- ઊનાનાં રાતડ ગામની સીમમાં દિન દહાડે
- પતિ સહિતનાં લોકોએ દોટ મૂકી હાકલા-પડકારા કરતા જાન બચ્યો
ઊનાના રાતડ ગામની સીમમાં આજે બપોરના સુમારે ખુંખાર દીપડાએ મહિલાના માથાનો ભાગ જડબામાં ભીંસી તેણીને વોંકળા સુધી ખેંચી ગયો હતો. જો કે, મહિલાના પતિ સહિતના લોકોએ હાકલા-પડકારા કરી દીપડાનો પીછો કરતાં તેણી બચી જવા પામી હતી.આ દિલધડક બનાવની મળતી વિગત મુજબ ઊના તાલુકાના રાતડ ગામે રહેતાં રાણાભાઈ મેવાડાનાં પત્ની લીલાબેન (ઉ.વ.૪૦) ગામની સીમમાં આવેલા ખેતરના મકાનની ઓશરીમાં આજે બપોરના બે વાગ્યાની આસપાસ દરણું તૈયાર કરતા હતા ત્યારે અચાનક ચોર પગલે ખુંખાર દીપડો આવી ચઢયો હતો અને પાછળથી લીલાબેનનાં માથાનો ભાગ જડબામાં પકડી લઈ તેમને વોંકળા તરફ ઢસડીને લઈ જતો હતો ત્યારે લીલાબેને રાડારાડ કરી મુક્તાં ખેતરમાં પાઈપ લાઈનનું કામ કરતા રાણાભાઈને અવાજ સંભળાતા તે તરફ નજર નાંખતા પોતાની પત્નીને દીપડો ઢસડી જતો હોવાનું દ્રશ્ય નીહાળી તેમણે દીપડા પાછળ દોટ મુકી હતી. ત્યાં સુધીમાં આસપાસનાં ખેતરમાં કામ કરતાં લોકોએ પણ હાકલા-પડકારા સાથે દોટ મુક્તા ગભરાયેલો દીપડો લીલાબેનને જડબામાંથી મુક્ત કરી નાસી ગયો હતો. દીપડાના હુમલાથી લીલાબેનને માથાના અને હાથના ભાગમાં ઈજા પહોંચતા ૧૦૮ મારફત ઊના હોસ્પિટલ ખાતે વધુ સારવારમાં ખસેડાયા હતાં.
ધોળા દિવસે દીપડાનાં આંટાફેરાથી ફફડાટ -
ધોળા દિવસે ઊનાના જંગલ બોર્ડર નજીકના ગામોમાં વન્યપ્રાણીનાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ છવાયો છે. રાતડ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભીમજીભાઈ મેવાડાએ આ અંગે જશાધાર રેન્જના આરએફઓને જાણ કરાતા સ્ટાફે દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.
No comments:
Post a Comment