Thursday, December 8, 2011

ઘર આંગણે ચકલી હવે જોવા મળતી નથી!


Source: Bhaskar News, Valsad   |   Last Updated 2:33 AM [IST](08/12/2011)
શહેર અને ગામડામાં કોંક્રિટના જંગલો ઊભા થતાં પશુ પંખીઓની સંખ્યા ઘટી
રાષ્ટ્રમાં વનોનું પ્રમાણ ૩૩ ટકા હોવુ જોઇએ એનો અર્થ એ કે કુલ જમીનના ૩૩ ટકા જંગલ વિસ્તાર જરૂરી છે. જ્યારે હાલે ૧૬થી ૧૮ ટકા જ જંગલો છે. જેના પરિણામે પર્યાવરણનો પ્રશ્ન ઉપસ્થિત થવાની સાથે પશુઓની સાથે પંખીઓની વિવિધ જાતિઓના અસ્તિત્વ સામે ભય ઉભા થયો છે. જ્યાં સુધી વલસાડ જિલ્લાનો પ્રશ્ન છે. મોર, ઢેલ, ગીધ, ઘુવડ, મોર, ચકલી, કાબર જેવા પક્ષીઓ હવે નહીવત જોવા મળી રહ્યા છે. શહેરોમાંથી કોયલોના ટહુકા બંધ થઇ ચુક્યા છે તો સૌથી ગંભીર બાબત એ છે કે જિલ્લામાં પંખીઓના જતન, સંભાળ, નિરીક્ષણ, બચાવની સરકારી કે સ્વૈચ્છિક સંસ્થા રાહે કોઇ સુવિધા જ નથી. કેટલીક સ્વૈચ્છીક સંસ્થાઓ પ્રાણીઓ માટે કાર્ય કરે છે. તેનું કાર્ય પણ સીમીત છે.
જિલ્લાના વનવિસ્તારોમાં અગાઉ નિરવ શાંતિ વચ્ચે ડુંગરાઓ પરથી ખળખળ વહેતા ઝરણાઓનો મધુર અવાજ પક્ષીઓના કલરવ, મોરના મધુર ટહુકા સાંભળવા જોવા મળતા જે મનને અનેરી પ્રસન્નતા આપતા હતા, પરંતુ મોટા પ્રમાણમાં જંગલોનું નકિંદન, જંગલોમાં પથ્થરોની કવોરીઓના અવાજોનું પ્રદુષણ, રસ્તા બનાવવામાં વૃક્ષોનું કટિંગ સહિતના કારણોને લઇ આજે વિવિધ પ્રકારના પંખીઓ, ગાયબ થઇ ચુક્યા છે. અથવા તો એમના અસ્તિત્વ સામે ભય ઉભો થયો છે.
પશુ ,પંખી, પ્રાણીઓ અને વનસ્પતિ માનવ જીવન સાથે સંકળાયેલી બાબત છે તેમને થતુ નુકસાનએ સમગ્ર માનવ જાતને થતુ નુકસાન છે. આજે વનોનું નકિંદન , ઔદ્યોગિકરણ, પ્રદુષણને લઇ જંગલોમાંથી મોર, ઢેલ, વાંદરા, ગીધ, ઘુવડ, વિવિધ પ્રકારના પંખીઓની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ જિલ્લામાં વનવિભાગ દ્વારા કે સંસ્થાઓ દ્વારા પણ પંખીઓ માટે કોઇ વિશેષ વિભાગ અધિકારી, કાર્યવાહી માટે કોઇ વ્યવસ્થા જ નથી જેને લઇ આવનારી પેઢીઓ કદાચ પંખીઓને મ્યુઝિયમમાં કે ફોટાઓમાં જ જોવા પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા ઉભી થઇ રહી છે.
ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવાય છે
વનવિભાગોમાં બોડા થયેલા જંગલોને લઇ દીપડા, ઝરખ જેવા પ્રાણીઓ ખોરાકના અભાવે માનવ વસાહતોમાં ઘુસી જતા લોકો તેના મારણમાં ઝેરી પદાર્થ પણ ભેળવે છે. જે પશુઓના માંસને પંખીઓ પણ આરોગતા હોય જેના કારણે પણ પક્ષીઓના મરણ થાય છે. ઉપરાંત જંગલોમાં ગીલોલ લઇ ફરતા લોકો પણ નાના પક્ષીઓનો શિકાર કરી ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. ઉપરાંત બીજ ચણી જતા મોરને મારવા બિયારણને ઝેરી પટ મારતા પંખીઓ મૃત્યુ પામે છે.
ચકલીની સંખ્યામાં ૨૦ ટકા ઘટાડો
મનુષ્ય જીવન સાથે ઓતપ્રોત થયેલુ નાનકડુ પક્ષી ચકલીની વસતી પણ ઓછી થઇ રહી છે. વિશ્વવૃત્તીય આફ્રિકા અને દક્ષિણ એશિયામાંથી વિલુ’ થઇ ચુકી છે. ભારત દેશમાં પણ ચકલીના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચના સર્વક્ષણ અનુસાર આંધ્રપ્રદેશમાં ચકલીની સંખ્યામાં ૮૦ ટકા જ્યારે કેરલ ગુજરાત અને રાજસ્થાનમાં ૨૦ ટકા ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કિનારાના વિસ્તારોમાં ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
જિલ્લાના કપરાડામાં માત્ર ૬૬ ગીધ
વલસાડ જિલ્લામાં હાલે માત્ર કપરાડા તાલુકાના સુથારપાડા વિસ્તારમાં ૬૬ ગીધો છે જેમની જાળવણી માટે દક્ષિણ વનવિભાગના ડીએફઓ ચૌધરી અને સ્ટાફ દ્વારા તમામ પગલાં લેવાયો છે. ગીધ શેડયુલ પક્ષીજાતીઓમાં આવે છે.
પગલાં લેવાઈ રહ્યાં છે
વનવિભાગ દ્વારા પક્ષીઓની સુરક્ષા અને જાળવણી માટે કોઇ વિશેષ વિભાગ નથી. છતાં વિભાગ દ્વારા પક્ષીઓની સુરક્ષા માટે વિભાગ દ્વારા પગલાંઓ લેવામાં આવે છે. હાલે વનવિસ્તારોમાં ચકલી અને અન્ય નાના પંખીઓનો શિકાર કરવા લોકો ગીલોલનો ઉપયોગ કરે છે. જેની સામે પગલાં લેવા પ્રથમ વનવિસ્તારના ગામોમાં મિટિંગો કરી તેમને સમજણ અપાશે. જિલ્લાના કપરાડાના સુથારપાડા ખાતે આવેલા ગીધોની સુરક્ષા માટે પણ પગલાં લેવાઇ રહ્યા છે. વી.જી. ચૌધરી, ડીએફઓ, જિલ્લા દક્ષિણ વન વિભાગ લોકોએ આગળ આવવું જોઈએ.
જંગલો બોડા થવાના કારણે પક્ષીઓને સલામત રહેઠાણની જે કુદરતી વ્યવસ્થા હતી તે ખોરવાઇ જતાં અને યોગ્ય કુદરતી ખોરાક ન મળતા પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. કેટલાંક પક્ષીઓ લુપ્ત થઇ જવાની અણી પર છે. જેને બચાવવા સરકારની સાથે લોકોએ પણ આગળ આવવું જોઇએ. -- ડૉ.દિનેશ રાવલ, ઉપપ્રમુખ, એનવાયરમેન્ટ એવરનેસ ક્લબ.

Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-sparrow-not-seen-2623474.html?OF7=

No comments: