Thursday, July 14, 2011

ગીરમાં સરકારી અધિકારીઓનો ગેરકાયદેસર લાયન શો.



Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:15 AM [IST](14/07/2011)
 - વેકરિયાના જંગલમાં રાત્રે સરકારી ગાડીઓ સાથે ઘૂસી નીલગાયનું મારણ કરતા સાવજ પરિવારને નિહાળ્યો
ગિર અને ગિરનારનાં જંગલમાં અવારનવાર ગેરકાયદેસર લાયન શો થતા હોવાનું જાણીતું છે. વાહન લઇને રાત્રિનાં સમયે જંગલમાં ઘુસ્યા બાદ સિંહને મારણ કરતો જોયા બાદ તેની પાછળ ગાડી દોડાવવાની ઘટનાઓ પણ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે.
ત્યારે ગઇકાલે વેકરિયાનાં જંગલ વિસ્તારમાં સરકારી અધિકારીઓએ ગેરકાયદેસર રીતે લાયન શો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં સરકારી જીપોનો જ ઉપયોગ કરાયો હતો. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નથી નોંધાઇ.
વાત જાણે એમ બની કે, વહીવટી તંત્રનાં સરકારી અધિકારીઓને જંગલમાં સિંહ મારણ કરતો હોય એ ‘વિરલ’ ર્દશ્ય માણવાનું મન થયું. ગિરનું જંગલ નજીક જ છે. અને હવે તો સાસણ થી નજીક વિસાવદર પાસેનાં જંગલમાં પણ સિંહોનો સારી એવી સંખ્યામાં વસવાટ પણ છે. આવા સંજોગોમાં કોઇપણ વ્યક્તિને સિંહ દર્શનની ચટપટી થાય જ. તેમાંયે બહારગામથી ફરજ બજાવવા આવ્યા હોય. હાથમાં સત્તા હોય ત્યારે સિંહને મારણ કરતો નહિાળવો એ લ્હાવો કોઇ ન લે તો જ નવાઇ. અહીં પણ એમ જ થયું.
અધિકારીઓ સપરિવાર સરકારી ગાડીમાંજ રવાના થયા. વિસાવદર તાલુકાનાં વેકરિયા ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં સિંહે મારણ કર્યાની ‘બાતમી’ હતી. એટલે ‘સાહેબો’ ની ગાડીઓ ઉપડીને પહોંચી વેકરિયા. ત્યાંથી વાડી વિસ્તારમાંથી સીધો જ જંગલનો રસ્તો માપ્યો.
રાત્રે ૮ વાગ્યે જંગલમાં ઘુસેલા સાહેબોએ બે સિંહણ અને પાંચ બચ્ચાંએ કરેલું નિલગાયનું મારણ નીહાળ્યું. સાથોસાથ તેની પાછળ ગાડી દોડાવવાની મોજ પણ માણી. અંતે સિંહોનું આખું ગૃપ જંગલમાં ચાલ્યા ગયા બાદ રાત્રે ૯:૩૦ વાગ્યે આખો ‘સરકારી’ (!..) કાફલો પરત આવ્યો. બનાવ અંગે જોકે, હજુ સુધી કોઇ ફરિયાદ નથી નોંધાઇ. વનવિભાગનાં અધિકારીઓએ આ અંગે હાલની તકે મૌન રહેવાનું મુનાસબિ માન્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-governement-officers-illigal-lion-show-in-gir-2260164.html

No comments: