Tuesday, July 5, 2011

ACF, RFO અને ચાર કર્મચારીઓ સામે ચાર્જશીટ.


જૂનાગઢ, તા.૧:
રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વનવિભાગની મંજૂરી લીધા વગર જ સિંચાઈ વિભાગે આશરે ૧.૧ કિ.મી. વિસ્તારમાં ખોદકામ કરીને પાઈપ લાઈન નાખી દેવાની ઘટના પ્રકાશમાં આવતા વનવિભાગ ચોંકી ઉઠયું છે. દોઢેક વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં જે તે સમયના એ.સી.એફ., આર.એફ.ઓ. અને બે ફોરેસ્ટર તથા બે ફોરેસ્ટ ગાર્ડ સામે ખાતાકિય પગલા લેવા માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા વનસ્ટાફમાં ખળભટાળ મચી ગયો છે. પાઈપ લાઈન નાખતી વેળાએ પોણા બસ્સો જેટલા વૃક્ષોનો સોંથ પણ વાળી દેવાયો હોવાનું બહાર આવ્યું છે.
જૂનાગઢ વનવિભાગની કૂતિયાણા રેન્જનો બનાવ : ૧૭પ વૃક્ષોનો સોંથ વાળી દેવાયો
આ વિશેની મળતી વિગતો અનુસાર જૂનાગઢ વનવિભાગ હેઠળ આવતી કૂતિયાણા રેન્જની ખાગેશ્રી બીટમાં આજથી દોઢેક વર્ષ પહેલા સિંચાઈ વિભાગે વનવિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર જ ૧.૧ કિ.મી. વિસ્તારમાં ખોદકામ કરીને નર્મદાની પાઈપ લાઈન નાખી દીધી હતી. મંજૂરી વગર થયેલી આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓએ વનવિભાગના જે તે સમયના બે અધિકારીઓ તથા ચાર કર્મચારીઓની જવાબદારી ફિક્ષ કરીને ખાતાકિય તપાસ માટે ચાર્જશીટ દાખલ કરી  દીધી છે.
આ પ્રકરણમાં તપાસ કરનાર જૂનાગઢ વનવિભાગના ડી.સી.એફ. અનિતા કર્ણએ જણાવ્યું છે કે, રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં પાઈપ લાઈન નાખવા માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી હતી. સિંચાઈ વિભાગે મંજૂરી માગી પણ હતી. પરંતુ વનવિભાગ મંજૂરી આપે તે પહેલા જ સિંચાઈ વિભાગે કામગીરી આરંભી દીધી હતી. મંજૂરી આપવી શક્ય ન હોય વનવિભાગે મંજૂરી આપી નહોતી. છતા ૧૦૦૦ મીટરથી વધારે પાઈપ લાઈન નાખી દેવામાં આવી હતી.
સિંચાઈ વિભાગે આ કામગીરી શરૂ કરી ત્યારે તરત જ રિપોર્ટ કરવાના બદલે કામગીરી અડધે પહોંચી ત્યારે છેક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરિણામે આ બાબતમાં વનવિભાગનો સ્ટાફ પણ દોષિત લાગતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તથા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જો કે અનઅધિકૃત રીતે જંગલમાં પાઈપ લાઈન નખાઈ રહી હોવાની માહિતિ મળતા જ કામગીરી અટકાવીને કોન્ટ્રાક્ટરને રૂ.પ૦ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ વનવિભાગના સ્ટાફની બેદરકારીના કારણે જ કોન્ટ્રાક્ટર આટલી બધી પાઈપ લાઈન નાખી શક્યા હતાં. પરિણામે આ બેદરકારી પણ સાંખી લેવાય નહી. અને પગલા લેવામાં આવ્યા છે. પાઈપ લાઈન નાખવાની કામગીરી દરમિયાન વચ્ચે આવતા પોણા બસ્સો જેટલા વૃક્ષો પણ મંજૂરી વગર કાપી નાખવામાં આવ્યા હતાં.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમાં જે તે સમયના એ.સી.એફ. તેમજ આર.એફ.ઓ. કે જે હાલમાં એ.સી.એફ. તરીકે ફરજ બજાવે છે, આ બન્ને અધિકારીઓ તેમજ ચાર કર્મચારીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. હવે આગામી સમયમાં સરકાર કક્ષાએથી તમામ સામે પગલા લેવાશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=304127

No comments: