Tuesday, December 27, 2011

અમિત જેઠવા હત્યાકેસ: સાંસદના બેંક એકાઉન્ટ ચકાસતી પોલીસ


Source: Bhaskar News, Una   |   Last Updated 12:05 AM [IST](27/12/2011)
- સુરેન્દ્રનગર પોલીસ ઊના, કોડીનારની બેંકમાં પહોંચી
આર.ટી.આઇ. એક્ટીવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં જૂનાગઢ સાંસદે ક્લિનચીટ મળ્યા બાદ મૃતકનાં પિતાએ હાઇકોર્ટમાં અપીલ કરી આ કેસની તપાસ સીબીઆઇ કરે તેવી માંગણી કરી હતી. જે અંગેની તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવી હોય પોલીસે સાંસદનાં બેંક એકાઉન્ટ અંગે ઊના, કોડીનારની બેંકમાં તપાસ હાથ ધરી છે.
અમિત જેઠવાની હત્યામાં જૂનાગઢનાં સાંસદ દિનુભાઇ સોલંકીનો ભત્રીજો, નિકટનાં પોલીસ કોન્સટેબલ અને ભાડુતી હત્યારાઓને અમદાવાદ પોલીસે પકડી પાડ્યા હતાં. આ હત્યામાં જૂનાગઢનાં સાંસદ સોલંકીને ક્લિન ચીટ આપી હતી. જે અંગે અમિતનાં પિતા ભીખુભાઇ બાટવાળાએ થોડા સમય પૂર્વે હાઇકોર્ટમાં આ કેસની તપાસ સીબીઆઇ કરે તેવી અપીલ કરતા હાઇકોર્ટે સાંસદની સંડોવણી અંગેની તપાસ સુરેન્દ્રનગરનાં એસ.પી. ને સોંપી રિપોર્ટ કરવાનો આદેશ કરતા ફરીથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જેમાં છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર પોલીસે ઊના - કોડીનાર પંથકમાં ધામા નાંખી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરનાં પોલીસ અધિકારી વી.એન. રબારી તપાસાથેg ઊનાની બેંકોમાં દિનુ સોલંકીનાં બેંક એકાઉન્ટની તા. ૧ એપ્રિલ - ૨૦૧૦ થી તા. ૩૧ માર્ચ - ૧૧ સુધીની વિગતો માંગી હતી અને સાંસદનાં બેંક એકાઉન્ટ છે કે નહી ? તે અંગે પણ તપાસ કરી હતી. બે દિવસ પૂર્વે પોલીસે કોડીનારની બેંકમાં પણ સાંસદનાં એકાઉન્ટ અંગે તપાસ કરી હતી. અમિતની હત્યામાં સાંસદની સંડોવણી અંગે ફરી તપાસ શરૂ થતા અનેક તર્ક-વિતર્ક ઉઠ્યા છે.
સાંસદની રાજકીય કાર્યક્રમોમાં ‘ગેરહાજરી’ -
અમિત જેઠવા હત્યાની તપાસનો ફરીથી ધમધમાટ શરૂ થતા સાંસદ દિનુભાઇ સોલંકીની ઘણા સમયથી રાજકીય કાર્યક્રમમાં ગેરહાજરી ઉડીને આંખે વળગે છે.
મતદારો પણ સાંસદને શોધે છે -
જિલ્લામાંથી ચુંટાઇ આવેલા સાંસદ છેલ્લા ઘણા સમયથી કાર્યક્રમોમાં દેખાતા ન હોય મતદારો પણ સાંસદને શોધે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amit-jethva-murder-case-sansads-bank-account-checking-by-police-2678911.html

No comments: