Tuesday, January 17, 2012

ભેંસને છોડાવવા માટે માલધારી યુવાને સિંહણ સાથે બાથ ભીડી.


ખાંભા તા. ૧૦
ખાંભા તાલુકાના રેબડી નેસમાં ભેંસો ચરાવતી વેળાએ આવી ચડેલી સિંહણે એક ભેંસને દબોચી લેતાં સિંહણનાં સકંજામાંથી ભેંસને મુકત કરાવવા માલધારી યુવાને સિંહણ સાથે વિરતાપૂર્વક બાથ ભીડી હતી. ગિન્નાયેલી સિંહણે માલધારી યુવાન પર ત્રાટકી એક ઈંચ સુધી દાંત બેસાડી દેતા માલધારી યુવાનને લોહીલોહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
  • ગિન્નાયેલી સિંહણે યુવાન પર હુમલો કર્યો, શરીરે દાંત બેસાડી દીધા
વિગત મુજબ આજે સવારે સાડા નવ વાગ્યે ૧૯ વર્ષનો માલધારી યુવાન રામભાઈ લાખાભાઈ ભુવા તેની ભેંસોને ચરાવતો હતો. આ સમયે આવી ચડેલા એક સિંહ અને સિંહણે ભેસના ઝુંડ પાછળ પડી ભેંસને દબોચી હતી. આ સમયે ભેંસને છોડાવવા રામભાઈએ પ્રયાસો કરતા સિંહણ માલધારી યુવાન પર ત્રાટકી હતી. સિંહણે હુમલા દરમિયાન કમર અને પાછળના ભાગે સાત દાંત એક ઈંચ સુધી બેસાડી દીધા હતાં. જેના લીધે માલધારી યુવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ જ સમયે માલધારી યુવાનનો ભાઈ આવી જતાં એણે હાકલા પડકારા કરતાં સિંહ અને સિંહણ નાસી છૂટયા હતાં. માલધારી યુવાને જીવની જેમ જતન કરેલી ભેંસને જીવ સટોસટની બાજી ખેલી બચાવી વીરતા દાખવી એની આ પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=26151

No comments: