Tuesday, December 13, 2011

માતાએ તરછોડી દીધા બાદ બે માસના સિંહબાળનું મોત.



જૂનાગઢ, તા.૧૨:
ગિરનાર જંગલના અંતરિયાળ વિસ્તારમાં બિમાર પડેલા એક સવા બે માસના સિંહ બાળને તેની માતાએ તરછોડી દેતા તેનું મોત નિપજ્યું છે. આજે આ માસુમ સિંહ બાળનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા વનવિભાગે એફ.એસ.એલ. સાથે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.
  • અંતરિયાળ વિસ્તારમાંથી અત્યંત કોહવાયેલો મૃતદેહ મળ્યો
આ વિશેની મળતી વિગતો અનુસાર આજે ગિરનાર જંગલની ઉત્તર રેન્જમાં જાંબુડી રાઉન્ડના ઝખરા ટીંબી નજીક એક સિંહ બાળનો અતિશય કોહવાયેલો મૃતદેહ પડયો હોવાની જાણ થતા ફોરેસ્ટર કણસાગરાએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ ડી.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. જે.ડી. ગોજીયા સક્કરબાગ ઝૂ ના તબીબ અને એફ.એસ.એલ.ની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં.
વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિક ઢબે કરેલા પરીક્ષણ બાદ આ સિંહ બાળ સવા બે માસનું હોવાનું અને બિમારીના કારણે તેનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. બિમાર પડેલા સિંહ બાળને તેની માતાએ તરછોડી દેતા એકલું પડેલું સિંહ બાળ થોડા દિવસો પૂર્વે મોતને ભેંટયું હતું. કોહવાયેલા મૃતદેહનું પી.એમ. કરીને ઘટનાસ્થળે જ અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતાં.
નબળા અને બિમાર બચ્ચાને સિંહણ છોડી દે છે !
જૂનાગઢઃ વનવિભાગના સુત્રોના કહેવા પ્રમાણે બિમાર પડેલા સિંહબાળને તેની માતા છોડી દેતી હોવાની બાબત સામાન્ય છે. નબળા અને બિમાર સિંહબાળની બિમારી અન્ય બચ્ચાઓમાં ન પ્રવેશે તે માટેનો આ કુદરતી ક્રમ છે. નબળું પડેલું સિંહબાળ ગૃપમાંથી વિખૂટુ પડયા બાદ મૃત્યુ પામે છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=17441

No comments: