Source: Bhaskar News, Junagadh | Last Updated 2:27 AM [IST](11/12/2011)
- ભક્તિસભર વાતાવરણમાં દત્ત જયંતિની ઉજવણી
માગશર સૂદ પૂનમ અને દત્ત જયંતિની ગીરીનગર જુનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દત્ત મંદિરે પાદુકા પૂજન, અભિષેક અને ત્રિમુખી ભગવાન દત્તનાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
ભગવાન દત્તની ભૂમિ ગણાતા જુનાગઢના ગરવા ગિરનારમાં ગુરૂ દતાત્રેયના ઉંચા શિખરે પાદુકાપૂજન તથા કમંડળ કુંડ ખાતે યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો આજે સવારે યોજાયા હતા. પરંપરાગત આ ધર્મમય અવસરમાં ભગવાન દતાત્રેયનાં ચરણોને પામવા સ્થાનિક સહિત દૂર દૂરથી આવેલા ભાવિકોએ ગિરનારનાં શિખર ઉપર આ ભક્તિસભર કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
આ ઉપરાંત ગિરનારની ગોદમાં આવેલા સાધના આશ્રમ ટ્રસ્ટ દ્વારા પુનિત આશ્રમ ખાતે દત્ત જયંતિનાં ઉપક્રમે પુનિતાચાર્યજીએ આશિર્વચન પાઠવી ગુરૂદત્તનો મહિમા વર્ણવ્યો હતો. આ જ આશ્રમમાં વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલગ-અલગ નગરોમાં આવેલા દત્ત ભગવાનનાં મંદિરે લોકોએ દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.
ડોળાસા : ઊના રોડ પર ડોળાસા ખાતેનાં દત્ત આશ્રમમાં આવેલ દત્ત મંદિર મધ્યે આજે ધાર્મિક માહોલ વચ્ચે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આજે સવારે ૧૦:૧૫ કલાકે ભગવાન દત્તની પુજનવિધી દીવ - ઘોઘલા વાળા છેલવંતભાઇ પાંચાભાઇ સોલંકીનાં હસ્તે કરવામાં આવી હતી. બપોરે ૧૨ કલાકે આશ્રમનાં નવા મહંત તરીકે જયાનંદબાપુ મુકુન્દાંદ બાપુની ચાદર ઓઢાડી સ્થાપના કરવામાં આવી હતી. સાધનાનંદબાપુ અને વિવેકાનંદબાપુનાં હસ્તે આ વિધી કરવામાં આવી હતી. બટુકભોજન કાર્યક્રમ યોજાયો હતો અને તમામ સેવકોએ સમૂહ પ્રસાદ લીધો હતો. મંદિર મધ્યે બપોરે આરતી અને સાંજે મહાઆરતી યોજાઇ હતી. વિશાળ સંખ્યામાં આશ્રમનાં સ્થાપક મુળજીબાપાનાં સેવકો ઉપસ્થિત રહ્યા હતાં.
વિસાવદર નજીક દિગંબર આશ્રમમાં દત્ત ભગવાનનો જલાભિષેક -
વિસાવદર નજીક કુબા, ભૂતડી અને છેલણકા આ ત્રણ ગામની વચ્ચે આવેલા દગિંબર આશ્રમમાં અષ્ટકોણ આકારનું રાજસ્થાની પથ્થરોથી નિર્માણ પામેલ માં અંબા અને દત્ત ભગવાનનું મંદિર આવેલ છે. આ આશ્રમમાં આજે દત્ત જયંતિ નિમિત્તે સવારે દત્ત ભગવાનનો અભિષેક, વિશેષ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. જ્યારે અહીં પણ ત્રિમુખી ભગવાન દત્તનાં દર્શનાર્થે સ્થાનિક શ્રધ્ધાળુઓ ઉમટતાં આશ્રમનાં દગિંબર મનમસ્ત મહેશગીરી બાપુએ મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા કરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jay-gurudat-singing-in-girnar-2631109.html
No comments:
Post a Comment