Tuesday, January 17, 2012

તુલસીશ્યામ રેન્જ નીચેનું જંગલ તંત્રની બેદરકારીથી રેઢુંપળ.

ખાંભા, તા.૧૦:
ખાંભા નજીકના તુલસીશ્યામ રેન્જ નીચે આવતા વનતંત્રના કર્મચારીઓની બેદરકારથી જંગલ રેઢુંપળ બની ગયું હોવાનું જાણવા મળેલ છે. વન કર્મીઓને કરવાની કામગીરી રોજમદારો પર નાખી દેવામાં આવતી હોવાનું જાણવા મળે છે. આ કારણે લાકડા અને ઘાંસચોરી જેવી અસામાજીક પ્રવૃતિ પણ થતી હોવાનું જાણવા મળે છે. 
વન કર્મીઓની કામગીરી રોજમદારો પર ઢોળી દેવાતી હોવાની ચર્ચા
વન વિભાગની કામગીરી ચર્ચાની એરણે ચડેલી જોવા મળી રહી છે તેના કારણ અંગે એવી ચર્ચા છે કે વન કર્મચારી અને અધિકારીઓની મીલી ભગતથી વિશાળ જંગલ અને જંગલી પ્રાણીઓ રેઢા રખડી રહ્યાં હોય અને જેની જવાબદારી છે તેઓ આ જવાબદારી રોજમદારો પર ઢોળી દેતાં હોવાનું બહાર આવેલ છે.તુલસીશ્યામ રેન્જ નીચે આશરે ૨૫ બીટ આવેલી છે. અહીં જંગલના ઘરેણા જેવા સાવજો અને અન્ય વન્યપ્રાણીઓની દેખરેખ અને રક્ષણ માટે ૫૦ જેટલા ગાર્ડ અને ફોરસ્ટરો જવાબદારી નિભાવવા મુકાયા છે. જંગલ વિસ્તારમાં પાડાગાળ તેમજ ડેમ જેવી કામગીરી પણ કરવામાં આવે છે. જંગલ અને જંગલી પ્રાણીઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે ત્યારે ફરજ બજાવતાં ઘણાં કર્મીઓ પોતાની જવાબદારી રોજમદારો પર ઢોળી એક આંટો મારવાની તસ્દી પણ લેતા ન હોવાનું કહેવાય છે. કહે છે કે આવા કર્મચારીઓની હાજરી પોતાની જગ્યાને બદલે રેવન્યુ વિસ્તારમાં જોવા મળતી હોવાનું જાણવા મળેલ છે. તુલસીશ્યામ વિસ્તારમાં કિંમતી લાકડું, ઉપયોગી તેમજ ઔષધીય વૃક્ષો અને ઘાંસની ચોરી થતી હોવાનું પણ ચર્ચાય છે. આ પાછળ વન તંત્રની બેદરકારી કે મીલીભગત હોવાની બુમો ઉઠી છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરાય તેવું આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=25971

No comments: