Thursday, July 14, 2011

જંગલમાં વન્ય પ્રાણીઓના મોત પ્રકરણમાં વધુ એક વિવાદનો વંટોળ.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:05 AM [IST](14/07/2011)

- હડાળા, કંટાળામાં સિંહના મોત માટે જાહેર થયેલા કારણો શંકાસ્પદ ?
ગીર જંગલમાં એક પછી એક વન્ય પ્રાણીઓના કમોત થઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા હડાળા રેંજમાં એક વન્ય પ્રાણીના જંગલખાતાના નીચેના સ્ટાફે બારોબાર અંતિમ સંસ્કાર કરી નાખ્યાની ઘટનાની પગલે ગીર નેચર યુથ ક્લબના ભીખુભાઇ બાટાવાળાએ વન મંત્રીને પત્ર પાઠવી વન્ય પ્રાણીઓના મોતની તટસ્થ તપાસ કરાવવા માંગ કરી છે.
ગીર નેચર યુથ ક્લબ દ્વારા ગઇકાલે વન મંત્રી મંગુભાઇ પટેલને પત્ર પાઠવી આ રજૂઆત કરવામાં આવી હતી. ક્લબ વતી ભીખુભાઇ બાટાવાળાએ વન મંત્રીને રજૂઆત કરી છે કે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં વન્ય પ્રાણીઓના મોતની તટસ્થ તપાસ કરાવવામાં આવે. થોડા સમય પહેલા ગીર પૂર્વની હડાળા રેંજમાં એક સિંહ બાળનું મોત થયુ હતુ. જંગલ ખાતાના નીચેના સ્ટાફે આ અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવાના બદલે સિંહ બાળના શબને બારોબાર બાળી નાખ્યુ હતુ. થોડા સમય પહેલા ખાંભા તાલુકાના કંટાળા ગામે પણ એક સિંહનું શંકાસ્પદ મોત થયુ હતુ.
હડાળા રેંજમાં મૃત્યુ પામેલા સિંહ બાળના નખ ક્યાં ગયા, કેટલા સમય પહેલા આ પ્રાણી મોતને ભેટ્યું હતુ અને તેનો આ રીતે કેમ નિકાલ કરાયો તે અંગે ઉંડી તપાસ થવાની જરૂર છે. તેમણે પત્રમાં આક્ષેપ પણ કર્યો છે કે જંગલખાતાનો સ્ટાફ નિયમીત ફેરણુ કરતો નથી અને મોટે ભાગે ઘરે રહે છે. જેને લીધે વન્ય પ્રાણીઓના મોતની તેમને ખુબ જ મોડી ખબર પડે છે.
તાજેતરમાં જામવાળી બીટમાં એક સિંહના મોત પાછળ ઇનફાઇટ હોવાનું કારણ આપી દેવાયુ હતુ. જંગલ ખાતાના અધિકારીઓ મોતના સાચા કારણો બહાર ન આવે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ દરેક કીસ્સાની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું ગીર નેચર યુથ ક્લબ દ્વારા અંતમાં જણાવાયુ છે.

No comments: