Thursday, July 14, 2011

દુર્લભ તસવીરો: સાવજોએ ગામની વચ્ચે કર્યો ૧૧ ગાયોનો શિકાર.

Source: Bhaskar News, Una   |   Last Updated 2:15 AM [IST](09/07/2011)
- ઊનાના શાણાવાંકિયા ગામે આખી રાત સાવજોની ડણક ગાજતી રહી
ઊનાનાં શાણાવાંકિયા ગામમાં પાંચ સિંહોએ એક સાથે ૧૧ ગાયોનો શિકાર કરી નિરાંતે મિજબાની માણી હતી. હજુ ત્રણ દિવસ પહેલા જ બે સિંહોએ ત્રણ ગાયોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરી પાંચ સાવજો ત્રાટકતા ગામમાં ભયનો માહોલ છવાયો છે.
ચોમાસાનાં પ્રારંભ સાથે જ સિંહોનું વેકેશન શરૂ થઇ જાય છે. આ સમયગાળામાં સિંહનો મેટિંગ પિરીયડ હોય સાવજો જંગલની બહાર નીકળતા નથી પરંતુ ભોજન તેમની મુખ્ય જરૂરીયાત હોય છે. આ પેટપૂજાની વ્યવસ્થા જંગલમાં પૂર્ણ થતી ન હોય શિકાર માટે ગ્રામ્ય પંથકોમાં આવી ચઢતા હોય છે.
તેમ ઊના તાલુકાનાં છેવાડાનાં શાણાવાંકીયા ગામમાં ગુરૂવારનાં રાત્રીનાં એકી સાથે પાંચ સાવજોએ આવી ચઢી ગામમાં ફરતી રેઢીયાળ ગાયો પર હિંસક હુમલો કરી ૧૧ ગાયોને મોતને ઘાટ ઉતારી બે કલાક સુધી નિરાંતે મિજબાની માણી હતી. આ ગામ ગીર બોર્ડરથી ઘણું દુર છે. પરંતુ ખાંભા તાલુકાની આંબલિયાળા ગામની બીટ તદ્દન નજીક આવેલી છે. આ બીટમાં ૧૦ થી ૧૫ સાવજો અલગ-અલગ ગ્રૃપમાં વસવાટ કરતા હોય અવાર નવાર શાણાવાંકીયા ગામમાં આવી ચઢતા હોય છે. હજુ ત્રણ દિવસ પહેલા જ બે સિંહોએ ત્રણ ગાયાનું મારણ કર્યું હતુ.
ત્યાં ફરી ગુરૂવારનાં મધરાત્રીનાં સિંહોની ડણકથી ગ્રામજનો ભયભીત બની ગયા હતા. અને આખા ગામમાં પરેડ કર્યા બાદ ૧૧ રેઢીયાળ ગાયોનો શિકાર કર્યા બાદ પાંચેય સાવજોએ અલગ-અલગ વિસ્તારમાં મારણની મજિબાની માણી હતી. સવારનાં સુમારે સાવજોએ કરેલા મારણ અને લોહીનાં ખાબોચીયાનાં દ્રશ્યો જોઇ ગ્રામજનો હેબતાઇ ગયા હતા.
સાવજોએ બે કલાક ગામને બાનમાં રાખ્યું -શાણાવાંકીયા ગામને પાંચ સાવજોએ બે કલાક સુધી બાનમાં રાખી દીધું હતુ. ભયનાં માહોલ વચ્ચે લોકો ઘરમાં જ પુરાય રહ્યા હતા.
વન અધિકારીઓ ફરજનું ભાન ભૂલ્યા ?
આ મોતને ભેટેલી તમામ ગાયો રેઢીયાળ હોવાથી વન વિભાગને જાણ કરાઇ ન હતી. પરંતુ અધિકારીઓ શું આ બાબતથી વાકેફ નહી હોય ? કે પછી તેમની ફરજનું ભાન ભૂલ્યા ? તેવા સવાલો ગ્રામજનોમાંથી ઉઠ્યા છે.
 
 

 

No comments: