Source: Bhaskar News, Amreli | Last Updated 2:26 AM [IST](28/11/2010
અમરેલી જિલ્લાનાં જળાશયો પર શિયાળાનાં આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે. ખાસ કરીને કુંજ કરકરાનાં મોટાં મોટાં ઝૂંડ દરિયાકાંઠે ઉતરાણ કરી રહ્યા છે. જે રીતે પક્ષીઓ આવી રહ્યાં છે તે જોતા આ વર્ષે પ્રવાસી પક્ષીઓની સંખ્યા ખૂબ જ મોટી રહેવાની ધારણા છે.પ્રવાસી પક્ષીઓ માટે ખૂબ જ સાનુકૂળ માહોલ અમરેલી પંથકમાં જોવા મળી રહ્યા છે. ચોમાસુ સારું ગયું હોય જળાશયો પાણીથી છલોછલ છે. ઠંડીની પણ શરૂઆત થઇ ગઇ છે. જેના પગલે સાઇબીરિયાથી ઉડેલા વિદેશી મહેમાનો મહેમાનગતિ માણવા અહિં આવી પહોંચ્યા છે. હજારો કિમીની સફર પૂરી કરી અહિં પહોંચેલા મહેમાન પક્ષીઓ માટે શિકાર અને ખોરાકનો ભરપૂર ખજાનો હાજર છે.
હાલમાં અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના દરિયાકાંઠે સૌથી વધુ પ્રવાસી પક્ષીઓનું આગમન થઇ રહ્યું છે. ચાંચ-રામપર, ખેરા અને પટવાના દરિયાકાંઠે આ પક્ષીઓ મોટી સંખ્યામાં ઉતર્યા છે અહિં દરિયામાં આ પક્ષીઓના ખોરાકની ભરમાર છે. આ ઉપરાંત ધારી પંથકનાં જળાશયો, સલડીના તળાવ, અમરેલીના વડી ડેમ અને વડિયા ડેમ પર પ્રવાસી પક્ષીઓ જોઇ શકાય છે. ટૂંકાગાળામાં અમરેલીના કામનાથ ડેમ પર ફલેમિંગના ધાડેધાડા દર વર્ષની જેમ આવશે તેની ધારણા રખાઇ રહી છે.
જળપ્લાવિત પક્ષીઓની આ સંખ્યા આ વર્ષે નોંધપાત્ર રીતે વધી છે તે જોતા કહી શકાય કે ચાલુ સાલે વિક્રમી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ અમરેલી જિલ્લામાં આવશે. હાલમાં વૈયાના ટોળાં ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા છે. આઠથી દસ જાતના બતક પણ નજરે પડે છે. જેને પ્રકૃતિ સાથે પ્રેમ છે તેમને માટે દ્રશ્યો મનભાવન છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-yayavar-came-in-amreli-district-1593875.html
No comments:
Post a Comment