Wednesday, November 17, 2010

આજે મધરાતથી પરિક્રમાનો પ્રારંભ.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:38 AM [IST](17/11/2010
શરૂ થવાના એક દિવસ પહેલાં જ સાડાત્રણ લાખ લોકોએ પરિક્રમા પૂરી કરી
ગીરનારની સત્તાવાર પરિક્રમાનો આજે મધરાતથી વિધીવત રીતે પ્રારંભ થનાર છે. જિલ્લા કલેક્ટર આશીર્વાદ પરમાર, મ્યુ. કમિશનર આર. એમ. શર્મા, મેયર કેપ્ટન સતીષ વીરડા, એસ.પી. દીપાંકર ત્રિવેદી, ડે. મેયર ગીરીશ કોટેચા, ભારત સાધુ સમાજનાં ગોપાલાનંદજી, મહામંડલેશ્વર વિશ્વંભર ભારથીજી, અંબાજીનાં મહંત તનસુખગીરીજી, વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાત્રે ૧૨ વાગ્યે પરિક્રમાનો પ્રારંભ થનાર છે.
જે લોકો પરંપરાગત પરિક્રમા શરૂ કરે છે તેઓ સાંજ સુધીમાં જૂનાગઢ પહોંચી જશે. એ પૈકી ઘણાં દામોદર કુંડમાં સ્નાન કરી રાત્રે પરિક્રમા શરૂ કરી દેશે. આ પરિક્રમાર્થીઓ બે થી ત્રણ દિવસ જંગલમાં રહેશે. અને પરિક્રમા પૂર્ણ કરશે.
દર વર્ષની જેમ આ વખતે પણ સત્તાવાર રીતે શરૂ થતાં પહેલાં મોટાભાગનાં લોકોએ પરિક્રમા શરૂ કરી દીધી છે. આશરે ચાર લાખ લોકો પરિક્રમા પૂરી કરી પોતપોતાનાં ગામ પરત જવા રવાના પણ થઇ ચૂક્યા છે. આજનાં દિવસે એટલીજ સંખ્યામાં લોકો જંગલમાં પ્રવેશી ચૂક્યા છે. ભવનાથ તળેટી, ગીરનાર પરિક્રમા માર્ગ ઉપર કુલ છ લાખથી વધુ યાત્રાળુઓની ઉપસ્થિતી હોવાનું જાણવા મળ્યું છે. ગીરનાર જંગલમાં અન્નક્ષેત્રોનાં રસોડાં ધમધમી ઉઠ્યાં છે. તો પરિક્રમા શરૂ કરતાં પહેલાં યાત્રાળુઓની ભીડ ભવનાથ તેમજ રૂપાયતન રોડ પર આવેલાં ચા-નાસ્તો પીરસતી સંસ્થાઓની જગ્યાઓમાં પણ જોવા મળી રહી છે.
સાંજે ૭ વાગ્યા સુધીમાં ૩,૧૬,૫૦૦ ભાવિકો નળપાણી ઘોડી ખાતેનાં વનવિભાગનાં ગણત્રી પોઇન્ટ ખાતે નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે દર વર્ષે પરિક્રમામાં ભાવિકોની સંખ્યા વધતી જ જાય છે અને આ વર્ષે અત્યારથી મળતા નિર્દેશો મુજબ વિક્રમસર્જક સંખ્યા નોંધાશે.
નોંધનિય છે કે ગિરનાર પર્વતનું અદકેરૂ ધાર્મિક મહત્વ છે. ગિરનારમાં બાવન વીર, ૬૪ જોગણી, નવનાથ અને ૮૪ સિધ્ધ તથા ૩૩ કરોડ દેવતાઓ વસતા હોવાની માન્યતા છે. ગિરનારની પરિક્રમા કરવાથી એ તમામ દેવોની પરિક્રમા કર્યાનું પૂણ્ય પ્રાપ્તથાય છે. સૌરાષ્ટ્રના લાખો લોકો શ્રધ્ધાપૂર્વક દર વર્ષે પરિક્રમામાં જોડાય છે.
ગિરનારની પરિક્રમામાં વરસાદી વિઘ્ન આડું ઉતર્યું -
ગીરનારની પરિક્રમા આડે વરસાદી વિઘj બિલાડીની માફક આડું ઉતરી ગયું છે. આજે સૌપ્રથમ બપોરે ૩ વાગ્યે ઝીણાબાવાની મઢી વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. પરિણામે માર્ગ પર અÌાક્ષેત્રોની સામગ્રી લઇ જતા વાહનો સ્લીપ થવા લાગ્યા હતા. ઇંટવા ઘોડી અને બોરદેવી જવા માટેની ખોડીયાર ઘોડી પર વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી હતી. વરસાદને લીધે જાતે રસોઇ બનાવતા લોકોનું બળતણ પલળી ગયું છે. તો તેઓને રાતવાસો કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ છે. જો વરસાદ વધુ થયો હોત તો આજે જ પરિક્રમા પૂરી થઇ જાત એમ આર.એફ.ઓ. દીપક પંડ્યાએ જણાવ્યું હતું.
યાત્રાળુઓએ રાતવાસો ટાળ્યો -
ગીરનાર જંગલ તેમજ ભવનાથ તળેટીમાં વરસાદનાં આગમનને પગલે યાત્રાળુઓએ ભવનાથમાં રાતવાસો કરવાને બદલે પરત ફરવા લાગ્યા હતા.
ટ્રેનોનાં છાપરાં પર બેસી યાત્રાળુઓનું આગમન -
ગઇકાલથી યાત્રાળુઓનો ધસારો જૂનાગઢ શહેરમાં થયો છે. છેલ્લા બે દિવસથી બહારગામનાં યાત્રાળુઓ ટ્રેનોનાં છાપરા પર બેસી જૂનાગઢ તરફ આવી રહ્યા છે. જોકે, આજે પરત જનારા યાત્રાળુઓએ પણ ટ્રેનોનાં છાપરા પર મુસાફરી કરવી પડી હતી.
હૃદયરોગથી પરિક્રમાર્થીનું મોત -
પરિક્રમા દરમ્યાન આજે ઝીણાબાવાની મઢી પાસે પુંજાભાઇ સવદાસભાઇ આહીર (ઉ.૫૫) નામનાં પ્રાૈઢને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં સંબંધીત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-parikrama-today-from-midnight-junagadh-1555645.html

No comments: