Source: Bhaskar News, Junagadh | Last Updated 12:49 AM [IST](13/07/2011)
- વન અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવી
- ભાજપ બક્ષીપંચ મોરચાનો ખુલ્લો આક્ષેપ
જૂનાગઢ શહેરને અડીને આવેલા ગિરનારનાં જંગલને રાજ્ય સરકારે અભયારણ્ય જાહેર કર્યું છે. પરંતુ ત્યારબાદ વનવિભાગનાં ભ્રષ્ટાચારને લીધે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ વધી ગઇ હોવાનો આક્ષેપ ભાજપ બક્ષીપંચ મોરચાએ કર્યો છે. આ અંગેની રજૂઆત ઉચ્ચ અધિકારીને કરતાં તેમણે તુમાખીભર્યું વર્તન કર્યાનાં આક્ષેપો ઉઠ્યા છે.
ગિરનારનાં જંગલ વિસ્તારને અભયારણ્ય જાહેર કર્યા બાદ વનવિભાગે તમામ નિતી નિયમો નેવે મુકી દીધા હોવાનું ભાજપ બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ રાજેશ ભાદરકાનું કહેવું છે. તેઓ ખુલ્લેઆમ કહે છે, ભવનાથનાં જંગલ વિસ્તારમાંથી છડેચોક રેતી અને પથ્થર તેમજ લાકડાનું સરેઆમ વેચાણ અધિકારીઓની મીઠી નજર હેઠળ થાય છે. ગિરનારની સીડી ઉપર ઘણાં સમયથી એક વેપારીએ અભયારણ્ય વિસ્તારમાં પાઇપ લાઇન દાટી પાણીનો વેપાર કરતો હતો. વરસાદ થતાં તેણે આ પાઇપ લાઇન કાઢી નાંખી હતી. તેને માત્ર ૧ હજારની વસુલાત પહોંચ આપી હતી.
દાતાર વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી અભયારણ્ય જાહેર થવા છતાં મનપા વિસ્તાર દ્વારા સીમેન્ટ રોડ બનાવાયો. જે વનવિભાગે તોડી નાંખ્યો પરંતુ ન તો કોઇ સાધન સામગ્રી જપ્ત કરાઇ ન તો દંડની વસુલાત કરાઇ છે. આ પ્રકરણમાં પણ વનખાતાની મીલીભગતથી લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. અભયારણ્યમાં પ્રવેશતા પ્રેમી પંખીડાં પાસેથી પાંચ હજાર સુધીનો તોડ કરી લેડીઝની પહોંચ ન બનાવવા માટે પણ પાંચથી દસ હજાર પડાવી ફક્ત પુરૂષનાં નામે જ પહોંચ બનાવી છોડી મુકાય છે.
જંગલમાં અંદર જવાનાં રસ્તાને રીપેર કરવાનાં બહાને થોડા ટ્રેક્ટરો ઠાલવી જંગલ ખાતા દ્વારા કરાતા ભ્રષ્ટાચારને પગલે પોતે એસીએફને મળવા જતાં તેમણે એક અધિકારીને ન શોભે તેવું તોછડું વર્તન દાખવ્યાનું પણ રાજેશ ભાદરકાએ જણાવ્યું છે. આમ સમગ્ર પ્રકરણની તપાસ થાય તો રહસ્ય બહાર આવે તેવી વકી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-trees-cutting-and-sands-thief-in-girners-jungle-2257162.html
No comments:
Post a Comment