Source: Bhaskar News, Rajula | Last Updated 1:20 AM [IST](12/07/2011)
રાજુલા-જાફરાબાદ પંથકમાં ૩૦ જેટલા સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આ સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવી રહ્યુ છે. આ સાવજોને અહિંનો રેવન્યુ વિસ્તાર હવે ફાવી ગયો હોય તેઓ જંગલની દિશા તરફ જવાનું નામ પણ લેતા નથી. વળી પાછલા સપ્તાહમાં આવેલા વ્યાપક વરસાદને પગલે તેમના પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થઇ ગયો છે. જો કે પેટની ભુખ ભાંગવા તેઓ ગામડાઓના પાદર સુધી અચુક આવી પહોંચવાના.
ગીર જંગલ છોડીને બહાર નીકળી ગયેલા સાવજો અમરેલી જીલ્લાના વિવિધ તાલુકાઓમાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં આશરે ૩૦ જેટલા સાવજો વસવાટ કરી રહ્યા છે. તેમાંથી ઘણાખરા સાવજો આજુબાજુના વિસ્તારમાં આવ-જા કરતા રહે છે. અમુક સાવજોની ટેરેટરી જંગલ અને રેવન્યુ વિસ્તાર એમ બન્ને છે.
આ વિસ્તારમાં વસવાટ કરતા સાવજો માટે વન્ય પ્રાણીઓ રૂપી ખોરાક ઉપલબ્ધ ન હોય હવે આ સાવજો મોટે ભાગે માલધારીઓના માલઢોર પર આધાર રાખે છે. અહિં નીલગાય અને ભુંડ જેવા પ્રાણીઓની સંખ્યા ખુબ ઓછી હોય મહદઅંશે બળદ, ગાય, ભેંસ, બકરા જેવા પશુઓનું તેઓ દ્વારા મારણ કરવામાં આવે છે.
આકરા ઉનાળા બાદ વરસાદ ખેંચાયો હોય આ સાવજો માટે પાણીના સોર્સ ખુબ ઘટી ગયા હતા. જેને પગલે મારણ અને પાણી માટે સાવજો ગામડાઓના પાદર સુધી દોડી આવતા હતા. પરંતુ મેઘ મહેરના પગલે સાવજો માટે પાણીનો પ્રશ્ન હલ થયો છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજો માટે જંગલખાતા દ્વારા પાણીની ૧૯ કુંડીઓ બનાવાઇ હતી. પરંતુ ઉનાળામાં આ કુંડીઓ પણ સાવજો માટે પુરતી સાબીત થતી ન હતી.
ક્યા ક્યા છે સાવજોનો વસવાટ -
રાજુલા તાલુકાના વડ, ભચાદર, ઉચૈયા, ભેરાઇ, કડીયાળી વગેરે ગામમાં સાવજોનો વસવાટ છે. આ ઉપરાંત જાફરાબાદ તાલુકામાં લુણસાપુર અને નાગેશ્રી પંથકમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. આ વિસ્તારની સિમેન્ટ કંપનીઓની ખાણોમાં પણ સાવજો આવી પડે છે.
No comments:
Post a Comment