Wednesday, November 17, 2010

પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ, તમામ તંત્ર દ્વારા ચકાસણી.

જૂનાગઢ, તા.૧૪
ગરવા ગિરનારની પરિક્રમામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયારીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પરિક્રમા દરમિયાન વૃદ્ધ યાત્રિકો માટે વનવિભાગ દ્વારા પ૦ હજાર લાકડીઓનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે ૧પ સ્થળે વ્યાજબી ભાવે દૂધ વિતરણ માટેના સત્તાવાર કેન્દ્રો શરૃ કરાશે. સ્વચ્છતા માટે ૧૦૦ જેટલા સ્થળોએ કચરા ટોપલીઓ મૂકવામાં આવશે.
તપરિક્રમા દરમિયાન ખાસ કરીને વહિવટી તંત્ર, વનવિભાગ, પોલીસ તંત્ર અને મહાનગર પાલિકાની મુખ્ય ભૂમિકા રહેતી હોય છે. આ ઉપરાંત વીજ તંત્ર, પાણી પુરવઠા વિભાગ જેવા તંત્રો પણ સહભાગી બને છે. આગામી તા.૧૭ ના રોજથી પરિક્રમા શરૃ થઈ રહી છે ત્યારે આ તમામ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણતા તરફ જઈ રહી છે. જિલ્લા પોલીસ વડા દિપાંકર ત્રિવેદીએ તાજેતરમાં જ સમગ્ર પરિક્રમા રૃટનું નિરીક્ષણ કર્યું હતું.
જ્યારે વનવિભાગમાં મુખ્ય વન સંરક્ષક સુધીર ચતુર્વેદીના માર્ગદર્શન અને ડી.સી.એફ. અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ ર એ.સી.એફ., પ આર.એફ.ઓ., ૧૩ ફોરેસ્ટર, ૬૧ ગાર્ડ અને ૮પ સ્વયંસેવકો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પરિક્રમામાં ફરજ બજાવાશે. રસ્તા અને કેડીઓના રિપેરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માળવેલા અને નળપાણીની ઘોડી જેવા સીધા ચડાણોમાં બેરીકેટ બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્રો અને એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ  છે.
વિખુટા પડી ગયેલા ભાવિકો માટે માળવેલા, જીણાબાવાની મઢી, બોરદેવી ખાતે મદદ માટેના કેન્દ્રો શરૃ કરાયા છે. નળપાણીની ઘોડી ખાતે પરિક્રમાર્થીઓ માટે અને ગિરનાર પર્વત પર પહેલી ટૂંક ખાતે ગણતરી પોઈન્ટ ઉભા કરાશે. પર્યાવરણ અને જંગલ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વનવિભાગ અને સેવાભાવિ સંસ્થાઓ દ્વારા  કુદરતની આ બંન્ને દેણગીની રક્ષા માટેના સૂચિતાર્થ આપતા ઠેર ઠેર બેનરો મૂકીને પત્રિકા વિતરણ પણ કરાશે.
આગને કાબૂમાં લેવા રાની પશુને દૂર રાખવા ખાસ ટ્રેકર્સ પાર્ટી ખડે પગે રહેશે
પરિક્રમા રૃટ પર ઘણી વખત યાત્રિકોની હાજરીમાં સિંહ-દીપડા જેવા રાની પશુ ચડી આવવાના બનાવો બને  છે. પરિણામે યાત્રિકોમાં ભયનો માહોલ પેદા થાય છે પરિણામે  વન્ય પશુઓ પણ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. જેથી આ વખતે ૧૦ કર્મચારીઓની ખાસ ટ્રેકર્સ પાર્ટી રાઉન્ડ ધ ક્લોક સિંહોને પરિક્રમા રૃટની દૂર રાખવા કાર્યરત રહેશે. સાથે સાથે જંગલમાં આગ જેવા બનાવો બને તો આગ બુઝાવવા માટે વધારાનો સ્ટાફ પણ ખડે પગે રાખવામાં આવશે. આ બન્ને પાસાઓ માટે વનવિભાગ દ્વારા આ વખતે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પરિક્રમાને સરળ બનાવવા માટે યાત્રિકો માટે ઉપાય જરૃર કરતા વધુ સામાન સાથે ન લાવવો
* પર્યાવરણ બચાવવા સાબુ અને ડિટર્જન્ટ પાઉડર ન વાપરવો
* પાન-માવા, ગુટકાનો ઉપયોગ ન કરવો
* ઝાડ-પાન કે વાંસનું કટીંગ ન કરવું
* જંગલ ખાતા દ્વારા નિયત કરાયેલા રસ્તે જ ચાલવું
* અભયારણ્યમાં અનઅધિકૃત રીતે પ્રવેશ ન કરવો
* રસ્તા પર ચૂલા કે અગ્ની ન પ્રગટાવવો
* વ્યવસાયીક હેતું માટે રાવટી, તંબુ, છાવણી પર પ્રતિબંધ
* પાણીનો બીનજરૃરી ખોટો બગાડ ન કરવો
* વન્ય પ્રાણીઓને ખલેલ ન પહોંચાડવી
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238780

No comments: