Saturday, January 7, 2012

ગીરમાં ફાંસલામાં ફસાવી વન્ય જીવોના આમ થાય છે ‘શિકાર’.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:59 AM [IST](03/01/2012)
 - વાડીમાં ગેરકાયદે ફાંસલાઓ સામે ગીર નેચર યુથ ક્લબે વન મંત્રીને વિગતવાર રજૂઆત કરી
- પ્રવૃતિ અટકાવવા તાકીદની માંગ
ગીર કાંઠાના ગામડાઓમાં શીકારીઓ દ્વારા વન્ય પ્રાણીઓના શીકાર માટે ખુલ્લેઆમ ફાંસલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગીર કાંઠાના ક્યાં ક્યાં વિસ્તારોમાં આ પ્રકારની શીકારી પ્રવૃતિઓ ચાલી રહી છે તે અંગે ગીર નેચર યુથ ક્લબે વન મંત્રીને વિગતવાર રજુઆત કરી આ પ્રવૃતિ તાકીદે અટકાવવા માંગ કરી છે.
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા વનમંત્રી મંગુભાઇ પટેલને આ અંગે આજે લેખીત રજુઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ગીર પૂર્વની તુલશીશ્યામ રેંજમાં લાસા ગામના ધોકાધાર વિસ્તાર તથા જંગલની નજીક આવેલ વાડી-ખેતરો ધાવડીયા ગામ નજીક આવેલ ભુતપતી વિસ્તારમાં જંગલ તથા રેવન્યુ ક્ષેત્રમાં ગેરકાયદે ફાંસલા બાંધી નાના પશુ તથા પક્ષીઓનો શિકાર થઇ રહ્યો છે.
તેમણે જણાવ્યુ છે કે આ પ્રકારના ફાંસલામાં રક્ષીત પ્રાણીઓની સાથે સિંહ, દિપડા, જંગલી બિલાડી વગેરે પણ ફસાવાની શક્યતા રહે છે. કારણ કે થોડા સમય પહેલા રાજુલા પંથકમાં ફાંસલામાં ફસાઇને દિપડો મોતે ભેટ્યો હતો.
આવી જ રીતે ખાંભા તાલુકાના ભાણીયાના જંગલમાં તથા પીપળવા, ખડાધારના ખેતરાઉ કાચા રસ્તે ઉપરાંત ધાવડીયાનું જંગલ, ભાંગલવડ આશ્રમની આસપાસનો વિસ્તાર, નાનુડીનો લાપાળા ડુંગર તથા મીતીયાળા અભ્યારણ્યમાં વસવાટ કરતા સાવજ પરિવારો જ્યારે પણ મારણ કરે ત્યારે સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જાય છે. આ તમામ પ્રવૃતિઓ ડામવા ગીર નેચર યુથ ક્લબે માંગ ઉઠાવી છે.
જિલ્લામાં સિંહ દર્શનની ગેરકાયદે પ્રવૃતિ 

અમરેલી તથા જુનાગઢ જીલ્લામાં ગીર જંગલ તથા સિંહોના વિસ્તારમાં ઘુસી સિંહ દર્શનની ગેરકાયદે પ્રવૃતિ મોટાપાયે ચાલી રહી હોય અને વનતંત્ર મૌન હોય ગીર નેચર યુથ ક્લબે આ અંગે વનમંત્રીને રજુઆત કરી તાત્કાલીક પગલા લેવા માંગ કરી છે.
ગીર નેચર યુથ ક્લબે વનમંત્રીને પત્ર દ્વારા કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તાર, જુનાગઢ જીલ્લામાં બાબરાગીરી, રાજુલા-જાફરાબાદ પંથકના દરીયાકાંઠે વસવાટ કરતા સાવજોને લોકોની હેરાનગતી વધી છે. આ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ વધી પડી છે.
આ વિસ્તારમાં જ્યારે પણ મારણની ઘટના બને છે ત્યારે લોકોને ઝડપથી સંદેશાઓ પહોંચી જાય છે. બાદમાં લોકો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવે છે .
સિંહોને તેમનો ખોરાક ખાવા દેવામાં આવતો નથી. અમુક કિસ્સામાં તો સિંહો પાછળ વાહન દોડાવવા જેવી ઘટનાઓ બને છે. વાહનોનો અવાજ, મોબાઇલના રિંગટોન કે પત્થરોના ઘા મારી સાવજોને પરેશાન કરવામાં આવે છે .વનખાતુ આ પ્રવૃતિ કરવાને બદલે નિષ્ક્રિય રહેતુ હોય સાવજોને કનડગત વધી છે.
ગીર નેચર યુથ ક્લબે એવી માંગણી પણ ઉઠાવી છે કે વનકર્મચારીઓ પેટ્રોલીંગ કરતા ન હોય જે વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ પકડાઇ તે વિસ્તારના કર્મચારી કે અધિકારી સામે પગલા લેવાવા જોઇએ.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-forest-animal-hunting-like-strange-mathod-in-gir-2703972.html

No comments: