જૂનાગઢ, તા.૧૨:
રાજ્યનો એકમાત્ર અકબંધ કિલ્લો અને ઐતિહાસિક દ્રષ્ટીએ મહત્વનો એવો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો જાળવણીના અભાવે અત્યંત જર્જરીત અવસ્થામાં આવી ગયો છે. હજ્જારો પ્રવાસીઓ વર્ષ દરમિયાન ઉપરકોટની મુલાકાતે આવે છે. ત્યારે અહીં તેમને અન્ય સુવિધા તો ઠીક પણ પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. તંત્ર દ્વારા શહેરના અન્ય ઐતિહાસિક સ્થળોની જેમ ઉપરકોટ કિલ્લાની પણ દરકાર લેવામાં આવતી નથી. પરિણામે ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવતા યાત્રિકો જાણે કે ભરપુર ઐતિહાસિક વારસા ધરાવતા કિલ્લાને બદલે ખંડેરમાં પ્રવેશી રહ્યા હોય તેવી અનુભુતિ કરી રહ્યા છે. ઉપરકોટના વિકાસ માટે કાર્યરત સમિતિ વર્ષોથી ફક્ત કાગળ પર જ કામ કરતી હોય તેવી સ્થિતિ છે.
- પ્રવાસીઓ માટે પાયાની સુવિધા પણ તંત્ર ઉભું કરી શક્યું નથી ને પ્રવાસનધામના ગવાતા ગાણા
ગુજરાત રાજ્યમાં આ એક માત્ર કિલ્લો આજે અકબંધ છે. અન્ય તમામ કિલ્લાઓ જાળવણીના અભાવે નાશ પામ્યા છે. પરંતુ ઐતિહાસિક મહત્વ ન સમજનાર તંત્ર આ કિલ્લાની જાળવણીમાં ભરપુર બેદરકારી દાખવી રહ્યું છે. રંગરોગાન તેમજ જાળવણીના અભાવે ઐતિહાસિક ધરોહર સમાન આ કિલ્લો ખંડેર હાલતમાં આવી ગયો છે.
આશરે ઈ.સ.૧૧મી સદીમાં બંધાયેલો આ કિલ્લો નગર વ્યવસ્થાઓ તેમજ રાજાઓના સમયમાં થતા લશ્કરી હુમલાને પહોંચી વળવા મુકાયેલ તોપ ભાવી પેઢીને આપણા ઈતિહાસથી અવગત કરી રહ્યું છે. ખાસ કરીને વિદેશીમાં ઈતિહાસ પ્રત્યે વધુ રસ પ્રવર્તે છે. ત્યારે અનેક વિદેશી ઈતિહાસપ્રેમીઓ જૂનાગઢના ઈતિહાસનો પરિચય મેળવવા શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવે છે. પરંતુ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા વિદેશી તેમજ દેશના યાત્રિકોને સુવિધાને અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભવ્ય ભુતકાળની સાક્ષી પુરતા ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવતા યાત્રિકોને અન્ય સુવિધા તો ઠીક પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ખાસ કરીને ઈતિહાસના અભ્યાસઅર્થે ઉપરકોટની મુલાકાતે આવતા અભ્યાસુ યાત્રિકોને ઉપરકોટનો કિલ્લો ફરતા આશરે ર થી ૩ કલાક જેટલો સમય લાગી જાય છે. ત્યારે કલાકોના આ સમયગાળા દરમિયાન થોડીવાર બેસીને થાક દુર કરી શકે તેવા છાંયડા કે બાંકડાની પણ અહીં વ્યવસ્થા નથી. તેમજ સફાઈનો પણ અભાવ પ્રવર્તી રહ્યો છે. આશરે ર કિ.મી. જેટલા વિસ્તારમાં પથરાયેલા ઉપરકોટમાં કચરાપેટીની પણ મુકવામાં આવી નથી. એક તરફ જૂનાગઢને પ્રવાસનધામ તરીકે વિકસાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે બીજી બાજુ ઐતિહાસિક સ્થળોની જ અવગણના કરવામાં આવી રહી છે.
ઉપરકોટના વિકાસ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે. પરંતુ આ સમિતીએ કિલ્લાના વિકાસ અર્થે કોઈ પગલા પણ લીધા નથી. માત્ર મીટીંગો બોલાવી આયોજનો કરતી કમિટીએ ખાસ કઈં ઉકાળ્યું નથી. ત્યારે ઐતિહાસિક વારસાનું મહત્વ સમજતા અને ઐતિહાસિક સ્થળોના વિકાસમાં રસ દાખવનારાઓની કમીટી બનાવી તેઓને ઐતિહાસિક વારસાની વિકાસ કામગીરી સોંપવાની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે.
જૂનાગઢની ઓળખ સમાન રાણકદેવીનો મહેલ અને અડીકડી વાવ ધુળ ખાઈ રહી છે. શહેરના તમામ પ્રાચીન ઈમારતોમાં સામાન્ય સિવાય કોઈ કામ કરવામાં આવતું નથી. કલરકામ તેમજ જાળવણીના અભાવે પ્રાચીન ઈમારતોને લુણો લાગી ગયો છે.
હાલમાં શહેરની પ્રાચીન ઈમારતોમાં ઉપર ઝાડવા ઉગી નિકળ્યા છે. તંત્ર આ ઝાડવા દુર કરવાની પણ તસ્તી લેતું નથી. તંત્રની આળસને કારણે જૂનાગઢનો ઈતિહાસ મૃતઃ પ્રાય અવસ્થામાં આવી ગયો છે. ત્યારે તંત્રએ આળસ ખંખેરી શહેરના તમામ ઐતિહાસિક સ્મારકોની જાળવણીમાં ધ્યાન કેન્દ્રીત કરી યાત્રિકોને પડતી હાલાકી દુર કરવા અને યાત્રિકોને વધુ સુવિધા આપવા સત્વરે ઘટતા પગલા લેવાનો સમય પાકી ગયો છે. નહીં તો જૂનાગઢની આવનારી પેઢી પોતાના જ શહેરના ઈતિહાસથી વંચિત રહી જશે. તેમના માટે ઈતિહાસ વાંચવા અને સાંભળવા પુરતો સીમીત રહી જશે.
ઉપરકોટમાં આકર્ષણ સમાન સ્થળો
* રાણકદેવીનો મહેલ
* અડીકડી વાવ
* નવઘણ કુવો
* નિલમ અને માણેક તોપ
* ધક્કાબારી
* ૭ તળાવ
* ફિલ્ટર પ્લાન્ટ
* બૌધ્ધગુફા
* અનાજના કોઠારો
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17297
No comments:
Post a Comment