Monday, November 29, 2010

રાજકોટમાં આવી પહોંચ્યા વિદેશી પક્ષીઓ.

Source: Bhaskar News, Rajkotદર વર્ષે ચોમાસા પછી હજારો માઇલનું આકાશી અંતર કાપીને આવતાં વિદેશી પક્ષીઓ આ વર્ષે પણ રાજકોટમાં આવી ગયા છે પરંતુ તેનું પ્રમાણ થોડું ઓછું છે તો સંખ્યા ઓછી દેખાવાનું અન્ય એક કારણ એ પણ છે કે પક્ષીઓના વસવાટ માટે અનુકૂળ એવી સાઇટો આ વર્ષે વધારે છે માટે આવી આવીને આ પક્ષીઓ વહેંચાઇ ગયાં છે.પક્ષીવિદ વિનોદ પંડ્યા કહે છે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સાધારણ રીતે સાઇબિરિયા,ઉત્તર અમેરિકા અને યુરોપથી વધારે સંખ્યામાં પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ આગમન શરૂ થઇ ગયું છે. આ વર્ષે પક્ષીઓ અગાઉની સરખામણીએ ઓછાં દેખાય છે તેના બે કારણો છે. એક તો એ કે હજી સુધી ગરમીનું પ્રમાણ યથાવત છે. નવેમ્બરમાં પણ પંખા ચલાવવા પડે છે.
બીજું એ કે દર વખતે આ પક્ષીઓને વસવા માટેની સાઇટ્સ મર્યાદિત હોય છે. એકા-બે ડેમ કે તળાવ પાસે તેમનો પડાવ હોય છે. પરંતુ આ વખતે પુષ્કળ વરસાદ પડ્યો છે. અનેક સ્થળે પાણીનો પ્રવાહ લાઇવ છે,વહેણ ચાલુ છે. હાઇ-વે પર કે જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં પણ હજી પાણી ભરેલું છે તેથી પૂરતી સંખ્યામાં પક્ષીઓ આવ્યાં હોવા છતાં તે અનેક સ્થળે વહેંચાઇ ગયાં હોય તેમ પણ બને.
ક્યા પક્ષી રાજકોટમાં આવે છે?
અહીં સૌથી વધારે પ્રમાણમાં ડેમોઝીલ ક્રીમ અને કોમન ક્રીમ એટલે કે કરકરો અને કૂંજ પક્ષી આવે છે. ઉપરાંત વિઝિયન, પોલનટીલ, પીનટીલ જેવી બતકો આવે છે. બતક જેવું જ દેખાતું શોવેલન પક્ષી પણ આવે છે. રફ અને રીવ નામની જોડીઓ ઊડી ઊડીને અહીં જળાશયોમાં મૂકામ કરે છે. રોઝી પેસ્ટર એટલે તે વૈયા તરીકે ઓળખાતા પક્ષી ઓગસ્ટમાં આવીને એપ્રિલમાં પરત જતા -સૌથી વધારે રોકાતા પક્ષીઓ છે.
બર્ડ વોચિંગની સાઇટો
રાજકોટ પાસે પણ અનેક સાઇટો છે જ્યાં પક્ષીવિદો અને પ્રકૃતપિ્રેમીઓ એકઠા થાય છે. ૧)રાંદરડા નર્સરી,૨)આજી ડેમ,૩)ન્યારી ડેમ,૪)ઇશ્વરિયાપોસ્ટ,૫) લાલપરી તળાવ એ સ્થળો છે જ્યાં અત્યારે આ પાંખાળા આગંતુકો જોઇ શકાય છે.
પ્રવાસનનું માધ્યમ બની શકે
અમદાવાદ પાસે નળસરોવર પક્ષી અભયારણ્ય જગપ્રસિધ્ધ છે તેવું રાજકોટમાં પણ થઇ શકે,કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે પરંતુ પ્રવાસન માટે બ્રોશર છપાવીને સંતોષ માને છે. જો આ સાઇટોને ડેવલપ કરે અને બર્ડવોચર્સ માટે વિવિધ કાર્યક્રમો કરે, સુવિધા આપે તો આ પાંચ સાઇટ નેચરલ ટુરિઝમનું કેન્દ્ર બની શકે તેમ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-rajkot-have-come-foreign-birds-1597255.html

No comments: