Source: Jitendra Mandavia, Talala | Last Updated 11:07 PM [IST](18/11/2010)
- ગુજરાત બહારના તેમજ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે સાસણના હોટેલ માલિકોએ કરેલું સૂચન
- કલેક્ટર સમક્ષ અનેક મુદ્દાઓની રજુઆત
સાસણ-ગીર ધીમે ધીમે સૌરાષ્ટ્ર-ગુજરાતના મુખ્ય પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગીરની પ્રાકૃતિક સંપદા અદભૂત છે. આખા એશિયામાં સાવજો માત્ર ગીરમાં જ છે. પ્રવાસીઓને આકર્ષી શકે એવા તમામ પરબિળો અહીં મૌજુદ છે.
અત્યાર સુધી ગીરની એ ખુબીઓનો પ્રચાર નહોતો થયો. પણ બીગ બી અભિનીત ‘ખુશ્બુ ગુજરાત કી’ ડોકયુમેન્ટરી એડ ફિલ્મને કારણે દેશ વિદેશના પર્યટન પ્રેમીઓ ગીર પ્રતિ ઉત્સુક બન્યા છે. ત્યારે પર્યટન ક્ષેત્રના વિકાસ માટે જરૂરી કેટલાક સુચનો સાસણ ગીર હોટેલ એસો. દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ગીરમાં આવતા બિન ગુજરાતી પર્યટકોને દારૂની પરમીટ આપવાનું સુચન કરવામાં આવ્યું છે.
સાસણ-ગીરમાં આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન વિક્રમસર્જક સહેલાણીઓ આવ્યા હતા. આ સહેલાણીઓએ ગીરને અને સાવજોને માણ્યા, ખુશ પણ થયા. પણ સાથે જ કેટલાક ઉણપો અને અભાવોની પણ અનુભુતિ કરી. સાસણમાં આંતર માળખાકીય સુવિધા વધારવા સહિતના અનેક મુદ્દાઓ એવા છે જેના પ્રત્યે તંત્રે સજ્જ થવું પડશે. અન્યથા એક ઉભરા તરીકે અત્યારે વિકસેલો પર્યટન ઉદ્યોગ સમય જતાં ઠરી જશે.
એ સંદર્ભે સાસણ ગીર હોટેલ એસોસીયેશને જુનાગઢ જિલ્લા કલેક્ટરને કરેલા સુચનોની અગત્યતા વધી જાય છે. હોટેલ માલિકોના જણાવ્યા મુજબ ગુજરાત બહારના તમામ પ્રવાસીઓની ફરિયાદ દારૂબંધી અંગેની છે. ફરવા નીકળ્યા હોય અને શરાબની ચુસ્કી ન લઇ શકાય એ સ્થિતિ પર્યટકોને માન્ય નથી. સાસણ ગીરમાં ગુજરાત બહારના તથા વિદેશના પ્રવાસીઓએ લાવવા હશે તો મુખ્ય વિઘ્ન સમા આ દારૂબંધીના નિયમોમાં છુટછાટ આપવી પડશે એવું મંતવ્ય હોટેલ માલિકોએ વ્યક્ત કર્યું છે.
એ ઉપરાંત સાસણને ડાયરેકટ બસ સર્વિસ આપવા તથા સાસણની તમામ હોટેલોને વનતંત્ર તરફથી નોઓબ્જેકશન સર્ટિફીકેટ આપવા તેમજ ટેક્સ બેનીફીટ આપવા પણ માંગણી કરવામાં આવી છે. ગીર-સાસણમાં આગલા વર્ષોની તુલનામાં પર્યટકો વધ્યા છે. એક સારી શરૂઆત થઇ છે ત્યારે પર્યટન ઉદ્યોગને વધુ વિકસાવવા માટે થયેલાં આ સુચનો પરત્વે સરકાર ગંભીરતાથી ધ્યાન આપે એ જરૂરી છે.
સાસણ શ્રેષ્ઠ બર્ડ વોચિંગ સેન્ટર બની શકે તેમ છે -
સાસણને લોકો સાવજ માટે જ ઓળખે છે. પણ એ ઉપરાંત સાસણની પક્ષી સૃષ્ટિ પણ અદભૂત અને અદ્વીતીય છે. આખું ગીર વિશ્વાના શ્રેષ્ઠત્તમ પક્ષી અભયારણ્ય સમું જ છે. તંત્ર દ્વારા બર્ડ વોચીંગ માટે વ્યવસ્થા થવી જોઇએ. ખાસ કરીને સાસણમાં હીરણ નદીના પુલથી સતાધાર તરફ જતી હીરણ નદીનો બે કિ.મી.નો પટ એ હેતુ માટે આદર્શ સાબિત થઇ શકે છે. એ વિસ્તારને બર્ડ વોચીંગ સેન્ટર તરીકે વિકસાવી શકાય.
મહત્વનાં સૂચનો -
- મગર ઉછેર કેન્દ્રની કાયાપલટ કરવામાં આવે તો એ સ્થળને એક આકર્ષક સાઇટ તરીકે વિકસાવી શકાય.
- વનતંત્ર પાસે એક આયુર્વેદીક ગાર્ડન છે. જેમાં અસંખ્ય આયુર્વેદીક છોડવા અને વૃક્ષો છે. એ ગાર્ડનનો વિકાસ કરવામાં આવે તો એક વધારાનું આકર્ષણ ઉભુ થાય. તેમજ આયુર્વેદીક દવાઓનું માર્કેટિંગ પણ થાય.
- સાસણમાં નાઇટ ટ્રેકીગની વ્યવસ્થા કરવી જોઇએ.
વ્હેલ વોચીંગ પ્રોગ્રામ શરૂ કરી શકાય -
સાસણ ગીર હોટેલ એસો.ના પ્રમુખ મુકેશ મહેતાના જણાવ્યા અનુસાર કોડીનાર, દીવ અને દ્વારકાના દરિયા કિનારે વ્હેલ માછલીઓ બ્રીડીંગ માટે આવે છે, સાસણમાં ઉતરેલાં પર્યટકો માટે બે કે ત્રણ દિવસની સરકીટ ટુરનું આયોજન થાય, પર્યટકોને સમુદ્રની સહેલ કરાવવાની વ્યવસ્થા ગોઠવી શકાય તો એ એક વધારાનું અને અતિ મહત્વનું આકર્ષણ બની રહેશે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં આ પ્રયોગ સફળ થયો છે. આવું આયોજન ગોઠવાય તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અન્ય સ્થળો પણ પર્યટન કેન્દ્ર તરીકે વિકસી શકે.
જંગલ વચ્ચે ધીમી ગતિની ટ્રેન સેવા -
વિસાવદરથી વેરાવળ જવાનો જંગલ માર્ગ ગીરનો સહુથી ગાઢ કહી શકાય એવો જંગલ વિસ્તાર છે. એ રૂટ ઉપર ધીમી ગતિએ ચાલતી ટ્રેન શરૂ થાય તો પ્રવાસીઓને ‘સાચું’ જંગલ કોને કહેવાય એ ખબર પડે. પર્યટકો માટે એવો પ્રવાસ સાચા અર્થમાં રોમાંચક અને યાદગાર બની શકે છે.
વિકાસ માટે વનતંત્રનું મન ખુલ્લું છે -
સાસણના ડી.એફ.ઓ. સંદીપકુમારે કહ્યું હતું કે સાસણ-ગીર વિશ્વનું ટોચનું પર્યટન કેન્દ્ર બને એ જ અમારું લક્ષ્ય છે. એ માટે વનતંત્ર નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યું છે. હોટેલ એસો. કે અન્ય કોઇના પણ સુચનો આવકાર્ય છે. સાસણમાં તહેવારો ઉપરાંત પણ પર્યટકો આવતા રહે એ માટે વનતંત્ર જરૂરી પગલાં લઇ રહ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-give-liquor-permit-to-travellers-in-sasan-gir-1562363.html
No comments:
Post a Comment