Monday, November 29, 2010

દરિયાઇ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં.

Source: Bhaskar News, Jamnagar
- જૈવ સંસાધન, બાયોટેક્નોલોજી અને જૈવ વિવિધતા અંગે શરૂ થયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તજજ્ઞોએ વ્યક્ત કરેલી ચિંતા
સૌથી મોટો સાગરકાંઠો ધરાવતા ગુજરાતમાં કચ્છના અખાતના કાંઠાળ વિસ્તારોમાં વધતું ઔદ્યોગિકરણ તથા દરિયાઇ જીવસૃષ્ટિ અંગે સંશોધન અને જાગૃતિનો અભાવ દરિયાઇ જીવસૃષ્ટિ માટે ખતરા સમાન છે તેવી ચિંતા જામનગરમાં રવિવારથી શરૂ થયેલી જૈવ સંસાધન, બાયોટેક્નોલોજી અને જૈવ વિવિધતા અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તજજ્ઞોએ વ્યક્ત કરી હતી.
જામનગર મરીન બાયોરીર્સોસ સેન્ટર દ્વારા વન વિભાગ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને જીએસબીટીએમના સહયોગથી શહેરમાં જૈવ સંસાધન, બાયોટેક્નોલોજી અને જૈવ વિવિધતા અંગે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારથી શરૂ થયેલી કોન્ફરન્સનું ઉદઘાટન ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઇસ ચાન્સલર ડૉ. એમ.એલ. શર્મા અને જીએસબીટીએમના એમડી એ. કે. સકસેનાએ કર્યું હતું.
કોન્ફરન્સના પ્રથમ સેસનમાં ચેન્નઇ ઝીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના આસી. ડાયરેક્ટર ડૉ. વૈક્ટરમને ગુજરાતના દરિયામાં રહેલી વિવિધ જીવ સૃષ્ટિ અને પરવાળાની વસાહત અને તેને કરતા સમુદ્રના વાતાવરણ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતભરમાં ગુજરાતનો દરિયાકિનારો સૌથી મોટો છે અને તેમાં વિવિધ જાતની જીવ સૃષ્ટિઓ અને જૈવ વનસ્પતિઓ જોવા મળે છે. ખાસ કરીને ભારતના અંદમાન-નિકોબાર, ગલ્ફ ઓફ મન્નાર, ગલ્ફ ઓફ લક્ષિદ્વપ અને ગલ્ફ ઓફ કચ્છ કે જેમાં પરવાળાની સૌથી મોટી વસાહતો આવેલી છે.
આ ચાર પૈકીના ગલ્ફ ઓફ કચ્છમાં રહેલા પરવાળા કે જે ઠંડી અને ગરમી સાથે અનુકુલન સાધી પોતાનો વિકાસ કરે છે. જ્યારે અન્ય દરિયામાં રહેતા પરવાળા ગરમી અને ઠંડીની અંશત: વઘઘટમાં પણ મૃત્યુ પામે છે. તેમણે દરિયાકાંઠા વિસ્તારોમાં વધતા જતા ઔદ્યોગિકરણની સાથે દરિયાઇ જીવસૃષ્ટિના ક્ષેત્રમાં સંશોધનનો અભાવ, માછીમારોનું અજ્ઞાન અને લોકોમાં જાગૃતિનો અભાવ દરિયાઇ જીવસૃષ્ટિ માટે ખાસ કરીને પરવાળા માટે ખતરા સમાન હોવાનું જણાવ્યું હતું.
આટલું જ નહીં જો આ બાબતે જાગૃતિ નહીં આવે તો વિવિધ પ્રકારના પરવાળાની પ્રજાતિઓ લુ’ થશે અને આવનારી પેઢી માટે પરવાળા માત્ર ચિત્ર પુરતા સિમિત થઇ જશે. સમુદ્રી જીવસૃષ્ટિના સંરક્ષણ અને વિકાસ માટે કોન્ફરન્સનું આયોજન ખુબ જ સારી બાબત છે અને આ માટે વૈજ્ઞાનિકો, જીવપ્રેમીઓ, તજજ્ઞો અને સરકારે ગંભીરતાપૂર્વક વિચારણાની સાથે જુદી-જુદી ટેક્નોલોજીનો ઉપયોગ કરી પ્રદુષણ ઘટાડવું ખુબ જ જરૂરી બન્યું છે.
મરીન નેશનલ પાર્ક જીવસૃષ્ટિ માટે ઉત્તમ
જામનગર મરીન નેશનલ પાર્કના ડાયરેક્ટર આર.ડી. કમ્બોજે પ્રવચનમાં જણાવ્યું હતું કે, હાલમાં મરીન પાર્કમાં ૫૧ પ્રજાતિના પરવાળા તેમજ જુદી-જુદી દરિયાઇ વનસ્પતિ, માછલીઓ જોવા મળે છે. ખાસ કરીને મેન્ગ્રોવની સહિતની દરિયાઇ વનસ્પતિની વિવિધ પધ્ધતિથી જાળવણી કરવામાં આવતા તેનો વિકાસ વધ્યો છે. જો કે, ભુકંપ, વાવાઝોડુ, બ્લીચિંગ, મોસમમાં ફેરફાર સહિતના કુદરતી અવરોધોને કારણે સમુદ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિને નુકશાન થયું છે. આ ઉપરાંત હાલારના કાઠાંળ વિસ્તારોમાં વધતું ઔદ્યોગિકરણ, પોર્ટ અને જેટી, ટુરીઝમ, શીપયાર્ડ, સોલીડ ટ્રાન્સપોર્ટ તથા પ્રદુષણને કારણે પણ જીવસૃષ્ટિનો વિકાસ અવરોધાયો છે.
દરિયાઇ જીવસૃષ્ટિ અને વનસ્પતિ માનવી માટે આશીર્વાદરૂપ
ડૉ. વેંકટરમને જણાવ્યું હતું કે, દરિયામાં રહેલી મેન્ગ્રોવ સહિતની વનસ્પતિઓ અને પરવાળાની વસાહતો સુનામી જેવી દરિયાઇ આફતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી દરિયાઇ જીવસૃષ્ટિ અને વનસ્પતિનું સંરક્ષણ ખુબ જ જરૂરી હોવાનું તજજ્ઞોએ જણાવ્યુ હતુ.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-save-the-sea-life-and-growing-animal-1596608.html

No comments: