Source: Bhaskar News, Una | Last Updated 12:51 AM [IST](23/11/2010)
- વન્ય પ્રાણી જગતની અચરજભરી, દુર્લભ ઘટના- ગીર જંગલની સરહદ પર આવેલા ખીલાવડ ગામની સીમમાં
વર્તમાન સમયમાં આપણે અનેક પ્રકારના આશ્ચર્યો અને કૌતૂકોનો અનુભવ કરી રહ્યા છીએ. ઋતુચક્ર ગરબડભર્યું બની ગયું છે. દિવાળી વીતિ ગઈ છતાં વરસાદ આવે છે. કચ્છના સૂકા ગામડાંઓમાં કાશ્મીર જેવી હિમવર્ષા થાય છે. જુદા જુદા વિસ્તારોમાં અચાનક જ ભૂગર્ભ ધડાકાઓ થવા લાગે છે.
પણ આ પરિવર્તન માત્ર હવામાન કે પર્યાવરણ પૂરતું જ મર્યાદિત નથી. પ્રાણી જગતમાં પણ આશ્ચર્યકારક ઘટનાઓ બની રહી છે અને એવી જ એક ઘટનામાં ઊનાના ખીલાવડ ગામની સીમમાં સિંહ અને દીપડાએ એક સાથે એક મારણની મજિબાની માણી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વન્યજીવ નિષ્ણાતોને માથું ખંજોળતા કરી દે એવી આ ઘટનાની વિગત એવી છે કે, ગીર જંગલની સરહદ પર આવેલા ખીલાવડ ગામની સીમમાં ભાંગતી ગતરાત્રે એક સાવજે બળદનો શિકાર કર્યો હતો. સવારે ખેડૂતો પોતાના વાડી ખેતરે જવા નીકળ્યા ત્યારે ખેડૂત હિંમતભાઈ ભાલાળા તથા રસિકભાઇ પડસાળાની વાડી વચ્ચેથી નીકળતી નહેરને કાંઠે ડાલામથ્થો એ બળદની મજિબાની માણતો નજરે પડ્યો હતો. જો કે એ વિસ્તારના લોકો માટે આ ર્દશ્ય નવું નહોતું પણ નવું બન્યું બપોરના સમયે. બપોરે એ ર્દશ્ય બદલાઈ ગયું હતું.
બળદની એક તરફ સાવજ હતો અને બીજી તરફ દીપડો હતો. દીપડો અને સાવજ સંપીને ભોજન માણતા હતા. કદી ન બને એવી આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં સેંકડો લોકો આ દુર્લભ ર્દશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા. ગીરના ગામડાંઓમાં દાયકાઓથી રહેતા લોકો માટે પણ આ ઘટના આશ્ચર્યજનક હતી.
વાઈલ્ડ લાઈફના નિષ્ણાતો પણ આશ્ચર્યમાં ગરકાવ -
વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા રાજકોટના ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા આ બનાવથી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. તેમના કહેવા મુજબ આ એક અદ્રિતીય ઘટના ગણી શકાય. સામાન્ય રીતે દીપડો કદી સાવજની નજીક પણ ન ફરકે. દીપડાએ શિકાર કર્યો હોય ત્યારે પણ તેને ભગાડીને સાવજ એ મારણની મજિબાની માણે અને ત્યારે પણ દીપડાએ તો ત્યાંથી ભાગી જ જવું પડે. એક દીપડાએ શિકાર કર્યો હોય અને બીજો દીપડો ત્યાં આવી ચડે તો પણ બન્ને વચ્ચે યુધ્ધ થાય. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં બે દીપડા સાથે મારણ ખાય.
પણ સાવજ અને દીપડો એક સાથે એક શિકારને ખાય એવું કદી બન્યું નથી. સાવજનું પેટ ભરાઈ ગયું હોય તો પણ એ બીજા કોઈ પ્રાણીને ખાવા ન દે. આજની ઘટના બેશક અતિ આશ્ચર્યજનક છે. ભૂષણ પંડ્યાને અફસોસ તો એ વાતનો છે કે આ દુર્લભ બનાવની તેઓ ફોટોગ્રાફી નથી કરી શક્યા.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-and-leopard-eat-in-one-killing-animal-1575068.html
No comments:
Post a Comment