તો દરજીડાની જેમ બે-ત્રણ પાંદડા સીવીને, બીજું પાંદડાની આજુબાજુ સાંઠીઓને ગોઠવીને લંબગોળ માળો બનાવે તો ક્યારેક માત્ર સળીઓનો જ માળો ગૂંથે. જેમાં તેની માદા ૩-૪ લાલ-કાળાં ટપકાંવાળા ઈંડા મૂકે. પ્રજનન ઋતુમાં ખૂબ મીઠું ગાય અને સાથે બુલંદ સિસોટી જેવા અવાજ કરે.
માત્ર શ્વેત-શ્યામ રંગ ધરાવતું અને આકર્ષક દેહલાલિત્યનું માલિક પ્રકૃતિનું ખૂબ લાડકવાયું પંખી તે દૂધરાજ. (Asian Paradise flycatcher). બાગ-બગીચા અને વૃક્ષની ઘટાઓમાં નિવાસ કરતા દૂધરાજની પ્રજનન ઋતુ ફેબુ્રઆરીથી જુલાઈ ગણાય. આ ઋતુમાં જમીનથી ૨-૫ મીટરની ઊંચાઈ પર ઝાડની મજબૂત ડાળી પર કે ગીચ ઝાડીઓમાં ઘાસના ઝીણાં તણખલા અને રેષાઓ ગૂંથીને કપ જેવો સુંદર માળો બનાવે. જેમાં તેની માદા ૩-૫ આછા ગુલાબી અને ભૂરા છાંટણાવાળા ઈંડા મૂકે. તેની લોંકી અને ગુંલાટ મનમોહક. એક ડાળથી બીજી ડાળ પર ખૂબ નજાકતથી ઊડાન ભરતા દૂધરાજને નિહાળવો તે લ્હાવો ગણાય.
જળાશયોની આસપાસ નિવાસ કરતું માટીમાંથી માળો બનાવતું અદ્ભુત પંખી તે તારોડિયું (wire-tailed swallow) ગરદન સહિત ઉપરનો ભાગ ઘેરા ચળકતા વાદળી રંગનો પણ માથું કથ્થાઈ. નીચેનું આખું શરીર ચળકતા સફેદ રંગનું. પાંખો લાંબી અને પૂંછડી ખાંચાવાળી. પૂંછડીના બહારની તરફના પીંછા વાયર જેવા લાંબા. તેથી જ અંગ્રેજીમાં તેને wire-tailed bird તરીકે ઓળખાય. સામાન્ય રીતે માર્ચથી સપ્ટેમ્બર તેની પ્રજનન ઋતુ. તેમ છતાં આખું વર્ષ અનુકૂળતા મુજબ ગમે ત્યારે પાણીની નજીકની દિવાલ પર ગારા કે માટીનો અડધા વાટકા જેવા આકારનો ચોંટાડેલો માળો બાંધી તેમાં પીંછાની સુંદર ગાદી કરે. જેમાં તેની માદા ૩ થી ૫ સફેદ ઈંડા મૂકે. પાણીની સહેજ ઊંચે, સામા પવને ખાંચાવાળી સુંદર પૂંછડીનો પંખો બનાવીને સમૂહમાં ઊડતાં તારોડિયા ઉઠવામાં કુશળ. આનંદ પૂર્વક ધીમું, મીઠું ચીટ... ચીટ... ચીટ એવું બોલ્યા કરે.
મૂળ દક્ષિણ ભારતનું પણ ઉનાળાની મધ્યમાં માત્ર પ્રજનન અર્થે ગુજરાતનું મહેમાન બનતું વિવિધ ચમકદાર રંગોનું સુંદર પંખી તે નવરંગ (Indian Pitta). કુદરતે ખૂબ નિરાંતવા જીવે બધાં જ રંગોને પાસે રાખીને નવરંગને ઘડયું હોય તેમ જણાય છે. માથું મોટું બદામી, વચ્ચે કાળો પટ્ટો. નેણ સફેદ, પીઠ લીલી, ઢીંઢું વાદળી, પૂંછડી કાળી પણ છેડેથી આછી વાદળી અને પાંખો કાળાશ પડતી લીલી. જેમાં સફેદ ચાઠું જે ઊડે ત્યારે દેખાય. ખભો લીલા વાદળી રંગનો. દાઢી અને ગળું સફેદ. શરીરનો નીચલો ભાગ બદામી. બે પગ વચ્ચેથી પૂંછડી સુધીનો રંગ સિંદૂરિયો ચળકતો. ચાંચ નારંગી-બદામી, પગ ઘઉંવર્ણા. ખૂબ સૌંદર્યવાન હોવાને કારણે ગુમાની હોવાથી થોડું ઝઘડાખોર પણ ખરું. સામાન્ય રીતે એકલ-દોકલ જોવા મળે. મે મહિનો શરૃ થતાં જ દક્ષિણ ભારતમાંથી ગુજરાતમાં આવે. નીચા ઝાડની ડાળીઓમાં ઘાસ, સૂકાપાન, મૂળિયા વગેરે ગોઠવીને મોટા દડા જેવો માળો બાંધે. જેમાં એક તરફ દરવાજો રાખે. જેમાં આછા જાંબુડી ટપકાંવાળા સફેદ ઈંડા મૂકે. ચોમાસું ગાળી, બચ્ચા ઉછેરી ઓગષ્ટ માસમાં ફરી દક્ષિણ ભારત તરફ પ્રસ્થાન કરી જાય.
દેશના અન્ય વિસ્તારોમાં ખૂબ જોવા મળતો રાખોડી ચિલોત્રો (Indian Grey Hornbill) ગુજરાતમાં દૂર્લભ ગણાય છે. બેડોળ આકાર ધરાવતું બદામી-રાખોડી રંગનું આ મોટું પંખી ઘાટી વનરાજીમાં જ નિવાસ કરે છે. એપ્રિલથી ઓગષ્ટ તેની પ્રજનન ઋતુ ગણાય છે. આ ઋતુમાં માદા પીંછા ખેરવી નાખી સાવ બોડકી બની જાય અને મોટા વૃક્ષની બખોલમાં ઘૂસી જાય. માત્ર ચાંચ પ્રવેશી શકે તેટલી જગ્યા રાખી નર ચિલોત્રો આ બખોલને કાદવ, માટી કે પોતાની ચરકથી છાંદી દે. જાતે વહોરેલી કેદ દરમિયાન માદા ૨ થી ૪ સફેદ ઈંડા મૂકે. માદા માટે ખોરાકની વ્યવસ્થા નર કરે. બચ્ચાં થયા બાદ માદા જાતે માળો તોડી બહાર આવે. ફરી માળો પહેલા જેવો જ છાંદી દઈ, નર-માદા બંને બચ્ચા માટે ખોરાક શોધી લાવી બચ્ચાને પોષે.
નમણો દેહ, ચપળ રીતભાત અને મીઠો અવાજ ધરાવતું ગુજરાતમાં ખૂબ જોવા મળતું પંખી તે નાનો પતંરગો (Small Bee-eater) હવામાં ઊડતી નાની-મોટી જીવાતો જેવી નજરે ચડે કે તરત જ ચાંચમાં પકડી લઈને વીજળીના તાર પર કે ઝાડની ડાળી પર નિરાંતે બેસી જાય. જીવડાંને તાર કે ડાળી સાથે ડાબી-જમણી બાજુ અથડાવી-અથડાવીને અધમૂવું કરી નાંખે અને પછી ગળી જાય. ચમકતો લીલો રંગ, માથું અને ડોક સોનેરી ઝાંયવાળા રતુંબડા, ગળે કાળો કાંઠલો અને લાલચોળ આંખો ધરાવતું આ પંખી ખૂબ નમણું છે. ફેબુ્રઆરીથી મે માસ તેની પ્રજનન ઋતુ ગણાય છે. નદીની ભેખડો કે કુવાની પોચી દિવાલમાં જ્યાં ઊંડા દર બનાવી શકાય ત્યાં એકાદ મીટરથી પણ વધુ ઊંડાઈની સુરંગ બનાવીને સમૂહમાં પ્રજનન કરે છે. સુરંગના છેડે મોટો ગોળ દડા જેવો કક્ષ બનાવી તેમાં માદા ૩ થી ૭ સફેદ ઈંડા મૂકે છે. પતરંગા સવારે ખૂબ મોડે સુધી સુવે છે. અન્ય પંખીઓની સરખામણીમાં ખૂબ ઉંઘણશી છે.
ંઅંતે, માનવ હોય કે પંખી જીવન વ્યતિત કરવા માટે દરેકે આવશ્યકતાઓની પૂર્તિ તો કરવી જ પડે છે. આપણી પાસે તો મકાન બાંધવા સિવિલ એન્જિનિયર્સ, આર્કિટેકચર્સ, કડિયા, કોન્ટ્રાક્ટર આ બધાની મોટી ફોજ છે. જ્યારે પંખીઓ... તેમને તો પોતાના માળાના બાંધકામ માટે ‘All in one ' ખૂદ પોતાની જાત પર જ આધાર રાખવો પડે છે. આખરે કુદરત સૌને પોતાની જરૃરિયાતનું કામ તો શીખવી જ દે છે અને એ પણ કેટલી કલા-કારીગરી પૂર્ણ... બરાબરને ?
- મીતા એચ. થાનકી
Source: http://www.gujaratsamachar.com/20101130/purti/science/sci4.html

રક્તચંદન નિકાસ કૌભાંડ, કસ્ટમ્સ એક્સાઈઝના બે સુપ્રિ.ની સંડોવણી.

રાજકોટ તા.૨૮
મુંદરા પોર્ટ પરથી મમરા અને વેફર ભરેલા હોવાના નામે દુબઈ નિકાસ કરવામાં આવેલા કન્ટેનરમાંથી રૂ.૪ કરોડની કિંમતના રકતચંદનનું લાકડું ઝડપી લીધા બાદ નિકાસકાર નિલેશ સીયાણીની ઘરપકડ કરવામાં આવી છે. આ ગેરકાનુની કામ કરવા માટે ભૂજ એકસાઈઝ રેન્જના સુપ્રિ. મુંદરા કસ્ટમ્સના સુપ્રિ.તથા એક પ્રોબેશન ઈન્સ્પેકટરને રૂપિયા આપ્યા હોવાનું નિલેશે સ્ફોટક સ્ટેટમેન્ટ આપતા ખળભળાટ મચી ગયો છે.
  • એક ઈન્સ્પેકટર પણ સંડોવાયેલો : હજુ પણ તોળાતી વધુ ધરપકડ
મુંદરા પોર્ટ પર શીપીંગ એજન્ટના માણસ એવા દક્ષિણ ભારતીય શખ્સ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવતી હતી. બંને સુપ્રિ.રાજકોટ એકસાઈઝ કમિશનોરેટના હોવાથી આ પ્રકરણમાં ડી.આર.આઈ.ટુંકસમયમાં ધગધગતો રિપોર્ટ પેરેન્ટ કમિશનોરેટ આપશે તેમ જણાઈ રહ્યુ છે.ગાંધીધામ ડી.આર.આઈ. દ્વારા જયારથી રકતચંદનના લાકડાના કન્ટેનરને ઝડપવામા આવેલ છે ત્યારથી સંદેશ દ્વારા આ સ્ટફ કન્ટેનરમાં એકસાઈઝ અને કસ્ટમ્સના અધિકારીઓની મીલીભગત હોવાનું અહેવાલ આપવામા આવતા હતા તે અઃક્ષરશ સાબિત થઈ રહ્યુ છે. ડી.આર.આઈ. દ્વારા જેલહવાલે કરવામાં આવેલ નિલેશ સીયાણીની ઘરપકડ કરવામા આવ્યા બાદ તેણે ડી.આર.આઈ.સમક્ષ જણાવેલ છે કે, આ પ્રથમ શીપમેન્ટ નથી. આ પહેલા પણ સાત શીપમેન્ટ થઈ ચૂકયા છે. દર વખતે ફેકટરી સ્ટફીંગ કરવામાં આવતું હતું. પ્રિ-પ્લાન મુજબ તમામ કાર્યવાહી પુર્ણ કરવામા આવતી હતી. સૌ પ્રથમ ભુજ એકસાઈઝ રેન્જના સુપ્રિ.ને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતાં. તેમનો ઈતિહાસ પણ ખરડાયેલો છે. કેમ કે,  આ પહેલા પણ જયારે તેઓ કાસેઝમાં ફરજ બજાવતા હતા ત્યારે સી.બી.આઈ. દ્વારા તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કોઈના આર્શીવાદથી કે, ગમે તે રીતે છેલ્લા આઠ વર્ષથી માત્ર કચ્છમાં જ ફરજ બજાવી રહ્યા છે. ખરડાયેલો ઈતિહાસ હોવા છતાં તેમને સેન્સેટીવ મનાતી ભુજ રેન્જમાં પોસ્ટીંગ કેમ આપવામા આવ્યું તે પણ એક તપાસનો વિષય છે.
ભુજ રેન્જ સુપ્રિ.સાથે સેટીંગ થઈ ગયા બાદ ડીપાર્ટમેન્ટ માટે નવા નિશાળીયા મનાતા એવા પ્રોબેશન પર રહેલા ઈન્સ્પેકટરને કામગીરી કરવાની હતી અને તે પણ ગાંધીછાપના કારણે વિના સંકોચે કામગીરી પુર્ણ કરી દેતો હતો. કન્ટેનર સીલ કરવામા આવ્યા બાદ સીધું જ મુંદરા જતું હતું. જયાં પણ રાજકોટ કમિશનોરેટમાંથી કસ્ટમ્સમાં ડેપ્યુટેશનમાં ગયેલા સુપ્રિ. દ્વારા કાંઈ પણ વિચાર કર્યા વગર સીધો લેઈટ એક્ષપોર્ટ ઓર્ડર(એલ.ઈ.ઓ.) આપી દેવામાં આવતો હતો. ત્યારબાદ શીપીંગ એજન્સીમાં કામ કરતા અને બહું ટુંકાસમયમાં લાખો રૂપિયામાં આળોટવા માંડેલા દક્ષિણ ભારતના શખ્સ દ્વારા કન્ટેનરને જહાજમાં લોડ કરવામા આવતું હતું.આ કામગીરી કરવા માટે તેને ખોબલા મોઢે રૂપિયા આપવામા આવતા હોવાનું જાણવા મળેલ છે.એક રીતે જોઈએ તો નિકાસકાર કરતા અધિકારીઓની જવાબદારી પ્રથમ ફીકસ થાય છે કારણ કે જેમના શીરે ગેરકાનુની કામ રોકવાની જવાબદારી છે તેઓ દ્વારા જ જો આર્િથક લાભ માટે થઈને કામ કરે તો પ્રથમ તેઓ સામે કડક પગલા લેવા જરૂરી બને છે.
ડી.આર.આઈ.દ્વારા ટુંકસમયમાં સંડાવાયેલ એકસાઈઝ-કસ્ટમ્સના સ્ટાફ બાબતે રાજકોટ એકસાઈઝ કમિશનોરેટને રિપોર્ટ કરવામા આવનાર છે અને ત્યારબાદ રાજકોટ એકસાઈઝ કમિશનર દ્વારા ખાતાકીય પગલા લેવામાં આવશે
આ પહેલા સાત કન્ટેનર નિકાસ થઈ ચુકયા છે
રાજકોટ તા.૨૮
ડી.આર.આઈ.દ્વારા દુબઈથી પરત મંગાવવામા આવેલ ભુજની નિકાસકાર પેઢીના મમરા અને વેફરના કન્ટેનરમાંથી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.૪ કરોડનું રકતચંદનનું લાકડું ઝડપાયા પહેલા સાત કન્ટેનર મુંદરા પોર્ટ પરથી નિકાસ થઈ ચુકયા હોવાનું જેલહવાલે કરવામા આવેલ નિલેશ સીયાણી દ્વારા ડી.આર.આઈ.ને આપેલા નિવેદનમાં જણાવેલ છે.ત્યારે ડી.આર.આઈ.દ્વારા અગાઉ કોની સાથે નાણાકીય વ્યવહાર કરીને પ્રતિબંધિત લાકડાની નિકાસ કરવામા આવી હતી તેની તપાસ કરવામા આવી રહી છે કે પછી અગાઉના શીપમેન્ટમાં પણ એકસાઈઝ-કસ્ટમ્સના સ્ટાફને વિશ્વાસમાં લઈને કામ કરવામા આવ્યું હતું
નિલેશ સીયાણી દ્વારા ભુજની સંસ્થાને રૂ.૫૦ લાખનું દાન
રાજકોટ તા.૨૮
રકતચંદનના લાકડાની દાણચોરી કરવાના કેસમાં ડી.આર.આઈ.એ જેલહવાલે કરેલા ભુજના માધાપરના નિકાસકાર નિલેશ સીયાણી દ્વારા ભુજની એક સંસ્થાને ચેરેટી કામ માટે રૂ.૫૦ લાખ રોકડાનું દાન આપવામા આવેલ હોવાનું જાણવા મળેલ છે.જોકે ડી.આર.આઈ.ને આ બાબતમાં ઓછો રસ છે કારણ કે આ મામલો આવકવેરાનો છે એટલે કદાચ આવકવેરાને જાણ કરવામા આવશે અથવા તો આવકવેરા,એકસાઈઝ અને કસ્ટમ્સની આર.ઈ.સી.ની મીટીંગમાં આ મુદાની ચર્ચા કરવામા આવશે તેમ જાણકાર વર્તુળો જણાવી રહયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242366

ગીર જંગલમાં સફાઈ અભિયાન, ૧ ટન પ્લાસ્ટિક એકત્ર કરાયું.

જૂનાગઢ, તા.૨૯
હાલમાં પ્રવાસની મોસમ ખિલી છે. અને ગિર જંગલમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે જંગલમાં વન્યપ્રાણીઓ અને પર્યાવરણ માટે ખતરારૂપ એવા પ્લાસ્ટિકના કચરાને સાફ કરવા માટે વનવિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ છ કલાક જેટલા સમયમાં એકાદ ટન પ્લાસ્ટિક જંગલના રસ્તા પરથી એકત્ર કરાયું હતું.
  • વાણીવાવ નાકાથી સાસણ સુધી ૧ર કિ.મી.નો રસ્તો સાફ કરાયો
ગિર જંગલમાં અત્યારે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને પ્રવાસીઓ દ્વારા જંગલમાંથી પસાર થતા રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના રેપર ફેંકવામાં આવ્યા હોય છે. આ પ્લાસ્ટિક વન્ય પ્રાણીઓ અને પર્યાવરણ માટે ખતરારૂપ સાબિત થાય છે. પરિણામે ગિર પશ્ચિમ વનવિભાગના ડી.સી.એફ. આર.ડી.કટારાના નેજા હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા આર.એફ.ઓ. કુરેશી સહિતના વનવિભાગના કર્મચારીઓ તેમજ સ્થાનિક હોટલના કર્મચારીઓ પણ જોડાયા હતાં.
ગિર જંગલમાં વાણીયાવાવ નાકાથી શરૂ થતા રસ્તા પર સવારે ૮ કલાકે સફાઈ અભિયાન શરૂ કરાયા બાદ બપોરે ર વાગ્યા સુધીમાં સાસણ સુધીના ૧ર કિ.મી.ના રસ્તા પરથી સફાઈ કરવામાં આવી હતી. અને જંગલમાંથી આશરે એકાદ ટન પ્લાસ્ટિક ટેમ્પો ભરીને એકત્ર કરાયું હતું. ખાસ કરીને વેફર તથા અન્ય વસ્તુઓના રેપર તેલની વાસથી આકર્ષાઈને વન્ય પ્રાણીઓ ખાઈ જતા હોવાથી તેનાથી પ્રાણીઓના મોત નિપજતા હોય છે. તેમજ જંગલને પણ આ પ્લાસ્ટિક મોટી હાની પહોંચાડે છે. માટે પ્રવાસીઓને પણ જંગલમાં પ્લાસ્ટિક ન ફેંકવા માટે વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242605

Monday, November 29, 2010

ધારી આસપાસ વૃક્ષોનો સોંથ છતાં જંગલખાતાનું મૌન.

ધારી, તા.૨૭
ધારી જંગલખાતાને પ્રેમપરા આસપાસના વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યાની  જાણ જંગલખાતાને કરવા છતાં કોઈ પગલા લેવામાં  ન આવતા  પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને  ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની  ચિમકી ઉચ્ચારાઈ છે.
  • વનપ્રેમીની પગલા ન લેવાય તો આંદોલનની ચિમકી
ગીરનું નાકુ ગણાતા ધારીના પ્રેમપરામાં  સાતેક વર્ષથી વૃક્ષોની સેવા કરતા વન પ્રેમી ભીખુભાઈએ આ વિસ્તારમાં કિમતી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યાની જાણ વનસંરક્ષક, મામલતદાર તેમજ  તાલુકા વિકાસ અધિકારીને કરી હતી અને આવી રીતે કૂદરતી સંપતીને લૂંટનારા સામે પગલા લેવા માંગ મુકી હતી  પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં  ન આવતા તેમજ અધિકારીઓએ આંખ આડા કાન કરતા  વનપ્રેમી ભીખુભાઈ જાદવે   ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલુકામાં ગીર તરફના વિસ્તારમાંથી વૃક્ષો સતત ઓછા  થઈ રહ્યા છે  અને તેના કારણે પ્રાણીઓ  તેમના કૂદરતી રહેઠાણને બદલે વાડીઓમાં ધામા નાખે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242184

...તો લોકો મેદાને ઉતરશે.

અંધાત્રી (માંડવી), તા. ૨૮
વન વિભાગના અથાગ પ્રયાસો બાદ તાજેતરમાં દીપડીનાં બે બચ્ચાં તથા શનિવારના રોજ ભાતખાઈમાં એક દીપડો પકડાવા સિવાય ઝાઝી સફળતા મળી નથી. હંમેશાં સાથે રહેતું ગ્રામજનોનું ટોળું આ સર્ચ ઓપરેશનમાં બાધક હોવાનું જણાવી આર.એફ.ઓ.એ બે દિવસ ગ્રામજનોને સ્થળથી દૂર રહેવા સૂચના આપી હતી. વન વિભાગની ચેતવણી અને સૂચનાને ધ્યાને લઈ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે, આપણે બે દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ વન અધિકારી સાથે દીપડો પકડવા જવું નહી, પરંતુ જો બે દિવસમાં વન વિભાગ દીપડો પકડવામાં નિષ્ફળ જશે તો ગ્રામજનો દીપડાને પકડવા મેદાનમાં ઉતરશે, એવી સામી ચેતવણી ગ્રામજનોએ વન વિભાગને આપી દીધી હતી.
  • લોકોના ટોળાંને લીધે ફાયરિંગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે : વન વિભાગ
  • બે દિવસ ગ્રામજનોને સર્ચ ઓપરેશનથી દૂર રહેવા વન વિભાગની ચેતવણી
માંડવી તાલુકામાં આતંક મચાવનાર ત્રણથી વધુ માનવભક્ષી દીપડાને જીવતા કે મરેલા પકડવા સરકારે ફાયરિંગનો આદેશ આપી દીધો છે. હાલમાં વન કર્મચારીઓ વરેલી ગામ નજીક દીપડાને પકડવા ઠેરઠેર બકરીના મારણ ગોઠવી માંચડા પર બંદૂક લઈ તૈનાત જોવા મળી રહ્યા છે. દીપડાનેે પકડવા સતત વોચમાં રહેલા વન કર્મચારીઓને આ માનવભક્ષી દીપડા રીતસરના મથાવી રહ્યા છે. દીપડાને પકડવા જંગલ ખાતાએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન હેઠળ પાંજરા, શૂટરો અને સ્ટ્રેકરની ગોઠવણ કરી છે. વન વિભાગની કામગીરી બાબતે સબ ડી.એફ.ઓ. ડી.એસ.ચૌધરીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, અહીં લોકો જ અમને નડી રહ્યા છે. આખો દિવસ લોકોનું ટોળું અમારી સાથે રહેતા દીપડાને સહેલાઈથી પકડી શકાતો નથી તેમજ ફાયરિંગ કે અન્ય હથિયારોનો ઉપયોગ કરી શકાતો નથી. ગ્રામજનો બે દિવસ આ સર્ચ ઓપરેશનથી દૂર રહે તો  દીપડાને ઝબ્બે કરવામાં સફળતા મળી શકે તેમ છે. આરએફઓ રાજપૂતે જણાવ્યું હતું કે, આક્રમક બનેલા દીપડાને પકડવા હવે વન વિભાગે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ગામડાના હજી અંદરના ભાગે માચડા બનાવી શૂટરો આખો દિવસ તેમજ રાત્રિના સમયે તૈનાત રહીને બાજનજર રાખી રહ્યા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ અવારનવાર સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વન વિભાગે દીપડાને પકડવા કરેલા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ચાર ચાર વ્યક્તિઓને ભરખી જનાર દીપડાઓને પકડવા વન વિભાગ વામણો પુરવાર થતા ચોમેરથી વન વિભાગ સામે ફીટકાર વરસી રહ્યો છે. હાલમાં ગામના ખેડૂતો ખેતરોમાં જતા કે દૂર કોેઈ કામ અર્થે એકલા જતા દરે છે, કારણ કે દીપડો ગમે ત્યારે હુમલો કરે છે જેથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.
વન વિભાગ નિષ્ફળ જશે તો ગ્રામજનો આગળ આવશેઃ સરપંચ
અંધાત્રી (માંડવી): માંડવી તાલુકાના વરેલી ગામે વન વિભાગના કર્મચારીઓ સાથે ફરતું રહેતું લોકોનું ટોળું દીપડાને પકડવા અવરોધક બનતું હોવાનું સબ આરએફઓએ જણાવી લોકોને બે દિવસ દૂર રહેવા અપીલ કરી હતી, જેને પગલે ગામના સરપંચ ધનસુખભાઈએ અત્રે સંદેશ સાથેની મુલકાતમાં જણાવ્યું હતું કે, વન વિભાગની ચેતવણી અને સૂચનાને ધ્યાને લઈ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે, આપણે બે દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ વન અધિકારી સાથે દીપડો પકડવા જવું નહી, પરંતુ જો બે દિવસમાં વન વિભાગ દીપડો પકડવામાં નિષ્ફળ જશે તો ગ્રામજનો દીપડાને પકડવા મેદાનમાં ઉતરશે, એવી સામી ચેતવણી ગ્રામજનોએ વન વિભાગને આપી દીધી હતી. હવે એ જોવું રહ્યું કે, વન વિભાગ બે દિવસમાં દીપડાને પકડવા કેટલો સફળ થાય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242443

વડાળબીડના ગેરકાયદે લાયન શોમાં મારણ તરીકે ગૌવંશનો ઉપયોગ.

સાવરકુંડલા,તા.૨૮
સાવરકુંડલાની વડાળબીડ ખાતે છેલ્લા બે માસથી થતો ગેરકાયદે લાયનશો અને સાવજો ને ગૌવંશને મારણ તરીકે પીરસાતું હોવાના અહેવાલથી સાવરકુંડલાના અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ અને ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ સંયુકત રીતે આવેદનપત્ર પાઠવી યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
  • જવાબદારો સામે પગલાં લેવા ગૌસંવર્ધન ટ્રસ્ટની માગ 
સાવરકુંડલાના જંગલ વિસ્તાર અને નોર્મલ રેન્જમાં સાવજોનો વસવાટ વધુ છે અને આ સાવજો નિહાળવાના શોખીનો છેલ્લા એક-બે માસથી વડાળબીડના વડલી મંદિર ખાતે નાં બી.ટી.નાં થાંભલા પાસે ગૌવંશનું મારણ મુકતા હોવાના અહેવાલ અખબારોમાં પ્રસિધ્ધ થતાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી વનતંત્રની કામગીરીથી સાવરકુંડલા
અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના સભ્યો ખફા થયા છે અને જિલ્લાના ઉપપ્રમુખ દિલીપ જીરૂકા, ભાજપનાં મહામંત્રી હિમાંશુભાઈ ભટ્ટ, નાગરિક બેંકના ડિરેકટર પરાગભાઈ ત્રિવેદી સહિતનાએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કડકમા કડક પગલા લેવા માગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242345

અમરેલી જિલ્લામાં યાયાવરનું આગમન.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:26 AM [IST](28/11/2010
અમરેલી જિલ્લાનાં જળાશયો પર શિયાળાનાં આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે. ખાસ કરીને કુંજ કરકરાનાં મોટાં મોટાં ઝૂંડ દરિયાકાંઠે ઉતરાણ કરી રહ્યા છે. જે રીતે પક્ષીઓ આવી રહ્યાં છે તે જોતા આ વર્ષે પ્રવાસી પક્ષીઓની સંખ્યા ખૂબ જ મોટી રહેવાની ધારણા છે.
પ્રવાસી પક્ષીઓ માટે ખૂબ જ સાનુકૂળ માહોલ અમરેલી પંથકમાં જોવા મળી રહ્યા છે. ચોમાસુ સારું ગયું હોય જળાશયો પાણીથી છલોછલ છે. ઠંડીની પણ શરૂઆત થઇ ગઇ છે. જેના પગલે સાઇબીરિયાથી ઉડેલા વિદેશી મહેમાનો મહેમાનગતિ માણવા અહિં આવી પહોંચ્યા છે. હજારો કિમીની સફર પૂરી કરી અહિં પહોંચેલા મહેમાન પક્ષીઓ માટે શિકાર અને ખોરાકનો ભરપૂર ખજાનો હાજર છે.
હાલમાં અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના દરિયાકાંઠે સૌથી વધુ પ્રવાસી પક્ષીઓનું આગમન થઇ રહ્યું છે. ચાંચ-રામપર, ખેરા અને પટવાના દરિયાકાંઠે આ પક્ષીઓ મોટી સંખ્યામાં ઉતર્યા છે અહિં દરિયામાં આ પક્ષીઓના ખોરાકની ભરમાર છે. આ ઉપરાંત ધારી પંથકનાં જળાશયો, સલડીના તળાવ, અમરેલીના વડી ડેમ અને વડિયા ડેમ પર પ્રવાસી પક્ષીઓ જોઇ શકાય છે. ટૂંકાગાળામાં અમરેલીના કામનાથ ડેમ પર ફલેમિંગના ધાડેધાડા દર વર્ષની જેમ આવશે તેની ધારણા રખાઇ રહી છે.
જળપ્લાવિત પક્ષીઓની આ સંખ્યા આ વર્ષે નોંધપાત્ર રીતે વધી છે તે જોતા કહી શકાય કે ચાલુ સાલે વિક્રમી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ અમરેલી જિલ્લામાં આવશે. હાલમાં વૈયાના ટોળાં ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. આઠથી દસ જાતના બતક પણ નજરે પડે છે. જેને પ્રકૃતિ સાથે પ્રેમ છે તેમને માટે દ્રશ્યો મનભાવન છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-yayavar-came-in-amreli-district-1593875.html

જાળમાં ફસાયેલી વ્હેલને મુક્ત કરાઇ.

Source: Bhaskar News, Kodinar
- વન તંત્ર અને પ્રકૃતિ નેચર ક્લબનાં સભ્યો બોટ ભાડે કરી દરિયામાં પહોંચ્યા
સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ બંદરે જાળમાં ફસાયેલી વ્હેલ શાકઉ માછલીને વનતંત્ર તથા પ્રકૃતિ નેચર ક્લબના સભ્યો બોટ ભાડે કરી દરિયામાં પહોંચ્યા હતા અને ચાર ટનની વ્હેલને મુક્ત કરી હતી.
સુત્રાપાડા તાલુકાનાં ધામળેજના દરિયામાં માછીમારી કરતી દાઉદભાઇ ફકીરાભાઇ ભેસલીયાની માલીકીની સૈફર પીર વસીલા નામની બોટની જાળમાં વ્હેલ શાકઉ માછલી ફસાઇ ગઇ હતી.
આ અંગે જાણ થતાં વેરાવળ રેન્જ ફોરેસ્ટ અધિકારીની સુચનાથી ધામળેજ બીટ ગાર્ડ સલીમભાઇ ભટ્ટી અને પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશગીરી ગૌસ્વામી અને તેની ટીમે તાકીદે સુરજ દાનાર નામની બોટ ભાડે કરી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ત્યાં સાત જાળ કાપી ચાર ટન વજનની અને ૨૨ ફૂટ લાંબી વ્હેલ શાકઉને મુક્ત કરાવી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-wheel-fish-leave-from-net-1597145.html

દરિયાઇ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં.

Source: Bhaskar News, Jamnagar
- જૈવ સંસાધન, બાયોટેક્નોલોજી અને જૈવ વિવિધતા અંગે શરૂ થયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તજજ્ઞોએ વ્યક્ત કરેલી ચિંતા
સૌથી મોટો સાગરકાંઠો ધરાવતા ગુજરાતમાં કચ્છના અખાતના કાંઠાળ વિસ્તારોમાં વધતું ઔદ્યોગિકરણ તથા દરિયાઇ જીવસૃષ્ટિ અંગે સંશોધન અને જાગૃતિનો અભાવ દરિયાઇ જીવસૃષ્ટિ માટે ખતરા સમાન છે તેવી ચિંતા જામનગરમાં રવિવારથી શરૂ થયેલી જૈવ સંસાધન, બાયોટેક્નોલોજી અને જૈવ વિવિધતા અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.
જામનગર મરીન બાયોરીર્સોસ સેન્ટર દ્વારા વન વિભાગ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને જીએસબીટીએમના સહયોગથી શહેરમાં જૈવ સંસાધન, બાયોટેક્નોલોજી અને જૈવ વિવિધતા અંગે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારથી શરૂ થયેલી કોન્ફરન્સનું ઉદઘાટન ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઇસ ચાન્સલર ડૉ. એમ.એલ. શર્મા અને જીએસબીટીએમના એમડી એ. કે. સકસેનાએ કર્યું હતું.
કોન્ફરન્સના પ્રથમ સેસનમાં ચેન્નઇ ઝીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આસી. ડાયરેક્ટર ડૉ. વૈક્ટરમને ગુજરાતના દરિયામાં રહેલી વિવિધ જીવ સૃષ્ટિ અને પરવાળાની વસાહત અને તેને કરતા સમુદ્રના વાતાવરણ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતભરમાં ગુજરાતનો દરિયાકિનારો સૌથી મોટો છે અને તેમાં વિવિધ જાતની જીવ સૃષ્ટિઓ અને જૈવ વનસ્પતિઓ જોવા મળે છે. ખાસ કરીને ભારતના અંદમાન-નિકોબાર, ગલ્ફ ઓફ મન્નાર, ગલ્ફ ઓફ લક્ષિદ્વપ અને ગલ્ફ ઓફ કચ્છ કે જેમાં પરવાળાની સૌથી મોટી વસાહતો આવેલી છે.
આ ચાર પૈકીના ગલ્ફ ઓફ કચ્છમાં રહેલા પરવાળા કે જે ઠંડી અને ગરમી સાથે અનુકુલન સાધી પોતાનો વિકાસ કરે છે. જ્યારે અન્ય દરિયામાં રહેતા પરવાળા ગરમી અને ઠંડીની અંશત: વઘઘટમાં પણ મૃત્યુ પામે છે. તેમણે દરિયાકાંઠા વિસ્તારોમાં વધતા જતા ઔદ્યોગિકરણની સાથે દરિયાઇ જીવસૃષ્ટિના ક્ષેત્રમાં સંશોધનનો અભાવ, માછીમારોનું અજ્ઞાન અને લોકોમાં જાગૃતિનો અભાવ દરિયાઇ જીવસૃષ્ટિ માટે ખાસ કરીને પરવાળા માટે ખતરા સમાન હોવાનું જણાવ્યું હતું.
આટલું જ નહીં જો આ બાબતે જાગૃતિ નહીં આવે તો વિવિધ પ્રકારના પરવાળાની પ્રજાતિઓ લુ’ થશે અને આવનારી પેઢી માટે પરવાળા માત્ર ચિત્ર પુરતા સિમિત થઇ જશે. સમુદ્રી જીવસૃષ્ટિના સંરક્ષણ અને વિકાસ માટે કોન્ફરન્સનું આયોજન ખુબ જ સારી બાબત છે અને આ માટે વૈજ્ઞાનિકો, જીવપ્રેમીઓ, તજજ્ઞો અને સરકારે ગંભીરતાપૂર્વક વિચારણાની સાથે જુદી-જુદી ટેક્નોલોજીનો ઉપયોગ કરી પ્રદુષણ ઘટાડવું ખુબ જ જરૂરી બન્યું છે.
મરીન નેશનલ પાર્ક જીવસૃષ્ટિ માટે ઉત્તમ
જામનગર મરીન નેશનલ પાર્કના ડાયરેક્ટર આર.ડી. કમ્બોજે પ્રવચનમાં જણાવ્યું હતું કે, હાલમાં મરીન પાર્કમાં ૫૧ પ્રજાતિના પરવાળા તેમજ જુદી-જુદી દરિયાઇ વનસ્પતિ, માછલીઓ જોવા મળે છે. ખાસ કરીને મેન્ગ્રોવની સહિતની દરિયાઇ વનસ્પતિની વિવિધ પધ્ધતિથી જાળવણી કરવામાં આવતા તેનો વિકાસ વધ્યો છે. જો કે, ભુકંપ, વાવાઝોડુ, બ્લીચિંગ, મોસમમાં ફેરફાર સહિતના કુદરતી અવરોધોને કારણે સમુદ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિને નુકશાન થયું છે. આ ઉપરાંત હાલારના કાઠાંળ વિસ્તારોમાં વધતું ઔદ્યોગિકરણ, પોર્ટ અને જેટી, ટુરીઝમ, શીપયાર્ડ, સોલીડ ટ્રાન્સપોર્ટ તથા પ્રદુષણને કારણે પણ જીવસૃષ્ટિનો વિકાસ અવરોધાયો છે.
દરિયાઇ જીવસૃષ્ટિ અને વનસ્પતિ માનવી માટે આશીર્વાદરૂપ
ડૉ. વેંકટરમને જણાવ્યું હતું કે, દરિયામાં રહેલી મેન્ગ્રોવ સહિતની વનસ્પતિઓ અને પરવાળાની વસાહતો સુનામી જેવી દરિયાઇ આફતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી દરિયાઇ જીવસૃષ્ટિ અને વનસ્પતિનું સંરક્ષણ ખુબ જ જરૂરી હોવાનું તજજ્ઞોએ જણાવ્યુ હતુ.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-save-the-sea-life-and-growing-animal-1596608.html

રાજકોટમાં આવી પહોંચ્યા વિદેશી પક્ષીઓ.

Source: Bhaskar News, Rajkotદર વર્ષે ચોમાસા પછી હજારો માઇલનું આકાશી અંતર કાપીને આવતાં વિદેશી પક્ષીઓ આ વર્ષે પણ રાજકોટમાં આવી ગયા છે પરંતુ તેનું પ્રમાણ થોડું ઓછું છે તો સંખ્યા ઓછી દેખાવાનું અન્ય એક કારણ એ પણ છે કે પક્ષીઓના વસવાટ માટે અનુકૂળ એવી સાઇટો આ વર્ષે વધારે છે માટે આવી આવીને આ પક્ષીઓ વહેંચાઇ ગયાં છે.પક્ષીવિદ વિનોદ પંડ્યા કહે છે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સાધારણ રીતે સાઇબિરિયા,ઉત્તર અમેરિકા અને યુરોપથી વધારે સંખ્યામાં પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ આગમન શરૂ થઇ ગયું છે. આ વર્ષે પક્ષીઓ અગાઉની સરખામણીએ ઓછાં દેખાય છે તેના બે કારણો છે. એક તો એ કે હજી સુધી ગરમીનું પ્રમાણ યથાવત છે. નવેમ્બરમાં પણ પંખા ચલાવવા પડે છે.
બીજું એ કે દર વખતે આ પક્ષીઓને વસવા માટેની સાઇટ્સ મર્યાદિત હોય છે. એકા-બે ડેમ કે તળાવ પાસે તેમનો પડાવ હોય છે. પરંતુ આ વખતે પુષ્કળ વરસાદ પડ્યો છે. અનેક સ્થળે પાણીનો પ્રવાહ લાઇવ છે,વહેણ ચાલુ છે. હાઇ-વે પર કે જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં પણ હજી પાણી ભરેલું છે તેથી પૂરતી સંખ્યામાં પક્ષીઓ આવ્યાં હોવા છતાં તે અનેક સ્થળે વહેંચાઇ ગયાં હોય તેમ પણ બને.
ક્યા પક્ષી રાજકોટમાં આવે છે?
અહીં સૌથી વધારે પ્રમાણમાં ડેમોઝીલ ક્રીમ અને કોમન ક્રીમ એટલે કે કરકરો અને કૂંજ પક્ષી આવે છે. ઉપરાંત વિઝિયન, પોલનટીલ, પીનટીલ જેવી બતકો આવે છે. બતક જેવું જ દેખાતું શોવેલન પક્ષી પણ આવે છે. રફ અને રીવ નામની જોડીઓ ઊડી ઊડીને અહીં જળાશયોમાં મૂકામ કરે છે. રોઝી પેસ્ટર એટલે તે વૈયા તરીકે ઓળખાતા પક્ષી ઓગસ્ટમાં આવીને એપ્રિલમાં પરત જતા -સૌથી વધારે રોકાતા પક્ષીઓ છે.
બર્ડ વોચિંગની સાઇટો
રાજકોટ પાસે પણ અનેક સાઇટો છે જ્યાં પક્ષીવિદો અને પ્રકૃતપિ્રેમીઓ એકઠા થાય છે. ૧)રાંદરડા નર્સરી,૨)આજી ડેમ,૩)ન્યારી ડેમ,૪)ઇશ્વરિયાપોસ્ટ,૫) લાલપરી તળાવ એ સ્થળો છે જ્યાં અત્યારે આ પાંખાળા આગંતુકો જોઇ શકાય છે.
પ્રવાસનનું માધ્યમ બની શકે
અમદાવાદ પાસે નળસરોવર પક્ષી અભયારણ્ય જગપ્રસિધ્ધ છે તેવું રાજકોટમાં પણ થઇ શકે,કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે પરંતુ પ્રવાસન માટે બ્રોશર છપાવીને સંતોષ માને છે. જો આ સાઇટોને ડેવલપ કરે અને બર્ડવોચર્સ માટે વિવિધ કાર્યક્રમો કરે, સુવિધા આપે તો આ પાંચ સાઇટ નેચરલ ટુરિઝમનું કેન્દ્ર બની શકે તેમ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-rajkot-have-come-foreign-birds-1597255.html

Tuesday, November 23, 2010

ગીર ગાયનું બ્રાઝિલમાં શ્રેષ્ઠ સંવર્ધન અને સંરક્ષણ.

આણંદ - ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણ જયંતીના ઉજવણી વર્ષમાં દેવદિવાળીના સપરમા પર્વ પર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદ જિલ્લાના પેટલાદ ખાતે યોજાયેલા સ્વર્ણિમ પશુ આરોગ્ય મેળાનો શુભારંભ ગુજરાતનું ગૌરવ ગીર ગાયનું પૂજન કરીને કરાવ્યો હતો. પેટલાદના કાજીપુરા વિસ્તારના પશુપાલક દીપકભાઈ ભીખાભાઈ પટેલને તેમની ગીર ગાયનું મુખ્યમંત્રીના હસ્તે પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
ગીર ગાયના પૂજન બાદ મુખ્યમંત્રીએ સ્વર્ણિમ પશુ આરોગ્ય મેળામાં પશુ સારવારના સ્ટોલ્સની અદ્યતન અને આધુનિક તબીબી સાધનો દ્રારા થતી સારવાર તથા ઔષધિઓના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ઉદ્દબોધનમાં ગુજરાતની ગીર ગાય પશ્ચિમ જગતના બ્રાઝિલ દેશમાં લઈ જઈને તેનું સંરક્ષણ અને સંવર્ધન કરતા ગુજરાતની ગીર ગાય કરતા વધુ સક્ષમ બની છે. ગીર ગાયની ઉત્તમ ઓલાદોના સંવર્ધનનું સંશોધન કાર્ય રાજ્ય સરકારે હાથ ધર્યું છે. આજે ગુજરાત કરતાં બ્રાઝિલમાં ગીર ગાયોની સંખ્યા વધી છે.
Source: http://www.gujaratsamachar.com/20101123/gujarat/kheda1.html

તાલાલામાં ૧.૮ના ભૂકંપ સાથે ત્રણ ઇંચ વરસાદ પડ્યો..

Source: Bhaskar News, Talala   |   Last Updated 1:59 AM [IST](23/11/2010)

એક તરફ ભૂકંપ બીજી તરફ કમોસમી વરસાદ
- જાયે તો જાયે કહાંની મૂંઝવણ અનુભવતા ગીરવાસીઓ
તાલાલા પંથકના લોકો માટે બેવડી કુદરતી આફત મુંઝવણરૂપ બની ગઈ છે ગીર પંથકમાં છેલ્લા દસ દિવસમાં ત્રીસથી વધુ ધરતીકંપનાં આંચકાથી ધરતી ધણધણી રહે છે. સાથે કમોસમી વરસાદ પણ ચાલુ રહેવા પામતા ગીર પંથકનાં લોકો માટે જાયે તો કહાં જાયે જેવી મુસીબત ભરી સ્થિતી બની છે.
તાલાલા સહિત ગીર પંથકમાં આજે સવારે ૪:૪૮ કલાકે ૧.૮ની તીવ્રતાનો વધુ એક ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો ગઈકાલથી ફરી ચોમાસા જેવો માહોલ સર્જાયો અને આજે ત્રણ ઈંચ વરસાદ ખાબકતા લોકો બેવડી આફતથી મુંઝવણમાં મુકાઈ ગયા છે. ગીરપંથકમાં થતી ભુસ્તરી હીલચાલથી આંચકાની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે. જેનાં લીધે ભયાનક ધરતીકંપ આવવાની સંભાવનાથી લોકો ચિંતાતુર બન્યા છે.
સાથે કમોસમી વરસાદ બંધ થવાનું નામ લેતો ન હોય કુદરતી આફતોથી લોકોનાં જીવ ઉચક થઈ ગયા છે. ગીર પંથકના લોકો કુદરતી આફત ટળે એના માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યાં છે.
ગીર પંથકમાં મોડી સાંજે પોણી કલાકમાં એક ઈંચ -
સાસણ, ભાલછેલ, હરિપૂર, ચિત્રાવડ સહિતનાં આસપાસનાં જંગલ વિસ્તારમાં સાંજે સાતથી પોણા આઠ સુધીમાં એક ઈંચ વરસાદ પડતા વોંકળામાં ભારે પાણી આવી જતા હરપિુરથી સાસણ રોડ બંધ થઈ ગયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-inch-rain-with-1-1576741.html

ગીરમાં સિંહણોનો પ્રસૂતિનો સમય ઢૂંકડો.

Source: Jayesh Gondiya, Una   |   Last Updated 1:51 AM [IST](22/11/2010)

>> જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની રંજાડ ઓછી થશે
ગીરના જંગલમાં આવતા અઠવાડિયામાં જ બાળ સિંહોનું ‘ઉંવા ઉંવા’ સંભળાવા લાગશે. ચોમાસાના સંવનનકાળ દરમિયાન ગર્ભવતી બની એ સિંહણોને પુરા દિવસો ચાલી રહ્યા છે. બે-ચાર દિવસમાં જ સિંહણોનો પ્રસૂતિનો સમય શરૂ થઇ રહ્યો છે. ડિસેમ્બરના અંત સુધીમાં તમામ સિંહણો બચ્ચાઓને જન્મ આપી દેશે અને તેના ત્રણ મહિના બાદ નવા સિંહ બાળોની ઉછળકુદ અને તોફાન મસ્તીથી જંગલ ફરી એક વખત હર્યું ભર્યું બની જશે.
વનખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ જન્મ આપવા માટે તૈયાર થઇ ગયેલી સિંહણો ધીમે ધીમે દેખાતી બંધ થઇ ગઇ છે. સિંહણ ગર્ભ ધારણ કર્યા બાદ ૯૫ થી ૧૦૫ દિવસે જન્મ આપે છે. એ સમય આવી પહોંચ્યો છે.
અમરેલીના ડી.એફ.ઓ. મનશિ્ર્વર રાજાના જણાવ્યા અનુસાર બચ્ચાંને જન્મ આપવા માટે સિંહણ અવાવરું-સલામત સ્થળે શોધે છે. બચ્ચાનો માણસો કે દીપડા, ઝરખ, શિયાળ જેવા અન્ય જંગલી પ્રાણીઓ શિકાર ન કરી શકે એવા સ્થળે સિંહણ બચ્ચાંને જન્મ આપે છે. જન્મ આપ્યા બાદ એક મહિના સુધી સિંહણ બચ્ચોની સાથેને સાથે રહે છે અને ત્યારબાદ ત્રણ-ચાર મહિના સુધી નજીકના સ્થળોએ જ શિકાર માટે જાય છે.
આ સંજોગોમાં ગીરના જંગલમાં ફરવા જતાં પર્યટકો માટે સિંહ દર્શન દુર્લભ બનશે. જંગલમાં સાવજો મોટી સંખ્યામાં જોવા મળશે. બીજું એક કારણ વરસાદ તથા ઠંડી છે. આવા વાતાવરણમાં સાવજો જંગલના બહાર ટહેલવા નથી નીકળતા. આ સંજોગોમાં ગીર જંગલ આસપાસના ગામડાઓમાં સિંહની રંજાડમાં થોડા સમય માટે રાહત રહેશે.
>> સિંહબાળોનો મોટો મૃત્યુ દર
સિંહણ પોતાના બચ્ચાઓને બચાવવા લાખ કોશિશ કરે તો પણ કુદરતનો ક્રમ થોડો ઘાતકી છે. સિંહબાળોમાં મૃત્યુ દર ખૂબ મોટો હોય છે. કેટલાંક સિંહબાળ બિમારીને કારણે મૃત્યુ પામે છે. કેટલાક કિસ્સામાં જે તે જુથનો નર સિંહ બચ્ચાંને મારી નાંખે છે જેથી સિંહણ ફરી હીટમાં આવે. સિંહણ શિકાર કરવા ગઇ હોય ત્યારે પાણી ભરેલા ખાડાઓમાં ડૂબી જવાને કારણે પણ કેટલાક સિંહબાળ મોતને શરણ થાય છે.
>> ગર્ભવતી સિંહણોને લોકેટ કરવાની કવાયત
સિંહણ સામાન્ય રીતે અવાવરૂ અને દુર્ગમ સ્થળે બચ્ચાંને જન્મ આપે છે. એ સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ તેમજ જોખમભર્યું હોય છે. જો કે ગર્ભવતી સિંહણો અંગે વનતંત્ર પાસે નક્કર માહિતી હોય છે. તેના આધારે સ્થાનિક સ્ટાફ દ્વારા આવી સિંહણોના લોકેશન શોધવા પ્રયત્ન કરવામાં આવે છે. સિંહણ કે તેના નવજાત બચ્ચાનું રક્ષણ કરવાના હેતુથી તંત્ર દ્વારા આ કવાયત કરવામાં આવે છે.
>> બચ્ચાવાળી સિંહણ હિંસક બની જાય છે
બચ્ચાને જન્મ આપ્યા પછી સિંહણની પ્રકૃતિમાં ફેરફાર થાય છે. બચ્ચાની સુરક્ષા માટે ચિંતિત રહેતી સિંહણ એક મહિના સુધી તો તેની સાથે જ રહે છે. બચ્ચા ત્રણ-ચાર મહિનાના થયા પછી જ માતા સાથે ફરવા નીકળે ત્યારે તેની પાસે જવાની હિંમત માનવી માટે જોખમી સાબિત થઇ શકે છે. બચ્ચાવાળી સિંહણ માનવી ઉપર હુમલો કરી શકે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-delivery-time-nearly-in-gir-1572515.html?HF=

દુર્લભ ઘટના : સિંહ-દીપડાએ એક જ મારણનું સહભોજન કર્યું.

Source: Bhaskar News, Una   |   Last Updated 12:51 AM [IST](23/11/2010)

- વન્ય પ્રાણી જગતની અચરજભરી, દુર્લભ ઘટના- ગીર જંગલની સરહદ પર આવેલા ખીલાવડ ગામની સીમમાં
વર્તમાન સમયમાં આપણે અનેક પ્રકારના આશ્ચર્યો અને કૌતૂકોનો અનુભવ કરી રહ્યા છીએ. ઋતુચક્ર ગરબડભર્યું બની ગયું છે. દિવાળી વીતિ ગઈ છતાં વરસાદ આવે છે. કચ્છના સૂકા ગામડાંઓમાં કાશ્મીર જેવી હિમવર્ષા થાય છે. જુદા જુદા વિસ્તારોમાં અચાનક જ ભૂગર્ભ ધડાકાઓ થવા લાગે છે.
પણ આ પરિવર્તન માત્ર હવામાન કે પર્યાવરણ પૂરતું જ મર્યાદિત નથી. પ્રાણી જગતમાં પણ આશ્ચર્યકારક ઘટનાઓ બની રહી છે અને એવી જ એક ઘટનામાં ઊનાના ખીલાવડ ગામની સીમમાં સિંહ અને દીપડાએ એક સાથે એક મારણની મજિબાની માણી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વન્યજીવ નિષ્ણાતોને માથું ખંજોળતા કરી દે એવી આ ઘટનાની વિગત એવી છે કે, ગીર જંગલની સરહદ પર આવેલા ખીલાવડ ગામની સીમમાં ભાંગતી ગતરાત્રે એક સાવજે બળદનો શિકાર કર્યો હતો. સવારે ખેડૂતો પોતાના વાડી ખેતરે જવા નીકળ્યા ત્યારે ખેડૂત હિંમતભાઈ ભાલાળા તથા રસિકભાઇ પડસાળાની વાડી વચ્ચેથી નીકળતી નહેરને કાંઠે ડાલામથ્થો એ બળદની મજિબાની માણતો નજરે પડ્યો હતો. જો કે એ વિસ્તારના લોકો માટે આ ર્દશ્ય નવું નહોતું પણ નવું બન્યું બપોરના સમયે. બપોરે એ ર્દશ્ય બદલાઈ ગયું હતું.
બળદની એક તરફ સાવજ હતો અને બીજી તરફ દીપડો હતો. દીપડો અને સાવજ સંપીને ભોજન માણતા હતા. કદી ન બને એવી આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં સેંકડો લોકો આ દુર્લભ ર્દશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા. ગીરના ગામડાંઓમાં દાયકાઓથી રહેતા લોકો માટે પણ આ ઘટના આશ્ચર્યજનક હતી.
વાઈલ્ડ લાઈફના નિષ્ણાતો પણ આશ્ચર્યમાં ગરકાવ -
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા રાજકોટના ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા આ બનાવથી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. તેમના કહેવા મુજબ આ એક અદ્રિતીય ઘટના ગણી શકાય. સામાન્ય રીતે દીપડો કદી સાવજની નજીક પણ ન ફરકે. દીપડાએ શિકાર કર્યો હોય ત્યારે પણ તેને ભગાડીને સાવજ એ મારણની મજિબાની માણે અને ત્યારે પણ દીપડાએ તો ત્યાંથી ભાગી જ જવું પડે. એક દીપડાએ શિકાર કર્યો હોય અને બીજો દીપડો ત્યાં આવી ચડે તો પણ બન્ને વચ્ચે યુધ્ધ થાય. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં બે દીપડા સાથે મારણ ખાય.
પણ સાવજ અને દીપડો એક સાથે એક શિકારને ખાય એવું કદી બન્યું નથી. સાવજનું પેટ ભરાઈ ગયું હોય તો પણ એ બીજા કોઈ પ્રાણીને ખાવા ન દે. આજની ઘટના બેશક અતિ આશ્ચર્યજનક છે. ભૂષણ પંડ્યાને અફસોસ તો એ વાતનો છે કે આ દુર્લભ બનાવની તેઓ ફોટોગ્રાફી નથી કરી શક્યા.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-and-leopard-eat-in-one-killing-animal-1575068.html

પરિક્રમા રૃટ પર માવા-ગુટકાના પ્લાસ્ટિકનો સૌથી વધુ કચરો !!

જૂનાગઢ, તા.ર૧
ગિરનાર અભયારણ્ય અને પર્યાવરણની જાળવણી માટે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પાન-માવા ગુટકા લઈ જવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેમા યાત્રિકો પ્લાસ્ટિકની થેલીઓ તો ખાસ નહોતા લઈ ગયાં. પરંતુ અત્યારે પરિક્રમા પુરી થયા બાદ જંગલમાં સૌથી વધુ માવા અને ગુટકાના પ્લાસ્ટિકનો કચરો વેરણ છેરણ પડયો છે !!
પરિક્રમા બાદ વનવિભાગની બેદરકારીના બહાર આવેલા નમૂનાની વનપ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહેલી ફરિયાદો અનુસાર જંગલના રક્ષણ માટે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ હતો. અને યાત્રિકો આ વાતને ધ્યાને લઈને ખાસ પ્લાસ્ટિક જંગલમાં લઈ પણ ગયા નહોતાં. પરંતુ સાથે સાથે પાન-માવા અને ગુટકાના પ્રતિબંધના સરેઆમ લીરા ઉડયા છે. જંગલ વિસ્તારમાં સમગ્ર પરિક્રમા રૃટ પર અત્યારે માવાના પ્લાસ્ટિકના કાગળ ઉડી રહ્યા છે. અને સાથે સાથે ગુટકાના ખાલી રેપરો પથરાયેલા પડયા છે.
પ્લાસ્ટિકનો આ કચરો જીણો હોવાથી તેને એકત્ર કરવો પણ મુશ્કેલ બની જાય છે. અને પવનની સાથે ઉડીને અત્યારે આ પ્લાસ્ટિક જંગલમાં દૂર દૂર સુધી ફેલાઈ ચૂક્યું છે. દર વખતે પરિક્રમામાં વનવિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આવું કોઈ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું નહોતું. વ્યસનીઓ મોટા પ્રમાણમાં ગુટકા અને માવા જંગલમાં લઈ ગયા હતાં. તો રૃટ પર જ કેટલાક સ્થળોએ છૂટથી માવા અને ગુટકા વેંચાયા પણ હતાં. છતાં વનવિભાગના ધ્યાને આ બાબત આવી નહોતી. ત્યારે હવે જંગલને થયેલા નૂકશાન માટે જવાબદાર કોણ ? જેવો વેધક સવાલ વન્યપ્રેમી પ્રજાજનોમાંથી ઉઠી રહ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=240584

આંકોલવાડીમાં સરકારી અને ગૌચરની જમીનમાં દબાણ.


તાલાલા તા.૨૧
તાલાલા તાલુકાના આંકોલવાડીગીર ગામની સરકારી અને ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ તુરંત દૂર કરાવવા ગામના સરપંચ રામજીભાઇ બચુભાઇએ ગ્રામસભામાં માગણી કરી હતી. આંકોલવાડીગીર ગામે સરકારમાંથી નિયુકત થયેલ લાયઝન અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી. આ ગ્રામસભામાં સરપંચશ્રી એ ગામની સરકારી - ખાનગી અને ગૌમાતાની ગૌચર જમીનમાં થયેલ પેશકદમી દૂર કરી ગ્રામ્ય પ્રજા અને ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા માગણી કરી હતી.
આ ગ્રામસભામાં ઉપસ્થિત નાગરીકોએ તાલાલા - કેશોદ - માળીયા અને ઉના સહિતના સોરઠના ચાર તાલુકા માટે અતિ ઉપયોગી ઉના - કેશોદ એસ.ટી.બસનો બંધ કરેલ એસ.ટી.રૃટ તુરંત શરૃ કરવા સહિતના લોક ઉપયોગી પ્રશ્નો રજૂ કર્યા હતાં.
સભામાં ઉપસ્થિત લાયઝન અધિકારીએ આ અંગે જેને ડીપાર્ટમેન્ટ સમક્ષ ગ્રામજનોની રજૂઆત ભલામણ સાથે પહોંચાડી ઘટતંુ કરવા ખાત્રી આપી હતી. આ ગ્રામ સભાનું સંચાલન તલાટી કમ મંત્રી કે.કે. છાંટબારે કર્યુ હતું.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=240585

Friday, November 19, 2010

દરિયા કાંઠાના ઉદ્યોગથી ગીધ અને વ્હેલ પર ખતરો.


કોડીનાર - કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠે સૂચિત બંદરથી પર્યાવરણને થનારી અસરો અંગે જન જાગૃતિ અભિયાનના ભાગ રૃપેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રોજેકટ રીપોર્ટમાં કરેલી રજૂઆતો અંગે પર્યાવરણના તજજ્ઞાો દ્વારા સમજણ આપવામાં આવી હતી. અને આવતી કાલ તા.૧૯ના રોજ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાનાર પર્યાવરણ લોક સુનવણીમાં ખાનગી જેટીના કારણે થનારા પર્યાવરણ પ્રદુષણ અંગે રજૂઆતો કરવા જણાવાયું હતું.
સુચિત ઉદ્યોગથી આવનારા દિવસોમાં આ વિસ્તારના દરિયા કાંઠા ઉપર લુપ્ત થતી જાતી પક્ષીરાજ ગીધ જે માત્ર આજ વિસ્તારમાં જોવા મળ્યા છે તે નસ્ટ પામશે તેમજ આ કાઠા ઉપર વહેલ માછલીની જાત જોવા મળે છે. જે શિયાળા દરમ્યાન પોતાના બચ્ચાને જન્મ આપી જતન કરે છે. આ વિસ્તારમાં માછીમારો પણ જયારે ફીશીંગ દરમ્યાન જાળમાં વહેલ માછલી પકડાઈ છે ત્યારે જાળ કાપી નુકશાન વેઠીને પણ વહેલ માછલીને મુકત કરે છે.
આમ પર્યાવરણના ભોગે દરિયાકાંઠા વિસ્તારના ઉદ્યોગ લોકોને આવકાર્ય નથી. લોકોમાં પર્યાવરણ અંગે લોકજાગૃતિ કેળવવા અસરગ્રસ્ત ગામોમાં બેઠક બોલાવવાનું તેમજ દરેક ગામના લોકોની એક કમીટી બનાવી તબક્કાવાર કાર્યક્રમો આપવા આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
Source: http://www.gujaratsamachar.com/20101119/gujarat/sau4.html

નવજાત ગલૂડિયાને બચાવવા કોબ્રાને ફાડી ખાતી કૂતરી.

બચ્ચાને બચાવવા ૨૦ મિનિટ સુધી કૂતરી અને સાપ વચ્ચે ચાલેલી લડાઈમાં સાપનું મોત
પોરબંદર - માતૃત્વની મધમીઠી છત્રછાયા સામે ભલભલા ઝેરીલાઓને પરાજય ખમવો પડે છે અને જો માતા પાસેથી તેના સંતાનોને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે તો કયારેક આવો પ્રયાસ કરનારને મૃત્યુ પામવાની પણ ફરજ પડે છે. તે પ્રકારનો એક કીસ્સો પોરબંદરના વિસાવાડા ગામે બન્યો છે જેમાં અત્યંત ઝેરીલા કોબ્રા જાતિના સાપે એક કુતરીના બચ્ચા સામે નજર બગાડતા કુતરીના શક્તિશાળી માતૃત્વ સામે આ સાપની હાર થઈ છે અને તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વાત જાણે એમ બની છે કે, પોરબંદરથી ૩૦ કી.મી. દુર હર્ષદ રોડ પર આવેલા વિસાવાડા ગામે પાણી પુરવઠા બોર્ડના સમ્પ તથા ટેન્કની ઓરડી પાસે એક કુતરીએ ગલુડીયાઓને જન્મ આપતા આ ગલુડીયાને ઓરડીમાં તેની માતા સાથે આશરો આપવામાં આવ્યો હતો પરંતુ ત્યાં આજુબાજુના જંગલ વિસ્તારમાંથી ચાર ફુટતી વધુ લંબાઈ ધરાવતો અને અત્યંત ઝેરીલો કોબ્રાસાપ આવી ચડયો તથા કુતરીના નાના- નાના ગલુડીયાઓને જોઈને મોઢામાં પાણી આવવા લાગ્યું અને જેવો તે બચ્ચા પાસે સરકયો કે ઓરડી બહાર ઉભેલી કુતરી માતાને તેના માતૃત્વએ હાકલ પાડી હોય તેમ તુરંત જ અંદર આવી પહોંચી હતી અને સાપ બચ્ચાને શીકાર બનાવે તે પહેલા તો કુતરીએ પોતાનો જીવ જોખમમાં મુકીને સીધી જ સાપ ઉપર તરાપ મારીને પોતાના દાંત વડે સાપને કરવડા લાગી હતી.
પોતાના ઉપર હુમલો થતાં સાપ પણ ગુસ્સામાં લાલઘુમ બનીને ફુંફાડા મારી કુતરીને દંશ મારવા કોશીષ કરવા લાગ્યા પરંતુ ઝેરીલા સાપના ઝેર સામેની આ લડાઈમાં માતૃત્વનો જ વિજય થવો નિશ્ચિત હોય તેમ બન્ને વચ્ચે ૨૦ મીનીટ સુધી ખેલાયેલા યુધ્ધમાં ખુબજ ઈજાગ્રસ્ત બનેલા કોબ્રાના પેટમાંથી આંતરડા બહાર આવી જતાં તે પોતાનો જીવ બચાવવા ફયુઝ પાસેના વિજયવાર ઉપર જઈ ચડયો હતો.
એ સમયે જ પાણી પુરવઠા બોર્ડના કર્મચારી નાગાજણભાઈ એભાભાઈ પરમારની નજર આ સાપ અને કુતરી ઉપર જઈ ચડતા તેમણે પોરબંદર પક્ષી અભ્યારણ્યના આર.એફ.ઓ. કનેરીયાને જાણ કરી હતી તેમણે પોરબંદરના સ્નેકકેચર પરેશ પીત્રોડા તથા જંગલખાતાના કર્મચારી સુાકભાઈ કારાવદરાને તુરંત વિસાવાડા પહોંચી જવા સુચના આપતા આ બન્ને ત્યાં પહોંચી ગયા હતા અને ઘવાયેલા સાપને માંડ માંડ પકડીને પોરબંદરના પક્ષી અભ્યારણ્ય સુધી લાવ્યા હતા જયાં તેમને જાણીતા સર્પવિદ ડો. સિધ્ધાર્થ ખાંડેકરે સર્પનો જીવ બચાવવા મેજર ઓપરેશન હાથ ધર્યું અને આંતરડા તથા લીવરને પુનઃ સાપના શરીરની અંદર નાખીને કોટન વિંટાળી ટાંકા લીધા હતા આમ છતાં સર્વપ્રેમીઓની અડધી કલાકની તેનો જીવ બચાવવાની જહેમત અને સંઘર્ષ નિષ્ફળ ગયા હોય તેમ આ કોબ્રા સાપનું હેવી ઈન્જરી ને કારણે મોત નિપજયું હતું. જંગલખાતાના કર્મચારીઓએ મરેલા સાપની અંતિમવિધિ કરી હતી.
Source: http://www.gujaratsamachar.com/20101119/gujarat/ahd4.html

સાસણ-ગીરમાં પર્યટકોને દારૂની પરમિટ આપો.

Source: Jitendra Mandavia, Talala   |   Last Updated 11:07 PM [IST](18/11/2010)
- ગુજરાત બહારના તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે સાસણના હોટેલ માલિકોએ કરેલું સૂચન
- કલેક્ટર સમક્ષ અનેક મુદ્દાઓની રજુઆત
સાસણ-ગીર ધીમે ધીમે સૌરાષ્ટ્ર-ગુજરાતના મુખ્ય પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગીરની પ્રાકૃતિક સંપદા અદભૂત છે. આખા એશિયામાં સાવજો માત્ર ગીરમાં જ છે. પ્રવાસીઓને આકર્ષી શકે એવા તમામ પરબિળો અહીં મૌજુદ છે.
અત્યાર સુધી ગીરની એ ખુબીઓનો પ્રચાર નહોતો થયો. પણ બીગ બી અભિનીત ‘ખુશ્બુ ગુજરાત કી’ ડોકયુમેન્ટરી એડ ફિલ્મને કારણે દેશ વિદેશના પર્યટન પ્રેમીઓ ગીર પ્રતિ ઉત્સુક બન્યા છે. ત્યારે પર્યટન ક્ષેત્રના વિકાસ માટે જરૂરી કેટલાક સુચનો સાસણ ગીર હોટેલ એસો. દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ગીરમાં આવતા બિન ગુજરાતી પર્યટકોને દારૂની પરમીટ આપવાનું સુચન કરવામાં આવ્યું છે.
સાસણ-ગીરમાં આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન વિક્રમસર્જક સહેલાણીઓ આવ્યા હતા. આ સહેલાણીઓએ ગીરને અને સાવજોને માણ્યા, ખુશ પણ થયા. પણ સાથે જ કેટલાક ઉણપો અને અભાવોની પણ અનુભુતિ કરી. સાસણમાં આંતર માળખાકીય સુવિધા વધારવા સહિતના અનેક મુદ્દાઓ એવા છે જેના પ્રત્યે તંત્રે સજ્જ થવું પડશે. અન્યથા એક ઉભરા તરીકે અત્યારે વિકસેલો પર્યટન ઉદ્યોગ સમય જતાં ઠરી જશે.
એ સંદર્ભે સાસણ ગીર હોટેલ એસોસીયેશને જુનાગઢ જિલ્લા કલેક્ટરને કરેલા સુચનોની અગત્યતા વધી જાય છે. હોટેલ માલિકોના જણાવ્યા મુજબ ગુજરાત બહારના તમામ પ્રવાસીઓની ફરિયાદ દારૂબંધી અંગેની છે. ફરવા નીકળ્યા હોય અને શરાબની ચુસ્કી ન લઇ શકાય એ સ્થિતિ પર્યટકોને માન્ય નથી. સાસણ ગીરમાં ગુજરાત બહારના તથા વિદેશના પ્રવાસીઓએ લાવવા હશે તો મુખ્ય વિઘ્ન સમા આ દારૂબંધીના નિયમોમાં છુટછાટ આપવી પડશે એવું મંતવ્ય હોટેલ માલિકોએ વ્યક્ત કર્યું છે.
એ ઉપરાંત સાસણને ડાયરેકટ બસ સર્વિસ આપવા તથા સાસણની તમામ હોટેલોને વનતંત્ર તરફથી નોઓબ્જેકશન સર્ટિફીકેટ આપવા તેમજ ટેક્સ બેનીફીટ આપવા પણ માંગણી કરવામાં આવી છે. ગીર-સાસણમાં આગલા વર્ષોની તુલનામાં પર્યટકો વધ્યા છે. એક સારી શરૂઆત થઇ છે ત્યારે પર્યટન ઉદ્યોગને વધુ વિકસાવવા માટે થયેલાં આ સુચનો પરત્વે સરકાર ગંભીરતાથી ધ્યાન આપે એ જરૂરી છે.
સાસણ શ્રેષ્ઠ બર્ડ વોચિંગ સેન્ટર બની શકે તેમ છે -
સાસણને લોકો સાવજ માટે જ ઓળખે છે. પણ એ ઉપરાંત સાસણની પક્ષી સૃષ્ટિ પણ અદભૂત અને અદ્વીતીય છે. આખું ગીર વિશ્વાના શ્રેષ્ઠત્તમ પક્ષી અભયારણ્ય સમું જ છે. તંત્ર દ્વારા બર્ડ વોચીંગ માટે વ્યવસ્થા થવી જોઇએ. ખાસ કરીને સાસણમાં હીરણ નદીના પુલથી સતાધાર તરફ જતી હીરણ નદીનો બે કિ.મી.નો પટ એ હેતુ માટે આદર્શ સાબિત થઇ શકે છે. એ વિસ્તારને બર્ડ વોચીંગ સેન્ટર તરીકે વિકસાવી શકાય.
મહત્વનાં સૂચનો -
- મગર ઉછેર કેન્દ્રની કાયાપલટ કરવામાં આવે તો એ સ્થળને એક આકર્ષક સાઇટ તરીકે વિકસાવી શકાય.
- વનતંત્ર પાસે એક આયુર્વેદીક ગાર્ડન છે. જેમાં અસંખ્ય આયુર્વેદીક છોડવા અને વૃક્ષો છે. એ ગાર્ડનનો વિકાસ કરવામાં આવે તો એક વધારાનું આકર્ષણ ઉભુ થાય. તેમજ આયુર્વેદીક દવાઓનું માર્કેટિંગ પણ થાય.
- સાસણમાં નાઇટ ટ્રેકીગની વ્યવસ્થા કરવી જોઇએ.
વ્હેલ વોચીંગ પ્રોગ્રામ શરૂ કરી શકાય -
સાસણ ગીર હોટેલ એસો.ના પ્રમુખ મુકેશ મહેતાના જણાવ્યા અનુસાર કોડીનાર, દીવ અને દ્વારકાના દરિયા કિનારે વ્હેલ માછલીઓ બ્રીડીંગ માટે આવે છે, સાસણમાં ઉતરેલાં પર્યટકો માટે બે કે ત્રણ દિવસની સરકીટ ટુરનું આયોજન થાય, પર્યટકોને સમુદ્રની સહેલ કરાવવાની વ્યવસ્થા ગોઠવી શકાય તો એ એક વધારાનું અને અતિ મહત્વનું આકર્ષણ બની રહેશે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં આ પ્રયોગ સફળ થયો છે. આવું આયોજન ગોઠવાય તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અન્ય સ્થળો પણ પર્યટન કેન્દ્ર તરીકે વિકસી શકે.
જંગલ વચ્ચે ધીમી ગતિની ટ્રેન સેવા -
વિસાવદરથી વેરાવળ જવાનો જંગલ માર્ગ ગીરનો સહુથી ગાઢ કહી શકાય એવો જંગલ વિસ્તાર છે. એ રૂટ ઉપર ધીમી ગતિએ ચાલતી ટ્રેન શરૂ થાય તો પ્રવાસીઓને ‘સાચું’ જંગલ કોને કહેવાય એ ખબર પડે. પર્યટકો માટે એવો પ્રવાસ સાચા અર્થમાં રોમાંચક અને યાદગાર બની શકે છે.
વિકાસ માટે વનતંત્રનું મન ખુલ્લું છે -
સાસણના ડી.એફ.ઓ. સંદીપકુમારે કહ્યું હતું કે સાસણ-ગીર વિશ્વનું ટોચનું પર્યટન કેન્દ્ર બને એ જ અમારું લક્ષ્ય છે. એ માટે વનતંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યું છે. હોટેલ એસો. કે અન્ય કોઇના પણ સુચનો આવકાર્ય છે. સાસણમાં તહેવારો ઉપરાંત પણ પર્યટકો આવતા રહે એ માટે વનતંત્ર જરૂરી પગલાં લઇ રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-give-liquor-permit-to-travellers-in-sasan-gir-1562363.html

ગીર પંથકમાં 3.2 સહિતના 7 આંચકા.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:32 AM [IST](19/11/2010)

- ૩.૨ના બે સહિત ભૂકંપના સાત આંચકાથી ગીર પંથક ધ્રુજ્યું
- એપી સેન્ટર તાલાલાથી ૧૨ કિ.મી. દૂર: મોડીસાંજે આવેલા વધુ બે આંચકાનું એપી સેન્ટર બોરવાવ ગીર અને લુસાણા ગામ
તાલાલા સહિત ગીર પંથકના ગામડાઓ અને જંગલ વિસ્તારમાં આજે વહેલી સવારે ધરતી ધ્રુજતા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા. આજે આવેલા સાત આંચકા પૈકી બે ની તિવ્રતા ૩.૨ની નોંધાઈ છે. એ.પી.સેન્ટર સાસાણ(ગીર), હરીપુર, સુરજગઢ સાથે ગીર જંગલમાં નોંધાયું છે.
જ્યારે મોડીસાંજે સાત વાગ્યાના સુમારે વધુ બે ૨.૬ની તીવ્રતાના આંચકથી ગીર પંથકની ધરા ધણધણી ઊઠી હતી. જો કે મોડીસાંજે આવેલા આંચકાનું એ.પી. સેન્ટર બોરવાવ ગીર અને લુસાણા ગામ હોવાનું જાણવા મળે છે. આમ સાત આંચકાથી દિવસભર ગીર પંથકની ધરા ફરી ધ્રૂજયાના બનાવથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગીર પંથકમાં શિયાળાની શરૂઆતથી જ ધરતીકંપના આંચકા આવવા લાગે છે. આજે સવારે ૭:૧૭ કલાકે ૩.૨ની તીવ્રતાના ભારે આંચકાથી ધરતી ધણધણવા લાગતા ઉંઘી રહેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા. આંચકાનું એ.પી.સેન્ટર તાલાલાથી ૧૨ કિ.મી.દૂર નોંધાયું હતું.
વહેલી સવારે આવેલા આંચકાથી બજારો ખુલતા અને દેવસ્થાનોમાં દર્શન કરવા આવેલા લોકો ચર્ચા કરતા હતા. ત્યાં ફરી ૯:૨૧ કલાકે ૨.૨ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ફફડી ઉઠયા હતા. બાદમાં અડધો કલાકના અંતરે વધુ બે હળવા આંચકા આવતા લોકોના માનસપટ ઉપર ભૂકંપનો ભય છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં ભૂકંપની જ ચર્ચા થઈ રહી હતી.
બપોરે જમવાના સમયે લોકો પોતપોતાના ઘરોમાં હોય ત્યારે ૧૨:૫૫ કલાકે ફરી ૩.૨ની તીવ્રતાના જોરદાર આંચકા સાથે ધરતી હલબલવા લાગતા લોકો જમવાની થાળીઓ મુકી ઘરની બહાર ખુલ્લામાં દોડી ગયા હતા. આ આંચકાનું એ.પી.સેન્ટર સાસણ અને સુરજગઢ ગામ વચ્ચેના જંગલ વિસ્તારમાં નોંધાયું હતું.
શિયાળાની શરૂઆત સાથે જ ભૂકંપના આંચકાની હારમાળા શરૂ થતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. આજે આવેલા આંચકા તાલુકાના આંકોલવાડી, હડમતીયા, બોરવાવ, સાસણ, હરીપુર, હિરણવેલ, આંબળાશ સહિતની ચારેય દિશાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયા હતા.
વિસાવદર પંથકમાં પણ હળવા આંચકા -
વિસાવદર તાલુકાનાં રતાંગ, લીમધ્રા, લીલીયા, બરડીયા સહિતનાં ગામોમાં આજે બપોરનાં ૧૨.૫૭ મીનીટે ધડાકા સાથે ભુંકપના હળવા આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.
જુની ફોલ્ટ લાઈન સક્રિય -
આજે આવેલા આંચકાનું એ.પી.સેન્ટર મોટા ભાગે ગીર જંગલ તરફ હોય તાલાલા તાલુકાના જંગલ વિસ્તારથી લઈ વિસાવદર, મેંદરડા તાલુકાના જંગલ સમીપના રતાંગ, લીમધ્રા, સુરજગઢમાં પણ આંચકા અનુભવાયા હતા. ગીર પંથકમાં ૨૦૦૬માં આવેલા ભયાનક ભૂકંપ વખતે ભારે તબાહી સર્જાઈ હતી. ત્યારે એ.પી.સેન્ટર ગીરજંગલના ખોખરા વિસ્તારમાં નોંધાયું હતું.
મજૂરો સેન્ટિંગના માંચડા ઉપરથી કૂદી ગયા -
તાલાલામાં મજુરો નવા બની રહેલા મકાનનો સ્લેબ ભરવાનું કામ કરી રહ્યાં હતા. ત્યાં આંચકા આવતા સ્લેબ માટે ગોઠવેલા સેન્ટીગના માંચડા હલબલતા ઉપર રહેલા મજૂરો રેતીના ઢગલામાં કુદી ગયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-7-shock-of-earthquake-with-3-1562412.html

માતા બચ્ચાને બચાવવા આવું પણ કરી શકે!

Source: Agency   |   Last Updated 12:32 PM [IST](18/11/2010)
માતા હંમેશા પોતાના બાળકોની સાર સંભાળ રાખે છે તેમજ તેને દરેક સંભવિત જોખમોથી બચાવે છે. નીચે આપેલી તસવીરોમાં કંઈક આવું જ જોઈ શકાય છે. બોટ્સવાના ખાતે હાલમાં જ કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં.
તસવીરમાં એક સિંહણ પોતાના ત્રણ તાજા જન્મેલા બચ્ચાઓને પોતાના મોઢાથી પકડીને સલામત સ્થળે ખસેડી રહી છે. હકીકતમાં સિંહણ, ભેંસોના હુમલાથી પોતાના બાળ સિંહોનો બચાવવા માટે સલામત સ્થળે ખસેડી રહી છે.
સિંહણને ખબર હતી કે તેના ત્રણેય બાળકોની હજી આંખ પણ ખુલી નથી અને તે પોતાનો બચાવ કરવા માટે પણ શક્તિમાન નથી. આથી ભેંસો તેને નુકસાન પહોંચાડી શકે છે.
સિંહણ જંગલમાં ફરતી ફરતી આફ્રિકન જંગલી ભેંસોના વિસ્તારમાં આવી ગઈ હતી. જ્યાં તેનો ભેંટો દસ જેટલી આફ્રિકન ભેંસો સાથે થયો હતો. પરંતુ સિંહણ ભેંસોની સામે નમતુ જોખ્યા વિના પોતાના ત્રણેય બાળકોની પાસે ઉભી રહી હતી, અને સમય જતાં ત્રણેયને સલામત સ્થળે પણ ખસેડ્યા હતાં. ફોટોગ્રાફર ઓલે જોર્ગન લીઓડેને ત્રણ કલાકની મહેનત બાદ આ ફોટોગ્રાફ્સ પોતાના કેમેરામાં કેદ કર્યા હતાં.

 
 
 
Source: http://www.divyabhaskar.co.in/article/INT-lioness-carries-her-tiny-cubs-to-safety-1561619.html

પરિક્રમામાં પ્રદૂષણથી સસ્તન પ્રાણીઓ-કિટકો પર ખતરો.

 જૂનાગઢ, તા.૧૭
ગિરનારની પરિક્રમામાં સમયની સાથે આવેલા પરિવર્તનમાં પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પ્લાસ્ટિક અને સાબુ-ડિટર્જન્ટ જેવા પદાર્થોના વપરાશને કારણે જંગલના પશુઓ તથા પક્ષીઓ અને કિટકો પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે અભયારણ્યમાં વસતી જીવસૃષ્ટિને બચાવવા માટે યાત્રિકો દ્વારા જ જાગૃતિ દાખવવામાં આવે તેવી અપીલ વન્યપ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.
ગિરનાર અભયારણ્યમાં હાલમાં ૩૮ જાતના સસ્તન પ્રાણીઓ, ૩૭ પ્રકારના સરિસૃપો, રપ૦ જાતના પક્ષીઓ, ર૦૦૦ પ્રકારના કિટકો અને પ૬૭ પ્રકારની વનસ્પતિ છે. આટલી વિવિધતા ધરાવતા જંગલમાં પરિક્રમાના છ થી સાત દિવસ દરમિયાન લાખ્ખો યાત્રિકો આવે છે. એકાદ દાયકાથી પરિક્રમામાં પ્લાસ્ટિકનો વપરાશ પણ બેફામ હદે વધી રહ્યો હતો. જો કે વનવિભાગ દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ પરિક્રમા બાદ વિદ્યાર્થીઓના સફાઈ અભિયાનમાં સેંકડો કિલો પ્લાસ્ટિક મળી આવે છે.
નદી-નાળાઓમાં સાબુ અને ડિટર્જન્ટ પાઉડરના ઉપયોગથી પાણી દૂષિત થતા પણ વન્ય સંપદાને નૂકશાન થઈ રહ્યું છે. વર્ષોથી ચાલી આવતી પૌરાણીક પરંપરા અનુસાર પરિક્રમા થતી રહે તે વ્યાજબી છે. પરંતુ તેના ભોગે વિનાશ કેટલા હદે વ્યાજબી છે ?? ત્યારે આવી નૂકશાનકારક વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ અને પરિક્રમા બાદ તંત્ર પણ વ્યવસ્થા ગોઠવે તે જરૃરી બન્યું છે. દરમિયાન, રૈવતગિરિ નેચર ક્લબના ડી.આર.બાલધા અને એ.વી. પુરોહિતે પણ ભાવિકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અને ૩૩ કરોડ દેવતાના સ્થાનને સ્વચ્છ રાખવાની અપીલ કરી છે. તેમજ પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239636

Wednesday, November 17, 2010

આજે મધરાતથી પરિક્રમાનો પ્રારંભ.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:38 AM [IST](17/11/2010
શરૂ થવાના એક દિવસ પહેલાં જ સાડાત્રણ લાખ લોકોએ પરિક્રમા પૂરી કરી
ગીરનારની સત્તાવાર પરિક્રમાનો આજે મધરાતથી વિધીવત રીતે પ્રારંભ થનાર છે. જિલ્લા કલેક્ટર આશીર્વાદ પરમાર, મ્યુ. કમિશનર આર. એમ. શર્મા, મેયર કેપ્ટન સતીષ વીરડા, એસ.પી. દીપાંકર ત્રિવેદી, ડે. મેયર ગીરીશ કોટેચા, ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજી, મહામંડલેશ્વર વિશ્વંભર ભારથીજી, અંબાજીનાં મહંત તનસુખગીરીજી, વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાત્રે ૧૨ વાગ્યે પરિક્રમાનો પ્રારંભ થનાર છે.
જે લોકો પરંપરાગત પરિક્રમા શરૂ કરે છે તેઓ સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચી જશે. એ પૈકી ઘણાં દામોદર કુંડમાં સ્નાન કરી રાત્રે પરિક્રમા શરૂ કરી દેશે. આ પરિક્રમાર્થીઓ બે થી ત્રણ દિવસ જંગલમાં રહેશે. અને પરિક્રમા પૂર્ણ કરશે.
દર વર્ષની જેમ આ વખતે પણ સત્તાવાર રીતે શરૂ થતાં પહેલાં મોટાભાગનાં લોકોએ પરિક્રમા શરૂ કરી દીધી છે. આશરે ચાર લાખ લોકો પરિક્રમા પૂરી કરી પોતપોતાનાં ગામ પરત જવા રવાના પણ થઇ ચૂક્યા છે. આજનાં દિવસે એટલીજ સંખ્યામાં લોકો જંગલમાં પ્રવેશી ચૂક્યા છે. ભવનાથ તળેટી, ગીરનાર પરિક્રમા માર્ગ ઉપર કુલ છ લાખથી વધુ યાત્રાળુઓની ઉપસ્થિતી હોવાનું જાણવા મળ્યું છે. ગીરનાર જંગલમાં અન્નક્ષેત્રોનાં રસોડાં ધમધમી ઉઠ્યાં છે. તો પરિક્રમા શરૂ કરતાં પહેલાં યાત્રાળુઓની ભીડ ભવનાથ તેમજ રૂપાયતન રોડ પર આવેલાં ચા-નાસ્તો પીરસતી સંસ્થાઓની જગ્યાઓમાં પણ જોવા મળી રહી છે.
સાંજે ૭ વાગ્યા સુધીમાં ૩,૧૬,૫૦૦ ભાવિકો નળપાણી ઘોડી ખાતેનાં વનવિભાગનાં ગણત્રી પોઇન્ટ ખાતે નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે દર વર્ષે પરિક્રમામાં ભાવિકોની સંખ્યા વધતી જ જાય છે અને આ વર્ષે અત્યારથી મળતા નિર્દેશો મુજબ વિક્રમસર્જક સંખ્યા નોંધાશે.
નોંધનિય છે કે ગિરનાર પર્વતનું અદકેરૂ ધાર્મિક મહત્વ છે. ગિરનારમાં બાવન વીર, ૬૪ જોગણી, નવનાથ અને ૮૪ સિધ્ધ તથા ૩૩ કરોડ દેવતાઓ વસતા હોવાની માન્યતા છે. ગિરનારની પરિક્રમા કરવાથી એ તમામ દેવોની પરિક્રમા કર્યાનું પૂણ્ય પ્રાપ્તથાય છે. સૌરાષ્ટ્રના લાખો લોકો શ્રધ્ધાપૂર્વક દર વર્ષે પરિક્રમામાં જોડાય છે.
ગિરનારની પરિક્રમામાં વરસાદી વિઘ્ન આડું ઉતર્યું -
ગીરનારની પરિક્રમા આડે વરસાદી વિઘj બિલાડીની માફક આડું ઉતરી ગયું છે. આજે સૌપ્રથમ બપોરે ૩ વાગ્યે ઝીણાબાવાની મઢી વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. પરિણામે માર્ગ પર અÌાક્ષેત્રોની સામગ્રી લઇ જતા વાહનો સ્લીપ થવા લાગ્યા હતા. ઇંટવા ઘોડી અને બોરદેવી જવા માટેની ખોડીયાર ઘોડી પર વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી હતી. વરસાદને લીધે જાતે રસોઇ બનાવતા લોકોનું બળતણ પલળી ગયું છે. તો તેઓને રાતવાસો કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ છે. જો વરસાદ વધુ થયો હોત તો આજે જ પરિક્રમા પૂરી થઇ જાત એમ આર.એફ.ઓ. દીપક પંડ્યાએ જણાવ્યું હતું.
યાત્રાળુઓએ રાતવાસો ટાળ્યો -
ગીરનાર જંગલ તેમજ ભવનાથ તળેટીમાં વરસાદનાં આગમનને પગલે યાત્રાળુઓએ ભવનાથમાં રાતવાસો કરવાને બદલે પરત ફરવા લાગ્યા હતા.
ટ્રેનોનાં છાપરાં પર બેસી યાત્રાળુઓનું આગમન -
ગઇકાલથી યાત્રાળુઓનો ધસારો જૂનાગઢ શહેરમાં થયો છે. છેલ્લા બે દિવસથી બહારગામનાં યાત્રાળુઓ ટ્રેનોનાં છાપરા પર બેસી જૂનાગઢ તરફ આવી રહ્યા છે. જોકે, આજે પરત જનારા યાત્રાળુઓએ પણ ટ્રેનોનાં છાપરા પર મુસાફરી કરવી પડી હતી.
હૃદયરોગથી પરિક્રમાર્થીનું મોત -
પરિક્રમા દરમ્યાન આજે ઝીણાબાવાની મઢી પાસે પુંજાભાઇ સવદાસભાઇ આહીર (ઉ.૫૫) નામનાં પ્રાૈઢને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં સંબંધીત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-parikrama-today-from-midnight-junagadh-1555645.html

ફોટોસ્કેચમાં જોવા મળશે ગિરનારની ભવ્યતા.

Source: City Reporter, Ahmedabad   |   Last Updated 3:04 AM [IST](30/06/2010)
‘‘જ્યારે પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશ ૩૬૦ ડિગ્રી છે, વર્ષના દિવસો પણ ૩૬૫ છે અને ગિરનારની પરિક્રમા પણ ૩૬ કિ.મી.ની છે તો હું માનું છું કે આ બધાંની વચ્ચે રહસ્યમય પ્રાકૃતિક સંબંધ જોડાયેલો હોવો જોઈએ’’ એમ કહેનાર લોકગીત ગાયક બાબુભાઈ રાણપરા માને છે કે આ ૩૬ના આંકડાનો મેળાપ અગમ-નિગમની વાત છે.
હિમાલયથી પણ જુના ગિરનારના જાણે દરેક પથ્થરમાં પરંપરા અકબંધ છે. આ જ કારણે ૩૬ના આંકડાના પ્રાકૃતિક રહસ્યને સર કરવા ગિરનારના ૩૬ ચિત્રો દોરવાનું તેમણે નક્કી કર્યું છે. એમાં સામેલ ચિત્રકાર ભુજના જિગર સોની હાલમાં ગિરનારના ૩૬ ચિત્રો બનાવવામાં કાર્યરત છે.
બાબુભાઈ ગિરનાર પર હોય ત્યારે ર્દશ્યના વોટરસ્કેચ કરે છે અને થોડા ફોટા પાડી લે છે. પછી ઘરે આવીને તે કેન્વાસ પર ઓઈલ કલર દ્વારા પેઈન્ટિંગ તૈયાર કરે છે. દરેક ૧ કિ.મી. ની પરિક્રમા ઉપર એક પેઈન્ટિંગ, આવું કામ પ્રથમવાર જ થશે. આ ૩૬ પેઈન્ટિંગનું એક્ઝિબશિન અમદાવાદમાં યોજાશે, આ પહેલા જુનાગઢમાં એક્ઝિબશિન યોજવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-photo-sketch-girnar-parikrama-ahmedabad-1107541.html?PRV=

પરિક્રમાનાં ઉદ્ઘાટનમાં બંદૂક પોલીસ જ ફોડશે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:14 PM [IST](16/11/2010)
ગરવા ગઢ ગીરનારની પાવનકારી પરિક્રમા સત્તાવાર શરૂ કરવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે આ વખતે તેનાં ઉદઘાટન વખતે બંદૂકનાં ભડાકા પોલીસ જ કરશે. એમ એસ.પી. દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ પ્રકારનાં જાહેર પ્રસંગોએ સશસ્ત્ર પોલીસમેન તેની સરકારી રાયફલમાંથી બ્લેન્ક રાઉન્ડ ફાયર કરે છે. જેમાં ફક્ત અવાજ થાય છે. પરંતુ ગોળી છુટતી નથી. આવા બ્લેન્ક રાઉન્ડ ફાયર કરવા માટે પરવાનગીની કોઇ જોગવાઇ નથી. આથી જો ઉદઘાટન વખતે ભડાકો કરવાની સુચના મળશે તો એ ફક્ત પોલીસ દ્વારા જ કરાશે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પોલીસ રાયફલની ગેરહાજરીને લીધે મેયર કેપ્ટન સતીષ વીરડા અને ગીરીશ કોટેચાએ લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયર કર્યો હતો. બાદમાં વિવાદ ઉભો થતાં તેમની સામે ગુનો પણ નોંધાયો હતો. બાદમાં આ મામલે ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજીએ પરંપરા નિભાવવા મેયરે રીવોલ્વરમાંથી ફાયર કર્યાની રજૂઆત કરી તેમની સામે નોંધાયેલા ગુના સામે આક્રોશ ઠાલવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-gun-will-fire-police-in-parikrama-opening-1555559.html

૮ દાયકા પહેલા પરિક્રમા માટે પાંચ દિવસ ફાળવવા પડતા.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:45 PM [IST](16/11/2010)

પગપાળા ભવનાથ જઇ, રાતવાસો કરી બાદમાં પરિક્રમા શરૂ કરાતી
ગરવા ગઢ ગીરનારની પાવનકારી પરિક્રમામાં આજે અન્નક્ષેત્રો, રાશન-શાકભાજીની દુકાનો, સંદેશાવ્યવહારનાં સાધનો વધ્યાં છે. લોકોએ સામાન પ્રમાણમાં ઓછો લઇ જવો પડે છે. પરંતુ આજથી આઠ દાયકા પહેલાં પરિક્રમા કરવી હોય તો ઓછામાં ઓછા પાંચ દિવસ ફાળવવા જ પડતા.
જીવનસંધ્યાએ પહોંચેલા જૂનાગઢનાં વડીલો પોતાનાં વડીલો કેવી રીતે પરિક્રમામાં જતા તેના વિશે માંડીને કહે છે, એ વખતે ભવનાથ જવા આજની જેમ રીક્ષા ન મળતી. ભવનાથ જવા ગાડું બાંધવું પડતું. ગીરનારની પરિક્રમા કરવા પાંચ દિવસનું રાશન, શાક, મસાલા, તેલ, વાસણો, કપડાં, વગેરે સાથે લઇ જવા પડતા. ભવનાથમાં લોકો રાતવાસો કરતા. એ વખતે ત્યાં પણ ગાઢ જંગલ હતું. રાત્રિનાં સમયે તાપણું પેટાવવું પડે. ભાવિકો એ વખતે પ્રથમ પડાવ ભવનાથમાં, બીજો ઝીણાબાવાની મઢી પાસે, ત્રીજો માળવેલા પાસે, ચોથો બોરદેવી પાસે અને પરત આવી ભવનાથમાં પાછો એક રાતવાસો કરી ત્યારબાદ પરત આવતા. આજે તો મોટાભાગનો માર્ગ પહોળો અને માટી પાથરેલો હોય છે.
ભવનાથ સુધી તો વાહનો જાય છે. યાત્રાળુઓને ઘોડી ચઢતી વખતે રોડ સાઇડે વિસામો કરવા મળે છે. પરંતુ એ વખતે માર્ગ કેડી જેવો જ હતો. ભૂલા પડી જવાનો ભય પણ રહેતો. પીવાનાં પાણી માટે જોકે, ઝરણાંની સંખ્યા ઘણી વધુ હતી. વળી યાત્રાળુઓની સંખ્યા પણ મર્યાદિત રહેતી હોઇ ગંદકીનું પ્રમાણ ઓછું રહેતું. ઝીણાબાવાની મઢી પહેલાં આવતી નદી પસાર કરવા એ વખતે પુલ નહોતો. કમર સુધીનાં પાણીમાંથી પસાર થવું પડતું. આજે ગીરનારનાં જંગલમાં ઠેકઠેકાણે વનકર્મીઓ જોવા મળે. યાત્રાળુઓનાં કોલાહલને લીધે સિંહ-દીપડા જેવા રાની પશુઓ પરિક્રમા માર્ગથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ ત્યારે એવું નહોતું.
પરિક્રમાર્થીએ પોતાનાં જૂથની સાથે જ રહેવાનું. આજે અન્નક્ષેત્રોમાં ભોજન મળી રહે છે. લોકોને બહાર જમવામાં છોછ નથી. પરંતુ એ વખતે તો બહારનું કશું ખવાય નહીં એવી મોટાભાગનાં લોકોની આસ્થા રહેતી. આથી ભોજન જાતે જ ન્હાઇ, મંગાળા માંડીને રાંધવાનું રહેતું. ચાલતી વખતે અણિયાળા પથ્થરો અને ખડકાળ જમીન પર ઝડપથી ચાલી પણ ન શકાય. ૧૦-૧૫ કિલો વજન એક વ્યક્તિ આરામથી ઉંચકી શકતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-5-days-arranged-for-parikrama-before-8-decade-1555549.html

એક વિદેશી આલેખે છે ગિરનારનો ઈતિહાસ.

Source: Arjun Dangar, Junagadh   |   Last Updated 12:07 AM [IST](07/11/2010)

- ઓસ્ટ્રેલિયાનાં કીટકશાસ્ત્રીએ ગ્રંથમાં ગિરનારનાં તમામ નામો, સ્થળો સહિતની નાનામાં નાની વિગતો આવરી લીધી છે
ગિરનાર પર્વતનાં નામ કેટલા એ વિશે બહુ ઓછા જુનાગઢવાસીઓ જાણતા હશે, તેનો ઈતિહાસ ઘણો રોમાંચક છે. ત્યારે હવે ઈતિહાસને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ એક વિદેશીના હસ્તે થઇ રહ્યું છે. જી, હા ઓસ્ટ્રેલીયાનાં કીટકશાસ્ત્રી ડૉ. જહોન વેઇનર ‘‘જુનાગઢ અને ગિરનાર’’ નામનો એક અંગ્રેજી સંદર્ભ ગ્રંથ તૈયાર કરી રહ્યાં છે.
૨૨ વર્ષ પહેલા સૌપ્રથમ વખત જુનાગઢની ધરતી પર પણ મુક્યા બાદ જુનાગઢ પ્રત્યે તેના હૈયામાં અનન્ય લાગણી જન્મી છેલ્લાં બે વર્ષ પહેલા તેના મનમાં આ ગ્રંથ તૈયાર કરવાનો વિચાર સ્ફૂર્યો. ૫૫ વર્ષીય ડૉ. જહોન વેઇનરે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે મને ગિરનાર અને જુનાગઢ પ્રત્યે અતુટ લાગણી બંધાઈ ગઇ છે. છેલ્લાં ઘણા વર્ષોથી આ પર્વત જબરદસ્ત ઐતિહાસીક વારસો ધરાવતો હોવાનું સ્પષ્ટ થયા બાદ તેના વિશે કંઇક લખવાની ઇચ્છા થતી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન તેને સાકાર કરવાનું કામ મેં આરંભી દીધું.
તેઓ કહે છે કે, એ માટે મેં અનેક વખત ગિરનારની મુલાકાત લીધી છે. આજે તમામ સ્થળોએ હું ફર્યો છું. ત્યાંથી વિગતો એકત્ર કરી. જુનાગઢ શહેરમાં પણ અનેક લોકોની મેં મુલાકાત લીધી છે. તેઓનાં આધ્યાત્મીક અનુભવોનાં પ્રસંગો સાંભળ્યા છે. અને તેને મારા ગ્રંથમાં સમાવ્યા છે. વિગતો એકઠી કરવા માટે તેમણે એડવોકેટ હરીશ દેસાઇ, પરિમલ રૂપાણી, નિરંજન જોષી સહિતનાંઓની મુલાકાત પણ લીધી હતી.
જહોને આ ગ્રંથમાં જુનાગઢનો ઈતિહાસ ગિરનારના તમામ નામો, જોવાલાયક સ્થળોથી માંડીને નાનામાં નાની વિગતોનો સમાવેશ કર્યો છે. એ માટે તેઓએ અનેક પુસ્તકોનો સંદર્ભ ટાંકયો છે. ગ્રંથમાં એટલી વિગતો સમાવાઇ છે કે, જેનો એક સરેરાશ જુનાગઢવાસીઓને ખ્યાલ નહીં હોય.
એક વર્ષ બાદ તેઓ આ ગ્રંથ પ્રસિદ્ધ કરશે તેઓ કહે છે કે, જુનાગઢ અને ગિરનાર વિશે તમામ લોકોને માહિતી હોવી જોઇએ અને વધુમાં વધુ લોકો અહીં આવવા જોઇએ. જહોનને ભવનાથ, ગિરનારના તમામ સ્થળોના નામો કંઠીત છે.
- ડૉ. જહોન પરિક્રમા કરશે
ડૉ. જહોન વેઇનરે કહ્યું કે, આ વખતે હું ગિરનારની પરિક્રમા કરવાનો છું. બાકી ગિરનારનાં તમામ સ્થળો જોયા છે. અહીં બધુ જ છે બસ બાકી છે માત્ર મોક્ષ.
- અનેક ગ્રંથોનો અભ્યાસ
ડૉ.જહોન વેઇનરે આ ગ્રંથ તૈયાર કરવા માટે મહાભારત, રામાયણ, ત્રણ વેદ સહિતનાં અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. આ ગ્રંથમાં નરોત્તમ પલાણની નવલકથા ‘‘હું હું’’ પણ ઉલ્લેખ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-foreigner-described-girnar-history-1524562.html

અમિત જેઠવાનો હત્યારો શૈલેષ મુંબઇથી ઝડપાયો.

મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કુરલા વિસ્તારમાંથી પિસ્તોલ, રિવોલ્વર, કારતૂસોના જથ્થા સાથે ઝડપી લીધો

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ કરાતાં ટીમ મુંબઈ રવાના થઈ


આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારનાર શાર્પશૂટર શૈલેષ પંડ્યાની મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કુરલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. વિદેશી પિસ્તોલ, રિવોલ્વર તેમજ કારતૂસોના જથ્થા સાથે મુંબઈથી શૈલેષ પંડ્યા પકડાયો હોવાની જાણ થતાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ તેનો કબજો લેવા મુંબઈ રવાના થઈ છે. શૈલેષની ધરપકડના પગલે જેઠવાની હત્યાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો માર્ગ પોલીસ માટે મોકળો બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.૨૧ જુલાઈ-’૧૦ ના રોજ સોલા હાઇકોર્ટ નજીક આવેલા સત્યમેવ કોમ્પ્લેકસ પાસે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેમાં ક્રાઇમબ્રાન્ચે અત્યાર સુધીમાં જુનાગઢના સાંસદ દિનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકી, જુનાગઢના ગીર ગઢડા પોલીસમથકના કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, પચાણ શિવા સહિતના લોકોની ધરપકડ કરી છે. જ્યારે અમિત જેઠવાને ગોળી મારનાર શાર્પશૂટર શૈલેષ પંડ્યા નાસતો ફરતો હતો.
ઉલ્લેખનીય છે કે ગીરના જંગલોમાં ગેરકાયદે ચાલતી ખાણપ્રવૃત્તિ બંધ કરાવવા અમિત જેઠવાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. ઉપરાંત મોબાઇલ ટાવર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પણ તેણે અવાજ ઉઠાવ્યો હતો. જેના કારણે જુનાગઢના સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને મોટું નુકસાન થયું હતું. જેથી શિવા સોલંકીએ સોપારી આપીને અમિત જેઠવાની હત્યા કરાવી હતી.
અમિત જેઠવાની હત્યાના કાવતરામાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ જેઠવાના પિતાએ કર્યો હતો. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ સંખ્યાબંધ વખત દિનુ સોલંકીની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ આ કેસમાં દિનુ સોલંકીની સંડોવણી અંગે ક્રાઇમબ્રાન્ચ ભેદી મૌન સેવી રહી છે.
વધુમાં તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મૂળ હિંમતનગર પાસેના સોઈ ગામનો વતની શૈલેષ પંડ્યા ભૂતકાળમાં શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ પ્રેમમાં નાસીપાસ થયા બાદ પ્રેમિકાના કાકાની કરપીણ હત્યા કરીને તેણે ગુનાઇત કારકિર્દી શરૂ કરી હતી. હથિયારો સાથે પકડાયેલા શૈલેષ પંડ્યાની ધરપકડથી અમિત જેઠવા હત્યાકેસ ઉપરાંત સંખ્યાબંધ ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે નકારી નથી.
શૈલેષ સોલંકીની ધરપકડ કર્યા બાદ આ અંગે મુંબઈ ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ કરવામાં આવતાં ક્રાઇમબ્રાન્ચની ટીમ મુંબઈ રવાના થઈ છે અને બુધવારે શૈલેષ પંડ્યાને લઈને પાછી આવશે તેવું ક્રાઇમબ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-murderer-of-amit-jethwa-arrested-from-mumbai-1555520.html

જૂનાગઢ દામોદરકુંડમાં ડૂબતા લોકોને બચાવવા રેસ્ક્યૂ ટીમ.

જૂનાગઢ, તા.૧૬:
ગિરનાર પરિક્રમામાં આવતા લાખ્ખો ભાવિકો પવિત્ર એવા દામોદર કુંડમાં પણ સ્નાન કરતા હોય છે. ત્યારે કૂંડના ઉંડાણવાળા ભાગમાં ડૂબતા યાત્રિકોને બચાવવા માટે સેવાભાવિ યુવાનોની ખાસ રેસ્ક્યૂ ટીમ તૈનાત રહેશે.જૂનાગઢના નરસિંહ સરોવરમાં બોટીંગનો કોન્ટ્રાક્ટ ચલાવતા વિશાલ નૈકાયાનના વિજયભાઈ જોટવાની આગેવાની હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી દામોદર કૂંડ ખાતે કૂશળ તરવૈયાઓની ટીમ યાત્રિકોની બચાવ કામગીરી માટે તૈયાર રહે છે.પરિક્રમાના કારણે દામોદર કૂંડમાં સ્નાન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતી હોય છે. ચાર-પાંચ દિવસ માટે તો પગ મૂકવાની જગ્યા હોતી નથી. તેવી સ્થિતિમાં કૂંડના કેટલાક ઉંડાણવાળા ભાગમાં ભૂલથી જઈ ચડેલા યાત્રિકો ડૂબી જવાના અકસ્માતો બનતા હોય છે.આવી સ્થિતિને પહોંચી વળવાની કામગીરી આ ટીમ દ્વારા કરવામાં આવશે. વિનામુલ્યે સેવા આપતી આ ટીમ પાસે લાઈફ જેકેટ, સેફ્ટી રીંગ અને દોરી જેવા સાધનો પણ છે. અને છેલ્લા બે વર્ષમાં ટીમે ૩૦ થી વધુ માનવ જીંદગી ડૂબતી બચાવી છે. આ ટૂકડી આ વર્ષે પણ યાત્રિકોની બચાવ કામગીરી કરશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239372

ગિરનાર પરિક્રમા રૃટ પર ૬૦ થી વધુ જગ્યાએ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા.

જૂનાગઢ, તા.૧૬
ગિરનાર પરિક્રમા આ વર્ષે પણ વહેલી શરૃ થઈ જતા પરિક્રમાના માર્ગ પર આશરે ૬૦ જેટલા અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા છે. શિવરાત્રિનો મેળો હોય કે ગિરનાર પરિક્રમા, ભાગ લેવા આવતા ભાવિકોને ભોજન કરાવવાની પ્રસિદ્ધ પ્રણાલી અનુસાર સૌરાષ્ટ્રભરમાંથી સેવાભાવિ સંસ્થાઓ કાર્યકરોની ફોજ સાથે દિવસો સુધી ગિરિતળેટીમાં અન્નક્ષેત્રો રૃપી સેવા પ્રવૃતિ ચલાવે છે.ગિરનાર પરિક્રમામાં પ્રાચિન સમયમાં યાત્રિકો સાથે જ કાચુ રાશન લઈને આવતા અને પાંચ દિવસ સુધી જાતે જ રસોઈ બનાવીને ભોજન કરતા હતાં. પરંત સમયના વહેણની સાથે આ પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ ગઈ છે. અને સેવાભાવિ સંસ્થાઓ દ્વારા પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ પર અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. જેમા લાખ્ખો યાત્રિકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે. જેથી યાત્રિકોને ભોજન માટેની કોઈ સામગ્રી ઘરેથી લાવવી પડતી નથી. વનવિભાગના સુત્રોના કહેવા પ્રમાણે આ વખતે પરિક્રમા માર્ગ પર આશરે ૬૦ જેટલા અન્નક્ષેત્રો શરૃ કરવામાં આવ્યા છે. સાથે સાથે પાણીના પરબ અને ચા માટે ૪૦ જેટલા નાના સ્ટોલ પણ ઉભા કરાયા છે. રાજકોટના ખોડિયાર મંડળ દ્વારા જીણાબાવાની મઢી અને બોરદેવી, શિવદરબાર આશ્રમ દ્વારા સૌથી વિકટ સ્થળ માળવેલાની ઘોડી, ભોજલરામ મંડળ દ્વારા બોરદેવી, મોરબીના શાંતિવન આશ્રમ દ્વારા જીણાબાવાની મઢી, જય ગિરનારી મંડળ દ્વારા બોરદેવી વગેરે સંસ્થાઓ વિવિધ વિસ્તારોમાં ભાવિકોના પ્રવાહને ધ્યાને લઈને અત્યારથી જ અન્નક્ષેત્રો શરૃ કરી દેવામાં આવ્યા છે. અને આજે સાંજ સુધીમાં લાખ્ખો ભાવિકોએ ભોજન પણ કર્યું છે.અન્નક્ષેત્રોમાં છ થી સાત દિવસ માટે યાત્રિકોને ભોજન કરાવવા માટે હજ્જારો કાર્યકરોની ફોજ પણ સંસ્થાઓની સાથે હોય છે. અને જાણે કે પોતાના સ્વજનો હોય તેવી રીતે તમામ યાત્રિકોને શક્ય એટલું સારૃ ભોજન પ્રેમથી પીરસવામાં આવી રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239291

મહાપાલિકા સાત દિવસ રાઉન્ડ ધ ક્લોક માહિતી કેન્દ્ર ચલાવશે.

જૂનાગઢ, તા.૧૬
ગિરનારની પરિક્રમા અને શિવરાત્રિના મેળા દરમિયાન મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી માહિતિ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ આજે સવારેથી માહિતિ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી આ કેન્દ્ર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહીને યાત્રિકોને પરિક્રમાને લગતી માહિતિ પુરી પાડશે.મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં શરૃ કરાયેલા માહિતિ કેન્દ્ર દ્વારા સતત સાત દિવસ સુધી યાત્રિકોને માહિતિ પુરી પાડવામાં આવશે. સાથે સાથે મહાપાલિકાની ખાસ કરીને સેનીટેશન સહિતની કામગીરી અંગેનું લાયઝન પણ કરવામાં આવશે. મનપાનું માહિતિ કેન્દ્ર સામાન્ય રીતે વિખુટા પડેલા યાત્રિકોના મિલન માટે જાણિતું છે. દર વર્ષે સંખ્યાબંધ નાના બાળકોને તેના પરિવાર સાથે આ માહિતિ કેન્દ્ર મેળવી આપે છે.માઈક પરની સતત જાહેરાત દ્વારા પરિક્રમા વિષયક અને પર્યાવરણની જાગૃતી લક્ષી માહિતિ પણ અહીથી આપવામાં આવી રહી છે. નાયબ કમિશનર એન.જે.ગોહિલના લાયઝન હેઠળ દિનેશ પુરોહિત, અરશીભાઈ કરંગીયા સહિતના ૧૪ કર્મચારીઓનો સ્ટાફ માહિતિ કેન્દ્ર પર કાર્યરત રહેશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239289

ગિરનાર પર્વત ઉપર માથાભારે ડોળીઓ વાળાનો બેફામ ત્રાસ.

જૂનાગઢ, તા.૧૪
આગામી સમયમાં પરિક્રમા શરૃ થઈ રહી છે તેવા સમયે જ ગિરનાર પર્વત પર કેટલાક ધરાર ડોળીવાળા બની બેસેલા માથાભારે તત્વો દ્વારા બેફામ ત્રાસ શરૃ થયો હોવાની ઉગ્ર રજૂઆત ડોળી મંડળના ૭૦ થી વધુ સભ્યો દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. તેમજ આ કહેવાતા ડોળીવાળા તત્વો યાત્રિકો પાસેથી બેફામ ભાવ લૂંટી રહ્યા હોવાની રાવ પણ કરી છે.
તગિરનાર પર્વત પર આવતા વૃદ્ધ અને અશક્ત યાત્રિકો માટે કેટલાય વર્ષોથી ડોળીની સુવિધા કાર્યકત છે. જેમા ગરીબ પરિવારના ડોળીવાળા સભ્યો સખત મહેનત કરીને પેટિયુ રળી રહ્યા છે. ડોળી મંડળના પ્રમુખ વિરજીભાઈની આગેવાની હેઠળ ડોળીવાળાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢના ટોચના અધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની એક સમિતિએ ડોળી માટેના ભાવ નિયત કરી આપ્યા છે. અને ભાવ વિશેનું એક બોર્ડ સીડી પર ૩૦ પગથિયે મૂકવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક કહેવાતા બની બેસેલા ડોળીવાળાઓએ આ બોર્ડ પણ તોડી નાખ્યું છે. અને કાયમી ડોળીનું કામ કરતા નાના માણસોને ધાક ધમકીઓ આપીને ડરાવી રહ્યા છે. યાત્રિકોને પણ ધરાર તેમની ડોળીમાં બેસવા ફરજ પાડવામાં આવી રહી છે.
આગામી સમયમાં પરિક્રમાના દિવસો આવી રહ્યા છે ત્યારે આ શખ્સો યાત્રિકો સાથે બેફામ લૂંટ ચલાવશે. આ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ શખ્સો સામે સત્વરે પગલા લેવા અને પગલા નહી લેવાય તો આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી પણ આપવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238782

પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, તમામ તંત્ર દ્વારા ચકાસણી.

જૂનાગઢ, તા.૧૪
ગરવા ગિરનારની પરિક્રમામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયારીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પરિક્રમા દરમિયાન વૃદ્ધ યાત્રિકો માટે વનવિભાગ દ્વારા પ૦ હજાર લાકડીઓનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે ૧પ સ્થળે વ્યાજબી ભાવે દૂધ વિતરણ માટેના સત્તાવાર કેન્દ્રો શરૃ કરાશે. સ્વચ્છતા માટે ૧૦૦ જેટલા સ્થળોએ કચરા ટોપલીઓ મૂકવામાં આવશે.
તપરિક્રમા દરમિયાન ખાસ કરીને વહિવટી તંત્ર, વનવિભાગ, પોલીસ તંત્ર અને મહાનગર પાલિકાની મુખ્ય ભૂમિકા રહેતી હોય છે. આ ઉપરાંત વીજ તંત્ર, પાણી પુરવઠા વિભાગ જેવા તંત્રો પણ સહભાગી બને છે. આગામી તા.૧૭ ના રોજથી પરિક્રમા શરૃ થઈ રહી છે ત્યારે આ તમામ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણતા તરફ જઈ રહી છે. જિલ્લા પોલીસ વડા દિપાંકર ત્રિવેદીએ તાજેતરમાં જ સમગ્ર પરિક્રમા રૃટનું નિરીક્ષણ કર્યું હતું.
જ્યારે વનવિભાગમાં મુખ્ય વન સંરક્ષક સુધીર ચતુર્વેદીના માર્ગદર્શન અને ડી.સી.એફ. અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ ર એ.સી.એફ., પ આર.એફ.ઓ., ૧૩ ફોરેસ્ટર, ૬૧ ગાર્ડ અને ૮પ સ્વયંસેવકો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પરિક્રમામાં ફરજ બજાવાશે. રસ્તા અને કેડીઓના રિપેરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માળવેલા અને નળપાણીની ઘોડી જેવા સીધા ચડાણોમાં બેરીકેટ બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્રો અને એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ  છે.
વિખુટા પડી ગયેલા ભાવિકો માટે માળવેલા, જીણાબાવાની મઢી, બોરદેવી ખાતે મદદ માટેના કેન્દ્રો શરૃ કરાયા છે. નળપાણીની ઘોડી ખાતે પરિક્રમાર્થીઓ માટે અને ગિરનાર પર્વત પર પહેલી ટૂંક ખાતે ગણતરી પોઈન્ટ ઉભા કરાશે. પર્યાવરણ અને જંગલ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વનવિભાગ અને સેવાભાવિ સંસ્થાઓ દ્વારા  કુદરતની આ બંન્ને દેણગીની રક્ષા માટેના સૂચિતાર્થ આપતા ઠેર ઠેર બેનરો મૂકીને પત્રિકા વિતરણ પણ કરાશે.
આગને કાબૂમાં લેવા રાની પશુને દૂર રાખવા ખાસ ટ્રેકર્સ પાર્ટી ખડે પગે રહેશે
પરિક્રમા રૃટ પર ઘણી વખત યાત્રિકોની હાજરીમાં સિંહ-દીપડા જેવા રાની પશુ ચડી આવવાના બનાવો બને  છે. પરિણામે યાત્રિકોમાં ભયનો માહોલ પેદા થાય છે પરિણામે  વન્ય પશુઓ પણ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. જેથી આ વખતે ૧૦ કર્મચારીઓની ખાસ ટ્રેકર્સ પાર્ટી રાઉન્ડ ધ ક્લોક સિંહોને પરિક્રમા રૃટની દૂર રાખવા કાર્યરત રહેશે. સાથે સાથે જંગલમાં આગ જેવા બનાવો બને તો આગ બુઝાવવા માટે વધારાનો સ્ટાફ પણ ખડે પગે રાખવામાં આવશે. આ બન્ને પાસાઓ માટે વનવિભાગ દ્વારા આ વખતે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પરિક્રમાને સરળ બનાવવા માટે યાત્રિકો માટે ઉપાય જરૃર કરતા વધુ સામાન સાથે ન લાવવો
* પર્યાવરણ બચાવવા સાબુ અને ડિટર્જન્ટ પાઉડર ન વાપરવો
* પાન-માવા, ગુટકાનો ઉપયોગ ન કરવો
* ઝાડ-પાન કે વાંસનું કટીંગ ન કરવું
* જંગલ ખાતા દ્વારા નિયત કરાયેલા રસ્તે જ ચાલવું
* અભયારણ્યમાં અનઅધિકૃત રીતે પ્રવેશ ન કરવો
* રસ્તા પર ચૂલા કે અગ્ની ન પ્રગટાવવો
* વ્યવસાયીક હેતું માટે રાવટી, તંબુ, છાવણી પર પ્રતિબંધ
* પાણીનો બીનજરૃરી ખોટો બગાડ ન કરવો
* વન્ય પ્રાણીઓને ખલેલ ન પહોંચાડવી
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238780

જંગલી જાનવરોના ત્રાસથી ખેડુતોને રાત ઉજાગરા.

માણાવદર તા.૧૨
માણાવદર તાલુકાનાં વાડાસડાની સીમમાં જંગલી જાનવરોનો ત્રાસ દૂર નહીં થાય તો ખેડૂતોએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપી છે.માણાવદર તાલુકાનાં વાડાસડા ગામની સીમમાં રોઝ, ભૂંડ તથા જંગલી જનાવરો ખેતીની જમીનમાં અતિ કિંમતી ઉભા પાકને છાશવારે નુકસાની કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જંગલી જનાવરો ઉભા પાકને ભયંકર નુકસાની કરતા ખેડૂતોની લાખો રૃપિયાની કિંમતનો માલ નાશ પામ્યો છે.
એક તરફ કમોસમી વરસાદનો માર ઉપરથી આ જનાવરોથી નુકસાની સતત દિવસ - રાતનાં રખોપા કરવા કેમ? મોંઘુ દાટ બિયારણ ખેડૂતો વાવે અને પાક તૈયાર થાય કે તુરંત જ જંગલી જનાવરો ઉભે - ઉભા ખાઇ જાય ખૂંદી નાંખી રફે - દફે કરી નાખે છે. જેથી ખેડૂતો કાયમ બેહાલ બનતો જાય છે.જો ટુંક સમયમાં આ પ્રશ્ન તંત્ર દ્વારા નહિં ઉકેલાય તો ખેડૂત આગેવાન, અશોકભાઇ ડાંગર તથા ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238288

ગિરનારની આગોતરી પરિક્રમા પર પ્રતિબંધ લાદો.

Nov 13,2010
જૂનાગઢ, તા.૧૨
ગરવા ગિરનારના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વર્ષોથી યોજાતી પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે કેટલાક શ્રધ્ધાળુઓ નિયત સમય પહેલા જ પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય પાણી પ્રદુષિત થવા સાથે આ વિસ્તારમાં ગંદકી પણ ફેલાતી હોવાની રાવ સાથે જૂનાગઢ ભારત સાધુ સમાજે પરિક્રમાના રૃટ પર વોચ ગોઠવી શ્રધ્ધાળુઓ નિયમોનું ઉલ્લંઘન ન કરે તે માટે સંબંધિત તંત્ર સમક્ષ યોગ્ય પગલા લેવા માંગણી કરી છે.
પરિક્રમા ચાલુ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેમજ જૂનાગઢ શહેર અને ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં ઉમટી પડેલ માનવ મહેરામણને કારણે આ વર્ષે પણ પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ જોડાવાની શકયતા સેવાઈ રહી છે. ત્યારે ભારત સાધુ સમાજે જૂનાગઢ નાયબ વન સંરક્ષકને પત્ર પાઠવી અન્નક્ષેત્રમાં ગેસ લીકેજ થાય તો ભયાનક આગ લાગવાની ભીતી વ્યકત કરી અન્નક્ષેત્રોને બળતણ માટે લાકડા પુરા પાડવાની, પરિક્રમા રૃટ વિસ્તારમાં કચરા પેટી રાખવા તેમજ નાના ધંધાર્થીઓને તંબુ , રેકડી કે સ્ટોલ નાંખવાની મંજૂરી આપવા માંગણી કરી છે.
આ પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર વન ખાતા દ્વારા દામોદર કુંડ પછીના રસ્તા ઉભી કરાતી દિવાલોને કારણે ટ્રાફીક સમસ્યા ઉભી થાય છે. ત્યારે હાલમાં વનખાતા દ્વારા ચાલતું આ કામ અટકાવી ૬૦ ફુટના આ રોડને ૧ર૦ ફુટનો કરવો જોઈએ. તેમજ પરિક્રમા દરમિયાન કોઈ અસામાજીક તત્વો ભીડનો લાભ ન ઉઠાવે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તેમજ ધંધાર્થીઓ પરિક્રમાર્થીઓ પાસેથી કોઈ પણ વસ્તુંના બમણા ભાવ ન વસુલે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવા પત્રના અંતે માંગણી કરવામાં આવી છે.
પરિક્રમા માટે આગેવાનોની ખાસ કમિટી બનાવો
જૂનાગઢઃ છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા જંગલ વિસ્તારમાં દાખલ કરાયેલ કાળો કાયદો અને અમલદારશાહીનો ઘણીવાર નાના ધંધાર્થીઓ તથા સેવાભાવી સંસ્થાઓ અને યાત્રાળુઓ ખોટી રીતે ભોગ બનતા હોવાની રાવ સાથે ભાજપના સામ્યવાદી પક્ષ માર્કસવાદી જૂનાગઢ જિલ્લા સમિતિએ નિર્દોષ શ્રધ્ધાળુ કે અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થા આવા કાળા કાયદાનો ભોગ ન બને તે માટે ગુજરાત સરકાર સમક્ષ પરિક્રમા માટે જૂનાગઢના તમામ રાજકીય પક્ષો, સેવાભાવી સંસ્થાઓ અને પત્રકારોની એક કમિટી બનાવવા માંગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238287

ભવનાથ ડીમોલીશનને પરિક્રમાએ બ્રેક મારી.

Nov 13,2010
જૂનાગઢ, તા.૧
 જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારના વિકાસ માટે બે વર્ષ પહેલા અધુરૃ મૂકી દેવાયેલું ડીમોલીશન પૂર્ણ કરવા ફરી વખત તૈયારીઓ શરૃ કરીને ગત તા.ર ના રોજ નોટીસો આપી દીધી હતી. અને આજથી જ ડીમોલીશન પણ શરૃ કરવાનું હતું. પરંતુ આગામી દિવસોમાં આવી રહેલી પરિક્રમાને લઈને તંત્રએ કાર્યવાહી અધૂરી છોડી દેવી પડી છે. અને હાલ પુરતુ ડીમોલીશન મોકૂફ રાખવું પડયું છે. જ્યારે સામા પક્ષે ભવનાથ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કોર્ટમાં જઈને સ્ટે મેળવી લેવા માટેની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.
ભવનાથ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પેશકદમી થઈ જતા તંત્ર દ્વારા આ સ્થળને રમણીય બનાવવાની યોજના હેઠળ બે વર્ષ પહેલા પેશકદમી દૂર કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. અને યાત્રિકો માટેની વિવિધ સુવિધાઓ ઉભી કરવાના આયોજન અંતર્ગત સારા એવા પ્રમાણમાં ડીમોલીશન કરી નાખવામાં આવ્યું હતું. દરમિયાનમાં આ વિસ્તારના સાધુ-સંતો અને રહેવાસીઓની રજૂઆત બાદ રૃપાયતન પાસે અસરગ્રસ્તોને ૧૮૭ પ્લોટ સુવિધાઓ સાથે ફાળવવાની ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. અને કેટલાક અસરગ્રસ્તોને સનદ પણ આપી દેવામાં આવી હતી.
બીજી તરફ ફરી વખત ગત તા.ર ના રોજ ભવનાથમાં બાકી રહી ગયેલી પેશકદમી વિશે નોટીસો ફટકારી દેવામાં આવી હતી. અને આજથી ડીમોલીશન શરૃ કરવાની જાહેરાત પણ તંત્રએ કરી દીધી હતી. પરંતુ સાધુ-સંતો અને રહેવાસીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને પગલે પરિક્રમા સંદર્ભે હાલમાં ડીમોલીશન રોકી દેવામાં આવ્યું છે. રહેવાસીઓએ તંત્ર સામે કરેલા આક્ષેપો અનુસાર તંત્રએ પ્લોટ ફાળવ્યા બાદ એક પણ પ્રકારની સુવિધા આપી નથી. પરિણામે લોકો ત્યાં રહેવા જઈ શક્યા નથી. માટે તંત્રએ પ્રથમ સુવિધા આપ્યા બાદ જ ડીમોલીશન કરવું જોઈએ. તેમજ ભવનાથના રહેવાસીઓએ આ મુદ્દે કોર્ટમાં જઈને સ્ટે મેળવવા માટેની કાર્યવાહી પણ આરંભી દીધી છે.
રાત્રે રીક્ષા ફેરવી ડીમોલીશનની તાકીદ કરાઈ
જૂનાગઢઃ ડીમોલીશન માટે ભવનાથ વિસ્તારમાં ગત તા.ર ના રોજ નોટીસો ફટકારી દેવાયા બાદ સાત દિવસની મુદ્દત આપવામાં આવી હતી. આ મુદ્દત પૂર્ણ થઈ જતા ગઈકાલે તંત્રએ ભવનાથ વિસ્તારમાં રીક્ષા ફેરવીને માઈક દ્વારા લોકોને મકાનો ખાલી કરી આપવાની તાકીદ કરવામાં આવી હતી. તેમજ આજથી ડીમોલીશન શરૃ કરી દેવાની જાહેરાત પણ કરાઈ હતી. પરંતુ લોકોની રજૂઆત બાદ ડીમોલીશન મોકૂફ રાખી દેવાયું છે.
યાત્રિકોને ધ્યાને લઈ ડીમોલીશન રોકાયું : કલેક્ટર
જૂનાગઢઃ ભવનાથ વિસ્તારમાં ડીમોલીશન મોકૂફ રાખવા સંદર્ભે જિલ્લા કલેક્ટર આશિર્વાદ પરમારના જણાવ્યા પ્રમાણે હાલમાં પરિક્રમા દરમિયાન આવનાર લાખ્ખો યાત્રાળુંને ધ્યાને લઈને સંતો તેમજ રહેવાસીઓ દ્વારા કરાયેલી રજૂઆત બાદ ડીમોલીશન મોકૂફ રાખવામાં આવ્યું છે. સાથે સાથે ડીમોલીશન વેળાએ પોલીસ રક્ષણની સુવિધા પણ જરૃરી હોવાથી અને તહેવારો દરમિયાન કોઈ વિવાદ ન સર્જાય તે માટે અત્યારે ડીમોલીશન મોકૂફ રાખવામાં આવ્યું છે. અને પરિક્રમા બાદ ડીમોલીશન શરૃ કરવામાં આવશે.
રસ્તા, લાઈટ, પાણીની પ્રાથમિક સુવિધા પણ નથી મળી
જૂનાગઢઃ ભવનાથ વિસ્તારમાં ડીમોલીશન બાદ તંત્રએ રૃપાયતન પાસે ૧૮૭ પ્રજાજનોને પ્લોટ ફાળવ્યા હતાં. અને આ સ્થળે શાળા, આંગણવાડી, પી.એચ.સી., રસ્તા, લાઈટ, પાણી વગેરે સુવિધા આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ પ્રજાજનોની ફરિયાદ અનુસાર આ સ્થળે એક પણ પ્રકારની સુવિધા અત્યાર સુધીમાં આપવામાં આવી નથી. અને લોકોને નોટીસો ફટકારી તંત્ર વારંવાર હેરાન કરે છે. આ પ્લોટોને વન્ય પ્રાણીઓથી સુરક્ષા મળી રહે તે માટે સંરક્ષણ દિવાલ બનાવી આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. જેમાંથી એકેય સુવિધા અપાઈ નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238285