Tuesday, November 30, 2010

પક્ષી સૃષ્ટિના શ્રેષ્ઠ સિવિલ એન્જિનિઅર્.

જેમ મનુષ્યજીવનની મુખ્ય જરૃરિયાતો રોટી, કપડાં અને મકાન છે તેમ પંખીઓની મુખ્ય જરૃરિયાત ખોરાક ઉપરાંત રહેઠાણ ગણાવી શકાય. આપણાં સાહિત્યકારો ભલે લખે કે 'સાંજ પડે અને પંખીઓ પોતપોતાના માળામાં પાછા ફરે છે' કે 'પંખીઓ માળામાં રહે છે.' પરંતુ પક્ષીવિદ્દો આ વાતને નકારે છે. પક્ષીવિદ્દોના મતઅનુસાર પંખીઓ ઋતુગામી છે અને પ્રજનન ઋતુમાં માત્ર પોતાના ઈંડાને સેવવા પૂરતો જ માળો બાંધે છે. પંખીની કેટલીક જાતોમાં નરપંખી જ માળો બાંધે છે જ્યારે અમુક જાતોમાં નર અને માદા બંને સાથે મળીને માળો બાંધે છે.
આપણે ભલે તેવું માનતા હોઈએ કે મનુષ્ય જ કુશળ બિલ્ડર છે અને બાંધકામ ઈજનેરી કૌશલ્યના નમૂનારૃપ સુંદર ઘરો બનાવી જાણે છે. પણ એવું નથી. કેટલાંક પંખીઓ પણ પંખી જગતના શ્રેષ્ઠ બિલ્ડર છે. આ પંખીઓ પોતાના માળા એટલા સુંદર બનાવે છે કે એમનું રચના કૌશલ્ય, એમની સ્થાપત્યકલા, એમની ઈજનેરી કુશળતાનો સાચો ખ્યાલ તો એમના માળાને પ્રત્યક્ષ જોઈએ ત્યારે જ આવે. તેમ છતાં આવા પક્ષીજગતનાં કેટલાક શ્રેષ્ઠ બિલ્ડર પંખીઓ વિશે આજે વાત માંડવી છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર પંખી સૃષ્ટિમાં સુગરી (Baya weaver) એ ઉત્તમ માળા ઈજનેર ગણાય છે. માળો બનાવવાની કુશળતા અને કલામાં સુગરીને કોઈ ન પહોંચે. ચોમાસા સિવાય સામાન્ય ચકલી જેવું લાગતું આ પંખી ચોમાસામાં જેવી તેની પ્રજનન ઋતુ શરૃ થાય કે નરનું માથું અને છાતી પીળો રંગ ધારણ કરે. ગળું અને કર્ણપ્રદેશ ઘેરો કથ્થાઈ રંગ ધારણ કરે. ચોમાસામાં લીલા તાજા ઘાસના સેંકડો તણખલાં એકઠાં કરી લાવીને નરસુગરીની ટોળી સાથે મળીને નિરાંતે માળો ગૂંથે. નદી, તળાવ કે કૂવાના કાંટા પર ઝૂકતી હોય તેવી કાંટાળા વૃક્ષની ડાળી પસંદ કરી તેના પર માળો બાંધવાનું શરૃ કરે. ઘાસના લીલા તણખલા, કૂણા પાન વગેરેને ગૂંથતા જાય અને ચીઈઈ... ચીઈઈ... ના મધૂર કલરવ સાથે ઉત્તેજનામાં પાંખો ફફડાવતા સમૂહમાં ગાયા કરે. દરેક નર પોતાનું માળો ગૂંથવાનું કૌશલ્ય દેખાડી માદાને રીઝવવા પ્રયત્ન કરે. જો માદા માળાનો સ્વીકાર કરી તેના પર બેસે તો જ બધા નર તે માળો પૂરો કરે. જે નરના ગૂંથણી કૌશલ્યથી માદા પ્રસન્ન થઈ હોય તે નર સાથે માદા સંવનન કરે અને બેથી ચાર સફેદ ઈંડા મૂકે. સુગરીનો માળો તો બધાએ જોયો જ હશે. લટકતા ચંબુ આકારનો, નીચે તરફ લાંબો નળાકાર દરવાજો હોય. ચંબુ આકારમાં ત્રણથી ચાર ખંડો હોય. ઈંડા મુકવાના કક્ષ પાસે ઘૂમ્મટમાં ભીની માંટી ચોંટાડવામાં આવે જેમાં માદા ઈંડા મૂકે.
માળો ગૂંથવાની આગવી કલા માટે દરજીડો (Tailor-Bird) પણ પ્રખ્યાત છે. ચપળ, નાનું, લીલાશ પડતા પીળા રંગનું આ ઠસ્સાદાર પંખી ઝાડ કે છોડના એકથી ચાર પાન લઈ તેની ધારને વનસ્પતિના રેસા કે તાંતણાથી એક સરખું માપ રાખીને એવા સરસ ટાંકા લે કે જાણે કોઈ કુશળ દરજી એ સિલાઈ ન કરી હોય! વળી, સિવેલા ટાંકા સરકી ન જાય તે માટે છેલ્લા ટાંકા પાસે દોરાને બરાબર ગાંઠ મારે. આ રીતે ચાર પાંદડાની થેલી સીવી તેમાં વચ્ચે રૃ, વાળના ગૂંચડા, નાના-નાના પીંછા વગેરે વસ્તુઓ એકઠી કરી લાવી તેની સુંવાળી ગાદી બનાવે. જેમાં તેની માદા આસમાની ધોળા ભૂરાશ પડતા રાતા છાંટણાવાળા ૩ થી ૪ ઈંડા મૂકે. બહુજ સ્ફૂર્તિલું અને આનંદી પંખી. પ્રજનન ઋતુમાં નરની પૂંછડીના બે પીંછા વચ્ચેથી બહાર નીકળી ઊંચા થતા જોવા મળે.
પાતળા બાંધાનું લાંબી પૂંછડીવાળું ઘેરા રાખોડી રંગનું સ્ફૂર્તિલું પંખી એટલે ફડક ફુત્કી (Ashy Prinia) ખેતરના શેઢે, વાડ, જળાશયોના ચીયામાં કે ઘાસના બીડમાં લપાતું-છૂપાતું ફરે. હરતાં-ફરતાં લાંબી પૂંછડી આમતેમ હલાવ્યા કરે અને ઉત્સાહપૂર્વક તુલ્વી-તુલ્વી-તુલ્વી... એવું સતત બોલ્યા કરે. તેથી જ તેનું નામ પડયું ફડક ફુત્કી. માર્ચથી સપ્ટેમ્બર તેની પ્રજનન ઋતુ ગણાય પરંતુ મોટે ભાગે વરસાદ પડી ગયા પછી માળો બાંધે. માળા બે-ત્રણ પ્રકારે બનાવી જાણે. એક તો દરજીડાની જેમ બે-ત્રણ પાંદડા સીવીને, બીજું પાંદડાની આજુબાજુ સાંઠીઓને ગોઠવીને લંબગોળ માળો બનાવે તો ક્યારેક માત્ર સળીઓનો જ માળો ગૂંથે. જેમાં તેની માદા ૩-૪ લાલ-કાળાં ટપકાંવાળા ઈંડા મૂકે. પ્રજનન ઋતુમાં ખૂબ મીઠું ગાય અને સાથે બુલંદ સિસોટી જેવા અવાજ કરે.
માત્ર શ્વેત-શ્યામ રંગ ધરાવતું અને આકર્ષક દેહલાલિત્યનું માલિક પ્રકૃતિનું ખૂબ લાડકવાયું પંખી તે દૂધરાજ. (Asian Paradise flycatcher). બાગ-બગીચા અને વૃક્ષની ઘટાઓમાં નિવાસ કરતા દૂધરાજની પ્રજનન ઋતુ ફેબુ્રઆરીથી જુલાઈ ગણાય. આ ઋતુમાં જમીનથી ૨-૫ મીટરની ઊંચાઈ પર ઝાડની મજબૂત ડાળી પર કે ગીચ ઝાડીઓમાં ઘાસના ઝીણાં તણખલા અને રેષાઓ ગૂંથીને કપ જેવો સુંદર માળો બનાવે. જેમાં તેની માદા ૩-૫ આછા ગુલાબી અને ભૂરા છાંટણાવાળા ઈંડા મૂકે. તેની લોંકી અને ગુંલાટ મનમોહક. એક ડાળથી બીજી ડાળ પર ખૂબ નજાકતથી ઊડાન ભરતા દૂધરાજને નિહાળવો તે લ્હાવો ગણાય.
જળાશયોની આસપાસ નિવાસ કરતું માટીમાંથી માળો બનાવતું અદ્ભુત પંખી તે તારોડિયું (wire-tailed swallow) ગરદન સહિત ઉપરનો ભાગ ઘેરા ચળકતા વાદળી રંગનો પણ માથું કથ્થાઈ. નીચેનું આખું શરીર ચળકતા સફેદ રંગનું. પાંખો લાંબી અને પૂંછડી ખાંચાવાળી. પૂંછડીના બહારની તરફના પીંછા વાયર જેવા લાંબા. તેથી જ અંગ્રેજીમાં તેને wire-tailed bird તરીકે ઓળખાય. સામાન્ય રીતે માર્ચથી સપ્ટેમ્બર તેની પ્રજનન ઋતુ. તેમ છતાં આખું વર્ષ અનુકૂળતા મુજબ ગમે ત્યારે પાણીની નજીકની દિવાલ પર ગારા કે માટીનો અડધા વાટકા જેવા આકારનો ચોંટાડેલો માળો બાંધી તેમાં પીંછાની સુંદર ગાદી કરે. જેમાં તેની માદા ૩ થી ૫ સફેદ ઈંડા મૂકે. પાણીની સહેજ ઊંચે, સામા પવને ખાંચાવાળી સુંદર પૂંછડીનો પંખો બનાવીને સમૂહમાં ઊડતાં તારોડિયા ઉઠવામાં કુશળ. આનંદ પૂર્વક ધીમું, મીઠું ચીટ... ચીટ... ચીટ એવું બોલ્યા કરે.
મૂળ દક્ષિણ ભારતનું પણ ઉનાળાની મધ્યમાં માત્ર પ્રજનન અર્થે ગુજરાતનું મહેમાન બનતું વિવિધ ચમકદાર રંગોનું સુંદર પંખી તે નવરંગ (Indian Pitta). કુદરતે ખૂબ નિરાંતવા જીવે બધાં જ રંગોને પાસે રાખીને નવરંગને ઘડયું હોય તેમ જણાય છે. માથું મોટું બદામી, વચ્ચે કાળો પટ્ટો. નેણ સફેદ, પીઠ લીલી, ઢીંઢું વાદળી, પૂંછડી કાળી પણ છેડેથી આછી વાદળી અને પાંખો કાળાશ પડતી લીલી. જેમાં સફેદ ચાઠું જે ઊડે ત્યારે દેખાય. ખભો લીલા વાદળી રંગનો. દાઢી અને ગળું સફેદ. શરીરનો નીચલો ભાગ બદામી. બે પગ વચ્ચેથી પૂંછડી સુધીનો રંગ સિંદૂરિયો ચળકતો. ચાંચ નારંગી-બદામી, પગ ઘઉંવર્ણા. ખૂબ સૌંદર્યવાન હોવાને કારણે ગુમાની હોવાથી થોડું ઝઘડાખોર પણ ખરું. સામાન્ય રીતે એકલ-દોકલ જોવા મળે. મે મહિનો શરૃ થતાં જ દક્ષિણ ભારતમાંથી ગુજરાતમાં આવે. નીચા ઝાડની ડાળીઓમાં ઘાસ, સૂકાપાન, મૂળિયા વગેરે ગોઠવીને મોટા દડા જેવો માળો બાંધે. જેમાં એક તરફ દરવાજો રાખે. જેમાં આછા જાંબુડી ટપકાંવાળા સફેદ ઈંડા મૂકે. ચોમાસું ગાળી, બચ્ચા ઉછેરી ઓગષ્ટ માસમાં ફરી દક્ષિણ ભારત તરફ પ્રસ્થાન કરી જાય.
દેશના અન્ય વિસ્તારોમાં ખૂબ જોવા મળતો રાખોડી ચિલોત્રો (Indian Grey Hornbill) ગુજરાતમાં દૂર્લભ ગણાય છે. બેડોળ આકાર ધરાવતું બદામી-રાખોડી રંગનું આ મોટું પંખી ઘાટી વનરાજીમાં જ નિવાસ કરે છે. એપ્રિલથી ઓગષ્ટ તેની પ્રજનન ઋતુ ગણાય છે. આ ઋતુમાં માદા પીંછા ખેરવી નાખી સાવ બોડકી બની જાય અને મોટા વૃક્ષની બખોલમાં ઘૂસી જાય. માત્ર ચાંચ પ્રવેશી શકે તેટલી જગ્યા રાખી નર ચિલોત્રો આ બખોલને કાદવ, માટી કે પોતાની ચરકથી છાંદી દે. જાતે વહોરેલી કેદ દરમિયાન માદા ૨ થી ૪ સફેદ ઈંડા મૂકે. માદા માટે ખોરાકની વ્યવસ્થા નર કરે. બચ્ચાં થયા બાદ માદા જાતે માળો તોડી બહાર આવે. ફરી માળો પહેલા જેવો જ છાંદી દઈ, નર-માદા બંને બચ્ચા માટે ખોરાક શોધી લાવી બચ્ચાને પોષે.
નમણો દેહ, ચપળ રીતભાત અને મીઠો અવાજ ધરાવતું ગુજરાતમાં ખૂબ જોવા મળતું પંખી તે નાનો પતંરગો (Small Bee-eater) હવામાં ઊડતી નાની-મોટી જીવાતો જેવી નજરે ચડે કે તરત જ ચાંચમાં પકડી લઈને વીજળીના તાર પર કે ઝાડની ડાળી પર નિરાંતે બેસી જાય. જીવડાંને તાર કે ડાળી સાથે ડાબી-જમણી બાજુ અથડાવી-અથડાવીને અધમૂવું કરી નાંખે અને પછી ગળી જાય. ચમકતો લીલો રંગ, માથું અને ડોક સોનેરી ઝાંયવાળા રતુંબડા, ગળે કાળો કાંઠલો અને લાલચોળ આંખો ધરાવતું આ પંખી ખૂબ નમણું છે. ફેબુ્રઆરીથી મે માસ તેની પ્રજનન ઋતુ ગણાય છે. નદીની ભેખડો કે કુવાની પોચી દિવાલમાં જ્યાં ઊંડા દર બનાવી શકાય ત્યાં એકાદ મીટરથી પણ વધુ ઊંડાઈની સુરંગ બનાવીને સમૂહમાં પ્રજનન કરે છે. સુરંગના છેડે મોટો ગોળ દડા જેવો કક્ષ બનાવી તેમાં માદા ૩ થી ૭ સફેદ ઈંડા મૂકે છે. પતરંગા સવારે ખૂબ મોડે સુધી સુવે છે. અન્ય પંખીઓની સરખામણીમાં ખૂબ ઉંઘણશી છે.
ંઅંતે, માનવ હોય કે પંખી જીવન વ્યતિત કરવા માટે દરેકે આવશ્યકતાઓની પૂર્તિ તો કરવી જ પડે છે. આપણી પાસે તો મકાન બાંધવા સિવિલ એન્જિનિયર્સ, આર્કિટેકચર્સ, કડિયા, કોન્ટ્રાક્ટર આ બધાની મોટી ફોજ છે. જ્યારે પંખીઓ... તેમને તો પોતાના માળાના બાંધકામ માટે ‘All in one ' ખૂદ પોતાની જાત પર જ આધાર રાખવો પડે છે. આખરે કુદરત સૌને પોતાની જરૃરિયાતનું કામ તો શીખવી જ દે છે અને એ પણ કેટલી કલા-કારીગરી પૂર્ણ... બરાબરને ?
- મીતા એચ. થાનકી
Source: http://www.gujaratsamachar.com/20101130/purti/science/sci4.html

No comments: