Tuesday, July 5, 2011

રોજ સાંજ પડે ને દરગાહે આવતા સર્પ અને ચકલી !

અમરેલી તા.ર૭
વડિયામાં હઝરતશા પીરની દરગાહે છેલ્લા ૧પ - ર૦ દિવસથી દરરોજ સાંજે નોબત સમયે (આરતી સમયે) સાત આઠ ફૂટ લાંબો કાળો સાપ આવી ચડે છે. તેની ઉપર ચકલી બેસે છે. આવી ઘટનાથી સમગ્ર પંથકમાં કૌતુક ફેલાયું છે. જો કે, આ સર્પને દરગાહના એક મોકલ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં અનેક દરગાહે આવા મોકલ સર્પ, ચકલી, બિલાડી, મોર સ્વરૃપે આવતા હોવાનું કહેવાય છે.
  • છેલ્લા ર૦ દિવસથી નિત્યક્રમ : નોબત સમયે અચૂક હાજરી હોય
વડિયાની ગ્રામ પંચાયત પાછળ આવેલી ૩૦૦ વર્ષ જૂની હઝરતશા પીરની દરગાહ અને કબ્રસ્તાને આવી ઘટના બનતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દરગાહના મુંજાવર (પૂજારી) અશરફભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧પ -ર૦ દિવસથી દરગાહે સાંજના ૭.૩૦ વાગ્યે નોબત સમયે જમીનમાંથી એક સાત આઠ ફૂટ લાંબો સર્પ નીકળે છે અને દરગાહના પગથિયે બેસે છે. બાદમાં અહીંના કબ્રસ્તાનમાં કબરો ઉપર ૩ કલાક સુધી આંટા મારે છે. આ સર્પ ઉપર એક ચકલી પણ આવીને બેસે છે. આ ઘટનાની જાણ થતાં આસપાસથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતાં. પરંતુ દરરોજ લોકોની અવરજવર વધી જતાં હાલ, આ ઘટના બંધ થઈ ગઈ છે. ૧પ-ર૦ દિવસ આ ઘટનાક્રમ ચાલ્યો હતો. આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે કૌતુક ફેલાયું છે, પરંતુ કેટલાક મુસ્લિમ બિરાદરોએ આને સામાન્ય ઘટનાક્રમ ગણાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં આવી અનેક દરગાહો પ્રખ્યાત છે. જેમાં જૂનાગઢ જિલ્લાના રાણાવાવ પાસેના કુતિયાણા ગામે આવેલ કામુનશાહપીરની દરગાહે દરરોજ સાંજે નોબત સમયે મોર આવે છે. અમરેલી નજીકના પ્રતાપપરા પાસે આવેલ ચકલીશાપીરની દરગાહે સાંજે ચકલી આવે છે. તેને મોકલ કહેવામાં આવે છે. આ મોકલ દરગાહના પગી કહેવાય છે. તે અલગ અલગ સ્વરૃપે દરગાહે નોબત સમયે આવી પહોંચતા હોય છે. કયાંક સર્પ, કયાંક ચકલી સ્વરૃપે તો કયાંક મોર સ્વરૃપે આવતા હોય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=302800

No comments: