Monday, January 30, 2012

મહંત વિઠ્ઠલબાપુનાં આજથી આમરણાંત ઉપવાસ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:05 AM [IST](30/01/2012)
- જુનાગઢનાં ઉપલા દાતારનો વાહન માર્ગ તાકીદે ન ખોલાય તો જોયા જેવી
- વનવિભાગને જડ વલણ છોડી દેવા સંતોની અપીલ
- સાધુ-સંતોની ખાસ બેઠકમાં નિર્ણય
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાએ જવા માટે વાહન માર્ગ વનવિભાગે બંધ કરી દેતાં મહંત વિઠ્ઠલબાપુએ ગાયોનાં ચારા તેમજ ચાલતા અન્નક્ષેત્ર માટે પણ જડ વલણ ન અપનાવવા વનવિભાગને વિનંતી કરી હતી. જો આ મામલે કોઇ ઉકેલ ન આવે તો સોમવારથી આમરણાંત ઉપવાસની મહંત વિઠ્ઠલબાપુએ ચીમકી આપી છે.
કોમી એકતાનાં પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યા ખાતે વર્ષોથી ચાલતા અÌાક્ષેત્ર અને જગ્યાની ગૌશાળામાં માલઢોરનાં નિભાવ માટે દાતા પાસેનાં માર્ગ ઉપર વર્ષોથી ટ્રોલી વિનાનાં ટ્રેકટર અને ઉંટ મારફત માલ પહોંચાડાય છે. અઠવાડિયે ત્રણ વખત આ માલસામાન સહેલાઇથી ઉપર ચઢી જતો હતો. પરંતુ વનવિભાગે ટ્રેકટરને મનાઇ ફરમાવી માર્ગ પર જેસીબી વડે મોટા પથ્થરો આડા મૂકી દેતાં ઉપલા દાતારનાં હજારો સેવકો, સાધુ-સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ વન વિભાગે માલ સામાન ચડાવવા ટ્રેકટર ચલાવવાની પરવાનગી આપી હતી. ત્યારે અચાનક જ એ માર્ગ બંધ કરી દીધો છે.
વિઠ્ઠલબાપુએ વધુમાં ઉમેર્યું છે કે, ગિરનાર તીર્થક્ષેત્રમાં હજારો વર્ષોથી તપશ્વર્યા કરતા સાધુ-સંતોની અસંખ્ય ધાર્મિક જગ્યાઓ આવેલી છે. તેઓ પર્યાવરણ અને વન્યપ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખે છે. ક્યારેય કોઇ ધાર્મિક જગ્યા તરફથી જંગલને નુકસાન કરાયું નથી. છતાં વનવિભાગ તેનાં જટિલ કાયદા બતાવી ધાર્મિક જગ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. અને સેવાકિય પ્રવૃત્તિમાં વિઘ્નો ઉભા કરી સરકાર અને તંત્રને સામસામે કરી દેવાની બેધારી નિતીનો વિરોધ કરીએ છીએ. જો આ પ્રશ્નનો બે દિવસમાં નિવેડો ન આવે તો આમરણ ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે એવી ચીમકી પણ અપાઇ છે.
અમારી સાથે જ ઓરમાયું વર્તન કેમ ?
વિઠ્ઠલબાપુએ વેધક સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે, ગિરનાર અભયારણ્યમાં બોરદેવી, કાશ્મીરી બાપુની ‘આમકુ’ ની જગ્યા, સરકડીયા હનુમાન, ઝીણાબાવાની મઢી, રામનાથ, મથુરેશ્વર, વગેરે સ્થળે વાહન મારફત માલ-સામાન પહોંચાડાય છે. ત્યારે દાતારની જગ્યા સાથે આડોડાઇ શા માટે ?

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-saint-vithalbapus-lifelong-fast-starts-from-today-2800165.html

કચકડામાં થઈ ‘ક્લિક’ વન્ય જીવનની ‘વિરલ’ ઘટના.


ગીરનું જંગલ એટલે વૈવિધ્યતાનો ખજાનો. બસ, જોવાની ‘દ્રષ્ટિ’ જોઇએ. આમ તો હરણ ટોળાંમાં જ ફરતાં હોય છે. પરંતુ માનવીના પગરવ સાંભળતા જ એ ગભરું પ્રાણી દૂર જતું રહે. ૧૭ મૃગલા એક સાથે પાણી પીતા હોય એવું ર્દશ્ય ભાગ્યે જ કેમેરામાં કેદ કરવાની તક મળે. અહીં કનકાઇનાં જંગલમાં આખા ‘હરણ પરિવાર’ને એક સાથે તરસ છીપાવતો ‘ક્લિક’ કરનારને એક ક્ષણ થયું હશે કે, ‘સાથે જીવવું, સાથે ખાવું-પીવું ને સમૂહમાં રહેવું.’ એ ઉક્તિને કદાચ માનવી કરતાં વન્યજીવો જ સાર્થક બનાવી શકે. - તસ્વીર : વરશીંગ ઝાલા
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-hardly-17-deer-together-click-in-camera-2800299.html

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:41 AM [IST](30/01/2012)


બિમાર થયેલા વનરાજા સાજા આખરે જંગલમાં વિહરતા થયા.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:24 AM [IST](29/01/2012)
થોડા સમય પહેલા રાજુલા શહેરમાં વન તંત્ર દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું
થોડા દિવસ પહેલા રાજુલા નજીકથી એક બિમાર સિંહ મળી આવતા તેને સારવારની બદલે રાજુલા શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. આરએફઓ અને સ્ટાફે આ બિમાર અને લાચાર સિંહને ત્રાસદાયક રીતે બજારમાં ફેરવ્યો હતો.
આ બિમાર સિંહ વીસેક દિવસથી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ હોય જે સ્વસ્થ જણાતા આજે રાત્રીના તેને જંગલમાં મુકત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ખાંભા નજીકથી થોડા દિવસો પહેલા એક બિમાર સિંહ મળી આવતા વનવિભાગના આરએફઓ અને સ્ટાફ દ્રારા આ બિમાર સિંહની સારવાર કરવાના બદલે તેને શહેરમાં સરઘસ રૂપે ફેરવ્યો હતો.
આ ઘટનાના ઉચ્ચકક્ષા સુધી પડઘા પડ્યા હતા. તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં પણ રોષ ફેલાયો હતો. આ ઘટનાને પગલે આરએફઓની તાત્કાલિક બદલી પણ કરવામાં આવી હતી.
આ બિમાર સિંહને માથાના ભાગે ઘારૂ પડી ગયું હોય તેને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉ. વામજા વીસેક દિવસથી તેની સારવાર કરી રહ્યાં હોય હવે આ સિંહની તબીયતમાં સુધારો જણાતા આજે રાત્રીના ફરી તેને જંગલમાં મુકત કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-move-about-been-sick-in-the-wild-eventually-recover-lion-2797160.html

હજારો પક્ષીઓનો આ મેળો નીહાળવા લોકો આવે છે દુરદુરથી.

Source: Arun Veghda, Dhari   |   Last Updated 12:29 AM [IST](29/01/2012)
મધ્યગીરમાં ખાંભા નજીક જસાધાર રેન્જમાં આવેલી સરની ખોડિયાર માતાજીની જગ્યામાં શાંતીદુત એવા કબુતરોનો છેલ્લા પંદરેક વર્ષથી અનોખો મેળો ભરાય છે. એક સાથે હજારો કબુતરો અહીં ચણ માટે એકઠા થાય છે. મહંત ગોકરણદાસબાપુ દ્રારા આ હજારો શાંતીદુતને ચણ નાખવામાં આવે છે. અને આ પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પક્ષીઓનો મેળાવડો જોવા દુરદુરથી લોકો અહીં આવી પહોંચે છે. 
રાવલ ડેમ અને ચીખલકુબા ગામની વચ્ચે આવેલી સરની ખોડિયાર જગ્યામાં છેલ્લા પંદરેક વર્ષથી મહંત ગોકરણદાસબાપુ દ્રારા હજારો કબુતરોને ચણ નાખી સેવા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં શહેરોમાં સિમેન્ટ કોક્રીટના જંગલો ખડકાયા છે ત્યારે આ જગ્યામાં હજારો શાંતીદુતોને નીહાળવા એ પણ એક લ્હાવો છે.
સવારમાં દસેક હજાર કબુતરો અહી આવી પહોંચે છે અને મહંત ગોકરણદાસબાપુ તેને ચણ નાખે છે. આ હજારો પક્ષીઓનો મેળો નીહાળવા દુરદુરથી લોકો અહી આવે છે. કબુતરોને દરરોજ દસ મણએટલે કે ૨૦૦ કિલો જુવાર નાખવામાં આવે છે. આ જગ્યાના વિશાળ મેદાનમાં સવારમાં જ હજારો કબુતરો ચણ આરોગવા આવી પહોંચે છે. અહી આવતા પ્રવાસીઓ આ કબુતરોનો મેળો જોઇને પ્રભાવિત થઇ ઉઠે છે.
અહીં આવતા પ્રવાસીઓ તેમજ દાતાઓ દ્રારા કબુતરોના ચણ માટે યોગદાન આપે છે. દસેક હજાર જેટલા આ શાંતીદુતોના મેળાને નિહાળી લોકો પ્રભાવિત થાય છે. સરની ખોડિયાર જગ્યામાં ભજન કિર્તનની સાથે કબુતરોની અનોખી સેવા કરવામાં આવી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-thousands-of-birds-are-these-people-fair-seeing-2797169.html

Thursday, January 26, 2012

સાવરકુંડલામાં અઢી ઈંચ લાંબી આફ્રિકન માખીનું આક્રમણ.

સાવરકુંડલા તા.૨૪
સામાન્ય રીતે જંગલ અને ખેતરોમાં વસતી મોટી સાઈઝની આફ્રિકન મધમાખી હવે નાગરિક વિસ્તારમાં પણ આવવા લાગી છે. આજે બપોરે ત્રણ વાગ્યાના સુમારે બે થી અઢી ઈંચ લંબાઈની જમ્બોસાઇઝની મધમાખીનું એક મોટું ઝુંડ તીડની જેમ શહેરમાં ઘુસી ગયું હતુ. અને બાંધકામ થઈ રહેલા બંગલામાં મુકામ રાખી દેતાં તમામ બારી અને એલીવેશન ઢંકાઈ ગયા હતા. આ સમયે કામ કરી રહેલા મજુરો અને કડીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
  સામાન્ય મધમાખી કરતા અનેક ગણી મોટી એવી આ માખીઓનો ડંખ લોકો સહન કરી શકતા નથી અને શરીરમાં હિસ્ટેમાઈન નામનું દ્રવ્ય પેદા કરી દે છે. તેમજ એની સારવાર ચાલુ કરાય એ પહેલા આ દ્રવ્ય વધી જતાં દરદીની હાલત કફોડી બની જાય છે. તેમજ કોઈ કોઈ કિસ્સામાં મોત પણ નીપજે છે. જયારે ડંખ મારે ત્યારે ડંખના એરિયામાં લાલ ચકામું પડી જાય છે. કેટલીક વાર દરદી દવાખાને પણ પહોંચી શકતો નથી. આવી માખીઓ અહીં શહેરમાં આવી ચડતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સાવરકુંડલા વિસ્તારમાં ઝેરી મધમાખી કરડવાથી ખેતમજુરો સહિત પ વ્યકિતઓના મોત નીપજી ચૂકયા છે. આ શહેર પર આવી પડેલી આફતને દુર કરવા લોકોમાં માંગ ઉઠી છે.

Source: http://www.sandesh.com/article.aspx?newsid=29496

સાવરકુંડલામાં દિપડાના બચ્ચાના રામ રમી ગયા.

Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 2:51 AM [IST](25/01/2012)
- રોડ ઉપર પસાર થતાં દિપડાના બચ્ચાના રામ રમી ગયા
સાવરકુંડલાના પાદરમાં મહુવારોડ પર ગઇરાત્રે એક દિપડી પોતાના બચ્ચા સાથે રસ્તો પસાર કરી રહી હતી ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા દિપડીના ત્રણ માસના બચ્ચાનું મોત થયું હતું.
આ ઘટના ગઇકાલે રાત્રે નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલાના મહુવા રોડ પર ખોડીયાર પાર્ક નજીક બની હતી. અહી એક દિપડી પોતાના બચ્ચા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા આ દિપડીના ત્રણ માસના બચ્ચાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
બનાવની જાણ થતા આરએફઓ સી.બી.ધાંધીયા, એસ.એસ.બાબરીયા, કે.પી.રામાણી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. આજે સવારે દિપડીના આ બચ્ચાનું પોસ્ટમોર્ટમ કરાયુ હતુ અને બાદમાં લાશને સળગાવી દઇ તેનો નિકાલ કરાયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopards-cubs-died-on-mahua-road-on-vehicle-collision-2788501.html

Tuesday, January 24, 2012

પર્યાવરણ સાથે મૈત્રી ધરાવતી ઈંટોની શોધ.

Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 4:38 AM [IST](24/01/2012)
એન્ઝાઈમ દ્વારા નિર્મિત ઈંટો ઘરથી લઈ ગટર શુદ્ધિકરણ, કચરા નિકાલ, રોડ વિ. માટે ઉપયોગી
ભાવનગરમાં આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે સ્થાનિક બોરોન ઈનોવેશન દ્વારા નિર્મિત એન્ઝાઈમ દ્વારા નિર્મિત ઈંટોથી સસ્તા દરે ઘર બનાવવાની ટેક્નોલોજી દર્શાવતું અનોખું મોડેલ જવાહર મેદાનમાં ઉજવણીનાં સ્થળે પ્રદર્શિત કરાયું છે. આ ઘરના નિર્માણમાં ભઠામાં પકાવ્યા વગરની ઈંટો કે સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી ! આ તદ્દન નવા અને ઈકો-ફ્રેન્ડલી એન્ઝાઈમના આવિષ્કાર અંગે પાર્થ દોશીએ જણાવ્યું હતું કે એક રૂમ-રસોડાનું ઘર જો કોઈ શ્રમજીવી પરિવાર બહારના મજુરો રાખ્યા વગર બનાવે તો માત્ર રૂ૧૫ હજારમાં તૈયાર થઈ જાય છે ? આ એન્ઝાઈમાંથી સસ્તી કિંમતે ઈંટો અને બ્લોક બનાવી તેમજ સિમેન્ટ તરીકે પણ ઉપયોગ કરવાથી સમાજના છેવાડાના નાગરિકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન પૂર્ણ થાય છે.
આ ઉપરાંત આ એન્ઝાઈમનો ઉપયોગ હાઈ-વે રોડનો બેઈઝ બનાવવા, ડાયવર્ઝનને પાકું બનાવવા, હેલીપેડ બનાવવા, કાચા રસ્તા ફૂટપાથને ધૂળ રહિત અને મજબૂત બનાવવામાં થાય છે.

આ એન્ઝાઈમ વાપરવાથી મકાન બનાવો તો જે પાયો ગાળો તેમાંથી જે માટી નીકળે તે માટીમાં એન્ઝાઈમ ભેળવી દેવાથી નજીવા સમયમાં ઈકો ફ્રેન્ડલી ઈંટ તૈયાર થઈ જાય છે. વળી, માટીનો ઉપયોગ હોય ટ્રાન્સપોટેંશનનો હજારો રૂપિયાનો ખર્ચ વચે છે. ડઝિલ બળે છે અને કિંમતી હૂંડિયામણ બચે છે. આ ઈંટો બનાવવા માટેના મોલ્ડ સ્થાનિક કારીગરો દ્વારા બનાવી શકાય છે. આ ઈંટો બનાવવામાં કુશળ કારીગરોની જરૂર ન હોવાથી સ્વરોજગારી કે ગૃહ ઉદ્યોગ દ્વારા ઉત્પાદન કરી ગૃહ ઉદ્યોગનો વિકાશ કરી રોજના ૨૫૦થી ૩૦૦ રૂપિયા કમાઈ શકાય છે.
આ એન્ઝાઈમ સેપ્ટીક ટેન્ક, ખેત પેદાશનો કચરો અને ગટર શુદ્ધિકરણમાં પણ કામ લાગે છે ત્યારે કચરો અને દુર્ગંધને દૂર કરે છે.આ એન્ઝાઈમ ખાળકૂવા અને ગટર સિસ્ટમમાં નાખવાથી કચરાનું વિઘટન કરી તે દૂર કરે છે. જળાશય, કુલીંગ ગાળા વિ.ને લીલ કે શેવાળ મુકત બનાવે છે. તો ખેત પેદાશના કચરાનો નિકાલ કરવા પણ સમર્થ છે. જે નૈસિર્ગક પ્રક્રિયાથી આ બધું કામ કરે છે.

ભાવનગર શહેરમાં પ્રજાસત્તાક ઉજવણીમાં જવાહર મેદાન ખાતે તા. ૨૫ થી ૨૭ જાન્યુઆરી સુધી આ ઈંટોનું ઘર જોવા મળશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-environment-friendly-brock-search-2785617.html

સિંહ સાથે સંવનનમાં ઇજાગ્રસ્ત થયેલી સિંહણ સારવારમાં.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:03 AM [IST](24/01/2012)
- ધારી ગીર પંથકમાં એક માસમાં જ સાવજના મોત અને ઘાયલ થવાની અનેક ઘટના બની છે
- સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડી
- કૃષિશાળા નજીક એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો
ધારી ગીરપુર્વ જંગલોમાં વસતા સાવજો પર જાણે માઠી બેઠી હોય તેમ એક પછી એક સાવજના મોતની કે ઘાયલ થવાની ઘટનાઓ બની રહી છે. પાણીયા રેંન્જમાં ભેરાળી બીટમાં એક સિંહણ ઘાયલ અને બિમાર હોવાની બાતમી મળતા વનતંત્રએ તેને પાંજરે પુરી સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડી છે. આ સિંહણ સિંહ સાથે સંવનન દરમિયાન ઘાયલ થયાનું માનવામાં આવી રહ્યું છે. ધારી ગીર પંથકમાં એક માસમાં જ સાવજના મોત અને ઘાયલ થવાની અનેક ઘટના બની છે. જેમાં બે દિપડાના બચ્ચા કુવામાં ખાબકતા મોતને ભેટયા હતા. ઉપરાંત જસાધાર રેંન્જમાં સિંહબાળનું મોત થયું હતું. તેમજ ડેડાણમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. અને કૃષિશાળા નજીક એક દિપડાનો મૃતદેહ મળ્યો હતો. જંગલમાં સાવજો પર જાણે માઢી બેઠી હોય તેમ એક પછી એક આવી ઘટનાઓ બની રહી છે. 

પાણીયા રેંન્જમાં એક સિંહણ ઘાયલ અને બિમાર હોવાની બાતમી મળતા ડીએફઓ મુનીશ્વર રાજાની સુચનાથી રેસ્કયુ ટીમના અમીત ઠાકર, નાનુભાઇ મકરાણી, વેટરનરી ડોક્ટર હિતેષ વામજા સહિત ઘટના સ્થળે દોડી જઇ સિંહણને તપાસતા તેને ૧૦૫ ડિગ્રી તાવ હોવાનું જણાયુ હતું. ઉપરાંત આ સિંહણ સિંહ સાથે સંવનન દરમિયાન ઘાયલ થયાનું પણ જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-injured-when-meeting-with-lioness-and-geting-in-treatment-2784194.html

ઘાયલ સાવજોની સારવારમાં તંત્ર બેદરકાર.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:54 AM [IST](23/01/2012)
- ક્રાંકચ ચાંદગઢની સીમમાં ભટકતા બે ઘાયલ સાવજોની સારવાર જરૂરી
ગુજરાતને ગૌરવ અપાવનાર ગીરના સાવજોની રક્ષા માટે સરકાર ભલે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી હોય પરંતુ સાવજના કમોતની ઘટના વધી છે. ઇજાગ્રસ્ત કે બિમાર સાવજાને સમયસર શોધી તેની સારવાર કરવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય પરંતુ વનતંત્ર હજુ પણ આ મુદે ઘોર બેદરકાર છે. લીલીયા પંથકમાં સાવજનું એક બચ્ચુ પાછલા પગે લંગડુ ચાલે છે. ચાંદગઢની સીમમાં પણ એક સાવજ લંગડો ચાલી રહ્યો છે આમ છતા વનતંત્ર દ્રારા આ બંનેની સારવાર કરવામાં નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના પાંચેક ગામોની સીમમાં વસતા સાવજના ગૃપમાંથી એક બચ્ચુ પાછલા ઘણા દિવસથી લંગડા પગે ચાલી રહ્યું છે. આશરે એક વર્ષની ઉંમરનું આ સિંહબાળ પાછલા જમણા પગે ઇજાગ્રસ્ત છે. થોડા સમય અગાઉ લોકો પાસેથી જાણકારી મયાં બાદ વનતંત્ર દ્રારા આ સિંહબાળને સારવાર આપવા પકડવા માટે તજવીજ હાથ ધરાઇ હતી. પરંતુ આ બચ્ચાને પકડવામાં વનતંત્રને સફળતા મળી ન હતી. જો સમયસર આ બચ્ચાની સારવાર કરવામાં નહી આવે તો તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. મારણ ખાતી વખતે અન્ય સિંહ દ્રારા કરાયેલા હુમલામાં આ સિંહબાળ ઘાયલ થયું હોવાનું વનતંત્ર માની રહ્યું છે.
આવી જ રીતે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં પણ પાછલા ઘણા સમયથી ત્રણ સિંહનો પડાવ છે. જે પૈકીનો એક સિંહ પણ પગમાં ઇજા હોવાથી લંગડો ચાલે છે. વનતંત્ર દ્રારા આ સાવજોની કોઇ કાળજી લેવાતી હોય તે નજરે પડતુ નથી. વનવિભાગ નિયમિત પેટ્રોલીંગ કરે અને અને સાવજોને શોધી સારવાર કરાવે તે જરૂરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tantra-is-useless-in-treatment-of-injured-lions-2780649.html

ધારી ગીરપૂર્વમાં સિંહણની સારવાર બાદ મુક્ત કરાઇ.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 2:49 AM [IST](24/01/2012)
- એક માસ પહેલાં ઘાયલ સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી
ધારી ગીરપુર્વના મુંઢીયા વિસ્તારમાંથી એક માસ પહેલા ઇજાગ્રસ્ત સિંહણને વનતંત્ર દ્રારા પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. આ સિંહણને માથાના ભાગે ઇજા પહોંચી હોય વનવિભાગને જાણ થતા રેસ્કયુ ટીમ દ્રારા આ સિંહણને પકડી લેવામાં આવી હતી. બાદમાં સિંહણને સારૂ થતા ફરી આ જ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી છે.
ગીરપુર્વ જંગલમાં અનેક વખત સિંહ, સિંહણ તેમજ દિપડાઓ મારણ કરેલ પશુઓને ખાવા માટે અંદરો અંદર હુમલાઓ કરી બેસે છે અને ઘાયલ થાય છે. આવી જ રીતે ઘાયલ થયેલ એક ૮ થી ૧૦ વર્ષ ઉમરની એક સિંહણ ઘાયલ થતા તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.
એક માસ પહેલા ઘાયલ થયેલ આ સિંહણને રેસ્કયુ ટીમ દ્રારા સારવાર માટે પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આ સિંહણને સારૂ થઇ જતા ફરી આ જ વિસ્તારમાં તેને મુક્ત કરી દેવામાં આવી હતી. જો કે, આ ઘાયલ સિંહણને તાકિદે સારવાર આપી વન વિભાગે સિંહણને બચાવી લીધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-leave-after-treatment-in-dhari-2784740.html

પાણીના હોજમાં પડી જતાં દીપડીના બે બચ્ચાનાં મોત.


ધારી તા.૧૭
ધારી ગીર પુર્વના જંગલ વિસ્તારમાં અવાર-નવાર સીમ ખેતરોમાં આવેલા ખુલ્લા કુવામાં પડી જવાથી અનેક વન્ય પ્રાણીઓના મોત નિપજયાના બનાવો બન્યા છે ત્યારે તેમા વધુ એકનો ઉમેરો થયો છે. જેમાં દીપડીના બે બચ્ચાઓ સસલાનો શિકાર કરવા તેની પાછળ દોડતા પાણીના હોજમાં પડી જતા બંનેના ડુબી જવાથી મોત નિપજયા હતા.
·         ધારીના અમૃતપુરમાં શિકાર પાછળ દોડવા જતાં
·         ગીર પંથકના ગામોમાં અવાર-નવાર બનતી ઘટનાઓ
ધારી ગીરપુર્વમાં દલખાણીયા રેન્જમાં અમૃતપુર ગામના ખેડુત કૌશિકભાઈ જવેરભાઈની વાડીના છ ફુટના પાણીના હોજમાં દીપડીના બે બચ્ચાં પાણીમાં પડી ગયાની વાડીમાલિકને જાણ થતા તેણે ધારી વનવિભાગના ડી.એફ.ઓ. મુનીશ્વર રાજાને જાણ કરી હતી. તે તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બંને બચ્ચાના મૃતદેહનો કબજો લઈ તેના પી.એમ.ની કાર્યવાહી કરાવી હતી. ડી.એફ.ઓ.ના જણાવ્યા મુજબ બંને બચ્ચા માત્ર ચાર માસના હતા અને સસલા શિકાર પાછળ દોડ લગાવી હોય પાણીના હોજમાં પડી ગયા હોવા જોઈએ તેવું અનુમાન રજુ કર્યુ હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=27687

Monday, January 23, 2012

પ્રેમપરા ગૌશાળામાં બે માસમાં ૧૦ વાછરડીનો શિકાર કરતા દીપડા.



Source: Bhaskar News, Visavadar   |   Last Updated 2:57 AM [IST](21/01/2012)
- વનવિભાગની નિષ્ક્રિયતા સામે ગામ લોકોમાં રોષ
- વનવિભાગ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી
વિસાવદરનાં પ્રેમપરા ગામે આવેલી ગૌશાળાની ૧પ ફૂટ ઉંચી ઠેકી બે માસમાં દીપડાએ દસ વાછરડાનાં શિકાર કર્યા હોવા છતાં વનવિભાગ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોય લોકોમાં રોષ છવાયો છે.
પ્રેમપરા ગામનાં દાધીયાપરામાં કનૈયા ગૌશાળા આવેલી છે. આ ગૌશાળાની ૧પ ફૂટ ઉંચી દિવાલ ઠેકી છેલ્લા બે માસમાં દીપડાએ દસ જેટલી વાછરડીઓને મોતને ઘાટ ઉતારી દીધી છે.પ્રેમપરાનાં સીમ વિસ્તારમાં દસથી પંદર જેટલા દીપડાઓ વસવાટ કરી રહ્યા છે પરંતુ વનવિભાગ દ્વારા આજદિન સુધી આ હિંસક પ્રાણીઓને જંગલમાં ખદેડવા કે પાંજરે પુરવા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ગ્રામજનોમાં વનવિભાગ સામે રોષ છવાયો છે.
ખેડુતોએ ચોકી પહેરો ગોઠવી દીપડાને ભગાડ્યો -
ગુરૂવારનાં રાત્રિનાં દીપડાએ ગૌશાળામાં એક વાછરડીને ફાડી ખાધી હતી. ગાયોનાં ભાંભરવાનાં અવાજથી આસપાસનાં વાડી વિસ્તારનાં ખેડૂતોએ આખી રાત ચોકી પહેરો ગોઠવી દીપડાને ગૌશાળામાં ફરી ફરકવા દીધો ન હતો.
દીપડાએ ખેડુતોને ‘બાનમાં’ લઇ લીધા છે -
ગૌશાળાની બાજુમાં ખેતર ધરાવતાં છગનભાઇ માળવીયા અને તેમનો પુત્ર રાત્રિનાં પાણી વાળી રહ્યા હતા ત્યારે દીપડો આવી ચઢતાં મકાનમાં ઘુસી ગયા હતા. તો દીપડો મકાનની આસપાસ આંટાફેરા મારવા લાગ્યો હતો. આમ દીપડાએ ખેડુતોને બાન લઇ લીધા હોય તેમ સમુહમાં ખેતરે પાણી વાળવા જવુ પડે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-10-heifers-hunted-by-leopard-in-premparas-in-two-month-2773513.html

વિસાવદર પાસેથી દીપડો અંતે પાંજરે પૂરાયો.



Source: Bhaskar News, Visavadar   |   Last Updated 2:57 AM [IST](22/01/2012)
- હજુ પણ દસ જેટલાં દીપડાઓ વસવાટ કરી રહ્યાં છે
વિસાવદરનાં પ્રેમપરા ગામની ગૌશાળા પાસેથી છેલ્લાં ઘણાં સમયથી આતંક મચાવતો દીપડો અંતે પાંજરે પૂરાતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ પણ દસેક જેટલાં દીપડાનો વસવાટ હોય વનવિભાગ આ ઝુંબેશ સતત ચાલુ રાખે તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.
વિસાવદરનાં પ્રેમપરા ગામની કનૈયા ગૌશાળામાંથી છેલ્લાં બે માસમાં દસ જેટલી વાછરડીઓનાં શિકાર કરનાર દીપડો આજે વહેલી સવારે પાંજરામાં પૂરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગત તા. ૧૯નાં દીપડાએ ગૌશાળામાંથી વધુ એક વાછરડીનો શિકાર કરતાં ગૌશાળાનાં સંચાલકોએ પત્રકારોને સાથે રાખી વન વિભાગને જાણ કરતાં વન વિભાગનાં સ્ટાફે આળસ ખંખેરી હતી.
ગૌશાળા આસપાસનાં વિસ્તારમાં હજુ દસેક જેટલાં દીપડાનો વસવાટ હોવાનું ગ્રામજનો કહી રહ્યાં છે. અને વન વિભાગે દીપડા પકડવાની ઝુંબેશ સતત ચાલુ રાખવી જોઇએ તેવી ગ્રામજનોમાંથી માંગણી ઉઠી છે.
અત્રે એ પણ નોંધનીય બની રહેશે કે વિસાવદર રેન્જનાં સ્ટાફ દ્વારા પ્રેસને માહિતી આપવાનો ઇન્કાર કરી દેવાય છે. ત્યારે વન વિભાગે કોઇપણ પ્રકારનો પુર્વગ્રહ રાખ્યા વગર પોતાની ફરજ બજાવી જોઇએ તેવી પણ ગામ લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-atlast-caught-in-cage-near-visavadar-2777469.html 
 

વિસાવદર રેન્જમાંથી ઈજાગ્રસ્ત સિંહ મળ્યો.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:06 AM [IST](19/01/2012)
- ઈનફાઈટમાં ઘાયલ થયેલા સિંહને શોધવાની કવાયતમાં અન્ય દેખાયો
- સિંહના શરીરમાં જીવાત પડી ગઇ ત્યાં સુધી ધ્યાન ન અપાતા સિંહપ્રેમીઓમાં ભારે રોષ
- સાસણમાં સારવાર બાદ સિંહને મુકત કરાયો
- વન વિભાગના પેટ્રોલીંગમાં ઘાયલ સિંહ દેખાયો નહીં હોય ?
વિસાવદર રેન્જનાં રાજપરા રાઉન્ડમાં ઇનફાઇટમાં સિંહઘાયલ થયાના દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ વન વિભાગનાં સ્ટાફે આ ઘાયલ સિંહને શોધવાની કવાયત હાથ ધરી છે ત્યારે આજ રેન્જનાં કુટીયા રાઉન્ડ જંગલ વિસ્તારમાંથી બીજો એક નર સિંહઘાયલ હાલતમાં મળી આવતા અને આ સિંહના શરીરમાં જીવાત પડી ગઇ ત્યાં સુધી ધ્યાન ન અપાતા સિંહપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકયો છે.
વિસાવદર રેન્જનાં કુટીયા રાઉન્ડનાં જંગલ વિસ્તારમાંથી ત્રણ દિવસ પૂર્વે ૧૫ જાન્યુઆરીએ વન વિભાગનાં સ્ટાફને બિમાર હાલતમાં સિંહનજરે ચડ્યો હતો. આ બિમાર સિંહને પકડવા માટે સવારથી વન વિભાગનાં સ્ટાફે હાથ ધરેલા પ્રયાસો બાદ બપોરે ૩ કલાકે આ સિંહહાથમાં આવતા તેના શરીરનાં આગળનાં ભાગે, ચહેરા ઉપર, ડાબા ભાગે એમ ચાર થી પાંચ જગ્યાએ ગંભીર ઇજાઓ નજરે પડેલ અને આ જગ્યાઓમાં જીવાત પણ ખદબદી ઉઠી હતી.
આ રીતે બિમાર અને ઇજાગ્રસ્ત નર સિંહ૯ થી ૧૦ વર્ષનો હોવાનું બહાર આવ્યુ છે અને તેને તાત્કાલિક સાસણ એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવેલ હતો.
જ્યાં તેની સારવાર કર્યા બાદ ફરી છોડી દેવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર હકિકતમાં એક વાત એ પ્રકાશમાં આવે છે કે વિસાવદર રેન્જમાં વન વિભાગનો સ્ટાફ જંગલમાં પેટ્રોલીંગ કરતો હોવા છતા આ નર સિંહકેમ ધ્યાનમાં નહી આવ્યો હોય તેમજ આ બિમાર સિંહને જીવાત ખદબદે ત્યાં સુધી વેઠવી પડેલી યાતના અંગે બેદરકારી બહાર આવી છે ત્યારે પ્રકૃતિ અને સિંહપ્રેમીઓમાં રોષ ભભૂકયો છે. 
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-injured-lion-got-in-visavadar-renge-2763789.html 

સિંહણને સંવનન માટે તૈયાર કરવા સિંહે બચ્ચાંને મારી નાખ્યું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:22 AM [IST](21/01/2012)
- ગીરપૂર્વની જસાધાર રેન્જમાં બનેલી ઘટના
- સાવજે સિંહબાળ પર હુમલો કર્યો ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા વન વિભાગના અધિકારીઓએ એક સિંહબાળને બચાવી લીધું
ગીર પુર્વની જસાધાર રેંન્જમાં કમંડર વિસ્તારમાં બે સિંહણ બચ્ચા સાથે પસાર થઇ રહી હતી ત્યારે બે સાવજોએ અચાનક હુમલો કરી સિંહણના બચ્ચાને ખતમ કરી નાખ્યું હતું. આશરે બે વર્ષની ઉંમરના સિંહબાળની લાશનો કબજો લઇ વનતંત્રએ આગળની તપાસ શરૂ કરી છે. સાવજોએ જો આ સિંહબાળ મરી જાય તો સિંહણ સંવનન માટે તૈયાર થાય તેવા હેતુથી તેને મારી નાખ્યાનું મનાય છે.
આ ઘટના આજે સવારે ગીર પુર્વની જસાધાર રેંન્જમાં આવેલા કમંડર વિસ્તારમાં બની હતી. કમંડર ડુંગર નજીકથી આજે સવારે બે સિંહણ તેના બચ્ચા સાથે પસાર થતી હતી ત્યારે ત્યાં આવી ચડેલા બે સાવજોએ સિધો જ બે બચ્ચા પૈકી એક પર હુમલો કરી દીધો હતો. આશરે બે વર્ષની ઉંમરના આ સિંહ બાળને સાવજોએ જોતજોતામાં ખતમ કરી નાખ્યું હતુ.
પોતાના બચ્ચાને બચાવવા સિંહણો બંને સિંહ સામે કોઇ પ્રતિકાર કરી શકી ન હતી. જોગાનુજોગ આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા વનવિભાગના સ્ટાફે હાકલા પડકારા કરી બંને સાવજોને ભગાડયા હતા. અને બાદમાં સિંહ બાળનો મૃતદેહ કબજે લઇ પોસ્ટમોર્ટમ કર્યું હતું અને છેલ્લે સિંહ બાળના અંતિમ સંસ્કાર કર્યા હતાં.
સિંહણના બચ્ચા નાના હોય ત્યારે તે સંવનન માટે તૈયાર થતી નથી. આ સિંહણોના બચ્ચા મરી જાય તો તે ઝડપથી સંવનન માટે તૈયાર થાય છે. કદાચ સાવજોએએટલે જ બચ્ચાને મારી નાખ્યાનું મનાય છે.
એક બચ્ચું હુમલામાંથી બચી ગયું -
અહીં પસાર થતી સિંહણો સાથે બે બચ્ચા હતા પરંતુ એક બચ્ચુ જ સિંહની ઝપટે ચડ્યું હતું. વનવિભાગે સિંહોને ખદેડી મુકતા બીજુ બચ્ચુ ઝપટે ચડ્યું ન હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-hinting-her-baby-for-meeting-2772203.html

Tuesday, January 17, 2012

ભેંસને છોડાવવા માટે માલધારી યુવાને સિંહણ સાથે બાથ ભીડી.


ખાંભા તા. ૧૦
ખાંભા તાલુકાના રેબડી નેસમાં ભેંસો ચરાવતી વેળાએ આવી ચડેલી સિંહણે એક ભેંસને દબોચી લેતાં સિંહણનાં સકંજામાંથી ભેંસને મુકત કરાવવા માલધારી યુવાને સિંહણ સાથે વિરતાપૂર્વક બાથ ભીડી હતી. ગિન્નાયેલી સિંહણે માલધારી યુવાન પર ત્રાટકી એક ઈંચ સુધી દાંત બેસાડી દેતા માલધારી યુવાનને લોહીલોહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
  • ગિન્નાયેલી સિંહણે યુવાન પર હુમલો કર્યો, શરીરે દાંત બેસાડી દીધા
વિગત મુજબ આજે સવારે સાડા નવ વાગ્યે ૧૯ વર્ષનો માલધારી યુવાન રામભાઈ લાખાભાઈ ભુવા તેની ભેંસોને ચરાવતો હતો. આ સમયે આવી ચડેલા એક સિંહ અને સિંહણે ભેસના ઝુંડ પાછળ પડી ભેંસને દબોચી હતી. આ સમયે ભેંસને છોડાવવા રામભાઈએ પ્રયાસો કરતા સિંહણ માલધારી યુવાન પર ત્રાટકી હતી. સિંહણે હુમલા દરમિયાન કમર અને પાછળના ભાગે સાત દાંત એક ઈંચ સુધી બેસાડી દીધા હતાં. જેના લીધે માલધારી યુવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ જ સમયે માલધારી યુવાનનો ભાઈ આવી જતાં એણે હાકલા પડકારા કરતાં સિંહ અને સિંહણ નાસી છૂટયા હતાં. માલધારી યુવાને જીવની જેમ જતન કરેલી ભેંસને જીવ સટોસટની બાજી ખેલી બચાવી વીરતા દાખવી એની આ પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=26151

ઉલ્ટી દિશામાં દોડતી કાર અંગે તપાસ નહીં !


અમરેલી, તા.૯
ધારીના તુલસીશ્યામ નજીક છેલ્લા દસ દિવસથી ગુરૂત્વાકર્ષણના નિયમ વિરૂધ્ધ ઢાળ વાળા રોડ ઉપર ઉલ્ટી દિશામાં ચાલવા લાગતી હોવા અંગે અનેક લોકોએ અનુભુતિ કરી હોવા છતાં અને સરકારી તંત્રને જાણ હોવા છતાં આ બાબતે તપાસ માટે તંત્ર પાસે સમય નથી આનાથી લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ વ્યાપ્યો છે.
  • સરકારી તંત્ર પાસે તપાસ કરવાનો પણ સમય નથી
સૌરાષ્ટ્રભરમાં છેલ્લા છ માસથી નાના મોટા ભૂકંપના અનેક આંચકાઓ આવી રહ્યા છે. ધરતીના પેટાળમાં હલચલ થઈ રહી છે. શિયાળાની સીઝનમાં ચોમાસા જેવો માહોલ, કુદરતના નિયમ વિરૂધ્ધની ઘટનાઓ બની રહી છે, ત્યારે તુલસીશ્યામ નજીક ગુરૂત્વાકર્ષણના નિયમ વિરૂધ્ધ ઢાળવાળા રોડ ઉપર કાર ઉલ્ટી દિશામાં ચાલવાની ઘટનાએ પણ આ વિસ્તારમાં લોકોને અચંબામાં નાખી દીધા છે.
 આ ઘટના શાના કારણે બની રહી છે તે તપાસવા માટે તંત્ર પાસે સમય નથી. કરોડો રૂપિયાના ખર્ચે રાજયભરમાં સદભાવના મિશનના કાર્યક્રમોમાં વ્યસ્ત બનેલા વહીવટી તંત્ર પાસે લોકોને સીધે સીધા સ્પર્શતા ગંભીર પ્રશ્નોના નીવેડા માટે સમય નથી. જેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=25839

તુલસીશ્યામ રેન્જ નીચેનું જંગલ તંત્રની બેદરકારીથી રેઢુંપળ.

ખાંભા, તા.૧૦:
ખાંભા નજીકના તુલસીશ્યામ રેન્જ નીચે આવતા વનતંત્રના કર્મચારીઓની બેદરકારથી જંગલ રેઢુંપળ બની ગયું હોવાનું જાણવા મળેલ છે. વન કર્મીઓને કરવાની કામગીરી રોજમદારો પર નાખી દેવામાં આવતી હોવાનું જાણવા મળે છે. આ કારણે લાકડા અને ઘાંસચોરી જેવી અસામાજીક પ્રવૃતિ પણ થતી હોવાનું જાણવા મળે છે. 
વન કર્મીઓની કામગીરી રોજમદારો પર ઢોળી દેવાતી હોવાની ચર્ચા
વન વિભાગની કામગીરી ચર્ચાની એરણે ચડેલી જોવા મળી રહી છે તેના કારણ અંગે એવી ચર્ચા છે કે વન કર્મચારી અને અધિકારીઓની મીલી ભગતથી વિશાળ જંગલ અને જંગલી પ્રાણીઓ રેઢા રખડી રહ્યાં હોય અને જેની જવાબદારી છે તેઓ આ જવાબદારી રોજમદારો પર ઢોળી દેતાં હોવાનું બહાર આવેલ છે.તુલસીશ્યામ રેન્જ નીચે આશરે ૨૫ બીટ આવેલી છે. અહીં જંગલના ઘરેણા જેવા સાવજો અને અન્ય વન્યપ્રાણીઓની દેખરેખ અને રક્ષણ માટે ૫૦ જેટલા ગાર્ડ અને ફોરસ્ટરો જવાબદારી નિભાવવા મુકાયા છે. જંગલ વિસ્તારમાં પાડાગાળ તેમજ ડેમ જેવી કામગીરી પણ કરવામાં આવે છે. જંગલ અને જંગલી પ્રાણીઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે ત્યારે ફરજ બજાવતાં ઘણાં કર્મીઓ પોતાની જવાબદારી રોજમદારો પર ઢોળી એક આંટો મારવાની તસ્દી પણ લેતા ન હોવાનું કહેવાય છે. કહે છે કે આવા કર્મચારીઓની હાજરી પોતાની જગ્યાને બદલે રેવન્યુ વિસ્તારમાં જોવા મળતી હોવાનું જાણવા મળેલ છે. તુલસીશ્યામ વિસ્તારમાં કિંમતી લાકડું, ઉપયોગી તેમજ ઔષધીય વૃક્ષો અને ઘાંસની ચોરી થતી હોવાનું પણ ચર્ચાય છે. આ પાછળ વન તંત્રની બેદરકારી કે મીલીભગત હોવાની બુમો ઉઠી છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરાય તેવું આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=25971

ધારીના તુલસીશ્યામ પાસે કાર આપોઆપ પાછળ ખેંચાવા માંડી.



અમરેલી તા.૮
સૌરાષ્ટ્રમાં વધી રહેલા ધરતીકંપના આંચકાની ઘટના બાદ વધુ એક કુદરતના નિયમ વિરૂધ્ધ એક આશ્વર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે.અમરેલી જિલ્લાના ધારીના તુલસીશ્યામ નજીક ગુરૂત્વાકર્ષણના નિયમની તદન વિરૂધ્ધ ઢાળવાળા રોડ પર ઉભી રાખવામા આવેલી કાર ઢાળ ઉતરવાને બદલે આપોઆપ પાછળ (રિવર્સ) ખેંચાવા લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીના એક ઉદ્યોગપતિ સાથે બનેલી આ ઘટનાનું તેમણે વિડીયો રેકોર્ડીંગ કરાવી રાજય રસકારનું ધ્યાન દોર્યુ છે.
  • મોરબીના ઉદ્યોગપતિએ સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડીંગ કર્યુ
ગત તા.૧/૧/૧૨ના રોજ મોરબીના ઉદ્યોગપતિ રતિલાલ પરમાર તેમના મિત્રો સાથે તુલસીશ્યામ એસેન્ટ કારમાં જઈ રહયા હતા ત્યારે વિસામો ખાવા તુલસીશ્યામ નજીક ઢોળાવવાળા રસ્તા પર કાર અટકાવી હતી,કાર બંધ હતી અને હેન્ડ બ્રેક પણ મારેલી ન હતી, ત્યાં એકાએક તેની કાર ઢાળ ઉતરવાને બદલે પાછળની સાઈડ આપોઆપ ધીમે ધીમે ઢોળાવ ચડવા લાગી હતી અને તેમની કાર ૧૧૦ ફુટ જેટલી પાછળ જઈ ઉભી રહી ગઈ હતી તે જોઈને કારમાં બેઠેલા રતિલાલ આશ્વર્યચકિત થઈ ગયા હતા.જેથી તેમણે આ ઘટનાનું વિડીયો રેકોર્ડીંગ કરી લીધું હતું અને તેની સીડી બનાવી રાજય સરકારનું ધ્યાન દોર્યુ છે કે અહીં કુદરતના નિયમ વિરૂધ્ધ એન્ટીગ્રેવિટીની ઘટના હોવાનું માનવામા આવે છે.
રતિલાલે આ ઘટનાની ખાત્રી કરવા માટે વધુ એક પ્રયોગ સ્થળ પર કર્યા હતો,કાર પાછળ ચાલે તો ગમે તે વસ્તુ પાછળ જવી જોઈએ.તેમણે પાણીની બોટલમાંથી તેજ જગ્યા ઉપર પાણી રેડતા પાણી ઢાળમાં નીચે ઉતરવાને બદલે પાછળ ઢાળ ચડવા લાગ્યું હતું,તો આ ગુરૂત્વાકર્ષણના થયેલા ફેરફારની ઘટનાએ સમગ્ર પંથકમાં અચરજ પમાડી દીધું છે.આ વિશે તજજ્ઞોનું એવું માનવું છેકે આ ઘટના હાલમાં વધી રહેલી ભુકંપીય હલચલના કારણે બની રહી છે.આ ઘટના હાલ નેટ પર યુ.ટયુબ પર મુકવામા આવેલ છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=25519

ખાંભા નજીક આધેડ પર દિપડાનો હુમલો.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 2:17 AM [IST](16/01/2012)
- સીમમાં ભેંસ ચરાવતા હતા ત્યારે દિપડો ત્રાટકયો
- વન્ય પ્રાણીના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ
ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામના આધેડ સીમમાં ભેંસ ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક ધસી આવેલા એક દિપડાએ તેમના પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા છે. હજુ થોડા દિવસ પહેલા જ ખાંભા નજીક રેબડી નેશમાં યુવક પર સિંહે હુમલો કર્યો હતો. ત્યાં આજે દિપડા દ્રારા હુમલાની ઘટના બની હતી.
દિપડાએ આધેડ પર હુમલો કર્યાની આ ઘટના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામની સીમમાં શનિવારે બપોરે બની હતી. ગામના નાજાભાઇ હિરાભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના આધેડ બપોરે બે વાગ્યાના સુમારે સીમમાં ભેંસો ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક પાછળની તરફથી ધસી આવેલા દિપડાએ સીધો જ તેમના પર હુમલો કરી દીધો હતો.
દિપડાએ તેમને છાતીમાં નહોર ભરાવી દીધા હતા. ઉપરાંત હાથ પર પણ ઇજા પહોંચાડી હતી સીમમાં કામ કરતા અન્ય લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી દિપડાને ભગાડી મુકયો હતો. તો બીજી તરફ નાજાભાઇ સોલંકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતા.
જ્યાં હાથમાં તેને નવ ટાંકા લેવા પડ્યા હતા. ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી પડી છે. પાંચ દિવસ પહેલા જ ખાંભાના રેબડી નેશમાં ૧૯ વર્ષીય યુવાન પર સિંહે હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-adult-near-khambha-2754385.html

ખાંભા નજીક સિંહણ દ્વારા બળદનું મારણ.

Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:43 AM [IST](17/01/2012)
ખાંભા તાલુકાના ભાવરડી ગામે વાડીમાં ગઇકાલે બપોરના સુમારે સિંહણ અને બે બચ્ચાઓ દ્રારા એક બળદનું મારણ કરવામાં આવ્યું હતું. વાડીએ સિંહણ દ્રારા બળદનું મારણ કરવામાં આવતા ગામલોકો સિંહ દર્શન માટે દોડી આવ્યા હતાં.
ભાવરડી ગામે રહેતા અને ડેડાણ રોડ પર વાડી ધરાવતા આલીંગભાઇ મોભ બપોરના ચારેક વાગ્યાના સુમારે વાડીએ બળદને ચરાવતા હતા ત્યારે અચાનક એક સિંહણ અને બે બચ્ચાઓ આવી ચડયા હતા. અને આલીંગભાઇ થોડા દુર જતા જ સિંહણે બળદનો શિકાર કરી દીધો હતો. આલીંગભાઇ કંઇ વિચાર કરે તે પહેલા તો બળદના રામ રમાડી દીધા હતા. બળદનો શિકાર કરી સિંહણે બચ્ચાઓ સાથે મિજબાની માણી હતી.
વાડીએ સિંહણે બળદને ફાડી ખાધાના સમાચાર ગામમાં ફેલાતા ગામલોકો સિંહ દર્શન કરવા વાડીએ દોડી આવ્યા હતા. સિંહણ અને બચ્ચાઓએ મજિબાની માણી જંગલ તરફ વાટ પકડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-hunting-bullock-near-khambha-2755877.html

યુવાને ખાધી સીંગ અને થઈ ગયો ‘બેભાન’.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 2:43 AM [IST](16/01/2012)
- દાઢીયાળીની સીમમાં અજાણ્યા છોડની સીંગ ખાતા યુવાન બેભાન
ખાંભા તાલુકાના દાઢીયાળી ગામના એક ખેડુત યુવાને સેઢે ઉભેલા છોડમાંથી વાલપાપડી સમજીને સીંગ તોડીને ખાધા બાદ આ યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયો છે.
સામાન્ય રીતે સીમમાં કામ કરતા ખેડુતો દરેક વનસ્પતિ અંગે સારી એવી જાણકારી ધરાવે છે. આમ છતા જાણકાર માણસોને પણ ક્યારેક પ્રકૃતિની છેતરામણી ચાલનો કડવો અનુભવ વેઠવો પડે છે.
આવુ જ કંઇક ખાંભા તાલુકાના દાઢીયાળી ગામના જયતુભાઇ મોભ (ઉ.વ.૩૦)નામના યુવાન સાથે થયું છે. આ યુવાન આજે પોતાની વાડીના શેઢે ઉભો હતો ત્યારે એક છોડમાંથી વાલપાપડીની સીંગ છે તેમ સમજી સીંગ ખાધી હતી. પરંતુ તુરંત જ તેના મોઢામાંથી ફીણ નીકળવા માંડયા હતા. અને ઝેરી અસર થતા આ યુવાન બેભાન બની ગયો હતો.
યુવકને તાબડતોબ સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયો હતો. સારવાર બાદ આ યુવક ભાનમાં આવી જતા ઘટના અંગે તેણે પરિવારને જાણકારી આપી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-young-farmer-ate-unknown-pod-and-being-unconscious-2754394.html

અને અચાનક સિંહે શ્રમિકના પાછળના ભાગે માર્યા પંજા.


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:02 AM [IST](16/01/2012)
- બામણાસામાં શ્રમિક પર સિંહનો હુમલો
તાલાલાના બામણાસા (ગીર) ગામે વલ્લભભાઈ ઉકાભાઈ જાવંધ્રાની આંબાવાડીમાં શનિવારના પાંચ વાગ્યાની આસપાસ આંબાના પાન (ખાખા) ભેગા કરવાનું ખેતીકામ કરી રહેલા ખેત મજુર જીકાભાઈ જીણાભાઈ પારડી (ઉ.વ.૩૭) દરબાર યુવાન પર અચાનક સિંહે આવી ચઢી યુવાનના પાછળના ભાગે પંજાની થપાટો મારી પછાડી દીધેલ.
સિંહથી બચવા યુવાને હાથમાં આવી થયેલ લાકડુ લઈ સિંહના મોઢે ફટકારતા સિંહ થોડોક દૂર ચાલ્યો ગયો હતો. મજુરે સિંહથી બચવા રાડારાડી કરી મૂકતા આસપાસના ખેતરોમાં કામ કરતા અન્ય મજુરોએ દોડી આવી હાકલા-પડકારા કરતા સિંહ ખેતરમાંથી દૂર ચાલ્યો હતો.
સિંહે મારેલ થપાટમાં ધારદાર નહોરથી મજુર યુવાનની પીઠ ચીરાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ તાલાલા અને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ હતો. સિંહે ખેતમજુર ઉપર કરેલા હુમલાના સમાચારથી વનવિભાગનો કાફલો દોડી ગયો હતો. સિંહના હુમલાથી ખેતમજુરોમાં ભય વ્યાપી ગયો છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attacked-to-labourer-near-talala-2752325.html?OF5=

ખંભાળિયા નજીક દીપડાએ કયું વાછરડાનું મારણ.

Source: Bhaskar News, Khambhalia   |   Last Updated 12:57 AM [IST](17/01/2012)
- દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને રજૂઆત
ખંભાળિયા તાલુકાના ધરમપુર વિસ્તારમાં આવેલ કડિયારવાડી વિસ્તારમાં એક સતવારા ખેડૂતની વાડીમાં ગત રાત્રે દીપડાએ દેખા દીધી હોવાનું અને નજીકમાં જ એકાદ વાછરડીનું મારણ કર્યાનું બહાર આવેલ છે.
દીપડાએ દેખા દીધાના જાણ અહીંના સતવારા જ્ઞાતિના અગ્રણી હરીભાઇ નકુમને થતાં તેમણે તાત્કાલિક અહીંના ડીવાયએસપી રાવલ, વન વિભાગ જામનગરના અધિકારી કનેરીયા તેમજ ખંભાળિયાના જંગલ ખાતાના અધિકારીને જાણ કરી આ દીપડાને તાત્કાલિક ઝબ્બે કરવાની રજૂઆત કરતાં દીપડાના પગલાના નિશાન પર તગારા ઢાંકી દઇ તેના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
થોડા દિવસો પહેલાં ખંભાળિયાના કોઠા વિસક્ષેત્રીની સીમમાં દીપડાની અવરજવરે ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. ત્યારે ધરમપુર વાડી વિસ્તારમાં લોકો ભયની લાગણી અનુભવી રહ્યા છે. ખંભાળિયા નજીક કોટા ગામની સીમમાં નદીની આસપાસ પહાડી એરીયાની કોતરો અને જંગલની ઝાડીઓમાં કદાચ દીપડો છુપાયો હોવાની આશંકા પણ જાણકારો સેવી રહ્યા છે. 
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-hunting-calf-near-khambhaliya-2755844.html 

રાતે જંગલમાં ફરવા જવાનું અમદાવાદીઓને ભારે પડ્યું.

Source: Manish Trivedi, Rajkot   |   Last Updated 2:17 PM [IST](16/01/2012)
- વેરાવળ રેન્જનાં બાબરા વીડીમાં મોડી રાતે સિંહ જોવા ગયા હતા

- અમદાવાદનાં આંઠ શખ્સોને વન વિભાગે દંડ ફટકારી મુકત કર્યાવેરાવળ રેન્જમાં બાબરા વીડીનાં પીલીધાર વિસ્તારનાં જંગલમાં મોડી રાત્રે સિંહ જોવા ગયેલા અમદાવાદનાં આઠ મુસ્લિમ શખ્સને ડીએફઓ સાહુ સહિતનાં સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી લીધા હતા.
પ્રાણીઓનાં શિકાર કરવા આવ્યા હોવાની શંકાએ વન વિભાગનાં અધિકારીઓએ આંઠેય મુસ્લિમ શખ્સની આકરી પુછપરછ કરતા તેઓ સિંહને જોવા માટે જ જંગલમાં ગયા હોવાનું જણાવ્યું હતુ.
મોડી રાત્રે ગેરકાયદેસર રીતે જંગલમાં જવા બદલ વન વિભાગે આંઠેય શખ્સને રૂ.૧૬ હજારનો દંડ ફટકારી મુકત કર્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-2218-2755381.html

Sunday, January 15, 2012

રાજુલામાં સિંહનું ભર બજારે ‘સરઘસ’ કાઢવું પડ્યું ભારે પડ્યું.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:15 AM [IST](15/01/2012)
- ગીર નેચરલ ક્લબ દ્વારા રાજ્યપાલને આવેદન
- સિંહનું ભર બજારે સરઘસ કાઢવાના ઘેરા પડઘા
- રાજુલામાં તાકીદે આરએફઓની નિમણુંક
રાજુલામાં બિમાર સિંહની સારવાર કરવાના બદલે વન વિભાગ દ્વારા તેને શહેરની મેઇન બજારમાં સરઘસ કાઢીને ફેરવવાની ઘટનાને પગલે ગીર નેચર યુથ ક્લબ દ્વારા હવે આ અંગે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી પગલા લેવા માંગ કરવામાં આવી છે.
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આ અંગે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે રાજુલામાં વન વિભાગ દ્વારા બિમાર સિંહને મુખ્ય બજારમાં સરઘસાકારે ફેરવવામાં આવ્યો હતો. બિમાર સિંહને જોવા માટે લોકોને માઇક દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ હતું. વન વિભાગના નિયમ અનુસાર આવા વન્ય પ્રાણીઓને પાંજરામાં લઇ જવાતા હોય ત્યારે તેના પર તે કપડુ બાંધવું જોઇએ પરંતુ તેના બદલે અધિકારીઓએ લોકોને સિંહ જોવા માટે નિમંત્રણ આપ્યુ હતું.
હકીકતમાં આ સિંહ જયાથી પકડાયો ત્યાંથી જસાધાર તદન નજીક છે પરંતુ ત્યાં જવાને બદલે સિંહને રાજુલા લઇ જવાયો હતો. વન કચેરીએથી સિંહને લઇ જવા માટે અનેક રસ્તા છે આમ છતાં ગીચ બજારમાંથી તેને લઇ જવાયો. વન વિભાગના અધિકારીઓ નીચે રેલો આવતા સિંહને આ રસ્તે હલાવવા માટેના ખોટા બહાના પણ બનાવી રહ્યા છે. ગીર નેચર યુથ ક્લબે સિંહ પર અત્યાચાર ગુજારનારા જવાબદારો કાયદામાંથી ન છટકે તે જોવા માંગ કરી હતી. એટલુ જ નહી બિમાર સિંહને આઠ-દસ કલાક સારવાર નહી આપવા સબબ જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ તેવી તેણે માંગ કરી હતી.
રાજુલામાં થોડા દિવસ પહેલા વનખાતા દ્વારા બિમાર સિંહનું ભરબજારે સરઘસ કાઢી માભો જમાવવાનો પ્રયાસ કરાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘા પડતા આજે અહિં આરએફઓ તરીકે વિસાવદરથી બી.એસ. બ્લોચને મુકી દેવામાં આવ્યા હતા અને ફોરેસ્ટર મોર પાસેથી આરએફઓનો ચાર્જ લઇ લેવામાં આવ્યો હતો.
રાજુલાની વન કચેરીમાં લાંબા સમયથી આરએફઓનો ચાર્જ ફોરેસ્ટર કક્ષાના કર્મચારી રામભાઇ મોરને આપવામાં આવ્યો હતો. તેઓ અહિં વર્ષોથી ફરજ બજાવે છે અને અનેક વિવાદમાં પણ ઘેરાયેલા છે. આ દરમીયાન થોડા દિવસ પહેલા તેમણે નાગેશ્રી પંથકમાંથી બિમાર હાલતમાં મળી આવેલા એક સિંહનું જાહેરમાં સરઘસ કાઢીને તો હદ કરી નાખી હતી. આ સિંહને નીયમાનુસાર સારવારમાં લઇ જવાને બદલે લોકો વચ્ચે લાવી તમાશો કરી પોતાનો માભો પાડવા પ્રયાસ થયો હતો.
દરમીયાન આ ઘટનાને લઇને વનતંત્રની આકરી ટીકા થતા તેના ઘેરા પડઘા પડ્યા હતા. અને લાંબા સમયથી અહિં ખાલી પડેલી આરએફઓની જગ્યા આજે પુરવામાં આવી હતી. અહિં વિસાવદરથી બી.એસ. બ્લોચને આરએફઓ તરીકે મુકવામાં આવ્યા છે. અત્યાર સુધી આ ચાર્જ રામભાઇ મોર પાસે હતો. આ પ્રકરણમાં હજુ અનેક સામે પગલા તોળાઇ રહ્યા હોવાનું કહેવાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-gir-natural-clubs-complaint-to-gujarats-governer-2748050.html

ખાંભા: યુવાન પર સિંહે નવ દાંત બેસાડી દેતા લોહીની નદી વહી.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 2:05 AM [IST](11/01/2012)
- શરીરમાં નવ દાંત બેસાડી દેતા યુવાન લોહીલુહાણ
ગીરના સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જ જાય છે. આજે ખાંભા નજીક રેબડીનેસમાં ભેંસ ચરાવી રહેલા એક યુવાન પર સાવજે અચાનક જ હુમલો કરી તેના નવ દાંત આ યુવકના શરીરમાં બેસાડી દેતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયો છે.
આ ઘટના આજે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે ખાંભાથી ૩૦ કી.મી. દુર ભાણીયા જંગલની બાજુમાં આવેલા રેબડીનેસમાં બની હતી. આ નેસમાં ગણ્યાગાઠ્યા કુટુંબો રહે છે. આજે સવારે રામ બાવભાઇ ભુવા (ઉ.વ. ૧૯) નામનો યુવાન પોતાની પાંચ ભેંસ લઇ જંગલમાં ચરાવવા માટે ગયો હતો. આ સમયે એક સિંહ અને સિંહણ ત્યાં અચાનક આવીચડ્યા હતા.
સિંહે કોઇ અકળ કારણે સીધો જ આ યુવાન પર હુમલો કરી દીધો હતો. યુવકને જમીન પર પછાડી દઇ સિંહ તેના પર સવાર થઇ ગયો હતો અને યુવકના શરીરમાં નવ દાંત બેસાડી દેતા તે લોહી લુહાણ થઇ ગયો હતો. આ સમયે યુવકના નાના ભાઇએ હાંકલા પડકારા કરી મહામહેનતે સિંહને ભગાડી તેની પકડમાંથી તેના ભાઇને છોડાવ્યો હતો.
રામ ભુવાને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
જંગલખાતાનો સ્ટાફ અહિં છેક બપોર બાદ દેખાયો હતો. ગીર કાંઠાના ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા વગેરે તાલુકામાં સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જ જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attack-on-man-near-khambha-rushed-him-to-hospital-2736426.html

બિમાર સિંહનું સરઘસ કાઢતા અધિકારીઓ સામે પગલા લો.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:09 AM [IST](09/01/2012)
- ગિરનેચર યુથ ક્લબે વન અને પર્યાવરણ મંત્રીને પત્ર પાઠવ્યો
ખાંભામાં વનતંત્ર દ્રારા આજે બિમાર સિંહને સરઘસના રૂપમાં બજારમાં ફેરવવાનું કૃત્ય આચરાતા ગીર નેચર યુથ ક્લબે તેનો ઉગ્ર વિરોધ કરી વન અને પર્યાવરણ મંત્રીને પત્ર પાઠવી આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા માંગણી કરી છે.
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા તથા રાજુલાના માહિતી અધિકાર નાગરિક મંડળના પ્રમુખ વિનોદભાઇ પરમારે આજે વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલને ફેકસ દ્રારા આ અંગે રજુઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજુલામાં સવારે દસેક વાગ્યે બિમાર અને લાચાર સિંહનું ફોરેસ્ટ કચેરીથી મેઇન બજાર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આશરે બે હજાર માણસોના ટોળાએ ચીચીયારીઓ બોલાવી આ લાચાર અને બિમાર સિંહ માટે ત્રાસદાયક વાતાવરણ ઉભુ કરી દીધુ હતું.
આ સિંહ જાણે મનોરંજનનું સાધન હોય તેમ આરએફઓ મોર તથા સ્ટાફે ત્રાસદાયક રીતે તેને શહેરમાં ફેરવ્યો હતો. આ ધ્રુણાસ્પદ ઘટના અંગે તાત્કાલિક તપાસ કરી ફરી કોઇ વન્ય પ્રાણી સાથે આવુ ન બને તે માટે જવાબદારો સામે કડક પગલા લેવા બંને સંસ્થાએ માંગ ઉઠાવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-take-steps-against-illness-lion-circus-uotside-people-2727282.html

'વનરાવનનો રાજા ગરજે' નહીં પણ એની આંખો વરસે.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:20 AM [IST](09/01/2012)
- રાજુલામાં ઊભી બજારે બીમાર સિંહનું સરઘસ: લોકોના ટોળે-ટોળાં
- અંતે ‘ઉપર’થી આદેશ આવ્યા બાદ સરઘસ સમેટી લેવાયું
રાજુલા તાલુકાના ચૌત્રા ગામેથી ગઇરાત્રે એક બિમાર સિંહને પાંજરે પુરવામાં આવ્યા બાદ રાજુલાની વન કચેરીમાં આખી રાત સારવાર તો ન કરાય પરંતુ સવારે પોલીસ બંદોબસ્ત સાથે આરએફઓ દ્રારા રાજુલાની ઉભી બજારે આ સિંહનું સરઘસ કાઢવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
બજારમાં સિંહને જોવા સેંકડો લોકોના ટોળા પાછળ પાછળ ફર્યા હતા. જંગલખાતાના આ જંગલી કૃત્ય સામે પ્રકૃતિપ્રેમીઓ દ્રારા તાબડતોબ ઉપર સુધી રજુઆત કરાતા ઉપરથી છુટેલા આદેશને પગલે તાત્કાલિક આ સરઘસ સમેટી લેવામાં આવ્યું હતું.
રાજુલાની વન કચેરીના કર્મચારીઓ હંમેશા ઘરની ધોરાજી ચલાવવા માટે પંકાયેલા છે. આજે તો એક બિમાર સિંહ જાણે કોઇ આરોપી હોય તેમ ઉભી બજારે તેનું સરઘસ કઢાયુ અને સાયરન વગાડી સિંહ દર્શન માટે લોકોને આહવાન કરાયુ. પોતાનો માભો જમાવવા માટે વનતંત્રએ આ સીન તો નાખ્યો પરંતુ બિમાર સિંહની સારવાર પણ નહી કરી ઘોર અપરાધ પણ કર્યો હતો.
ચૌત્રા ગામની સીમમાં આંબાના ઝાડ નીચે એક બિમાર સિંહ હોવાની બાતમી મળતા વનતંત્ર દ્રારા ગઇરાત્રે આ બિમાર સિંહને પાંજરે પુરવામાં આવ્યો હતો. સિંહને રાજુલાની વન કચેરીએ લવાયો ત્યારે સેંકડો લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા. વનખાતાના સ્ટાફે લોકોને સિંહ દર્શનનો મોકો આપ્યો હતો. લોકોની ભીડ વધારે હોય zરાત્રે જ પોલીસ બંદોબસ્ત માંગી લેવાયો હતો.
સવારે આરએફઓ અને વન કર્મચારીઓને શહેરમાં માભો જમાવી દેવાની ચાનક ચડી હતી. જેને પગલે આ બીમાર સાવજના પાંજરાને વાહનમાં નાખી ગામમાં તેનુ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આગળ સાયરન વગાડતી ગાડી અને પાછળ સેંકડો લોકોનું ટોળુ પ્રથમ બસ સ્ટેન્ડ વિસ્તાર અને ત્યાર બાદ ટાવરચોક હવેલી ચોક વીગેરે વિસ્તારમાં ફયું હતું. લોનો કીકીયારી અને દેકારાથી સાવજ પણ રઘવાયો થયો હતો. વન ખાતાના સ્ટાફે ઠેકઠેકાણે ઉભા રહી લોકોને સાવજના દર્શન કરાવ્યા હતાં.
બીજી તરફ આ ઘટનાની પ્રકૃતિ પ્રેમીઓએ તાબડતોબ ઉપર સુધી જાણ કરતા ઉપરથી આવેલા આદેશને પગલે અધવચ્ચે જ સરઘસ અટકાવી સિંહને પાછો લઇ જવાયો હતો. આ પ્રકારે સિંહનુ સરઘસ કાઢવામાં આવ્યું હોય તેવી ઇતીહાસમાં પ્રથમ ઘટના બની હતી. ઘાયલ સિંહને સારવાર ભલે ન મળી પરંતુ રાજુલામાં વન અધીકારીઓએ પોતાનો માભો જમાવવા પ્રયાસ જરૂર કરી લીધો.
રેવન્યુ વિસ્તારમાં કોઇ રોડ પર ઉભા રહી સિંહ જોતુ હોય તો તેની પાસેથી પણ દંડ વસુલનાર વનતંત્ર દેશની અમૂલ્ય ધરોહર એવા ગીરની શાન સમાન સાવજની પોતાની અંગત જાગીર હોય તેમ આ રીતે તેની અવદશા કરે તેની સામે પ્રકૃતિ પ્રેમીઓમાં ઘેરો રોષ ભભૂકી ઉઠયો છે.જવાબદારોની શાન કોઇ ઠેકાણે લાવશે ખરૂ ?
વન તંત્રનો લુલો બચાવ -

આ ઘટના બાદ રાજુલાના જંગલખાતાના સ્ટાફે એવો લુલો બચાવ કર્યો હતો કે આ સિંહને તો અમે સારવાર માટે ખાંભા લઇ જતાં હતાં. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું દર વખતે સિંહને સારવાર માટે આ રીતે લઇ જવાય છે? રાત્રે વેટરનરી ડોક્ટરને બોલાવવાના બદલે લોકોના ટોળા કોણે એકઠા કર્યા ? આગળ પોલીસ અને વન કર્મચારી ચાલતા હોય અને સિંહની પાછળ સેંકડો લોકોનુ ટોળુ હોય તે રીતે સાવજને સારવાર માટે લઇ જવાની ઘટના પ્રથમ વખત ઘટી છે.
આરએફઓ મોરની વિવાદાસ્પદ કામગીરી -
રાજુલાના આરએફઓ મોરની કામગીરી કાયમ માટે વિવાદાસ્પદ રહી છે. નીચલી પાયરીના કર્મચારી હોવા છતાં વર્ષોથી તે આરએફઓના ચાર્જમાં છે. થોડા સમય પહેલા તેની નજર સામે જ ફાંસલામાં સપડાયેલો દીપડો તરફડીને મૃત્યુ પામ્યો હતો. છતાં આ તેમની સામે કોઇ પગલા લેવાયા ન હતાં. ત્યારે આજે તેમણે સિંહનુ સરઘસ કાઢી નાખ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-health-is-bad-in-rajula-2726542.html
- તમામ તસવીરો: કનુભાઈ વરૂ
 
 

 

 

 

 

કોડીનારના પણાંદરમાં બે બળદનું મારણ કરતા સાવજ.

Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:53 AM [IST](13/01/2012)
રેવન્યૂ વિસ્તારમાં જંગલી પ્રાણીઓની અવરજવરથી ભય
કોડીનારનાં પણાંદર ગામની સીમમાં સિંહપરિવારે બે બળદનો શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણી હતી. જ્યારે પીપળી ગામે ઘાયલ મોરનું મોત નિપજ્યું હતુ.
જાણવા મળતી વિગત અનુસાર, કોડીનાર તાલુકાનાં પણાંદર ગામે સીદુરીયા પા નામે ઓળખાતી સીમમાં લખમણભાઇ રાજાભાઇ કામળીયાની વાડીમાં ગત રાત્રિનાં સિંહ, સિંહણ અને તેના બે બચ્ચાએ આવી ચઢી ઢાળીયામાં બાંધેલા બે બળદનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી. સિંહપરિવારનાં સીમ વિસ્તારમાં આગમનથી ખેડૂતોમાં ગભરાટની લાગણી છવાઇ જવા પામી છે.
આ સિંહપરિવારનું લોકેશન મેળવવા છારા બીટનાં ફોરેસ્ટર પરમાર, ભરવાડ સહિતનાં સ્ટાફે કવાયત હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં તાલુકાનાં પીપળી ગામની સીમમાં રઘુભાઇ ગોહિલની વાડી પાસે એક ઘાયલ મોર મળી આવ્યો હતો. આ ઘાયલ મોરની વેટરનરી તબીબે સારવાર શરૂ કરી હતી પરંતુ ગંભીર ઇજા હોવાથી મોર મોતને ભેટી ગયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-bullock-of-than-two-killer-lions-2742146.html

ડોળાસા નજીક દરવાજો તોડી ૩ ઢોરનું મારણ કરતા બે સાવજ.

Source: Bhaskar News, Dolasa   |   Last Updated 2:57 AM [IST](12/01/2012)
- ઘઉંના પિયત ટાણે હિંસક પ્રાણીઓનાં હુમલાથી લોકોમાં ફફડાટ
કોડીનારનાં ડોળાસા નજીક આવેલા બોડીદર ગામની સીમમાં આજે વહેલી સવારે બે સિંહચઢી આવ્યા હતા અને ઢોરને બાંધ્યા હતા તે ઓરડીનો દરવાજો તોડી ૩ પશુનું મારણ કરતા ખેડૂત પરિવાર મૂંઝવણમાં મૂકાયો છે. હાલ ઘઉંના પિયતની સીઝન શરૂ થવાની સાથોસાથ હિંસક પ્રાણીઓનાં હુમલાઓ વધતા ખેડૂતો સહિત લોકોમાં પણ ફફડાટ મચ્યો છે.
બોડીદરનાં દાનાભાઇ અરજણભાઇ મોરાસીયાની જાંજરીયા - કાણકીયા રોડ પર આવેલી વાડીમાં આજે વહેલી સવારનાં ૬ વાગ્યાનાં અરસામાં બે સિંહચઢી આવ્યા હતા. દાનાભાઇએ માલઢોર માટે બનાવેલા અલગ એક પાકા મકાનનો દરવાજો તોડી સાવજોએ બે બળદ અને એક ગાયને ફાડી ખાધી હતી.
બે સિંહોનો ઘુરકાટ અને બળદોનાં ભાંભરડા સાંભળી ખેડૂત પરિવાર જાગી ગયો હતો અને તેની નજર સામે જ આવી ચઢેલા બે સિંહે સવારનાં ૬:૩૦ વાગ્યા સુધી મારણની મજિબાની માણી હતી. આ અંગે વન વિભાગને જાણ કરતા જશાધાર બીટનો સ્ટાફ દોડી આવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-lion-hunting-three-cattle-near-dolasa-2740500.html

કૂવામાં પડેલા સિંહબાળને બચાવી તંત્રે સિંહણ સાથે મિલાપ કરાવ્યો.


 
Source: Bhaskar News, Dhari   |   Last Updated 1:58 AM [IST](10/01/2012)
ગીર પુર્વની જસાધાર રેન્જમાં ગીર ગઢડા ગામની સીમમાં આવેલ એક વાડીના કુવામાં ગઇરાત્રે સિંહણનું બચ્ચુ કુવામાં પડી જતા સિંહણ વહિવળ બની હતી. વનવિભાગની રેસ્કયુ ટીમે બે કલાકની જહેમત ઉઠાવી બચ્ચાને કુવામાંથી જીવીત બહાર કાઢી માતા સાથે મિલાપ કરાવ્યો હતો.
ગીર પુર્વના જસાધાર રેંન્જમાં ગીર ગઢડાની સીમમાં ઉના રોડ પર આવેલ પ્રતાપભાઇ મોરીની વાડીએ ગઇરાત્રીના બે સિંહણ પોતાના ત્રણ બચ્ચા સાથે આવી ચડી હતી. કડકડતી ઠંડીમાં સિંહણ પોતાના બચ્ચા સાથે વાડીમાં આવેલ કુવાકાંઠે ગમ્મત કરતી હોય અચાનક એક બચ્ચુ કુવામાં પડી જતા સિંહણે આક્રંદ કરી મુકયુ હતું.
વાડી માલિક પ્રતાપભાઇ અવાજ થતા જાગી ઉઠયાં હતા અને કુવામાં લાઇટ કરી જોયુ તો સિંહણનું બચ્ચુ તરતુ હતુ. તુરત જ તેઓએ વનતંત્રને જાણ કરતાં રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને કુવામાં ખાટલો નાખી બે કલાકની જહેમત ઉઠાવી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી સિંહના બચ્ચાને જીવીત બહાર કાઢયું હતું. બંને સિંહણો વાડી નજીક જ ઉભી હોય બચ્ચુ જીવીત હોય માતા ગેલમાં આવી ગઇ હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tantra-saved-baby-lion-and-give-to-lioness-2731040.html

ફાંસલામાંથી બચાવાયેલા સિંહબાળનું સારવારમાં મોત.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:36 AM [IST](14/01/2012)
- લોહી વહી ગયા બાદ સક્કર બાગ ઝૂ ખાતે રખાયું‘તું
- હિમોગ્લોબિન ઘટી જતાં મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ
ગીરનાર જંગલની ઉત્તર રેન્જમાં રતનપરા બીટ પાસેથી ગત માસે ફાંસલામાં ફસાયેલા એક સિંહબાળને બચાવી જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે મોકલાયું હતું. આ સિંહબાળનાં પગની બે આંગળીઓ કપાઇ ગઇ હતી. અને લોહી વહી જતાં હીમોગ્લોબીન ઓછું થઇ ગયું હતું. પરિણામે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ગીરનાર જંગલની ઉત્તર ડુંગર રેન્જમાં રણશીવાવ રાઉન્ડની રતનપરા બીટ પાસે રેવન્યુ વિસ્તારમાં ગત તા. ૧૪-૧૨-૨૦૧૧ નાં રોજ એક સિંહ બાળ ફાંસલામાં ફસાઇ ગયું હતું. ફોરેસ્ટ સેટલમેન્ટની જમીનમાં રાનીપશુઓની રંજાડને કારણે વાડી સંચાલક મેરૂ હસન હોથીએ ફાંસલો ગોઠવ્યો હતો. જેમાં દોઢ વર્ષનું સિંહબાળ ફસાઇ ગયું હતું. ફાંસલામાંથી છુટવા માટે આ બાળ વનરાજે ફાંફાં મારતાં તેનાં જમણા પગની બે આંગળી પોંચામાંથી જ કપાઇ ગઇ હતી. અને શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું.
પરિણામે તેને સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં બે દિવસ પહેલાં તેનું મૃત્યુ થયું હતું. તેનાં મૃતદેહની અંતિમક્રિયા ઝૂ ખાતે જ કરાઇ હતી. આ અંગે ઝૂનાં ડાયરેક્ટર ડી.એફ.ઓ. વી. જે. રાણાએ જણાવ્યું હતું કે, તેનું હીમોગ્લોબિન ૫૦ ટકાથી વધુ ડાઉન થતાં રીકવરી નહોતી આવી અને કાર્ડીયાક ફેલ્યોર (હૃદય બંધ) થઇ ગયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માનવીને જો લોહીમાં હીમોગ્લોબિન ઘટી જાય તો બનતાં પ્રાણી જેટલી જ વાર લાગે પરંતુ તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકાય પરંતુ પ્રાણીઓમાં એ શક્ય નથી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-baby-lion-dies-near-ratanpara-beat-2746643.html

Sunday, January 8, 2012

ગીરના ‘સાવજો’ જોવા ઉપરાષ્ટ્રપતિ આજે સાસણ આવશે.

 Source: Bhaskar News, Sasan(Gir)   |   Last Updated 12:27 AM [IST](08/01/2012)
 - ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને લઇને વહીવટી અને પોલીસ તંત્ર સાબદુ
- રાત્રે સિંહ સદનમાં સીદી ધમાલ નૃત્ય સહિત નિહાળશે
ગીર પંથકની શાન સમા ‘સિંહો’ ને જોવા લ્હાવો હોય તે લ્હાવો લેવા ભારતનાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી આવતીકાલે રવિવારે સિંહદર્શન કરવા સાસણની મુલાકાતે આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિનાં એક દિવસનાં રોકાણમાં સિંહદર્શન, સીદી ધમાલ ન્úત્ય, ગુજરાતી રાસ ગરબા અને વાઇલ્ડ લાઇફ મુવી સહિતનાં કાર્યક્રમો તેઓ નહિાળનાર છે જ્યારે તેઓની મુલાકાતને લઇને રેવન્યુ, પોલીસ, વનતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સાસણ પહોંચી ગયા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
સાસણ (ગીર) ખાતે આવતીકાલે આવનારા ભારતનાં ઉપરાષ્ટ્રપતિ અંસારી રવિવારે બપોરે એક વાગ્યા આસપાસ ભાલછેલ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર વાયુદળનાં હેલીકોપ્ટર મારફત આવી પહોંચશે. ત્યાં રાજ્ય સરકાર વતી મંત્રી જયનારાયણ વ્યાસ, મંગુભાઇ પટેલ, ઇન્ચાર્જ કલેક્ટર વિભ્રભાલ સહિત અધિકારીઓ તેમનું સ્વાગત કરી સીધા તેમને સાસણ સિંહસદન ખાતે લઇ જવાશે. ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી અને તેમના ધર્મ પત્ની સહિત અહીના સિંહસદનમાં સ્પે. સ્યુટ ‘ધ ગીર’માં રોકાણ કરશે.
બપોરનું લંચ સિંહસદનમાં લઇ ચાર વાગ્યા આસપાસ વન વિભાગનાં અધિકારીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ સહિત કાફલો સિંહદર્શન કરવા ગીર અભયારણ્યમાં જશે. ત્યારબાદ પરત ફરી સિંહસદનમાં વાઇલ્ડ લાઇફ આધારીત ડોકયમેન્ટ્રી ફિલ્મ નહિાળશે. બાદમાં સાંજે સીદી ધમાલ ન્úત્ય અને ગુજરાતી ગરબાનાં કાર્યક્રમો માણ્યા બાદ ડીનર લઇ સિંહસદનમાં આરામ કરશે. જો કે સવારે ફરી ગીર જંગલની મૂલાકાત જશે. ત્યાંથી પરત ફરી લંચ લઇ બપોરે દિલ્હી પરત જવા રવાના થનાર છે.
સલામતી વ્યવસ્થા ગોઠવાઇ -
ઉપરાષ્ટ્રપતિનાં ૨૪ કલાકનાં રોકાણનાં કાર્યક્રમને લઇ વહિવટીતંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સાસણથી ભાલછેલ હેલીપેડ સુધી પોલીસનું સતત પેટ્રોલીંગ અને બંદોબસ્ત રહેશે. ઉપરાષ્ટ્રપતિનાં આગમનને લઇ સાસણ પંથકમાં સુરક્ષાની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-hameed-anasari-will-come-today-in-sasan-for-see-lions-2723310.html

‘સાવજો જ્યાં-જ્યાં વસ્યા તેને અભયારણ્ય જાહેર કરવા જોઇએ’.


Source: Arjun Dangar, Junagadh   |   Last Updated 1:18 AM [IST](08/01/2012)
- સિંહો જે રસ્તે જતાં હોય તે રસ્તા બચાવવા પણ અભ્યાસ કરવો જોઇએ
- જે રીતે વસ્તી વધે તે જોતા સિંહોનાં સંવર્ધન-સંરક્ષણ માટે ભવિષ્યનું આયોજન કરવું જરૂરી
હાલ ગીર જંગલમાં સાવજોની સંખ્યા ૪૧૧ હોવાનું છેલ્લી ગણતરીમાં જાહેર થયું છે. આગામી વર્ષોમાં હજુ પણ સિંહોની સંખ્યા વધશે ત્યારે સિંહોએ અન્ય જે જગ્યાઓ પર વસવાટ કર્યો છે તેવા વિસ્તારોને પણ અભ્યારણ જાહેર કરી ભવિષ્યનું આયોજન કરવું જોઇએ તેમ જુનાગઢ આવેલા નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડીંગ કમિટીનાં સભ્યો ડૉ. દિવ્યભાનુસિંહ ચાવડાએ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ જણાવ્યું હતું.
ડૉ. દિવ્યભાનુસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સિંહોનાં સંવર્ધન અને સંરક્ષણ માટે ચોક્કસપણે સારૂં કામ કર્યું છે. પરંતુ ભવિષ્યમાં હજુ પણ સિંહોની સંખ્યા વધવાની છે.
ત્યારે અભ્યાસ કરીને સિંહો જે રસ્તા પર વધુ જતાં હોય તે રસ્તા બચાવવા જોઇએ. ઉપરાંત હાલ સિંહોએ વિરડી કે નાના જંગલોમાં જ્યાં વસવાટ કર્યો છે તે બધાને અભ્યારણ્ય જાહેર કરવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, વનવિભાગ દ્વારા આ દિશામાં અભ્યાસ થઇ રહ્યો છે કે નહીં એ મને ખબર નથી. પરંતુ જો ન થયો હોય તો લોકોને સાથે લઇ આવું આયોજન કરવું જોઇએ. આ માટે જે જમીન ખરીદવાની થતી હોય તો સરકારે તે માટે બજાર કિંમત જ ચૂકવવી જોઇએ તેવું પણ તેમણે જણાવ્યું હતું.
અમુક સિંહો એમપી મોકલવામાં વાંધો નથી: ડૉ. ચાવડા
ડૉ. દિવ્યભાનુસિંહ ચાવડાએ કહ્યું કે, અમુક સિંહોને સૌરાષ્ટ્રથી દૂર મોકલવામાં વાંધો નથી. તાન્જાનીયામાં જે બન્યું હતું તે રીતે કોઇ રોગ આવે તો ખતરો ઉભો થઇ શકે. અહીં જે સિંહો છે તેમાંથી થોડા મધ્યપ્રદેશ મોકલાય તો કંઇ ખોટું નથી.
અગાઉ ક્યા-ક્યા હતો સાવજોનો વસવાટ -
ગત શતકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે સિંહનો વસવાટ હતો. જેમાં ઇ.સ. ૧૮૧૪-પાલણપુર, ૧૮૩૦-અમદાવાદ, ૧૮૩૨-વડોદરા, ૧૮૩૪-હરિયાણા, ૧૮૩૬-અમદાવાદ, ૧૮૬૦-ગુણા (આરાવળ), ૧૮૭૨-અનાદરા, ૧૮૭૮-ડીસા, ૧૮૮૦-પાલણપુર, ૧૮૮૧,૧૮૯૧-આબુ. જો કે, આજે સાવજોનો વસવાટ ગીરપ્રદેશમાં હોવાનો પણ બ્લેન્ફોર્ડે એક બુકમાં ઉલ્લેખ કર્યો છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-wherever-lions-lived-it-shoul-be-abhyaranya-2725000.html?OF1=

ઘાયલ સિંહને પાંજરે પૂરી સારવારમાં ખસેડાયો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:50 AM [IST](08/01/2012)
જાફરાબાદ તાલુકાના ચૌત્રા ગામની સીમમાં એક આઠેક વર્ષની ઉંમરનો બિમાર સિંહ સુનમુન અવસ્થામાં ઝાડ નીચે બેઠો હોય વનતંત્રને જાણ થતા તેમના સ્ટાફે આ સિંહને પાંજરે પુરી સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો છે. સિંહ બિમાર હોવાની લોકોએ જાણ કરી ત્યારે છેક વનતંત્રને ખબર પડી હતી.
સાવજોની રક્ષા માટે સરકાર કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે. આમ છતાં સરકારી કર્મચારીઓ દિલ દઇને કામ કરતા નથી. તો બીજી તરફ લોકોમાં સાવજોની રક્ષા માટે જાગૃતિ વધતી જાય છે. જેને પરીણામે ઘાયલ કે બિમાર સિંહ ક્યાંય હોય તો વનતંત્ર પહેલા આમ જનતાને ખબર પડી જાય છે. આવું જ જાફરાબાદ તાલુકાના ચૌત્રા ગામે બન્યુ છે. જ્યાં એક બિમાર સિંહ મોતને ભેટે તે પહેલા લોકોએ વનતંત્રને તેની જાણ કરી સારવારમાં ખસેડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આશરે આઠેક વર્ષની ઉંમરનો એક સિંહ બિમાર હોય સુનમુન બની ગયો હતો અને ચૌત્રા ગામની સીમમાં આંબાના વૃક્ષ નીચે બેઠો હોય આ સિંહને જોવા માટે લોકોના ટોળેટોળા દોડી ગયા હતા. 

બીજી તરફ હિંમતભાઇ હરીભાઇ ભંડેરીની વાડીમાં એક સિંહ બિમાર હોવાની વનતંત્રને જાણ કરાતા જંગલખાતાની રેસ્કયુ ટીમ તેના ફોરેસ્ટર એન.બી. ડેર વગેરે અહિં દોડી ગયા હતા અને આ સિંહને પાંજરે પુરી સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-injured-lion-sent-to-treatment-in-chautras-farm-2724682.html

Saturday, January 7, 2012

ખાંભા પંથકમાંથી દુર્લભ સરિસૃપ 'ક્રેમલીન' મળ્યું.

અમરેલી તા. ૩
ખાંભા તાલુકાનાં જીકીયાળી નજીકથી ક્રેમલીન નામનું દુર્લભ પ્રજાતિનું પ્રાણી મળી આવતા એ પ્રાણીને ટીખળીખોરોના પંજામાંથી છોડાવી સુરક્ષિત સ્થળે છોડી દેવાયું હતું.
વિગત મૂજબ સાવરકુંડલા ખાંભા રોડ પર જીકીયાળી નજીક આજે આ દુર્લભ પ્રજાતિનું, સરિસૃપ પ્રકારનું પ્રાણી મળી આવ્યું હતુ. આ પ્રાણી રેરેસ્ટ ઓફ ધી રેરની વ્યાખ્યામાં આવે છે. ભાગ્યેજ જોવા મળે છે. આ પ્રાણી જીકીયાળી નજીક રોડ પર ચડી આવતા કેટલાક નાના બાળ ટીખળીઓએ એના ગળામાં ગાળિયો નાંખી બાંધી રમૂજ કરતા હતા.
  • ટીખળીખોરોનાં હાથમાંથી છોડાવી સુરક્ષિત સ્થળે છોડાયું  


આ દરમિયાન, ખાંભાથી સાવરકુંડલા પરત ફરી રહેલા દેવ આસ્થા ટ્રષ્ટના સદસ્ય નીલેશ મહેતા અને હરદીપ ચાંદુની નજર પડતાં તેમણે આ વિચિત્ર લાગતા પ્રાણીને ટીખળીખોરોના હાથમાંથી છોડાવી તસવીરો લઈ બાદમાં સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યું હતું. વન્ય પ્રેમીઓના મતે કાંચીડાની પ્રજાતિ અને સરિસૃપ વ્યાખ્યામાં આવતું ક્રેમલિન મધ્ય ગીર અને બરડા ડુંગર, કચ્છ, પાલીતાણા વિસ્તારના ડુંગરાળ વિસ્તારમાં નામશેષ અવસ્થામાં રહ્યા છે. એ એકદમ બિનઝેરી હોય છે.  લીલા કાચ જેવો કલર હોય છે. આ પ્રાણીને ઝેરી સમજી લોકો મારી નાંખતા હોય છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=24008

લીલીયાના ખારાપાટ વિસ્તારમાં વધતી સિંહોને રંઝાડવાની ઘટનાઓ.

અમરેલી, તા.૨૯
લીલીયાના ખારાપાટ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને રંજાડવાના બનાવો વધી રહ્યાં છે. રાત્રિના સમયે બહારથી આવતા શખ્સો દ્વારા આરામ ફરમાવતાં સિંહોની પાછળ વાહનો દોડાવવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં અસરકારક પગલાંના અભાવે તાજેતરમાં જ સંવનનમાં મશગુલ સિંહ યુગલ પાછળ વાહન દોડાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
  • સંવનનમાં મશગુલ સિંહ યુગલ પાછળ વાહન દોડાવાયું
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે. અહીં વસવાટ કરતા સિંહોને ખલેલ પહોંચાડવાની ઘટનાઓ સમયાંતરે ઘટતી રહે છે. થોડા સમય પહેલા સાવરકુંડલાના વડાલ વિસ્તારમાં મારણ બાંધીને સિંહોને બોલાવીને તેની પાછળ બાઈક દોડાવવાનો બનાવ બહાર આવ્યો હતો. ત્યાર બાદ લીલીયાના ક્રાંકચ ગામ નજીક શેત્રુજી નદીના પટમાં એસ.ટીના અધિકારીઓ દ્વારા સિંહની પાછળ જીપ દોડાવવાની ઘટના બની હતી. આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે છતા સંબંધીત તંત્ર દ્વારા કડક પગલાંના અભાવે બહારના શખ્સો સિંહોને ખલેલ પહોંચાડવાના હિન કૃત્યો આચરી રહ્યાં છે. આવો જ એક વધુ બનાવ બહાર આવ્યો છે. લીલીયાના ખારાપાટ વિસ્તારમાં ૨૪ જેટલા સિંહ વસવાટ કરી રહ્યાં છે તે ખારાપાટમાં એક સિંહ યુગલ સંવનન કરી રહ્યું ત્યારે કેટલાક શખ્સો એક વાહનમાં આવ્યા હતાં અને સંવનન કરતા સિંહ યુગલની નજીક વાહન લઈ ગયાં હતાં. સિંહ યુગલે પરેશાન થઈ સંવનન પડતું મુકી દીધુ હતું. આ ઘટના બાદ સફેદ કલરની જીપમાં આવેલા કેટલાક શખ્સોએ ખારાપાટમાં જ સિંહો પાછળ વાહન દોડાવી સિંહોને પરેશાન કરી મુક્યા હતાં. આવી ઘટનાઓ ખારાપાટ વિસ્તારમાં સમયાંતરે બની રહી હોય વન વિભાગ દ્વારા ઘટતાં પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=22687

૧૧ કુંજ પક્ષીનો શિકાર કરનારા પાંચ મુસ્લિમ શખ્સોની ધરપકડ.


કોડીનાર તા.૫:
વિદેશથી અહીંના વેલણના દરિયાકિનારે આવેલા યાયાવર ૧૧ કુંજ પક્ષીઓનો શિકાર કરવામાં સંડોવાયેલા અને પોલીસને જોઈ નવા નકોર બાઈકો છોડીને નાસી છુટેલા છ પૈકી પાંચ શખ્સોને આજે પોલીસે પકડી લીધા હતાં. જયારે એક નાસી છુટવામાં સફળ થયો હતો. પકડાયેલા તમામ શિકારી શખ્સો મુસ્લિમ છે. આવતીકાલે આ બધાને અદાલતમાં વનવિભાગ રજુ કરશે અને તપાસ માટે રિમાન્ડ માંગશે.
  • એક શખ્સ હજૂ ફરાર : કાલે અદાલતમાં રજુ કરી રિમાન્ડ માંગવામાં આવશે
ગત તા.૩૧મીએ સ્થાનિક પોલીસ અધિકારીઓએ દરિયા વિસ્તારમાં જઈ શિકારના ઈરાદે આવેલા શખ્સોને પડકારતા છ શખ્સો નવા બાઈક છોડીને મુઠ્ઠીઓ વાળીને નાસી છુટયા હતા. કોડીનાર પોલીસે શિકાર બનેલા ૧૧ કુંજ પક્ષીઓના મૃતદેહ વનવિભાગને સોંપ્યા હતા. બાદમાં જામવાળા રેન્જના એસીએફ ડો.અંજુમન શર્માએ તપાસ હાથ ધરી હતી. તપાસના ધમધમાટ દરમિયાન આજે શિકાર કરનારા આરોપીઓને જાલેશ્વર નજીકથી પકડી પાડયા હતા.
જુમાં સલીમ નુરા ભેંસાનીયા, ગફુર સુલેમાન , અસલમ સુલેમાન, યુસુફ સુલેમાન, તમામ જાલેશ્વરનો સમાવેશ થાય છે. જ્યારે ફિરોઝ હુશેન ઢાકી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ ચાલુ કરાઈ છે. આ બધાને આવતીકાલ અદાલતમાં રજૂ કરવામાં આવશે. બનાવ અંગે આરએફઓ પી. પુરૂષોત્તમ અને ફોરેસ્ટર એમ.એમ. ભરવાડ તપાસ ચલાવી રહ્યા છે.
શિકારીઓ કેવી રીતે શિકાર કરતા હતા ?
કોડીનાર : જામવાળા રેન્જના એસીએફ ડો.અંજુમન શર્માએ જણાવ્યું હતું કે, શિકારીઓ પતંગ આકારની બે જાળો દરિયા કિનારે રાખે છે. જાળ વચ્ચે અંતર રાખી તાર વડે વચ્ચેની જાળ બાંધી દે છે. પક્ષીઓ પાણીમાં રહેલી જાળમાં બેસે એટલે બન્ને બાજુથી પતંગની જાળો તારથી તેને હવામાં ખેંચી એ સાથે જ વચ્ચેની જાળમાં ફસાઈ પક્ષી ઉપર આવે છે. તેને પકડીને શિકારીઓ મારી નાંખે છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=24780

સિંહદર્શન માટે જંગલમાં મંજૂરી વગર પ્રવેશેલા છ શખ્સ ઝડપાયા.


વેરાવળ તા.૩૦
બાબરા વીડીમાં વાસધાર વિસ્તારમાં આજે બપોરે ગેરકાયદે સિંહ દર્શન કરવા આવેલા છ જેટલા પ્રવાસીઓને વનવિભાગે ઝડપી લઇ પાંચ હજારનો સ્થળ પર જ દંડ વસૂલ કરાયો હતો.
·         બાબરા વીડીમાં વાસધાર વિસ્તારમાં
·         સ્થળ પર જ વન વિભાગ દ્વારા પાંચ હજારનો દંડ વસૂલ કરાયો
સિંહ દર્શન કરવા જીવનનો એક લ્હાવો છે. પરંતુ વનવિભાગની મંજૂરી લીધા વગર ગેરકાયદે જંગલમાં પ્રવેશ કરી સિંહ દર્શન કરવો એ એક ગુન્હો બને છે. જો કે, ઘણા પ્રવાસીઓ આવી ભુલ કરે છે. ત્યારે આજે બપોરે ૨-૩૦ વાગે અમદાવાદના રાજુભાઇ ધુલજીભાઇ પટેલ, સમીરભાઇ રમેશભાઇ પટેલ, કિશન જેન્તીલાલ તેમજ જૂનાગઢના પ્રકાશ અરજણભાઇ આહિરને બાબરાના બાલા અરજણ ચાવડા તથા ભીમશી અરજણ વાળા સિંહ દર્શન કરાવવા માટે જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી બાબરા વીડીમાં વાંસધાર વિસ્તારમાં જતાં હતા ત્યારે ગડુ રાઉન્ડ ફોરેસ્ટર યુ.જી.યોગેશ્વર અને ફોરેસ્ટ ગાર્ડ બાબરા પી.એમ.રાઠોડે ઝડપી લીધા હતા. આ શખ્શો સામે ગુનો નોંધી સ્થળ પર જ પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=23175

આઠમીએ ઉપરાષ્ટ્રપતિ ગીર જંગલની મુલાકાતે.



જૂનાગઢ, તા.૨૯
વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સાવજો જ્યાં વસવાટ કરે તે ગિર જંગલની મૂલાકાતે આગામી તા.૮ ના રોજ ઉપરાષ્ટ્રપતિ આવી રહ્યા છે. તેમનો સત્તાવાર કાર્યક્રમ પણ તંત્ર પાસે આવી ગયો છે.
  • વનવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ગિર જંગલની મૂલાકાત લઈને સિંહો નિહાળ્યા હતાં. દરમિયાનમાં મળતી વિગતો અનુસાર આગામી તા.૮ જાન્યુઆરીના રોજ ઉપરાષ્ટ્રપતિ પણ ગિર અભયારણ્યની મૂલાકાતે આવી રહ્યા છે. તેમનો સત્તાવાર કાર્યક્રમ પણ તંત્ર પાસે આવી જતા વહીવટી તંત્ર, વનવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખૂશ્બુ ગુજરાત કી ફિલ્મ બાદ સાસણમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે.
Source:  http://www.sandesh.com/article.aspx?newsid=22715

વન વિભાગે ૩૬ લાખના ખર્ચે વાવેલા વૃક્ષોમાંથી ૯પ ટકા વૃક્ષો ઉગ્યા નથી.


પોરબંદર તા.ર૭
પોરબંદરના વન વિભાગ દ્વારા છેલ્લા ૩ વર્ષમાં રૂ.૩૬ લાખના ખર્ચે વાવેતર કરાયેલા અઢી લાખ જેટલા વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો જીવંત છે તેની કોઈ જ માહિતી વન વિભાગ પાસે નથી. વન વિભાગ પાસે આ અંગે માહિતી માંગનાર એડવોકેટ અને આર.ટી.આઈ એકટિવિસ્ટે આક્ષેપ કરી મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે, વન વિભાગ દ્વારા વાવેતર કરાયેલ આ વૃક્ષોમાંથી ૯પ ટકા વૃક્ષો નાશ પામ્યા છે.
  • ત્રણ વર્ષમાં વાવેતર કરાયેલા ર,૬૮,૪પ૭ વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો જીવંત છે ?
પોરબંદરના આર.ટી.આઈ એકટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ પોરબંદર વન વિભાગ પાસે છેલ્લા ૪ વર્ષમાં વન વિભાગે વાવેલા વૃક્ષો અંગે અને આ વૃક્ષોના વાવેતર પાછળ થયેલા ખર્ચ અંગે તથા હાલ આ વાવેતર કરાયેલા વૃક્ષોમાંથી કેટલા વૃક્ષો હયાત છે ? તે અંગે માહિતી માંગી હતી.
જે માહિતીના જવાબમાં વન વિભાગે ભનુભાઈને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા રૂ.૩પ લાખ ૭૪ હજાર ૧૮૩ ના ખર્ચથી કુલ ર,૬૮,૪પ૭ રોપાનું વાવેતર કર્યુ હતું. અને હાલ આ રોપામાંથી કેટલા રોપાઓ જીવંત છે તેની માહિતી કે, તેની કોઈ ટકાવારી વન વિભાગ પાસે ઉપલબ્ધ નથી તેવો જવાબ આપતા સરકારી પૈસાનો ધુમાડો કર્યા બાદ આ ખર્ચ કરાયેલા રૂપિયાની સરકારી બાબુઓ દ્વારા કોઈ જ ખેવના નહી રખાતી હોવાનો ભનુભાઈએ આક્ષેપ કર્યો હતો. ભનુભાઈએ વધુમાં કહ્યું હતું કે, તેમની પાસે પ્રાપ્ત માહિતી મુજબ હાલ આ વૃક્ષોમાંથી ૯પ ટકા વૃક્ષો નાશ પામ્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=22099

રાજુલા નજીક ચાર સાવજોએ બે પશુઓનું મારણ કર્યું.


Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:49 AM [IST](07/01/2012)
- દુધાળા પશુઓનું મારણ થતાં માલધારીઓ પરેશાન
રાજુલા તાલુકાના ભચાદર અને રામપરા ગામે ગતરાત્રીના ચાર ડાલામથ્થા સાવજો આવી ચડયા હતા. ભચાદરમાં એક બળદનો અને રામપરામાં એક ધણખુટનું મારણ કરી મિજબાની માણી હતી. આ વિસ્તારમાં અનેક વખત સાવજો આવીને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાબાના ભચાદર અને રામપરા ગામે ગતરાત્રીના ચાર ડાલામથ્થા સાવજો પોતાની ભુખ સંતોષવા શિકારની શોધમાં છેક ગામ સુધી આવી ચડયા હતા. અને ભચાદર ગામે એક બળદને ફાડી ખાધો હતો. ત્યારબાદ આ સાવજો વધુ શિકાર મેળવવા રામપરા ગામે પહોચ્યા હતા જ્યાં એક ધણખુટનો શિકાર કરી નિરાંતે મજિબાની માણી હતી.
આ વિસ્તારોમાં અવારનવાર જંગલમાંથી સાવજો આવી જાય છે અને દુધાળા પશુઓનો શિકાર કરે છે. ગામમાં સાવજો આવી જતા ગામલોકોમાં ભય ફેલાયો હતો. ગામના ઘણા લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-four-lion-hunting-two-animal-near-rajula-2720683.html

લીલીયાના ક્રાંકચ નજીક બે સાવજોએ પાડાનું મારણ કર્યું.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:06 AM [IST](05/01/2012)
 - શેત્રુંજી નદીના વહરાના આરા વિસ્તારમાં બનેલી ઘટન
લીલીયા તાલુકાના ક્રાંકચમાં શેત્રુંજી નદીના વહરાના આરા વિસ્તારમાં આજે સાંજના સુમારે બે સાવજો આવી ચડયા હતા અને એક પાડાનું મારણ કરી મજિબાની માણી હતી. આ પંથકમાં સાવજોની સંખ્યા વધારે હોય ગામડાઓમાં અવારનવાર સાવજો આવી જઇ દુધાળા પશુઓનું મારણ કરે છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના વહરાના આરા વિસ્તારમાં આજે સાંજના સાતેક વાગ્યાના સુમારે બે ડાલામથ્થા સાવજો પોતાની ભુખ સંતોષવા શિકારની શોધમાં આવી ચડયા હતા. ત્યારે આ વિસ્તારમાં રામકુભાઇ બાબુભાઇ ખુમાણની માલિકીનો પાડો આંટા ફેરા મારતો હોય સાવજોની નજરે ચડતા બે સાવજો પાડા પર તુટી પડ્યાં હતાં.
સાવજોએ પાડાનું મારણ કરી નિરાંતે મજિબાની માણી હતી. મારણની આ ઘટના અંગે રામકુભાઇએ વનવિભાગને જાણ કરી હતી. સાવજોએ મારણ કર્યાના સમાચાર મળતા જ સિંહ પ્રેમીઓ સાવજના દર્શન કરવા આવી પહોંચ્યાં હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-lion-hunting-he-buffaloes-in-liliyas-krankach-2711945.html

ગીરમાં ફાંસલામાં ફસાવી વન્ય જીવોના આમ થાય છે ‘શિકાર’.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:59 AM [IST](03/01/2012)
 - વાડીમાં ગેરકાયદે ફાંસલાઓ સામે ગીર નેચર યુથ ક્લબે વન મંત્રીને વિગતવાર રજૂઆત કરી
- પ્રવૃતિ અટકાવવા તાકીદની માંગ
ગીર કાંઠાના ગામડાઓમાં શીકારીઓ દ્વારા વન્ય પ્રાણીઓના શીકાર માટે ખુલ્લેઆમ ફાંસલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગીર કાંઠાના ક્યાં ક્યાં વિસ્તારોમાં આ પ્રકારની શીકારી પ્રવૃતિઓ ચાલી રહી છે તે અંગે ગીર નેચર યુથ ક્લબે વન મંત્રીને વિગતવાર રજુઆત કરી આ પ્રવૃતિ તાકીદે અટકાવવા માંગ કરી છે.
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા વનમંત્રી મંગુભાઇ પટેલને આ અંગે આજે લેખીત રજુઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ગીર પૂર્વની તુલશીશ્યામ રેંજમાં લાસા ગામના ધોકાધાર વિસ્તાર તથા જંગલની નજીક આવેલ વાડી-ખેતરો ધાવડીયા ગામ નજીક આવેલ ભુતપતી વિસ્તારમાં જંગલ તથા રેવન્યુ ક્ષેત્રમાં ગેરકાયદે ફાંસલા બાંધી નાના પશુ તથા પક્ષીઓનો શિકાર થઇ રહ્યો છે.
તેમણે જણાવ્યુ છે કે આ પ્રકારના ફાંસલામાં રક્ષીત પ્રાણીઓની સાથે સિંહ, દિપડા, જંગલી બિલાડી વગેરે પણ ફસાવાની શક્યતા રહે છે. કારણ કે થોડા સમય પહેલા રાજુલા પંથકમાં ફાંસલામાં ફસાઇને દિપડો મોતે ભેટ્યો હતો.
આવી જ રીતે ખાંભા તાલુકાના ભાણીયાના જંગલમાં તથા પીપળવા, ખડાધારના ખેતરાઉ કાચા રસ્તે ઉપરાંત ધાવડીયાનું જંગલ, ભાંગલવડ આશ્રમની આસપાસનો વિસ્તાર, નાનુડીનો લાપાળા ડુંગર તથા મીતીયાળા અભ્યારણ્યમાં વસવાટ કરતા સાવજ પરિવારો જ્યારે પણ મારણ કરે ત્યારે સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જાય છે. આ તમામ પ્રવૃતિઓ ડામવા ગીર નેચર યુથ ક્લબે માંગ ઉઠાવી છે.
જિલ્લામાં સિંહ દર્શનની ગેરકાયદે પ્રવૃતિ 

અમરેલી તથા જુનાગઢ જીલ્લામાં ગીર જંગલ તથા સિંહોના વિસ્તારમાં ઘુસી સિંહ દર્શનની ગેરકાયદે પ્રવૃતિ મોટાપાયે ચાલી રહી હોય અને વનતંત્ર મૌન હોય ગીર નેચર યુથ ક્લબે આ અંગે વનમંત્રીને રજુઆત કરી તાત્કાલીક પગલા લેવા માંગ કરી છે.
ગીર નેચર યુથ ક્લબે વનમંત્રીને પત્ર દ્વારા કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તાર, જુનાગઢ જીલ્લામાં બાબરાગીરી, રાજુલા-જાફરાબાદ પંથકના દરીયાકાંઠે વસવાટ કરતા સાવજોને લોકોની હેરાનગતી વધી છે. આ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ વધી પડી છે.
આ વિસ્તારમાં જ્યારે પણ મારણની ઘટના બને છે ત્યારે લોકોને ઝડપથી સંદેશાઓ પહોંચી જાય છે. બાદમાં લોકો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવે છે .
સિંહોને તેમનો ખોરાક ખાવા દેવામાં આવતો નથી. અમુક કિસ્સામાં તો સિંહો પાછળ વાહન દોડાવવા જેવી ઘટનાઓ બને છે. વાહનોનો અવાજ, મોબાઇલના રિંગટોન કે પત્થરોના ઘા મારી સાવજોને પરેશાન કરવામાં આવે છે .વનખાતુ આ પ્રવૃતિ કરવાને બદલે નિષ્ક્રિય રહેતુ હોય સાવજોને કનડગત વધી છે.
ગીર નેચર યુથ ક્લબે એવી માંગણી પણ ઉઠાવી છે કે વનકર્મચારીઓ પેટ્રોલીંગ કરતા ન હોય જે વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ પકડાઇ તે વિસ્તારના કર્મચારી કે અધિકારી સામે પગલા લેવાવા જોઇએ.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-forest-animal-hunting-like-strange-mathod-in-gir-2703972.html

ભલભલાને ધ્રુજાવનાર સાવજ પોતે જ ધ્રુજી ઉઠ્યો !


 
Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:40 AM [IST](02/01/2012)
- પગમાં કાંટો લાગતાં સાવજ હોસ્પિટલમાં..!
જંગલનો રાજા સાવજ સામે આવનાર ભલભલા પ્રાણીને ધ્રુજાવી નાંખે છે. પરંતુ સેમરડીના જંગલમાં એક સાવજને નાનો એવો કાંટો વાગતા તે લંગડો બની ગયો છે. લંગડાતા પગના કારણે તે શિકાર કરી શકે તેમ ન હોય અને તેના કારણે સાવજના જીવ પર જોખમ હોય વનતંત્રએ આ સાવજને પકડી સારવાર શરૂ કરી છે.
ગીરની શાન સમા સાવજને ભલે કોઇનો ડર ન હોય કે સાવજ સિવાય અન્ય કોઇ પ્રાણી ભલે તેના માટે જીવનું જોખમ ન હોય પરંતુ એક નાનો એવો કાંટો સાવજ માટે જીવનું જોખમ બની ગયો છે. ગીર પુર્વની દલખાણીયા રેંન્જમાં સેમરડીના જંગલમાં એક પુખ્ત ઉમરના સાવજને પગમાં કાંટો વાગી જતા પાક થઇ ગયો છે.
પાકના કારણે આ સાવજ લંગડા ચાલતો હોય શિકાર કરી શકતો ન હતો. જો જાજા દિવસ સાવજ શિકાર ન કરી શકે તો તેના જીવ સામે જોખમ ઉભુ થાય તેમ હોય વનતંત્રનું ધ્યાન પડતા આ સાવજને પાંજરે પુરવામાં આવ્યો હતો.
જંગલખાતાએ સાવજને પકડી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં આ સાવજની સારવાર કર્યા બાદ તેને ફરી સેમરડીના જંગલમાં મુકત કરી દેવામાં આવશે.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:40 AM [IST](02/01/2012)

મોટી કુંકાવાવમાં ફોરેસ્ટ કર્મી દ્વારા પત્રકાર પર હુમલો.

Source: Bhaskar News, Vadiya   |   Last Updated 12:02 AM [IST](02/01/2012)
- પત્રકારોએ હુમલાખોર સામે કડક પગલા લેવા માંગ કરી
- પત્રકારને સારવાર માટે અમરેલી ખસેડાયો
- પત્રકાર જગતમાં ઘેરા રોષની લાગણી
મોટી કુંકાવાવમાં આજે ફોરેસ્ટ વિભાગના માથાભારે કર્મચારીએ કોઇ કારણ વગર જ સ્થાનિક પત્રકાર પર હુમલો કરી તેને માર મારતા આ પત્રકારને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. ઘટનાને પગલે સ્થાનિક પત્રકાર જગતમાં ઘેરા રોષની લાગણી ફરી વળી છે. અને તેમણે કડક પગલા લેવા માંગ ઉઠાવી છે.
આ ઘટના આજે બપોરે કુંકાવાવમાં બસ સ્ટેશન પાસે બની હતી. સ્થાનિક પત્રકાર રાજુભાઇ યાદવ ખોડીયાર ટ્રાવેલ્સની ઓફિસ પાસે બેઠા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગના માથાભારે કર્મચારી વાઘજી મુળજીભાઇ ડવે તેની સાથે કારણ વગર જ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. તેમને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘવાયેલા રાજુ યાદવને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે આ બારામાં તેણે વાઘજી ડવ સામે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ આ ઘટનાને પગલે વડીયા કુંકાવાવ પત્રકાર જગતમાં ઘેરા રોષની લાગણી ફરી વળી છે. પત્રકારોએ હુમલાખોર સામે કડક પગલા લેવા માંગણી કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-attack-on-journalist-by-forest-officer-in-moti-kunkavav-2700368.html

અને સાવજનું ટોળું શાળામાં ઘૂસી ગયું.

 Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:07 AM [IST](01/01/2012)
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામના પાદરમાં આજે વહેલી સવારે સાવજનું એક ટોળુ માધ્યમિક શાળામાં ઘુસી ગયુ હતું. બાદમાં સાવજનુ આ ટોળુ ગામની અંદર પણ ઘુસ્યુ હતું અને રામજી મંદિર પાસે વાછરડીનું મારણ કર્યું હતું.
ખારા પાટ વિસ્તારમાં વસતા સાવજો મારણની લ્હાયમાં છેક ગામડાઓની અંદર ઘુસી જતા પણ ખચકાતા નથી. આજે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં વહેલી સવારે સાવજોએ લટાર મારી હતી.
સૌ પ્રથમ સાવજો ગામના પાદરમાં આવેલી માધ્યમિક શાળામાં ઘુસ્યા હતાં. બાદમાં સાવજોનું આ ટોળુ ગામમાં ઘુસ્યુ હતું.

Source:  http://www.divyabhaskar.co.in/article/SAU-lions-group-came-in-school-near-krankach-village-2697663.html

જાફરાબાદ નજીક સાવજે વાછરડાનું મારણ કર્યું.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:34 AM [IST](28/12/2011)
જાફરાબાદ તાલુકાના લોર ગામે ગતરાત્રીના એક સાવજે ગામમાં ઘુસી ફરજામાં બાંધેલ વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી. રાત્રીના ગામમાં સાવજ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં જ ઘુસીને સાવજે મારણ કરતા લોકોએ સિંહ દર્શનનો લ્હાવો પણ લીધો હતો. ગીરના સાવજો હવે ધીમે ધીમે ગામડાઓમાં ઘુસી રહ્યાં છે અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. ગીર જંગલની નજીક આવેલા ગામડાઓમાં અવારનવાર સાવજો આવી પહોંચે છે. જાફરાબાદના લોર ગામે ગતરાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે એક સાવજ આવી ચડયો હતો. અને નાજાભાઇ રાણાભાઇ કળસરીયાના ફરજામાં બાંધેલ બે વર્ષના વાછરડાનો શિકાર કર્યો હતો. સાવજે ફરજામાં બાંધેલ વાછરડાને ઉપાડી દિવાલ ઠેકીને બાજુમાં આવેલા લીંબુડીના ઝાડ નીચે લઇ જઇ નિરાંત મજિબાની માણી હતી. વાછરડાઓ ભાંભરડા નાખતા નાજાભાઇ જાગી ગયા હતા પરંતુ ત્યાં તો સાવજ વાછરડાને પુરેપુરો ખાઇ ગયો હતો. ગામમાં સાવજ આવી ચડયાના સમાચાર ફેલાતા લોકોમાં ભય ફેલાયો હતો. લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-heifer-hunting-by-lion-near-jafrabad-2682739.html

વેરાવળ નજીક ૧૫૦ ફૂટ ઊંડા કૂવામાં દીપડી ખાબકી.


Source: Bhaskar News, Veraval   |   Last Updated 2:22 AM [IST](07/01/2012)
- વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી
- ખાટલા વડે બહાર કાઢી બચાવી લેવાઈ
વેરાવળ તાલુકાના મલુઢા ગામે આવેલ વાડીના ૧૫૦ ફૂટ ઉંડા કુવામાં ગતરાત્રીના બારેક વાગ્યા આસપાસ એક વરસની દીપડી ખાબકતા તેને આજે સવારે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ખાટલા વડે બહાર કાઢી બચાવી લઈ સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દીધેલ હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ તાલુકાના મલુંઢા ગામે કાદરભાઈ પીરભાઈની વાડીના કુવામાં ગત રાત્રીના બારેક વાગ્યા આસપાસ એક વર્ષની દીપડી ૧૫૦ ફુટ ઉંડા કુવામાં ખાબકી હતી. જેની જાણ કરાતા રાત્રીના સમયે જુનાગઢ ડીએફઓ આરાધના સાહુની સૂચનાથી વેરાવળના આર.એફ.ઓ. પરસાણા તથા ફોરેસ્ટર અપારનાથી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી જઈ કૂવામાં ખાબકેલ દિપડીની ખરાઈ કરેલ હતી.
ત્યારબાદ રાત્રીના સમયે દોરડા વડે ૧૫૦ ફૂટ ઉંડા કુવામાં જેમાં ૫૦ ફુટ પાણી ભરેલ હતું. કુવામાં ખાટલો ઉતારી રાત્રીના સમયે દિપડીને ખાટલામાં લઈ વીસેક ફુટ ઉંચી લઈ લીધેલ હતી. ત્યારબાદ આજે સવારે સાસણથી રેસ્કયુ ટીમ આવી ત્યારબાદ પાણીના કુવાની બાજુમાં પિંજરુ ગોઠવી રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. બે કલાકના રેસ્કયુ બાદ દિપડીને કુવામાંથી બહાર કાઢી તેને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી. દીપડીને કુવામાંથી બહાર કાઢી તેને પિંજરામાં પુરી સાસણ ખાતે એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દીધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-fell-down-in-150-foot-deep-well-near-veraval-2721845.html